ગુજરાત : આ ગુજરાતી ઍક્ટ્રેસે કૅન્સરને એક નહીં બે વખત કેવી રીતે હરાવ્યું?

ઇમેજ સ્રોત, LAXMI PATEL
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"2019 અને 2020માં કૅન્સરમાંથી બહાર આવ્યા બાદ મને એવી લાગણી થઈ કે, જે કૅન્સરપીડિત અથવા તો જેમણે કૅન્સરની પીડાનો સામનો કર્યો છે, એ લોકો માટે મારે કંઈક કરવું છે."
કૅન્સરની બીમારીને બે વખત માત આપી ચૂકેલાં અર્ચના ચૌહાણે પોતાના જીવનનો ઉદ્દેશ કંઈક આ રીતે જણાવ્યો.
આ એક વિચારનાં પગલે તેમણે 'સ્તંભ' નામ સાથે 'કૅન્સર અવેરનેસ' અને 'ફ્રી હેલ્થ ચેકઅપ'નાં કાર્યક્રમો કરવાનું શરૂ કર્યું.
અર્ચના ચૌહાણનો દાવો છે કે, અત્યાર સુધીમાં આ પ્રકારના કાર્યક્રમોમાં 1 હજારથી વધુ મહિલાઓએ ભાગ લીધો છે.
તેઓ કહે છે, "હું દર મહિને મારી કમાણીમાંથી ચોક્કસ રકમ એચ.પી.વી. વૅક્સિનની જાગૃતતા માટે વાપરું છું."
37 વર્ષીય અર્ચના ચૌહાણ એક ઍક્ટ્રેસ, લેખિકા અને દિગ્દર્શક છે. તેમણે નાની ઉંમરે જ બે વખત કૅન્સરને માત આપી છે, અને હવે તેઓ અન્ય મહિલાઓમાં કૅન્સરથી બચવા માટેની જાગૃતિ ફેલાવવા માટે સક્રિય છે.
તેઓ આજે પણ મહિલાઓને કૅન્સરથી બચાવવા માટે એચ.પી.વી. વૅક્સિનની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરે છે. કૅન્સર ન થાય તે માટે શું જાગૃતિ રાખવી જોઈએ તેના માટે વિવિધ કાર્યક્રમો કરે છે.
મહિલાઓ તેમના કાર્યક્રમોમાં ભાગ લે છે. તેઓ અભિયાન, લેખન અને દિગ્દર્શનનાં ક્ષેત્રમાં પોતાની ઓળખ ઊભી કરવામાં સફળ રહ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અર્ચના કહે છે કે, " મેં અત્યાર સુધીમાં મેં 70 જેટલાં નાટકોમાં અભિનય કર્યો છે, 10થી વધું નાટકો લખ્યાં છે અને 5થી વધું ટીવી સિરિયલો લખી છે તથા 5થી વધું નાટકોનું દિગ્દર્શન પણ કર્યું છે. "

જિંદગીના ઉતાર-ચઢાવ

ઇમેજ સ્રોત, LAXMI PATEL
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતાં અર્ચનાના જીવન વિશે વાત કરીએ તો, તેમનાં લગ્ન 18 વર્ષની ઉંમરે થઈ ગયાં હતાં. 19 વર્ષની ઉંમરે તો તેઓ એક દીકરીનાં માતા બની ચૂક્યાં હતાં.
સામાન્ય પરિવારમાંથી આવતાં અર્ચનાએ માસિક 4500 રુપિયાની નોકરી કરવાની સાથે સાથે કૉલેજનો અભ્યાસ ચાલુ રાખીને ઇતિહાસ અને રાજનીતિશાસ્ત્રમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી.
ત્યાર પછી તેમણે નાટક અને ફિલ્મોની દુનિયામાં પોતાની કારકિર્દી ઘડવાના ધ્યેય સાથે આગળ વધ્યાં. તેમણે અભિનય કરવાનું અને નાટકોનું દિગ્દર્શનનું કામ પણ કર્યું. હાલમાં તેઓ આઈસીડીએસ (ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમૅન્ટ સ્કીમ) વિભાગમાં નોકરી કરે છે.
કોરોના મહામારી વખતે કોરોના સંક્રમિત થયાં પછી એમાંથી પણ તેઓ બહાર આવી ગયાં હતાં.
પોતાનાં કૅન્સર સાથેના સંઘર્ષ વિશે જણાવતાં અર્ચના કહે છે, "હું કૅન્સરગ્રસ્ત થઈ ત્યારે એક વિચાર મનમાં હતો કે, મારે મારી દીકરી માટે જીવવાનું છે. બસ આ એક વિચાર મારા માટે પ્રેરણા સમાન હતો. પહેલાં હું 12 ધોરણ સુધી ભણી હતી પછી 18 વર્ષની ઉંમરે લગ્ન થઈ ચૂક્યાં હતાં અને 19 વર્ષની ઉંમરે એક દીકરીની માતા બની ગઈ હતી."
"લગ્ન બાદ અમારી આર્થિક સ્થિતિ સારી ન હતી જેથી શરૂઆતના દિવસોમાં મેં સામાન્ય પગારવાળી ટેલીકૉલરની નોકરી પણ કરી. મારી દીકરીને અભ્યાસ માટે શાળામાં દાખલ કર્યા બાદ મેં પણ પોતાનો અભ્યાસ આગળ વધારવાની શરૂઆત કરી."
અર્ચના પોતાની પર્ફૉર્મિંગ આર્ટ્સમાં પોતાની કારકિર્દીની શરૂઆત અંગે જણાવતા ઉમેરે છે, "બાળપણમાં તેમના દાદાનાં કારણે તેમને વાંચવાની આદત હતી, પરંતુ તે આદત તેમને કારકિર્દી બનાવવા માટે ખૂબ જ કામ લાગી."
વર્ષ 2011માં ક્રિએટિવ રાઇટિંગની એક શિબિર હતી, જેમાં તેમણે ભાગ લીધો હતો.
અર્ચના કહે છે, "આ શિબિર બાદ મને નાટકમાં અભિનય કરવા માટેની ઑફર મળી હતી. જોકે, આ પહેલાં મેં ક્યારેય થિયેટર જોયું નહોતું કે કોઈ નાટક પણ જોયાં નહોતાં. મેં નાટકમાં અભિનય કરવાની 'હા' તો કહી, પરંતુ મારી નોકરીને કારણે હું દિવસ દરમિયાન નાટકના રિહર્સલ માટે આવી નહીં શકું તેવી મેં શરત રાખી હતી."
"ડિરેક્ટરે મારી શરત માની હતી અને મારા સમય અનુસાર મને આવવા માટે છૂટ આપી. ત્યારબાદ મેં એક નાટક લખ્યું જેનું શીર્ષક હતું "બિકૉઝ આઈ ઍમ નોટ ગિલ્ટી".
આ નાટક બળાત્કાર પીડિતાની કહાણી હતી. જેથી આ નાટકનું દિગ્દર્શન કરવા માટે કોઈ તૈયાર નહોતું. એટલે મેં જાતે આ નાટકનું દિગ્દર્શન કર્યું. નાટક સુપરહિટ થયું અને આ નાટકથી મને મુંબઈ થિયેટર આલમમાં ઓળખ મળી. ત્યારબાદ મારી કારકિર્દીમાં ઉતાર-ચઢાવ આવ્યા છે, પરંતુ હું થંભી નથી. મેં અત્યાર સુધીમાં મેં 70 જેટલાં નાટકમાં અભિનય કર્યો છે, 10થી વધું નાટક લખ્યાં છે, 5થી વધુ સિરિયલો લખી છે, 5થી વધું નાટક ડિરેકટ પણ કર્યાં છે."

બે વખત કૅન્સરની સમસ્યા

ઇમેજ સ્રોત, LAXMI PATEL
તેઓ વધુમાં જણાવે છે કે, "વર્ષ 2019ના એપ્રિલમાં મને ગર્ભાશયનું કૅન્સર ડિટેકટ થયું હતું. સારવારના ભાગરૂપે મારું ઑપરેશન કરવામાં આવ્યું અને કિમોથૅરેપી વગેરે સારવાર સપ્ટેમ્બર મહિના સુધી ચાલી હતી. મારી કૅન્સરની સારવાર બાદ રિકવર થઈ હતી પછી વર્ષ 2020ની શરૂઆતમાં લખવાનું શરૂ કર્યું હતું.
"2020ના માર્ચ મહિનામાં કોરોનાની બીમારી આવી હતી. મારા પતિ વીએસ હૉસ્પિટલમાં નોકરી કરે છે જેથી તેમનો રિપોર્ટ કોરોના પૉઝિટિવ આવ્યો હતો. મારા પતિને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જે સમયે મારા પતિ હૉસ્પિટલમાં હતા તે જ સમય દરમિયાન હું અને મારી દીકરી ઘરમાં ક્વોરૅન્ટીન હતા. એ સમયે મારા પગની સાથળમાં ગાંઠ હોવાનું ડિટેક્ટ થયું હતુ."
તેઓ વધુમાં જણાવે છે કે, "કોરોનાના કારણે કોઈ હૉસ્પિટલ મારી સારવાર માટે તૈયાર નહોતી. મેં મહામહેનતે રિપોર્ટ કરાવ્યા અને ત્યારબાદ ખબર પડી કે આ પણ કૅન્સરની ગાંઠ છે. જેથી ફરીથી સારવાર શરૂ થઈ. હું કોરોનામાં ન સપડાઉં એટલે મને વધારે કાળજી રાખવાનું કહેવામાં આવ્યું હતું. મારા પતિને કોરોના થયો હોવાથી ડૉક્ટરે મને મારા પતિથી ત્રણ મહિના દૂર રહેવા માટે જણાવ્યું હતું."
"મારા બચવાના ચાન્સ બહુ ઓછાં હોવાનું ડૉક્ટરોએ કહ્યું હતું, ત્યારે હું એક જ વાત કરતી હતી કે, મારે મારી દીકરી માટે જીવવું છે. મારી સારવાર ચાલી અને ઑગસ્ટ મહિનામાં મારી સારવાર પૂરી થઈ હતી. એના ચાર દિવસ બાદ હું કોરોના પૉઝિટિવ થઈ હતી. કોરોના બાદ હું ખૂબ જ અશક્ત થઈ ગઈ હતી. હું ખાઈ નહોતી શકતી. ચાલી પણ નહોતી શકતી. મને રિકવર થતાં 6 મહિના લાગ્યા હતા."
"જીવને મને બધું જ આપ્યું છે. બે વાર કૅન્સરને માત આપી, કોરોનાની કપરી પરિસ્થિતિમાંથી ઊગરી આવી. હવે વર્ષ 2021થી એક ગુજરાતી ચૅનલ માટે સિરિયલ લખું છું. હાલ 'મોટીબાની નાની વહુ' સિરીઝ લખી રહી છું."

મહિલાઓમાં કૅન્સર પ્રત્યે જાગૃતતા

ઇમેજ સ્રોત, LAXMI PATEL
મહિલાઓમાં આ બીમારી વિશે જાગૃતિ ફેલાવવામાં પણ અર્ચના ચૌહાણ સક્રિય છે. આજે પણ તેઓ મહિલાઓમાં કૅન્સર પ્રત્યે જાગૃતિ આવે અને મહિલાઓ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય અને સમયસર વૅક્સિનેશન કરાવે તે માટે સતત વિવિધ પ્રકારના કાર્યક્રમો કરતાં રહે છે.
અર્ચના કહે છે, "મહિલાઓ મોટાભાગે પોતાનાં શરીરને લઈને જાગૃત હોતી નથી. મહિલાઓ પરિવારનું ધ્યાન રાખે છે. પરંતુ પોતાના સ્વાસ્થ્ય વિશે ગંભીર હોતી નથી."
મહિલાઓને અપીલ કરતા તેઓ ઉમેરે છે, "મારી દરેક મહિલાને વિનંતી છે કે, તેઓ પોતાનું સમયાંતરે હેલ્થ ચેક-અપ કરાવે. તેમજ દરેક મહિલાએ HPV વૅક્સિન લેવી જ જોઈએ. એચપીવી વાઇરસ મહિલાઓના શરીરમાં ક્યારેક ને ક્યારેક સંક્રમિત કરે છે, પરંતુ જ્યારે તમારી રોગપ્રતિકાર શક્તિ ઓછી થાય ત્યારે તે તમારી પર હુમલો કરે છે. જેથી દરેક મહિલાઓએ આ વૅક્સિન લેવી જોઈએ. મહિલાઓમાં થતા સર્વાઇકલ કૅન્સર માટે આ વૅક્સિન વરદાનરૂપ છે."














