કૅન્સરમાં પતિ ગુમાવ્યા બાદ દીકરીને MBA કરાવવા ચાની લારી ચલાવતાં મહિલાની કહાણી

મધર્સ ડે

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, શિલ્પાબહેન પટેલ
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ સામેના રસ્તા પર એક ટી-શર્ટ અને જીન્સ પહેરેલાં મહિલા રોજ સવારે નવ વાગ્યે ટુ-વ્હીલર પર દૂધની કોથળીઓ ભરેલો થેલો લઈને આવે છે, પોતાની લારી સજાવે છે અને બારેમાસ ઠંડી કે ગરમી જોયા વગર ચા બનાવે છે.

જ્યારે પણ તેમને કોઈ ગરીબ બાળક દેખાય તો આ બહેન પોતાનું કામ છોડીને તેને પહેલાં ચા અને બિસ્કિટ આપે છે અને તેના પૈસા પણ લેતાં નથી.

આ મહિલાનું નામ છે શિલ્પાબહેન પટેલ. 45 વર્ષીય શિલ્પાબહેન રોજ સવારે મણિનગરસ્થિત પોતાના ઘરેથી 15 કિલોમિટર દૂર સરદાર પટેલ સ્ટેડિયમ સુધી આવે છે.

એક સમયે સીધા પાટે ચાલી રહેલું તેમનું જીવન એવા વળાંકોમાંથી પસાર થયું કે તેઓ ચા વેચવા માટે મજબૂર થયાં. અહીં તેમની મજબૂરી કરતાં તેમની હિંમતને દાદ આપવી બને છે, કારણ કે તેઓ એવી તકલીફોમાંથી બહાર આવ્યાં છે જેની સામે ભલભલા પુરુષો પણ માથું ટેકવી દે. પણ તેમનામાં આ હિંમત આવી કેવી રીતે?

પોતાની પુત્રીના ભવિષ્ય માટે.

મૂળ નડિયાદનાં શિલ્પાબહેનનાં લગ્ન અમદાવાદના મણિનગરમાં રહેતા શૌરીનભાઈ પટેલ સાથે થયાં હતાં. એક ખાનગી કંપનીમાં નોકરી કરતા શૌરીનભાઈ સારું એવું કમાતા હતા અને ઘરનું ગુજરાન યોગ્ય રીતે ચાલતું હતું. લગ્નના થોડા સમયમાં જ શિલ્પાબહેને એક દીકરીને જન્મ આપ્યો. તેમની દીકરી ક્રિષ્ના બંનેનાં જીવનનું કેન્દ્ર હતી.

ક્રિષ્ના ભણવામાં હોશિયાર હતી. શૌરીનભાઈની ઇચ્છા હતી કે ક્રિષ્ના એમ.બી.એ. થાય પણ તેમની એ ઇચ્છા પૂર્ણ થાય એ પહેલાં જ જાણે કોઈની નજર લાગી ગઈ. ક્રિષ્ના જ્યારે આઠમા ધોરણમાં હતી ત્યારે શૌરીનભાઈને ગળાનું કૅન્સર હોવાની જાણ થઈ.

ગ્રે લાઇન

"આપણે પટેલ છીએ, ચાની લારી કરીશું તો સમાજ શું કહેશે?"

મધર્સ ડે

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, શૌરીનભાઈ પટેલ

શિલ્પાબહેન પટેલ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "તેમને ગળાનું કૅન્સર થયા પછી અમે ખાનગી હૉસ્પિટલમાં સારવાર કરાવી. તેઓ સાજા પણ થયા પરંતુ શરીર અશક્ત થઈ ગયું હોવાથી તેમની નોકરી ચાલી ગઈ."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેઓ આગળ કહે છે, "કૅન્સરની સારવાર કરાવવામાં અમારી જીવનભરની બચત વપરાઈ ગઈ. મેં મારા પતિને કહ્યા વગર મારા દાગીના પણ વેચી દીધા હતા. સગા-સંબંધીઓ પાસેથી ઉધાર પૈસા લેવાની પણ એક લિમિટ આવી ગઈ હતી. કૅન્સર વિશે જાણીને તેમને કોઈ નોકરીએ રાખતું નહોતું."

"હું મૂળ નડિયાદની એટલે મને મઠિયા અને પાપડ બનાવતા સારું આવડે. જેથી મેં ઘરેથી મઠિયા, પાપડ અને અથાણાં બનાવીને વેચવાનું શરૂ કર્યું, પણ એ ધંધો ખાસ ચાલ્યો નહીં અને મૂડીરોકાણ માટે પૈસા પણ વધુ જોઈએ એમ હતા. એક તરફ પૈસા પૂરા થઈ રહ્યા હતા અને બીજી તરફ પતિની સારવાર ચાલી રહી હતી. મારી પાસે છેલ્લી એક સોનાની બંગડી અને બુટ્ટી બચી હતી. જે દવાઓ લાવવામાં વેચાઈ ગઈ હતી."

આ વચ્ચે ક્રિષ્નાની ફી ભરવા માટે પણ પૈસાની જરૂર હતી. તે સમયે શિલ્પાબહેન ખૂબ જ વિમાસણમાં રહેતાં. એક સાથે ત્રણ બાજુથી સમસ્યાઓ આવી હતી અને તેમની પાસે કોઈ ઉકેલ જ ન હતો. આ દરમિયાન એક દિવસ તેઓ પોતાના પતિ સાથે દવાખાને ગયાં. જ્યાં તેમને સારવાર માટે અંદર લઈ જવામાં આવ્યા ત્યારે તેઓ દવાખાનાની બહાર બેઠા હતાં. બહાર તેમણે એક ચાવાળાની ત્યાં ભીડ એકઠી થયેલી જોઈ.

આ કિસ્સા વિશે તેઓ કહે છે, "હું ઊભી થઈને એ ચાવાળા પાસે ગઈ. ચા લીધી અને સહજતાથી પૂછી લીધું કે ભાઈ તમે રોજના કેટલા કમાઈ લો છો? તેણે જવાબ આપ્યો, સાંજ પડે 300-400 રૂપિયા તો કમાઈ જ લઉં છું."

શિલ્પાબહેન જણાવે છે, "અમારા આખા કુટુંબમાં લોકો મારી ચાને વખાણતા હતા. મને વિચાર આવ્યો કે હું ચાની લારી કેમ ના શરૂ કરી શકું? દવાખાનેથી પાછા ફરતી વખતે મારા પતિને આ વિશે વાત કરી તો તેમણે ના પડી કે આપણે પટેલ છીએ અને ચાની લારી ચલાવીએ તો સમાજ શું કહેશે? હું વધારે ભણેલીગણેલી ન હતી. તેથી કોઈ સારી નોકરી મળવાની વાત તો બહુ દૂર હતી."

એક તરફ ઘરમાં તંગી, બીજી તરફ પતિની સારવાર માટે પૈસા અને ત્રીજી બાજુ દીકરીની ભરવાની થતી ફીના કારણે તેઓ ચિંતિત તો હતાં જ. એવામાં તેમણે આ વિશે પોતાના કુટુંબનાં એક બહેન સાથે કરી. આ બહેને જ અગાઉ તેમને મઠિયા અને પાપડનો ધંધો કરવાની સલાહ આપી હતી. આ સાહસ ખેડવા માટે પણ તેમણે જ શિલ્પાબહેનને હિંમત આપી. તેમણે પોતાના એક પરિચિત સાથે વાત કરી. જે સ્ટેડિયમ પાસે જ એક ઑફિસમાં મોટા હોદ્દા પર હતા.

એ વ્યક્તિએ જ શિલ્પાબહેન હાલ જ્યાં ચાની લારી ચલાવે છે એ જગ્યા શોધવામાં અને ત્યાં તેમની લારી સ્થાપિત કરાવવામાં મદદ કરી.

ગ્રે લાઇન

'ક્યારેક ભગવાન પણ થાકશે ને મારી પરીક્ષા લેતાંલેતાં?'

મધર્સે ડે

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, પુત્રી ક્રિષ્ના સાથે શિલ્પાબહેન

જોકે, જગ્યા મળી ગયા બાદ ધંધો શરૂ કરવો તેમના માટે સરળ નહોતો. તેઓ જણાવે છે, "મેં હિંમત તો ભેગી કરી લીધી હતી પણ મારી પાસે ન તો લારી લાવવા માટે પૈસા હતા, ન તો તેમાં રાખવાનો થતો સામાન લાવવાના. મારા પારિવારિક બહેન અને તેમના પરિચિત વ્યક્તિએ મને લારી લાવી આપી. મને જોઈને કોઈ માનવા તૈયાર નહોતું કે હું ચાની લારી શરૂ કરીશ."

શરૂઆતના દિવસોમાં તેમનો ધંધો સારી રીતે ચાલતો ન હતો. તેમને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. એ દિવસોને યાદ કરતા શિલ્પાબહેન કહે છે, "શરૂઆતના બે દિવસ તો કોઈ આવ્યું જ નહીં. હું જે દૂધ ખરીદીને લાવી હતી એ ફેંકી દેવું પડ્યું હતું. હું નિરાશ થઈને રડી રહી હતી. ત્યારે નજીકમાં જ ડેરી ધરાવતા ભાઈએ મારી નિરાશા જોઈને મારી પાસે આવ્યા અને કહ્યું કે 'કાલથી મારી દુકાનેથી જરૂર પડે એટલું દૂધ લઈ જજો અને વધે એ પાછું આપજો. આપણે મહિનાના અંતે હિસાબ કરીશું.' આ મારા માટે એક મોટી મદદ હતી."

"તેમની એક મદદના કારણે મારું નુકસાન ખૂબ જ ઘટી ગયું. ધીરેધીરે આસપાસના લોકો ચા પીવા આવવા લાગ્યા. લોકોને ચા પસંદ આવવા લાગી તો વધારે લોકો આવ્યા. રિસેસના સમય દરમિયાને લોકોની ભીડ એકઠી થવા લાગી. ઑફિસોમાં મહેમાન આવે ત્યારે મને ફોન પર ચાનો ઑર્ડર આપતા અને તેમનો પટાવાળો આવે ત્યાર સુધીમાં હું ચા તૈયાર રાખતી હતી. સમય જતાં ધંધો સેટ થઈ ગયો અને એ અરસામાં મારા પતિને ફરીથી કૅન્સરે ઊથલો માર્યો."

શિલ્પાબહેન કહે છે, "તેમની સારવાર માટે 15 દિવસ લારી બંધ રાખી હતી. સોળમા દિવસે જ્યારે હું દુકાને આવી તો ખબર પડી કે મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓ ગેરકાયદે દબાણ ગણીને મારી લારી ઉઠાવી ગયા છે. એ વાતનો મને જેટલો આઘાત લાગ્યો હતો, તેનાથી વધારે મારા પતિને આઘાત લાગ્યો હતો. અહીં પણ અમને સારા લોકો મળ્યાં. મેયર સાથે વાત કરાવીને લારી પાછી અપાવી પણ ત્યાં ફરી એક વખત જીવનમાં વળાંક આવ્યો."

બીજી વખત થયેલા કૅન્સરનાં કારણે શિલ્પાબહેનના પતિ શૌરીનભાઈનું અવસાન થયું.

પતિના અવસાન વિશે વાત કરતા તેમના આંખમાંથી આંસુ સરી પડે છે. તેઓ ડૂમો ભરીને કહે છે, "જીવનમાં પડકારો તો રહેશે જ. ભગવાન પણ ક્યારેક તો મારી પરીક્ષા લેતા થાકશે ને?"

તેઓ આગળ કહે છે, "હું વધારે ભણી નહોતી એટલે મારે ચાની લારી શરૂ કરવી પડી હતી. તેમના અવસાન બાદ મેં નક્કી કર્યું હતું કે હું મારી દીકરીને એમ. બી. એ. કરાવીશ. હાલ તેની ફી ભરવા માટે એજ્યુકેશન લોન લીધી છે. તે હવે મોટી થઈ ગઈ છે. જમવાનું જાતે બનાવી શકે છે. હવે મારે લોન ચૂકવવાની સાથેસાથે તેને પરણાવવા માટે પૈસા ભેગા કરવાના છે."

આ માટે તેમણે અમદાવાદના અન્ય એક વિસ્તારમાં રાત્રિ દરમિયાન લારી શરૂ કરવાનું નક્કી કર્યું છે.

મધર્સ ડે

'ગ્રાહક ઘટશે તો ચાલશે પણ કોઈ કૅન્સરથી બરબાદ ન થવું જોઈએ'

મધર્સ ડે

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, શિલ્પાબહેન અને શૌરીનભાઈ

શિલ્પાબહેનનાં દીકરી ક્રિષ્ના હાલ કૉલેજ તરફથી મલ્ટીનૅશનલ કંપનીમાં ઇન્ટર્નશિપ માટે ગુજરાત બહાર ગયાં છે. તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મેં નાનપણથી મારી માતાને સંઘર્ષ કરતાં જોયા છે. હું જ્યારે નોકરી પર લાગીશ ત્યારે સૌથી પહેલાં તેમની લારી બંધ કરાવીશ અને ભાડેથી દુકાન લઈ આપીશ. જ્યાં તેઓ એક ટી-શૉપ ચલાવી શકે."

ક્રિષ્નાએ આગળ જણાવ્યું, "મને એ વાતનું દુઃખ છે કે મધર્સ ડેના રોજ હું અમદાવાદમાં નથી, પરંતુ આ ઇન્ટર્નશિપમાંથી મને જે પૈસા મળ્યા છે, તેમાંથી હું એક ગિફ્ટ લાવી છું. જેનાથી માનું કામ ઘણું સરળ થઈ જશે. હું હાલ ભલે એચ.આર.માં એમ. બી. એ કરી રહી હોઉં, પણ મારા ભણવાના ઘણા ફંડા મેં મારી માતાના દેશી મૅનેજમૅન્ટમાંથી શીખી છું."

વર્ષોથી શિલ્પાબહેનને ત્યાં ચા પીવા આવતા અને નજીકમાં જ ફાયનાન્સ કંપની ચલાવતા જયેશ શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "આ બહેન અહીં છેલ્લા સાત વર્ષથી અહીં ચાની લારી ચલાવે છે. અમે જ્યારે તેમના કૅન્સરગ્રસ્ત પતિને જોયા ત્યારે જ તેમની પરિસ્થિતિનો અણસાર આવી ગયો હતો. પણ એક વાત છે કે તેમણે ક્યારેય કોઈની સામે હાથ લંબાવ્યો નથી."

શિલ્પાબહેનની ચાની લારીનો નિયમ છે કે અહીં ચા પીને કોઈ પણ વ્યક્તિ પાન-પડીકી ખાઈ કે સિગારેટ પી શકતું નથી. જો કોઈ એમ કરે તો શિલ્પાબહેન તેમને ઠપકો આપે છે. કૅન્સરના કારણે તેમણે પોતાના પતિ ગુમાવ્યા છે એટલે ગ્રાહક ફરી આવશે કે નહીં તેની ચિંતા કર્યા વગર તેઓ આ વસ્તુઓ ન તો વેચે છે, ન તો પોતાની લારી પાસે કોઈને તેનો ઉપયોગ કરવા દે છે.

આ વિશે શિલ્પાબહેન કહે છે, "કૅન્સરના કારણે મારું કુટુંબ બરબાદ થઈ ગયું છે. મારા બે ગ્રાહક ઓછા થશે એ ચાલશે પણ કોઈનો દીકરો વ્યસનના કારણે બરબાદ થાય એ હું નહીં સાંખી લઉં."

રેડ લાઇન
રેડ લાઇન