હવાના પ્રદૂષણથી કૅન્સર થઈ શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જેમ્સ ગૅલાઘર
- પદ, સ્વાસ્થ્ય અને વિજ્ઞાન સંવાદદાતા

- આ શોધ ધુમ્રપાન ન કરનારા લોકોને શા માટે ફેફસાંનું કૅન્સર થાય છે તે પ્રશ્નના જવાબ પરથી થઈ છે. જોકે ધૂમ્રપાન કરનાર વ્યક્તિને ફેફસાંનું કૅન્સર વધુ થાય છે, તેમ છતાં યુકેમાં દસમાંથી એક આવો કેસ વાયુપ્રદૂષણના કારણે પણ બને છે
- કેમકે વાયુપ્રદૂષણ વધુ હોય તેવાં સ્થળોએ ફેફસાંના કૅન્સરના વધુ કેસ હતા જેનું કારણ ધૂમ્રપાન નહોતું
- પ્રોફેસર સ્વાન્ટને જણાવ્યું હતું કે તેમની લેબોરેટરીમાં આ સૌથી રોમાંચક શોધ થઈ છે, કારણ કે તે "વાસ્તવમાં ગાંઠો કેવી રીતે શરૂ થાય છે તેની આપણી સમજ પર પુનર્વિચાર કરવાની ફરજ પાડે છે". તેમણે કહ્યું કે તે મોલિક્યુલર કૅન્સર નિવારણના "નવા યુગ" તરફ દોરી જશે

સંશોધકોએ જણાવ્યું છે કે તેમને કેવી રીતે વાયુપ્રદૂષણ કૅન્સરનું કારણ બને છે તે અંગેનું રહસ્ય સમજાઈ ગયું છે. આ શોધ ટ્યૂમર કેવી રીતે બને છે તે અંગેની આપણી સમજને સદંતર બદલી નાખશે.
લંડન ખાતે ફ્રાન્સિસ ક્રીક ઇન્સ્ટિટ્યૂટ ખાતેની ટીમે જણાવ્યું છે કે વાયુપ્રદૂષણ નુકસાન કરવાના સ્થાને જૂના ક્ષતિગ્રસ્ત કોષોને સક્રિય કરે છે.
વિશ્વના ટોચના નિષ્ણાતો પૈકી એક પ્રોફેસર ચાર્લ્સ સ્વેન્ટને કહ્યું કે આ શોધ 'નવા યુગ'ની શરૂઆત છે.
તેમજ હવે કૅન્સરનું બંધારણ રોકી શકે તેવી દવા વિકસાવવાનું શક્ય બન્યું છે.
આ શોધનાં તારણો એ સમજાવી શકે છે કે કૅન્સર માટે જવાબદાર પદાર્થો શરીર સાથે કેવી રીતે વર્તે છે.
કૅન્સર અંગેના પરંપરાગત દૃષ્ટિકોણની શરૂઆત સ્વસ્થ કોષથી થાય છે. તે તેના જેનેટિક કોડ અથવા DNAમાં વધુ અને વધુ મ્યુટેશનથી મેળવતો જાય છે, જ્યાં સુધી તે મહત્તમ સ્તરે નથી પહોંચી જતો. તે બાદ તે કૅન્સર બની જાય છે અને બેકાબૂપણે વધવા માંડે છે.
પરંતુ હાલ આ વિચાર સાથે કેટલીક મુશ્કેલીઓ જોડાયેલી છે : કૅન્સરકારક મ્યુટેશન સ્વસ્થ જણાતા ટિસ્યૂમાં મળી આવે છે, અને વાયુપ્રદૂષણ જેવાં કેટલાંક જાણીતાં કૅન્સર માટે જવાબદાર કારકો - લોકોના DNAને નુકસાન કરતાં હોય તેવું નથી લાગતું.

તો શું થઈ રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
સંશોધકોએ અલગ વિચાર અંગે પુરાવા રજૂ કર્યા છે. આપણા કોષના DNAને પહેલાંથી જ નુકસાન થયેલું હોય છે, તે આપણી ઉમર અને કદ વધવા સાથે વધે છે, પરંતુ તેને કૅન્સરગ્રસ્ત બનાવવા માટે કોઈ કારક થકી તેને ગતિ મળે એ આવશ્યક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ શોધ ધૂમ્રપાન ન કરનારા લોકોને શા માટે ફેફસાંનું કૅન્સર થાય છે તે પ્રશ્નના જવાબ પરથી થઈ છે. જોકે ધૂમ્રપાન કરનાર વ્યક્તિને ફેફસાંનું કૅન્સર વધુ થાય છે, તેમ છતાં યુકેમાં દસમાંથી એક આવો કેસ વાયુપ્રદૂષણના કારણે પણ બને છે.
ક્રિકના વૈજ્ઞાનિકોએ પ્રદૂષણના એક પ્રકાર, પાર્ટિક્યુલેટ મૅટર 2.5 (PM 2.5) પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જે માનવ વાળ કરતાં કદમાં ખૂબ નાનું છે.
વિસ્તૃત માનવીય અને પ્રાણીને લગતા પ્રયોગોની હારમાળા પરથી તેમને જોવા મળ્યું કે :
- વાયુપ્રદૂષણ વધુ હોય તેવાં સ્થળોએ ફેફસાંના કૅન્સરના વધુ કેસ હતા જેનું કારણ ધૂમ્રપાન નહોતું
- PM 2.5ને શ્વાસમાં ગ્રહણ કરવાથી ફેફસાંમાં કૅમિકલ ઍલાર્મ - ઇન્ટરલ્યુકિન - 1- બીટા રિલીઝ થવાની શરૂઆત થાય છે
- આના કારણે સોજો ચડે છે, જેના કારણે ફેફસાંના કોષો નુકસાનને રિપૅર કરવા માટે ઍક્ટિવેટ થઈ જાય છે
- પરંતુ 50 વર્ષીય વ્યક્તિનાં ફેફસાંમાં છ લાખમાંથી એક કોષમાં કૅન્સરને લગતા મ્યુટેશનવાળા હોય છે
- આપણી ઉંમરમાં થતાં વધારા સાથે તે એકદમ સ્વસ્થ દેખાય છે, પરંતુ આવું ત્યાં સુધી હોય છે કે જ્યાં સુધી તે કેમિકલ ઍલાર્મથી ઍક્ટિવેટ નથી થતા, તે બાદ તે કૅન્સરગ્રસ્ત બની જાય છે
જોકે સંશોધકો દવાના ઉપયોગથી હવાના પ્રદૂષણને કારણે ઉંદરમાં થતા કૅન્સરને રોકવામાં સક્ષમ થયા અને એ રીતે ખતરો ટળ્યો.
વાયુ પ્રદૂષણની અસર અને આપણને કૅન્સર કેવી રીતે થાય છે તેની મૂળભૂત બાબતોને સમજવા માટે આ પરિણામો બેવડી સફળતા છે.
ક્રિક સંશોધકોમાંના એક ડૉ. એમિલિયા લિમે જણાવ્યું હતું કે જે લોકોએ ક્યારેય ધૂમ્રપાન કર્યું ન હતું પરંતુ ફેફસાંનું કૅન્સર થયું ત્યારે તેઓ કારણ નહોતા જાણતા.
ડૉ. એમિલિયા કહે છે, "તેમને તેની સમજ આપવી અતિશય આવશ્યક છે."
"તે અતિશય મહત્ત્વપૂર્ણ છે કે વિશ્વના 99 ટકા લોકો એવાં સ્થળોએ રહે છે જ્યાં વાયુ પ્રદૂષણ વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડ કરતા વધારે છે તેથી તે ખરેખર આપણને બધાને અસર કરે છે."

કૅન્સર પર પુનર્વિચાર

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ પરિણામોએ એ પણ દર્શાવ્યું કે એકલા મ્યુટેશનથી જ કૅન્સર થતું નથી. એ માટે અન્ય તત્ત્વની જરૂર પડે છે.
પ્રોફેસર સ્વાન્ટને જણાવ્યું હતું કે તેમની લેબોરેટરીમાં આ સૌથી રોમાંચક શોધ થઈ છે, કારણ કે તે "વાસ્તવમાં ગાંઠો કેવી રીતે શરૂ થાય છે તેની આપણી સમજ પર પુનર્વિચાર કરવાની ફરજ પાડે છે". તેમણે કહ્યું કે તે મોલેક્યુલર કૅન્સર નિવારણના "નવા યુગ" તરફ દોરી જશે.
જો તમે ભારે પ્રદૂષિત વિસ્તારમાં રહેતા હો તો કૅન્સર અવરોધક ગોળી લેવાનો વિચાર કંઈ સાવ કાલ્પનિક નથી.
ડૉકટરોએ પહેલાથી જ કાર્ડિયોવેસ્ક્યુલર રોગમાં ઇન્ટરલ્યુકિન-1-બીટા દવાની અજમાયશ કરી છે અને જાણવા મળ્યું છે કે તે ફેફસાંના કૅન્સરનું જોખમ ઘટાડે છે.
યુરોપિયન સોસાયટી ફૉર મૅડિકલ ઓન્કોલોજીની કૉન્ફરન્સમાં વૈજ્ઞાનિકો સમક્ષ નવીનતમ તારણો રજૂ કરવામાં આવ્યા છે.
કૉન્ફરન્સમાંથી બીબીસી સાથે વાત કરતા, પ્રોફેસર સ્વાન્ટને કહ્યું: "પ્રદૂષણ એક મોટું ઉદાહરણ છે, પરંતુ આગામી 10 વર્ષોમાં તેના 200 જેટલા અન્ય ઉદાહરણો હશે."
તેમણે કહ્યું કે આપણે ધૂમ્રપાન કરવાથી પણ કૅન્સર કેવી રીતે થાય છે તેના પર પુનર્વિચાર કરવાની જરૂર છે. એમ કહેવાયું છે કે તમાકુમાં રહેલા રસાયણોને કારણે ડીએનએને નુકસાન થાય છે કે પછી ધુમાડો પણ ડીએનએ માટે દાહક નિવડે છે?
એકલા ડીએનએમાં ફેરફાર પૂરતો નથી, કૅન્સરને વધવા માટે બીજા ટ્રિગરની જરૂર છે તે વિચાર સૌપ્રથમ 1947 માં વૈજ્ઞાનિક આઇઝેક બેરેનબ્લમ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
ડૉ. એમિલિયા કહે છે, "ફિલોસોફિકલી, તે રસપ્રદ છે. આ અદ્ભુત જીવવિજ્ઞાનીઓએ 75 વર્ષ પહેલાં આ કામ કર્યું છે અને તેની મોટાભાગે અવગણના કરવામાં આવી છે."
કૅન્સર રિસર્ચ યુકેના ચીફ એક્ઝિક્યુટિવ મિશેલી મિશેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે "ધૂમ્રપાન ફેફસાંના કૅન્સરનું સૌથી મોટું કારણ છે".
પરંતુ તેણીએ ઉમેર્યું: "વર્ષોના ભારે ઉદ્યમમાંથી આકાર લેતું વિજ્ઞાન કૅન્સર કેવી રીતે થાય છે તેના વિશેની આપણી વિચારસરણીને બદલી રહ્યું છે. હવે ફેફસાંના કૅન્સર પાછળના પ્રેરક પરિબળોને આપણે વધુ સારી રીતે સમજતા થયા છીએ."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













