શું સ્વસ્થ રહેવા માટે દિવસના 10 હજાર પગલાં ચાલવાની જરૂર છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ક્લાઉડિયા હેમન્ડ
- પદ, બીબીસી ફ્યૂચર

- મોટાભાગનાં ટ્રૅકિંગ ઉપકરણોમાં 10,000 પગલાંનું ડિફૉલ્ટ લક્ષ્ય સેટ હોય છે
- તમે એવું વિચારતા હશો કે આ સંખ્યા વર્ષોની સંશોધનનું પરિણામ છે જેમાં જોવામાં આવ્યું હતું કે 8 હજાર, 10 હજાર કે 12 હજાર પગલાં, લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે શું યોગ્ય છે. પરંતુ હકીકત એ છે કે આવું કોઈ સંશોધન છે જ નહીં
- 10 હજાર પગલાંની સંખ્યા 1964માં ટોક્યો ઑલિમ્પિક ગેમ્સ પહેલાં એક માર્કેટિંગ અભિયાન દ્વારા નક્કી કરવામાં આવી હતી
- એક કંપનીએ Manpo-kei નામે પેડોમિટર વેચવાનું ચાલુ કર્યું હતું જેમાં 'man'નો મતલબ છે 10000, 'po'નો મતલબ છે પગલાં અને 'kei'નો મતલબ છે મિટર. આ ખૂબ જ સફળ રહ્યું હતું અને આંકડો જે હતો ત્યાં ને ત્યાં જ અટકી ગયો
- જે મહિલાઓ દિવસના ચાર હજાર પગલાં ચાલતી હતી તેમના લાંબુ જીવવાની સંભાવના એ મહિલાઓ કરતાં ઘણી વધારે છે જેઓ દિવસના માત્ર 2,700 પગલાં ચાલતી હતી. તે આશ્ચર્યજનક છે કે આટલો નાનો તફાવત દીર્ધાયુષ્ય માટે જટિલ પરિણામો લાવી શકે છે

આપણામાંથી ઘણા લોકો હશે જેઓ દિવસ દરમિયાન કેટલા પગલાં ચાલ્યા તેનો રેકૉર્ડ રાખવા માટે સ્માર્ટવૉચ, પેડોમિટર અથવા ફોન ઍપ્સનો ઉપયોગ કરે છે અને જ્યારે 10 હજાર પગલાં ચાલવાનું લક્ષ્ય પૂર્ણ થાય છે ત્યારે ખુશીનો કોઈ પાર રહેતો નથી.
હું જે ઍપ વાપરું છું તેમાં દસ હજાર પગલાં ચાલવાથી શુભેચ્છાનો સંદેશ આવે છે. ઍપ્લિકેશન મને પડકાર પણ આપે છે કે અઠવાડિયામાં કેટલી વખત હું દિવસના 10 હજાર પગલાં ચાલી શકું છું. જવાબ છે - ક્યારેક જ.
કેટલાક સ્ટેપ-કાઉન્ટર્સની ચોકસાઈ પર ચર્ચાઓ છે અને તે સ્પષ્ટ છે કે તેઓ કસરત માપવાના સંદર્ભમાં એક અસ્પષ્ટ સાધન છે. જો તમે ઝડપથી દોડો છો, તો પણ તમારો સ્કોર નવરા થઈને મોજમાં લટાર મારવા જાઓ તેના કરતા વધારે નથી નોંધાતો.
જોકે ફિટનેસના ફાયદાના સંદર્ભમાં ખરેખર તફાવત છે. તેમ છતાં, આ ઍપ્સ તમે કેટલા સક્રિય છો તેના માટે રફ માર્ગદર્શિકા પ્રદાન કરે છે.
જો તમે પગલાંને ગણો છો, તો મહત્ત્વપૂર્ણ છે કે તમે તમારા ધ્યેય પ્રત્યે કેટલા ગંભીર છો. મોટાભાગનાં ટ્રૅકિંગ ઉપકરણો 10,000 પગલાંના ડિફૉલ્ટ લક્ષ્ય પર સેટ છે.
આ એક એવી સંખ્યા છે કે જ્યાં આપણે પહોંચવાનું છે તેવું આપણે માનીએ છીએ.
તમે એવું વિચારતા હશો કે આ સંખ્યા વર્ષોનાં સંશોધનનું પરિણામ છે જેમાં જોવામાં આવ્યું હતું કે 8 હજાર, 10 હજાર કે 12 હજાર પગલાં, લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે શું યોગ્ય છે. પરંતુ હકીકત એ છે કે આવું કોઈ સંશોધન છે જ નહીં.

10 હજાર પગલાં કેવી રીતે નક્કી થયાં?

ઇમેજ સ્રોત, Getty Images
10 હજાર પગલાંની સંખ્યા 1964માં ટોક્યો ઑલિમ્પિક ગેમ્સ પહેલાં એક માર્કેટિંગ અભિયાન દ્વારા નક્કી કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક કંપનીએ Manpo-kei નામે પેડોમિટર વેચવાનું ચાલુ કર્યું હતું જેમાં 'man'નો મતલબ છે 10000, 'po'નો મતલબ છે પગલાં અને 'kei'નો મતલબ છે મિટર. આ ખૂબ જ સફળ રહ્યું હતું અને આંકડો જે હતો ત્યાં ને ત્યાં જ અટકી ગયો.
ત્યારથી પાંચ હજાર પગલાંની સરખામણીએ 10 હજાર પગલાંનાં સ્વાસ્થ્ય ફાયદા વિશે સંશોધન કરવામાં આવ્યાં છે.
અને તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે વધારે પગલાંનાં વધારે ફાયદા છે. પરંતુ તાજેતર સુધી, વચ્ચેની તમામ સંખ્યાઓનો અભ્યાસ કરવામાં આવ્યો ન હતો.
હજુ પણ તેઓનું સામાન્ય પુખ્ત વસતી પર વ્યાપકપણે પરીક્ષણ કરવામાં આવ્યું નથી. હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં મેડિસિનનાં પ્રોફેસર આઈ-મિન લી અને તેમની ટીમે એક સંશોધન કર્યું જેમાં તેમણે 70 વર્ષની આસપાસની 16 હજાર જેટલી મહિલાઓ પર સંશોધન કર્યું અને તેની સરખામણી દરરોજ ચાલવામાં આવતાં પગલાં અને કોઈ કારણોસર થતાં મૃત્યુ સાથે કરવામાં આવી. દરેક મહિલાએ એક અઠવાડિયું એક યંત્ર પહેર્યું જેનાથી સવારે ઊઠવાના સમયે થતી ક્રિયાને માપી શકાય. પછી સંશોધનમાં રાહ જોવામાં આવી.
સરેરાશ ચાર વર્ષ ત્રણ મહિના બાદ મહિલાઓ વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેમાંથી 504નું મૃત્યુ થઈ ગયું હતું. જે મહિલાઓ બચી ગઈ તેઓ દિવસનાં કેટલાં પગલાં ચાલતી હશે? શું તે 10 હજાર પગલાં હતાં?
તો જવાબ છે ના. જે મહિલાઓ બચી ગઈ તેઓ દિવસના સરેરાશ 5,500 પગલાં ચાલતી હતી.
જે મહિલાઓ દિવસના 4 હજાર પગલાં ચાલતી હતી તેમના લાંબું જીવવાની સંભાવના એ મહિલાઓ કરતાં ઘણી વધારે છે જેઓ દિવસના માત્ર 2,700 પગલાં ચાલતી હતી.
તે આશ્ચર્યજનક છે કે આટલો નાનો તફાવત દીર્ધાયુષ્ય માટે જટિલ પરિણામો લાવી શકે છે.

ચાલવું વધુ સારું, પણ કેટલું?

ઇમેજ સ્રોત, Getty Images
તર્ક એ છે કે જેટલા વધારે પગલાં ચાલો, તેટલું સ્વાસ્થ્ય માટે સારું છે.
પગલાંની કેટલીક રેન્જ સુધી તે સાચું છે - દિવસના 7,500 પગલાં સુધી. તેના પછી ઉચ્ચ સ્તરના આ લાભો સ્થિર થઈ જાય છે. આનાથી વધુ આયુષ્યમાં કોઈ ફરક પડતો નથી.
અલબત્ત, આ અભ્યાસની એક ખામી એ છે કે આપણે ચોક્કસ કહી શકતા નથી કે કેટલાં પગલાં ચાલવાથી એ બીમારીઓમાં સુધાર આવે છે, જેનાથી જે મહિલાઓનું મૃત્યુ થતું હતું.
સંશોધકોએ એવી જ મહિલાઓને સામેલ કરી હતી કે જેઓ પોતાના ઘરની બહાર ચાલવા માટે સક્ષમ હતી અને તેમણે પોતાનાં સ્વાસ્થ્યને વિશે અન્ય લોકોનો મત માગ્યો હતો.
પણ સંશોધનમાં કદાચ કેટલીક પ્રતિભાગીઓ એવી હતી જેઓ ચાલી શકતી હતી, પરંતુ ખૂબ લાંબું કદાચ ચાલી શકતી ન હતી.
બીજા શબ્દોમાં કહીએ તો તેઓ ઓછાં પગલાં ચાલી કેમ કે તેઓ પહેલેથી સ્વસ્થ ન હતી અને કેટલાં પગલાં ચાલ્યા તેનાથી વધારે કોઈ ફરક પડ્યો નહીં.
પરંતુ આ વયજૂથ માટે, સંશોધન જણાવે છે કે કદાચ 7500 પગલાં પૂરતાં છે. જોકે, એવી શક્યતા છે કે અતિરિક્ત પગલાં કેટલીક ચોક્કસ સ્થિતિ માટે વધારે લાભદાયી રહે. વધારે ચાલવાથી એ વાતનો પણ સંકેત મળે છે કે મહિલા પોતાના જીવન દરમિયાન વધારે ઍક્ટિવ રહ્યાં હતાં અને તેના કારણે જ તેઓ લાંબું જીવન જીવી શક્યાં. આ કારણોસર, એકલાં વધારાનાં પગલાંના ચોક્કસ સ્વાસ્થ્ય લાભોને સમજાવવું મુશ્કેલ છે.
હવે મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ કેટલાં પગલાં ફાયદાકારણ થાય તેની ગણતરીનો પ્રશ્ન છે.
10 હજાર પગલાં ચાલવા અને એ પણ દરરોજ, એ લક્ષ્ય પ્રાપ્ત કરવું ખૂબ મોટું છે. પરંતુ જો સતત તમે આ લક્ષ્ય પ્રાપ્ત ન કરી શકો તો તે હતાશામાં પરિવર્તિત થાય છે.
બ્રિટિશ કિશોરો પર કરવામાં આવેલા એક સંશોધનમાં, 13-14 વર્ષની કિશોરીઓને ખૂબ મજા આવતી કે તેમને કોઈ લક્ષ્ય આપવામાં આવ્યું છે, પરંતુ તેમને જલદી જ સમજાઈ ગયું કે તેને જાળવી રાખવું કેટલું અઘરું છે અને તેમણે ફરિયાદ કરી કે આ યોગ્ય નથી.

ઇમેજ સ્રોત, Getty Images
મેં મારી ઍપ પર ડિફૉલ્ટ ધ્યેયને 9,000 સ્ટેપ્સ પર બદલીને મારી જાત પર મારો પોતાનો મનોવૈજ્ઞાનિક પ્રયોગ કર્યો છે.
હું મારી જાત પર હસું છું કે ઘરમાં ને ઘરમાં હું કેટલા પગલાં કામ કરતાં કરતાં ચાલુ છું જ્યારે મારી પાસે મારો ફોન હોતો નથી. ખરેખર પછી હું મારી જાતને સફળતા મેળવવા માટે પ્રોત્સાહન આપવા માગું છું.
વધારે પડતું બેસી રહેનારા લોકોનાં પગલાં વધારવા માટે, તેઓ નાનું લક્ષ્ય ધારે એ કદાચ સારું રહેશે.
પરંતુ તેમ છતાં, તમામ જોખમો પર પગલાં ગણવાથી ચાલવાનો આંતરિક આનંદ છીનવાઈ જાય છે.
અમેરિકાની ડ્યૂક યુનિવર્સિટીના મનોચિકિત્સક જૉર્ડન ઍટકિનને જાણવા મળ્યું કે જે લોકો પોતાના ચાલવાના પગલાંને ગણે છે, તેઓ તેનો આનંદ ઓછો લે છે અને તેને કામ તરીકે લે છે. દિવસના અંતે જ્યારે તેઓ મૂલ્યાંકન કરે છે, ત્યારે તેમની ખુશીનું સ્તર એ લોકોની સરખામણીએ ઓછું હોય છે જેઓ પોતાનાં પગલાંને ટ્રૅક કરતાં નથી.
સૌથી ફિટ વ્યક્તિ માટે પણ ગણતરીનાં પગલાં પ્રતિકૂળ હોઈ શકે છે - જે તેમને સિગ્નલ આપે છે કે 10 હજારનો ધ્યેય પાર કરી લીધા પછી વધારે ચાલીને સ્વસ્થ રહેવાના બદલે તેઓ રોકાઈ જાય.
આ બધાથી આપણને જાણવા શું મળે છે? જો તમને પ્રોત્સાહન મળે છે તો તમે ગણો, પરંતુ 10 હજાર પગલાં કંઈ ખાસ નથી. એવો ધ્યેય નક્કી કરો જે તમારા માટે યોગ્ય છે. તે વધારે હોઈ શકે, ઓછો હોઈ શકે. એવું પણ બની શકે કે તમે તમારા જીવનમાંથી ટ્રૅકર જ કાઢી નાખો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













