કૅન્સરની એ દવા જે સોનામાંથી બનાવવામાં આવે છે

    • લેેખક, સોનિયા માથુર
    • પદ, બીબીસી ન્યૂઝ

નાતાલ વખતે જે સજાવટ કરવામાં આવે છે તેમાં ત્રણ વસ્તુઓની ભેટ અપાતી હોવાનું દર્શાવાયું હોય છે. કથા એવી છે કે ત્રણ ડાહ્યા પુરુષો આવે અને બાળ ઈસુને સોનું, લોબાન અને સુગંધી પદાર્થ હીરાબોળની ભેટ આપે છે.

આ ત્રણેય વસ્તુઓ એવી છે, જેના બીજા પણ ફાયદા છે અને તેથી પણ વિજ્ઞાનીઓ તેને કીમતી પદાર્થો ગણે છે.

સોનું, લોબાન અને સુગંધી પદાર્થ હીરાબોળ અને ઈસુ ખ્રિસ્ત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોનું, લોબાન અને સુગંધી પદાર્થ હીરાબોળની કથા ઈસુખ્રિસ્ત સાથે જોડાયેલી છે

ક્લિનિકલ ટ્રાયલમાં જોવા મળ્યું છે કે આર્થરાઇટિસ અને અસ્મથા જેવા દર્દોમાં તથા અમુક અંશે સૌથી વધારે ઘાતક ગણાતા કૅન્સરની સારવારમાં પણ આ પદાર્થો ઉપયોગી થઈ શકે છે.

આ બેમાંથી લોબાન અને હીરાબોળ એ બંનેના ઔષધી તરીકે ઉપયોગ અંગે કાર્ડિફ યુનિવર્સિટીના વિજ્ઞાની ડૉ. અહમદ અલી સંશોધન કરી રહ્યા છે.

line

કૅન્સરની સારવાર માટે સંશોધન

ડૉ. અહમદ અલી

ઇમેજ સ્રોત, DR AHMED ALI

ઇમેજ કૅપ્શન, ડૉ. અહમદ અલી લોબાન અને હીરાબોળના ઔષધી તરીકે ઉપયોગ અંગે સંશોધન કરી રહ્યા છે

વૃક્ષમાંથી રાળ તરીકે આ બંને પદાર્થો નીકળે છે અને તે સુકાઈને જામી જાય ત્યારે લોબાન સોનેરી રંગનો ગઠ્ઠો બની જાય છે, જ્યારે હીરાબોળ લાલ અને બ્રાઉન રંગના ક્રિસ્ટલ જેવો લાગે છે.

ડૉ. અલી મૂળે સોમાલીથી છે અને ન્યૂપૉર્ટમાં રહે છે, તેઓ લોબાનના વિશ્વપ્રસિદ્ધ જાણકાર છે.

તેઓ યુનિવર્સિટીના બાયૉસાયન્સ વિભાગમાં કામ કરે છે અને કૅન્સરથી માંડીને કરચલીના ઉપચાર માટે આ પદાર્થોનો કેવી રીતે ઉપયોગ થઈ શકે તે માટેના પ્રયોગો કરે છે.

તેમણે શોધી કાઢ્યું છે કે સામાન્ય લોબાન કરતાં સોમાલી લોબાનમાં જુદા પ્રકારનાં રસાયણો હોય છે અને તેના કારણે ઘણી બધી સારવારમાં તેનો ઉપયોગ થઈ શકે છે.

ડૉ. અલી કહે છે, "અમે શોધી કાઢ્યું છે કે તમે સોમાલી લોબાનની અમુક જાતમાંથી પદાર્થ કાઢીને તેનો ઉપયોગ કૅન્સરમાં કરો, ત્યારે તે કૅન્સરના કોષના મેટાસ્ટેટિસ પર ઇન્વીટ્રો કામ કરે છે. એટલે કે તમે કૅન્સરના કોષોને ફેલાતા રોકી શકો છો."

હીરાબોળમાં પણ ખાસ કરીને સુગંધી પદાર્થ આવે છે, તેનો પણ કૅન્સરમાં શું ઉપયોગ થઈ શકે તે માટે અભ્યાસ થઈ રહ્યો છે.

બાયૉસાયન્સમાં ડૉ. અલી સાથે સંશોધન પર કામ કરી રહેલા પ્રોફેસર રિચાર્ડ ક્લાર્કસન કહે છે કે આ સંશોધનને કારણે કૅન્સરની સારવારમાં મહત્ત્વની પ્રગતિ થઈ શકે છે.

તેમણે જણાવ્યું કે, "સામાન્ય રીતે વાત કરીએ તો કૅન્સરને વધુ કોષો સુધી ફેલાતું અટકાવવા માટેના નવા પદાર્થો અને દવાની શોધ પર સૌથી વધુ ધ્યાન અપાઈ રહ્યું છે. જોકે તેને ક્લિનિકમાં અમલમાં લાવવાનું મુશ્કેલ છે."

આ માટેના ક્લિનિકલ પ્રયાગો કરવાના હોય તેમાં બહુ સમય લાગે છે, બહુ ખર્ચાળ હોય છે અને મુશ્કેલ પણ હોય છે એમ તેઓ સમજાવે છે.

line

સોનું, લોબાન અને સુગંધી પદાર્થ હીરાબોળના અન્ય ઉપયોગ

સોનું, લોબાન અને સુગંધી પદાર્થ હીરાબોળનો ઔષધ તરીકે ઉપયોગ કરી શકાય કે કેમ એ અંગે વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોનું, લોબાન અને સુગંધી પદાર્થ હીરાબોળનો ઔષધ તરીકે ઉપયોગ કરી શકાય કે કેમ એ અંગે વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે

આમ છતાં પ્રોફેસર ક્લાર્કસન કહે છે તે પ્રમાણે પ્રયોગશાળામાં કૅન્સરના કોષો પર હુમલો કરીને, તંદુરસ્ત કોષોને હાની કર્યા વિના તેનો નાશ કરે તેવા કોઈ પણ પદાર્થને બહુ ઉપયોગી માનવામાં આવે છે.

તેઓ કહે છે, "કૅન્સરના કોષોને શોધીને તેનો નાશ કરે અને સાથે તંદુરસ્ત કોષને નુકસાન ના કરે તેવું બંને રીતે કામ કરનારું કશુંક તમે શોધી રહ્યા હો, ત્યારે હીરાબોળનો અર્ક ઉપયોગી લાગે અને તેની સાથે લોબાનને ભેળવીએ તો તે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે."

"ઐતિહાસિક રીતે પણ આ પદાર્થોને બહુ ઉપયોગી ગણવામાં આવતા રહ્યા છે, તેથી પણ મામલો રસપ્રદ બને છે."

ડૉ. અલી કહે છે કે લોબાનના બીજા ફાયદા વિશેની તપાસ કરી ત્યારે, એ પણ ખ્યાલ આવ્યો કે તે સોજો પણ રોકી શકે છે.

"આર્થરાઇટિસમાં પણ તે ઉપયોગી થઈ શકે છે. ખાસ કરીને આંતરડામાં સોજો કરતાં અલ્સરેટિવ કોલાઇટિસનાં લક્ષણો રોકવામાં તે ઉપયોગી જણાયું છે."

તેઓ જણાવે છે કે દાંતમાં સડો થતો રોકવા માટે પણ લોબાન ઉપયોગી થાય તેવું છે.

જોકે આ બધાં સંશોધનો હજી પ્રાથમિક સ્તરે છે અને માત્ર પ્રયોગશાળા પૂરતાં જ છે. જોકે આ ત્રણેય પદાર્થોને સદીઓથી કીમતી ગણવામાં આવતા રહ્યા છે.

એબરીસીથ યુનિવર્સિટીના મેડિકલ હિસ્ટ્રીના લેક્ચરર ડૉ. રાશેલ ગિલિબ્રાન્ડ કહે છે કે ભૂતકાળમાં આ પદાર્થોનો કેવી રીતે ઉપયોગ થતો હતો, તે જાણ્યું ત્યારે તેમને બહુ નવાઈ લાગી હતી.

તેઓ કહે છે, "લોબાનનો માત્ર એક જ ઉપયોગ નહોતો. જુદા-જુદા અનેક રોગોમાં તેનો ઉપયોગ થતો હોવાનું જોવા મળ્યું છે."

"હીરાબોળ વધારે રસપ્રદ છે - તે સ્વતંત્ર રીતે ક્યારેય વપરાતું નથી, પણ હંમેશાં બીજા સાથે તેને ભેળવીને ઉપયોગમાં લેવાય છે. અન્ય ઔષધી સાથે તેને સિરપ તરીકે મેળવવામાં આવે છે. અસ્થમામાં રાહત માટે પણ તેનો ઉપયોગ થતો હતો."

line

ત્રણેય પદાર્થનું ધાર્મિક મહત્ત્વ

ઇતિહાસમાં સોનાનો ઉપયોગ દાંતના દુખાવાની સારવાર માટે કરાતો હોવાના પુરાવા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇતિહાસમાં સોનાનો ઉપયોગ દાંતના દુખાવાની સારવાર માટે કરાતો હતો

વિક્ટોરિયા યુગમાં યુવાનોને કૃમિ થાય ત્યારે તેને ધૂપચંદન સાથે કે રમમાં ભેળવીને અપાતું હતું. સોનું જુદા પ્રકારનો પદાર્થ છે, પણ તેનોય દવામાં ઉપયોગ થતો રહ્યો છે.

ડૉ. ગિલિબ્રાન્ડ કહે છે કે આધુનિક તબીબી જગતના જનક હિપોક્રેટેસ દાંતની સારવાર માટે સદીઓ પહેલાં સોનાની ભલામણ કરી હતી. દુનિયામાં આજેય સુવર્ણભસ્મનો ઉપયોગ ઔષધી તરીકે થતો રહે છે.

તેઓ વધુમાં જણાવે છે, "ગ્રીસમાં ઉત્ખનન દરમિયાન ગ્રીક સૈનિકનું હાડપીંજર મળ્યું હતું. આ સૈનિક અગાઉ ઘાયલ થયો હશે એવું અનુમાન હતું અને તેના જડબાને સોનાના તારથી જોડાયું હોય એમ લાગતું હતું."

"તેનો અર્થ એવો થયો કે માત્ર લખાણમાં જ આ બધી વાતો નથી, પણ સોનાનો આ રીતે સારવારમાં ઉપયોગ પણ થતો હતો."

કૅન્સરની સારવારમાં પણ સોનાનો ઉપયોગ થતો રહ્યો છે.

સોનું બીજા પદાર્થો સાથે બહુ પ્રતિક્રિયા કરતું નથી અને તેના આઇસોટોપ્સનો ઉપયોગ રેડિયેશન થેરપીમાં કરવામાં આવે છે. તેના કારણે ઍક્સ-રે વધારે સારી રીતે શોષી શકાય અને થેરપી વધારે અસરકારક થાય.

જોકે બે હજાર વર્ષ પહેલાં બાળ ખ્રિસ્તને ભેંટ અપાઈ ત્યારે તેનું મહત્ત્વ જુદું હતું.

લોબાન અને હીરાબોળ બંનેનો ઉપયોગ સુગંધી ધૂપ તરીકે થતો હતો અને તે ઉપયોગ માટે જ તેની ભેંટ બાળ ઈસુને આપવામાં આવી હશે.

હીરાબોળનું તેલ બનાવીને પણ લેપ તરીકે ઉપયોગમાં લેવાતું હતું. સોનું ત્યારે પણ કીમતી ગણાતું હતું, કેમ કે તેનો ચમકતો રંગ કાયમ આકર્ષક રહ્યો છે.

રાઇટ રેવરન્ડ ગ્રેગરી કેમેરોનના બિશપ જણાવે છે કે આ ત્રણેય ભેટ આપવામાં આવેલી તેનું ધાર્મિક મહત્ત્વ પણ છે. જોકે બાઇબલમાં નેટિવિટી એટલે કે નાતાલ વખતે સુશોભનનો બહુ ઓછો ઉલ્લેખ છે.

"ખ્રિસ્તી ધર્મમાં ખ્રિસ્ત ત્રણ હોદ્દાઓ ધારણ કરનારા ગણાય છે - સંદેશવાહક, પૂજારી અને રાજા."

"તેથી હીરાબોળ તેમને સંદેશવાહક તરીકે, લોબાન તેમને પૂજારી તરીકે અને સોનું તેમને રાજા તરીકે ભેટમાં આપવામાં આવ્યું હતું."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન