કોરોના રસી : આજથી 15થી 18 વર્ષનાં બાળકોને કોવૅક્સિન જ કેમ અપાઈ?
- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા
ઘણા મહિનાઓથી ચાલી રહેલી ચર્ચાઓ પછી આખરે ત્રીજી જાન્યુઆરી 2022થી ભારતમાં 15થી 18 વર્ષનાં બાળકોને કોવિડ-19ની રસી આપવાનો આરંભ થઈ રહ્યો છે.
આ પ્રક્રિયાનું ખાસ મહત્ત્વ એટલા માટે છે કે કોરોના વાઇરસના ઓમિક્રૉન વૅરિયન્ટે ભારતમાં એન્ટ્રી કરી લીધી છે અને સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં દેખાયેલો ઓમિક્રૉન વૅરિયન્ટ ભારતમાં ઝડપથી પ્રસરી રહ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images
કોરોનાના આ નવા વૅરિયન્ટનો સામનો કરવા માટે ભારત સરકારે રસીકરણ અભિયાનને વધારે સુદૃઢ કરવા કેટલાક મહત્ત્વના નિર્ણયો કર્યા હતા.
એક તરફ ત્રીજી જાન્યુઆરીથી 15થી 18 વર્ષનાં બાળકોનું રસીકરણ શરૂ થવાનું છે, તો બીજી તરફ 10 જાન્યુઆરી 2022થી હૅલ્થકેર કર્મચારીઓ, ફ્રન્ટલાઇન કર્મચારીઓ અને 60 વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકોને પણ કોરોનાનો ત્રીજો (બુસ્ટર) ડોઝ આપવાનું શરૂ કરાશે.
નોંધવું જોઈએ કે, ભારતમાં અત્યાર સુધીમાં 144 કરોડથી વધુ નાગરિકોને કોરોના-પ્રતિકારક રસી અપાઈ ચૂકી છે. એમાંના 84 કરોડ લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 60 કરોડ લોકોને રસીનો બીજો ડોઝ અપાઈ ગયો છે.
એક અનુમાન અનુસાર, રસીકરણના આ તબક્કામાં ભારતનાં આઠથી નવ કરોડ બાળકોને રસીના બે ડોઝ અપાશે.

બાળકોને કઈ રસી અપાશે?

ઇમેજ સ્રોત, Getty Images
15થી 18 વર્ષ સુધીની વય ધરાવતાં બાળકોને માત્ર ભારત બાયોટૅકની 'કોવૅક્સિન' રસી અપાશે.
રસીકરણ માટે બુકિંગ કરાવવા માટે, 15 વર્ષ અને એનાથી વધારે વય ધરાવતા લોકોએ CoWinની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જે લોકોનો જન્મ 2007 કે તે પહેલાં થયો હોય તેવા લોકો આ રસીકરણ ઝુંબેશમાં રજિસ્ટ્રેશન કરી શકશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રસી મુકાવવા માગતા લોકો CoWinની વેબસાઇટ પર જઈને નવું ખાતું ખોલી શકે છે અથવા તો પહેલાંથી બનાવેલા ખાતાનો ઉપયોગ કરીને પણ આ રસીકરણ માટે રજિસ્ટર થઈ શકે છે.
એનો અર્થ એ કે, 18 વર્ષથી વધારે વય ધરાવતા જે લોકોનાં CoWin એકાઉન્ટ પહેલેથી જ છે તેઓ એ જ એકાઉન્ટમાં પોતાના પરિવારનાં 15થી 18 વર્ષનાં બાળકોને રસી અપાવવા માટે નામ નોંધાવી શકે છે.
આ ઉપરાંત, 15થી 18 વર્ષ સુધીનાં બાળકો સીધા જ રસીકરણ કેન્દ્ર પર જઈને પણ રસી મેળવવા માટેની નોંધણી કરાવી શકશે.
એનો અર્થ એ કે, રસી મુકાવવાનો દિવસ અને સમય CoWin વેબસાઇટ પર બુક કરાવી શકાય છે અથવા તો સીધા રસીકરણ કેન્દ્ર પર જઈને.
ડૉ. સુનીલા ગર્ગ ઇન્ડિયન એસોસિયેશન ઑફ પ્રિવેન્ટિવ ઍન્ડ સોશિયલ મેડિસિનનાં રાષ્ટ્રીય અધ્યક્ષા છે. તેઓ લૅન્સેટ કોવિડ-19 કમિશન ઇન્ડિયા ટાસ્ક ફૉર્સનાં પણ સદસ્યા છે.
ડૉ. ગર્ગનું કહેવું છે કે, "બાળકોને રસી આપવાનો નિર્ણય એક મહત્ત્વપૂર્ણ પગલું છે, કેમ કે, 15, 16, 17 વર્ષનાં બાળકો વયસ્ક થવાની ખૂબ નજીક હોય છે."
તેમણે જણાવ્યું કે, "આ જ કારણ છે કે આ વયવર્ગને પણ એટલી માત્રામાં જ રસીનો ડોઝ અપાશે જેટલો 18 વર્ષથી વધારે ઉંમર ધરાવતા લોકોને અપાય છે."
"15થી 18 વર્ષનાં બાળકોને પણ રસીના બે ડોઝ અપાશે અને બે ડોઝ વચ્ચે છ અઠવાડિયાંનો ગાળો રાખીને રસી આપવામાં આવશે, કેમ કે અત્યારે એમને કોવૅક્સિન રસી મુકાશે."

કોવૅક્સિન જ કેમ?

ઇમેજ સ્રોત, ANI
કોવૅક્સિનની નિર્માતા ભારત બાયોટૅકે જણાવ્યું છે કે બીજા અને ત્રીજા ચરણના અધ્યયનમાં કોવૅક્સિન બાળકો માટે સુરક્ષિત અને અસરકારક જણાઈ છે.
ઉલ્લેખનીય છે કે, જૂન 2021થી સપ્ટેમ્બર 2021 દરમિયાન ભારત બાયોટૅકે કુલ 525 બાળકો પર કોવૅક્સિનનું પરીક્ષણ કર્યું હતું.
આ પરીક્ષણ 2થી 18 વર્ષની વય સુધીનાં બાળકો પર કરાયું હતું. ટ્રાયલને ત્રણ વયવર્ગમાં વિભાજિત કરાઈ હતી. પહેલો વર્ગ 12થી 18 વર્ષનો હતો, બીજા વર્ગમાં 6થી 12 વર્ષનાં બાળકોનો સમાવેશ કરાયો હતો અને ત્રીજો વયવર્ગ 2થી 6 વર્ષનાં બાળકોનો હતો.
આ પરીક્ષણમાં પ્રાપ્ત થયેલાં માહિતી અને પરિણામ 2021ના ઑક્ટોબરમાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઑર્ગનાઇઝેશનને સોંપી દેવાયાં હતાં.
તાજેતરમાં જ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ આ વૅક્સિનને 12થી 18 વર્ષનાં બાળકો માટે ઉપયોગ કરવા માટે તત્કાળ માન્ય કરી દીધી.
ભારત બાયોટૅક અનુસાર, આ પરીક્ષણમાં એક પણ અસામાન્ય ઘટના જોવા નથી મળી. કંપનીએ જણાવ્યા અનુસાર, 374 બાળકોએ સામાન્ય કે સામાન્ય કરતાં થોડાં વધુ લક્ષણોની જાણ કરી હતી, જેમાંની 78.6 ટકા ફરિયાદ એક જ દિવસમાં નિવારી દેવાઈ હતી.
ઇન્જેક્શન માર્યાની જગ્યાએ સામાન્ય દુખાવાથી વધારે મોટી એક પણ અસામાન્ય ઘટના નહોતી જણાઈ.
ભારત બાયોટૅકનું કહેવું છે કે, "કોવૅક્સિનને વિશિષ્ટ રીતે તૈયાર કરવામાં આવી છે જેથી વયસ્કો અને બાળકોને એકસમાન ડોઝ આપી શકાય."

શું એમિક્રૉનના ભયના કારણે લેવાયો નિર્ણય?

ઇમેજ સ્રોત, Getty Images
જનઆરોગ્ય વિશેષજ્ઞ ડૉ. ચંદ્રકાન્ત લહરિયાનું કહેવું છે કે ઓમિક્રૉનથી બાળકો માટે કોઈ વધારાનું જોખમ ઊભું નથી થયું.
તેમણે જણાવ્યું કે, "બાળકો માટે પહેલાં જેટલું જોખમ હતું એટલું જ જોખમ હાલ પણ છે. તેથી આ નિર્ણયને ઓમિક્રૉન સાથે જોડીને ન જોઈ શકાય."
ડૉ. લહરિયાએ જણાવ્યું કે બાળકોને ગંભીર પ્રકારની બીમારીઓ ઓછી થાય છે. પરંતુ બાળકો દ્વારા બીજામાં ફેલાનારું સંક્રમણ અટકાવવું ખૂબ જ જરૂરી છે.
તેમણે જણાવ્યું કે, "બાળકોને રસી આપવા બાબતે સંપૂર્ણ સહમતી નહોતી પરંતુ એનો મતલબ એ નહોતો કે એમને ક્યારેય રસી નહીં મુકાય. સવાલ માત્ર એ હતો કે કઈ ઉંમરનાં બાળકોને અગ્રિમતા અપાય."

ઇમેજ સ્રોત, Reuters
ડૉ. લહરિયા અનુસાર, વિશેષજ્ઞો માને છે કે પહેલી અગ્રિમતા વયસ્ક લોકોના રસીકરણની છે.
તેમણે કહ્યું, "જ્યાં સુધી બાળકોની રસીની વાત છે, તો જાણકારો કહે છે કે 12થી 17 વર્ષનાં બાળકોને પ્રાથમિકતા આપી શકાય, કેમ કે, તેમનો હાઈ-રિસ્ક શ્રેણીમાં સમાવેશ થાય છે."
તો, ડૉ. સુનીલા ગર્ગનું માનવું છે કે જ્યારથી ઓમિક્રૉન આવ્યો છે, એણે બધી બાબતોને ગૂંચવી દીધી છે.
તેમણે જણાવ્યું કે, "લોકોએ ઘણો ઊહાપોહ મચાવેલો કે બાળકોને રસી આપવી જોઈએ, પણ હવે જ્યારે રસી મૂકવા જઈ રહ્યા છે તો ઘણા બધા લોકો અચકાઈ રહ્યા છે. 80ના દાયકામાં જ્યારે રસીકરણ અભિયાન શરૂ થયું હતું ત્યારે લોકોને પોતાનાં બાળકોને રસી મુકાવવામાં જેટલો ખચકાટ હતો, એવી જ આ સ્થિત છે."
સાથે તેમણે ઉમેર્યું કે, જે બાળકો પહેલાંથી જ કોઈ રોગ ધરાવે છે, એમના માટે રસી ફાયદાકારક રહેશે.
એમણે જણાવ્યું કે, "તાજેતરમાં નેશનલ ન્યૂટ્રિશન સરવેનો નવો ડેટા આવ્યો છે, એ દર્શાવે છે કે બાળકોમાં સ્થૂળતાની સમસ્યા વધી રહી છે. એના આંકડા અનુસાર ભારતમાં 100માંથી 4 બાળકો સ્થૂળતાગ્રસ્ત છે. અને આ સ્થૂળતાની સમસ્યા નાનાં બાળકો કરતાં મોટાં બાળકોમાં વધુ છે."

હવે શું થશે?
આરોગ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે આવનારા સમયમાં 15 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોના રસીકરણની સંભાવના પણ છે.
ડૉ. સુનીલા ગર્ગે જણાવ્યું કે સમયની સાથે 15 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને પણ વૅક્સિન આપવા અંગે વિચારવું પડશે.
તેમણે કહ્યું કે, "12 કરતાં વધારે વર્ષનાં બાળકોને રસી મૂકી શકાય એમ છે."
ડૉ. ચંદ્રકાન્ત લહરિયાએ જણાવ્યું કે આવનારા સમયમાં નેસલ વૅક્સિન આવી જશે, જે બાળકોને બીમારીઓથી પણ બચાવશે અને સાથે જ સંક્રમણ પણ ઘટાડશે.
તેમણે જણાવ્યું કે, "કેટલાક ગણ્યાગાંઠ્યા દેશોએ 12 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને રસી આપવાનું શરૂ કર્યું છે. મોટા ભાગના દેશોમાં બાળકોને રસી આપવાનું શરૂ નથી કરાયું. અને જ્યાં એની શરૂઆત થઈ છે એમાંના મોટા ભાગના દેશો 12થી 17 વર્ષનાં બાળકો પર ફોકસ કરે છે. દરેક દેશની પરિસ્થિતિ જુદી છે અને દરેક દેશની નિર્ણયપ્રક્રિયા અલગ હોય છે."
ડૉ. સુનીલા ગર્ગના જણાવ્યા અનુસાર, જાયકોવ-ડી, કોર્બેવૅક્સ અને નેસલ વૅક્સિન આવ્યા પછી 15 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને રસી આપવા અંગે વિચારી શકાય એમ છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














