ભૂપેન્દ્ર પટેલનો રોડ શો : ભાજપ સરકારને કોરોનાની ત્રીજી લહેરનો ડર નથી?
- લેેખક, હરિતા કાંડપાલ
- પદ, બીબીસી સંવાદદાતા
એક તરફ ગુજરાત દેશનાં એ રાજ્યોમાં સામેલ છે જ્યાં કોરોનાના વધતા કેસને કારણે કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરી છે. તો બીજી તરફ ગુજરાત સરકાર સુશાસન સપ્તાહનું આયોજન કરી રહી છે, જેના સમાપન સમારોહનું રાજકોટમાં ભવ્ય આયોજન કરાયું.
ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના સ્વાગતમાં શુક્રવારે રાજકોટમાં ભવ્ય રોડશોનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં હજારો લોકો સામેલ થયા હતા.

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશમાં નવ શહેરી જિલ્લાઓ અને છ "ઇમર્જિંગ સ્ટેટ ઑફ કન્સર્ન" જાહેર કર્યા, જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તામિલનાડુ સામેલ છે. સાપ્તાહિક કેસની સંખ્યા અને પૉઝિટિવિટી રેટના ચઢતાં ગ્રાફને જોતાં આ યાદી તૈયાર કરાઈ છે.
ગુરુવારે સાંજે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી પ્રમાણે 24 કલાકમાં રાજ્યમાં 573 કેસ નોંધાયા હતા. જેમાંથી સૌથી વધારે 269 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા હતા. જ્યારે સુરત અને વડોદરા શહેરમાં અનુક્રમે 74 અને 41 કેસ નોંધાયા છે.
રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા આ બાબતે ભાજપ પર કોરોનાની ત્રીજી લહેરની ભીતિને અવગણીને આ કાર્યક્રમો યોજવાનો આરોપ લગાવાયો છે.
જો કે ગુજરાત ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે આ કાર્યક્રમો ખુલ્લાંમાં થતા હોય છે અને કોરોના એસઓપીના નિયમોનું પાલન થતું હોય છે.

હાલમાં ગુજરાતમાં ઓમિક્રૉનની સ્થિતિ શું છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
સમગ્ર ભારત સહિત ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, કેટલાક તજજ્ઞો તેને ત્રીજી લહેરનાં એંધાણ ગણાવે છે.
જોકે ગુજરાતમાં બુધવારે પણ 500થી વધુ કોરોનાના કેસ નોંધાયા હતા. દેશમાં કોરોના વાઇરસના વૅરિયન્ટ ઓમિક્રૉનના કુલ 1270 કેસ નોંધાયા છે. ત્યારે ગુજરાતમાં ઝડપથી ફેલાતા ઓમિક્રૉન વૅરિયન્ટના 97 કેસની પુષ્ટિ થઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી તરફ તકેદારીના ભાગરૂપે ગુજરાત સરકારે પણ થોડા દિવસો પહેલાં રાજ્યનાં આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં વધારો કરીને રાત્રિના 11 વાગ્યાથી માંડીને વહેલી સવારના પાંચ વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવાની જાહેરાત કરી દીધી હતી.
ગુજરાતમાં પાછલા અમુક દિવસોથી વિવિધ પ્રકારના સરકારી કાર્યક્રમોના આયોજનને પગલે ભારે ભીડ એકઠી થતી હોવાની વાતની વિવિધ મીડિયા પ્લૅટફૉર્મ પર અને સામાન્ય લોકોમાં સરકારની ટીકા થઈ રહી છે.
ઘણા લોકો એવો પણ સવાલ કરી રહ્યા છે કે જ્યારે કોરોનાની ત્રીજી લહેરનો ભય સેવાઈ રહ્યો છે ત્યારે રાજકીય કાર્યક્રમોમાં ભીડ ભેગી કરીને ભાજપ શું હાંસલ કરવા માગે છે?

ભાજપે આગામી ચૂંટણીની તૈયારી શરૂ કરી?

ઇમેજ સ્રોત, Bipin Tankaria
ભાજપ સરકારે છેલ્લા કેટલાક દિવસોમાં અનેક કાર્યક્રમો યોજ્યા છે પછી તે નદી ઉત્સવ હોય કે પછી સુશાસન સપ્તાહ કાર્યક્રમ હોય.
પરંતુ રાજકોટમાં સુશાસન સપ્તાહનો ભવ્ય સમાપન સમારોહમાં મુખ્ય મંત્રીથી લઈને કેટલાક મંત્રીઓ ઉપરાંત ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા.
કેટલાક રાજકીય વિશ્લેષકો તેને ચૂંટણીલક્ષી કાર્યક્રમ માને છે તો કેટલાક માને છે કે ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્રમાં પોતાના આંતરિક વિવાદોને ડામવા માટે રાજકોટમાં આ ભવ્ય કાર્યક્રમ યોજાયો.
ભાજપ આગામી ચૂંટણીમાં સૌરાષ્ટ્રને કેટલું મહત્ત્વનું ગણે છે એ આ ભવ્ય રોડશોથી દેખાય છે.
આ અંગે બીબીસી ગુજરાતીએ રાજકીય વિશ્લેષકો અને પત્રકારો સાથે વાત કરી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય કહે છે કે, "નિષ્ણાતો કહે છે કે ત્રીજી લહેર આવવાની છે એમાં કોઈ શંકા નથી. જ્યારે પ્રશ્ન છે કે રાજકોટમાં જ કેમ ભાજપ રેલી કરી રહ્યો છે, મુખ્ય મંત્રીના સ્વાગતમાં આટલો ભવ્ય કાર્યક્રમ કરવાની જરૂર છે? આ એક નવી વાત છે."
તેઓ માને છે કે આવા સમયે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના સન્માનમાં આટલો મોટો રોડશો કરવા પાછળનું કારણ ભાજપનું સ્થાનિક રાજકારણ છે.
"ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી રાજકોટના છે અને તેમને હઠાવીને ભૂપેન્દ્ર પટેલને મુખ્ય મંત્રી બનાવાયા હતા. હવે સ્થાનિક સ્તરે જોઈએ તો ભાજપના બે જૂથ છે એક વિજય રૂપાણીનું જૂથ અને બીજું તેમની સામેનું જૂથ. ભૂતપૂર્વ મુખ્ય મંત્રીના શહેરમાં વર્તમાન મુખ્ય મંત્રીનું ભવ્ય સ્વાગત કરાયું. તેમાં ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ અને પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા."
જગદીશ આચાર્ય કહે છે કે, "આ રૂપાણી જૂથની સામે શક્તિપ્રદર્શન છે. આ કાર્યક્રમથી ભાજપ દેખાડવા માગે છે કે બંને જૂથો વચ્ચે કોઈ વિવાદ અને વિખવાદ નથી."

સૌરાષ્ટ્ર ભાજપ માટે કેટલું મહત્ત્વનું?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ફૂલછાબ અખબારના તંત્રી કૌશિક મહેતા કહે છે કે, "આવી રેલીઓ ટાળવી જોઈએ, વડા પ્રધાન મોદી પોતે રાષ્ટ્રજોગ સંબધનમાં કહે કે સોશિયલ ડિસ્ટન્સિંગ પાળો, કોરોના સામેના નિયમો પાળો પરંતુ એમની જ પાર્ટીના લોકો ન સાંભળે તો શું સંદેશ જાય."
"રાજકોટમાં જે કાર્યક્રમ યોજાયો તે ટાળી શક્યા હોત, કારણ કે ત્રીજી લહેરનો ભય શરૂ થઈ ગયો છે અને લોકો પહેલાંથી મુશ્કેલીમાં જીવી રહ્યા છે."
ત્યારે જગદીશ આચાર્ય કહે છે કે "વિધાનસભા ચૂંટણીને ગુજરાતમાં હજી વાર છે. લોકોમાં મુખ્ય મંત્રીના કાર્યક્રમની કોઈ અસર હાલ નથી થવાની. ચૂંટણીલક્ષી રાજકીય ફાયદો થાય એવું પણ જરૂરી નથી. પરંતુ સી.આર. પાટીલ અને ભૂપેન્દ્ર પટેલના જૂથને સારું લગાડવા આ કાર્યક્રમ કરાયો છે પરંતુ તેનો ભોગ લોકો બનશે."
જગદીશ આચાર્ય કહે છે કે "દરેક રાજ્યના મુખ્ય મંત્રી અનેક શહેરોની મુલાકાતે જતા હોય છે એ તેમની ફરજમાં આવે છે. ભૂપેન્દ્ર પટેલ પહેલાં પણ રાજકોટ આવ્યા હતા પરંતુ હાલ જ્યારે કોરોનાની ત્રીજી લહેરનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે ત્યારે આવો કાર્યક્રમ કરવાથી લોકો માટે ખતરો વધી ગયો છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
કૌશિક મહેતા કહે છે કે, "આ ભાજપની સ્ટાઇલ છે. ચૂંટણીના એક-બે વર્ષ પહેલાં જ ચૂંટણીની તૈયારી શરૂ થઈ જાય છે. ગુજરાતમાં પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીને હજી કોઈ મોટી જવાબદારી સોંપાઈ નથી. ત્યારે તેમના સમર્થક જૂથમાં કોઈ નારાજગી ન રહે અને લોકોમાં સંદેશ જાય તે તેમની સાથે પૅચઅપ થઈ ગયું છે તે માટે આ કાર્યક્રમ રાજકોટમાં ભવ્ય રીતે યોજવામાં આવ્યો છે."
તેઓ આગળ છે કે "સૌરાષ્ટ્ર માટે પહેલેથી ભાજપ માટે પડકાર રહ્યું છે. બીજું ફૅક્ટર પાટીદારોનું પણ છે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે હાલમાં જે નિવેદનો કર્યાં છે તેનાથી હજી ચિત્ર સ્પષ્ટ નથી."
ગુજરાતના રાજકારણમાં પાટીદારોનું ફૅક્ટર મહત્ત્વનું ગણાય છે અને ગુજરાતમાં આખે આખી કૅબિનેટ બદલી દેવાઈ તથા પાટીદાર મુખ્ય મંત્રી બનાવાયા છે.
કૌશિક મહેતા કહે છ કે, "સૌરાષ્ટ્રમાં હજી પણ એવા જિલ્લા છે જ્યાં ભાજપ પોતાને નબળો ગણી શકે છે. ત્યારે નરેશ પટેલ કઈ બાજુએ ઢળશે એ સ્પષ્ટ નથી. નરેશ પટેલ ચૂંટણી લડશે તો ક્યાંથી લડશે એ નક્કી નથી."
"આમ આદમી પાર્ટીએ પણ પટેલોને મહત્ત્વ આપ્યું છે. તેનું પ્રમાણ સુરતમાં જોવા મળ્યું. સુરત જ્યાં સૌરાષ્ટ્રના પટેલોનું વર્ચસ્વ છે ત્યાં આમ આદમી પાર્ટીએ મ્યુનિસિપલ કૉરપોરેશનમાં વિપક્ષમાં સ્થાન મેળવ્યું તો આ બધાં ફૅક્ટરને લઈને ભાજપ રાજકોટમાં શક્તિપ્રદર્શન કર્યું હોય તેવું માની શકાય."

કોરોના મહામારી અને લોકો પ્રત્યે જવાબદારી?

ઇમેજ સ્રોત, Bipin Tankaria
આ રોડશોની ટીકા કેમ થઈ રહી છે એ ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા આંકડા અને આ રોડશોમાં ભેગી થયેલી ભીડ જોઈને સમજી શકાય છે.
રાજકોટમાં સવારે 11:15 વાગ્યાની આસપાસ શરૂ થયેલા રોડ શોમાં ભાજપના મંત્રીઓથી માંડીને હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા.
બીબીસીના સહયોગી બિપિન ટંકારિયાના જણાવ્યા પ્રમાણે, રોડ શો શરૂ થયા બાદ દરેક ચાર રસ્તા પરથી લોકો તેમાં જોડાતા હતા અને ધર્મેન્દ્રસિંહ કૉલેજ સુધી પહોંચતાં તેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાઈ ચૂક્યા હતા.
મુખ્ય મંત્રી પટેલ સહિત ભાજપના તમામ નેતાઓ ઍરપૉર્ટથી લઈને સમગ્ર રોડ શો અને એ બાદનો કાર્યક્રમ શરૂ થયો ત્યાં સુધી માસ્ક પહેરીને રાખ્યું હતું.
જોકે, રોડ શોમાં જોડાયેલા લોકો અને અભિવાદન માટે એકઠા થયેલા ઘણા લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા અને દરેક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળ્યો હતો.
રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા આ બાબતે ભાજપ પર કોરોનાની ત્રીજી લહેરની ભીતિને અવગણીને આ કાર્યક્રમો યોજવાનો આરોપ લગાવાયો છે.
શહેર કૉંગ્રેસે 'કોરોનામાં ભીડ એકઠી ન કરવાની શીખ આપનારા ભાજપ પર પોતાના કાર્યક્રમો થકી ભીડ એકઠી કરવાનો' કટાક્ષ પણ કર્યો હતો.
ગુજરાત ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે બીબીસી ગુજરાતીને કહ્યું કે "આવા કાર્યક્રમો ખુલ્લામાં અને કોરોના અંગેની એસઓપીને ધ્યાનમાં રાખીને યોજવામાં આવે છે. ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કહ્યું કે જો કોરોનાને રોકવો હોય તો પહેલાં ભાજપના કાર્યકરો અને સરકારી અધિકારીઓ તકેદારી રાખવી પડશે."
આ કાર્યક્રમ ચૂંટણીલક્ષી હોવાની વાતને નકારતા યમલ વ્યાસે કહ્યું કે ચૂંટણી સાથે આ કાર્યક્રમને કંઈ સંબંધ નથી. ગુજરાતની સરકારે રાજકોટ માટે જેટલાં કામ કર્યાં છે તેનાથી લોકોને માહિતગાર કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો.
એ સિવાય પાર્ટીમાં કોઈ પણ પ્રકારના વિખવાદની વાત ફગાવતાં તેઓ કહે છે કે" પાર્ટીમાં કોઈ પણ પ્રકારનો આંતરિક વિવાદ નથી. વિજય રૂપાણી પણ વારંવાર કહી ચૂક્યા છે કે તેઓ પોતે પાંચ વર્ષ સુધી મુખ્ય મંત્રી રહ્યા હતા અને હવે તેઓ પાર્ટી માટે કામ કરશે."

ઇમેજ સ્રોત, Bipin Tankaria
રાજકીય વિશ્લેષક હરિ દેસાઈ કહે છે કે "આ બધા કાર્યક્રમો ચૂંટણી પ્રચારલક્ષી જ છે. ચૂંટણી અને જનસંપર્ક માટે સરકારી તંત્રનો કેટલો વધુમાં વધુ ઉપયોગ થાય એ તેમની કોશિશ છે. તેમનું સંપર્ક અભિયાન પૂરું થશે તો વહેલી ચૂંટણી પણ આવી શકે છે."
તેઓ કહે છે કે "આખા દેશમાં આવો જ માહોલ છે. યુપી સહિત આવનારા મહિનાઓમાં ચૂંટણી આવી રહી છે ત્યારે વડા પ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અનેક રાજ્યોમાં કાર્યક્રમો યોજી રહ્યા છે. ભાજપ એક રીતે ઇલેક્શન મોડમાં જ રહે છે."
કોરોના સંક્રમણને લઈને વધતી ચિંતા વિશે વાત કરતા વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય કહે છે કે, "કોરોનાની બીજી લહેર પહેલાં ગત વર્ષે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આવો જ માહોલ ઊભો થયો હતો. જિલ્લા પંચાયત ચૂંટણી પહેલાં મોટા-મોટા કાર્યક્રમો અને રેલીઓ યોજાયા હતા.અને પછી જે કોરોના સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખૂણેખૂણે પહોંચી ગયો હતો."
તેઓ માને છે કે હાલ જે થઈ રહ્યું છે તે કોરોનાની બીજી લહેર પહેલાં જે થયું તેનું પુનરાવર્તન છે.
યુપી અને અન્ય રાજ્યોની આગામી ચૂંટણી અંગે ચૂંટણીપંચે જણાવ્યું કે બધા રાજકીય પક્ષો ઇચ્છતા હતા કે સમયસર ચૂંટણી થવી જોઈએ.
આ અંગે વાત કરતા જગદીશ આચાર્ય કહે છે કે બધી પાર્ટીઓ ઇચ્છે કે ચૂંટણી સમયસર થાય પરંતુ ભાજપ સત્તાધારી પક્ષ છે તેથી તેની જવાબદારી છે કે તે આ અંગે સ્થિતિને જોતાં નિર્ણય લે.

બીજી લહેરમાં ગુજરાતની સ્થિતિ કેવી થઈ હતી?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ગુજરાતમાં બીજી લહેરને પરિસ્થિતિ કફોડી થઈ હતી.
અમદાવાદ તથા સુરત સહિત અનેક શહેરોમાં હૉસ્પિટલોમાં બૅડ્સની અછતને કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.
કોરોનાની બીજી લહેર વખતે ગુજરાતમાં હૉસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછતના અહેવાલ આવ્યા હતા. ઓક્સિજન તથા જરૂરી દવાઓ મેળવવામાં પણ લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને આ વસ્તુઓની કાળાબજારીની અહેવાલ પણ આવ્યા હતા.
સુરત અને અમદાવાદ સહિત રાજકોટમાં કોરોનાને કારણે એટલી મોટી સંખ્યામાં મૃત્યુ પામી રહ્યા હતા કે સ્મશાનગૃહોમાં પણ લાઇનો લાગી હતી.
સુરતમાં તો એક સ્મશાનગૃહમાં સતત એટલા મૃતદેહોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા કે ત્યાંની ચીમની ઓગળી ગઈ હોવાના અહેવાલ આવ્યા હતા.
પરંતુ માર્ચ 2021માં બીજી લહેરે જ્યારે વેગ પકડ્યો હતો ત્યાર પહેલાં જ ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી.

ઇમેજ સ્રોત, @BJP4GUJARAT TWITTER
રાજકીય પક્ષોની રેલીઓ અને ચૂંટણીલક્ષી કાર્યક્રમોને લઈને ત્યારે પણ પ્રશ્નો ઊભા થયા હતા. એવા આરોપ થયા હતા કે રાજકીય પક્ષોની ચૂંટણી રેલીઓને કારણે કોરોના વાઇરસ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખૂણેખૂણે પહોંચ્યો હતો.
ગત વર્ષે ગુજરાત ભાજપના પ્રમુખ બનાવાયા પછી સી.આર. પાટીલે મોટી રેલીઓ યોજી હતી.
એ વખતે કોરોના વાઇરસના ઍક્ટિવ કેસ તથા મૃત્યુની સંખ્યાની દૃષ્ટિએ સુરત સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમાંક પર હતું.
એ બાદ લગભગ દોઢ મહિના સુધી સી. આર. પાટીલે ગુજરાતનો પ્રવાસ ખેડ્યો હતો.
આ દરમિયાન અનેક વખત તેમના જાહેર તથા પ્રમાણમાં નાના ખાનગી કાર્યક્રમમાં કોવિડ-19 સંબંધિત માર્ગદર્શિકાનો ભંગ થતો જણાયો, જે તેમની ટ્વિટર ટાઇમલાઇન પર પણ જોઈ શકાય છે.
એ વખતે કૉંગ્રેસે તેમને કોરોના વાઇરસના 'સુપર સ્પ્રેડર' ગણાવ્યા હતા.
નોંધનીય છે કે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા પ્રમાણે, જાહેર સ્થળોએ બે વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછું એક મીટરનું અંતર જાળવવા, જાહેરસ્થળોએ માસ્ક પહેરવા, છીંક કે ઉધરસ ખાતી વખતે નાક તથા મોં આડે રૂમાલ રાખવા જેવી સૂચના આપવામાં આવી છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












