કોરોના વૅક્સિન: કોરોનામાંથી બચાવતી mRNA રસી શું બીજા રોગોને પણ નાથીને આપણને "સુપરહ્મુમન" બનાવી શકે?
- લેેખક, ટીમ સ્મેડલે
- પદ, બીબીસી ફ્યુચર
લંડનની એક પ્રયોગશાળામાં એક વર્ષ પહેલાં એન્ના બ્લૅકની વિજ્ઞાનના બહુ ઓછા જાણીતા વિશેષ પ્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યાં હતાં.
વિજ્ઞાન ક્ષેત્રની બહારના બહુ થોડા લોકોએ mRNA રસી વિશે સાંભળ્યું હતું. કારણ કે એવી રસી હજી બની જ નહોતી.
2019માં એન્નાએ એક વાર્ષિક પરિષદનું આયોજન કરેલું તેમાં સેંકડો નહીં, પણ એક આંકડામાં આવી જાય એટલા લોકોએ જ હાજરી આપી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
આજે એન્નાને સાંભળવા સૌ કોઈ તત્પર છે. તેઓ કૅનેડાની બ્રિટિશ કૉલંબિયા યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. સાયન્સ કમ્યુનિકેટર તરીકે તેમના 253,000 ફૉલોઅર્સ છે અને ટિકટૉક પર તેમને 37 લાખથી વધુ 'લાઇક્સ' મળેલી છે.
તેઓ કબૂલે છે કે તેઓ યોગ્ય સમયે યોગ્ય સ્થળે હાજર હતાં અને તેમને વિજ્ઞાનની પ્રગતિના મહત્ત્વના તબક્કે તેમાં જોડાવાની તક મળી હતી.
કોરોના રોગચાળાને કારણે ઘણા લોકોને હવે mRNA વૅક્સિન વિશે સાંભળવા મળ્યું છે અને ફાઇઝર-બાયોએનટેક તથા મૉડર્ના જેવી કંપનીઓની આવી રસી તેમણે લીધી પણ છે.
જોકે 2016માં તેમણે લંડનની ઇમ્પિરિયલ કૉલેજમાં પીએચ.ડી. કરવાનું શરૂ કર્યું ત્યારે, "ઘણા લોકોને શંકા હતી કે આવી રસી કામ કરી શકે ખરી." બ્લૅકની કહે છે કે હવે "mRNA સંશોધનનું ક્ષેત્ર ઝડપથી ફેલાઈ રહ્યું છે. દવાના ક્ષેત્રમાં આ મહત્ત્વનું પરિવર્તન છે."
આ પરિવર્તનને કારણે કેટલાક મહત્ત્વના અને રસપ્રદ સવાલો ઊભા થાય છે : શું mRNA વૅક્સિનથી કૅન્સર, એચઆઇવી, ટ્રૉપિકલ બીમારીઓની સારવાર થઈ શકશે અને તેનાથી સુપરહ્મુમન પ્રકારની રોગપ્રતિકારક શક્તિ આપણને મળી શકશે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

પરંપરાગત રસી કરતાં ઝડપી

ઇમેજ સ્રોત, Getty Images
મૅસેન્જર રિબોન્યુક્લિક એસિડ એનું ટૂંકાક્ષરી બન્યું છે mRNA. આ એક જ સ્ટ્રેન્ડ ધરાવતો મોલેક્યુલ (કણ) છે, જે જેનેટિક કોડ DNAને કોષમાં રહેલા પ્રોટીન ઉત્પન્ન કરનારા વિભાગ સુધી પહોંચાડે છે.
આપણો જેનેટિક કોડ mRNA વિના ઉપયોગમાં આવી શકે નહીં, પ્રોટીનનું ઉત્પાદન પણ થાય નહીં અને આપણું શરીર કામ કરી શકે નહીં. DNA એટલે બૅન્કનું કાર્ડ છે એમ ગણો તો mRNA કાર્ડ રીડર છે.
વાઇરસ એક વાર આપણા કોષમાં પહોંચે તે પછી પોતાના RNAને છોડે છે. આપણો કોષ તેને સમજી શકે નહીં અને વાઇરસની નકલ તૈયાર કરી નાખે. વાઇરલ પ્રોટીન તરીકે નકલ તૈયાર થાય, જે આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પાડવા લાગે.
પરંપરાગત રસીમાં નિષ્ક્રિય કરેલા અને ઍન્ટિજન તરીકે ઓળખાતા વાઇરલ પ્રોટીનને શરીરમાં દાખલ કરવામાં આવે છે. શરીરમાં તે દાખલ થાય એટલે શરીરની રોગપ્રતિકારક શક્તિ સક્રિય થાય અને તેને સમજી લે, જેથી ખરેખર વાઇરસ શરીરમાં આવે ત્યારે તેને ઓળખી જાય.
નવા પ્રકારની mRNA રસીની કમાલ એ છે કે તેમાં ઍન્ટિજન દાખલ કરવાની જરૂર નથી.
તેના બદલે આ રસીમાં જેનેટિક સિક્વન્સ અથવા તો ઍન્ટિજનના "કોડ"નો ઉપયોગ થાય છે, જે તેને mRNA તરીકે ફેરવી નાખે છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ અસલી વાઇરસ જેવું કામ કરે અને શરીરને પ્રેરે કે તે અસલી રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરે.
કૃત્રિમ એવું આ mRNA પોતે નાશ પામે છે, કેમ કે શરીરની કુદરતી શક્તિ, તેના એન્ઝાઇમ તેને તોડી નાખે છે. તેથી શરીરમાં માત્ર હવે ઍન્ટિબૉડીઝ રહી જાય છે.
આ રીતે પરંપરાગત રસી કરતાં આ રસી ઉત્પન્ન કરવી વધારે સલામત, ઝડપી અને સસ્તી છે.
લાખો ચિકન એગ્ઝમાં ખતરનાક વાઇરસને પોષવા પડે અને પછી તેમાંથી રસી બનાવવી પડે. આ માટે વિશાળ કદની સલામત પ્રયોગશાળાઓ જોઈએ, પણ આ પદ્ધતિમાં તેની જરૂર પડતી નથી.
તેની સામે એક નાનકડી સાદી પ્રયોગશાળામાં ઍન્ટિજનના પ્રોટીનની સિક્વન્સ તૈયાર થઈ શકે અને તેને ઇમેલથી દુનિયામાં કોઈ પણ જગ્યાએ મોકલી શકાય.
બ્લૅકની કહે છે તે પ્રમાણે આ રીતે ઇમેલથી સિક્વન્સ મળી જાય એટલે બીજી લૅબોરેટરી "એક જ 100 મિલિલીટરની ટેસ્ટટ્યૂબમાં દસ લાખ mRNA ડોઝ તૈયાર કરી શકે."
આવી પ્રક્રિયા ખરેખર કામ કરે છે તે આપણે જોઈ પણ શક્યા છીએ. 10 જાન્યુઆરી, 2020ના રોજ બેઇજિંગમાં આવેલા ચાઇના સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શનના પ્રોફેસર ઝેંગ યોંગઝેને કોરોના વાઇરસના જેનોમની સિક્વન્સ તૈયાર કરી હતી અને બીજા દિવસે તેને જાહેરમાં મૂકી હતી.
11 માર્ચે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોવિડને વૈશ્વિક મહામારી જાહેર કરી હતી.
16 માર્ચે ઝેંગની સિક્વન્સના આધારે તૈયાર થયેલી પ્રથમ mRNA વૅક્સિનની પ્રથમ તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ પણ શરૂ થઈ ગઈ હતી.
અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન (FDA)એ કોવિડ-19 માટેની ફાઇઝર-બાયોએનટેકની રસીને 11 ડિસેમ્બર, 2020ના રોજ મંજૂરી પણ આપી દીધી. તે ઇતિહાસની પ્રથમ મનુષ્યો માટેની mRNA રસી બની એટલું જ નહીં ક્લિનિકલ ટ્રાયલમાં 95 ટકા સુધી અસરકારકતા પ્રાપ્ત કરનારી પણ પ્રથમ રસી બની.
તેના થોડા જ દિવસ બાદ 18 ડિસેમ્બરે મૉડર્નાની mRNA રસીને પણ મંજૂરી મળી ગઈ.
આની પહેલાં "વિશ્વની સૌથી ઝડપી વિકસિત રસી" તરીકે mumps વૅક્સિને સન્માન મળ્યું હતું, પણ તેને તૈયાર કરવામાં ચાર વર્ષ લાગ્યાં હતાં.
મૉડર્ના અને ફાઇઝર-બાયોએનટેકની રસીઓ તૈયાર થવામાં માત્ર 11 મહિના લાગ્યા હતા.
mRNA વૅક્સિન માટેની થિયરીની શરૂઆત પેન્સિલવેનિયા યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ કેટેલિન કેરિકો અને ડ્રૂ વેઇઝમેને તૈયાર કરી હતી. તેમને અમેરિકાનું બાયોમેડિકલ સંશોધનનું સર્વોચ્ચ ઇનામ લેસ્કર પ્રાઇઝ 2021 હાલમાં જ મળ્યું છે.
જોકે હજી 2019માં જ એવું મનાતું હતું કે mRNA રસી તૈયાર કરવામાં આપણે પાંચેક વર્ષ લાગી જશે.
પરંતુ રોગચાળાને કારણે આ દિશામાં બહુ ઝડપથી કામ થયું.

વધુ બીમારીઓ સામે રક્ષણ આપી શકશે

ઇમેજ સ્રોત, Getty Images
કાર્નેગી મેલોન યુનિવર્સિટીના બાયોમેડિકલ ઇજનેરી અને કેમિકલ ઇજનેરીનાં ઍસોસિયેટ પ્રોફેસર કેથરિન વ્હાઇટહેડ વેઇઝમૅન અને કેરિકો સાથે આ દિશામાં મહત્ત્વનું કામ કરી ચૂક્યાં છે. તેઓ કબૂલે છે કે "mRNA સારવારની દુનિયામાં બહુ ઓછા લોકો એવા હતા જેમને લાગતું હતું કે તાકીદની સ્થિતિમાં આ રસી 95 ટકા જેટલી અસરકારક સાબિત થઈ શકશે."
પરંતુ હવે આ દિશામાં અનંત શક્યતાઓ દેખાવા લાગી છે. બ્લૅકની કહે છે તે પ્રમાણે હવે તો "વાઇરલ ગ્લાઇકોપ્રોટીન માટે પણ આ કામમાં આવવા લાગી છે. તો બીજી કેવી રસી આમાંથી આપણે બનાવી શકીએ? આગળ આપણે વધુ શું સિદ્ધ કરી શકીએ?" આવા સવાલો પણ થવા લાગ્યા છે.
રોશેસ્ટર યુનિવર્સિટીના બાયોલૉજી વિભાગના ઍસોસિયેટ પ્રોફેસર ડ્રેગને ફૂની પ્રયોગશાળાને અમેરિકાના નેશનલ સાયન્સ ફાઉન્ડેશન તરફથી RNA પ્રોટીન્સ પર સંશોધનને ઝડપથી આગળ વધારવા માટે ફંડ મળ્યું છે.
ફૂ કહે છે કે કોવિડ માટે આપણેને 1.0 mRNA વૅક્સિન મળી છે, જ્યારે 2.0 વધુ બે બીમારીઓ માટે કામ કરનારી રસી હશે.
"તેમાં એક છે સાર્સ જેવા પેથોજન. પરંતુ તમે આ ટેકનૉલૉજીનો ઉપયોગ એચઆઈવી જેવા વાઇરસ માટે પણ કરી શકો છો. કોવિડ પહેલાંથી જ કંપનીઓ એચઆઈવી માટેની mRNA રસી શોધવા પર કામ કરી રહી છે."
તેઓ ઝીકા, હર્પીસ, મેલેરિયા જેવા પેથોજન્સની વાત પણ કરી રહ્યા છે.
તેઓ ઉમેરે છે કે "બીજી કૅટગરી છે ઑટોઇમ્યુન બીમારીની. આ મજાની બાબત છે, કેમ કે માત્ર રસીની ચુસ્ત વ્યાખ્યાથી આગળ વધીને આમાં કામ થઈ શકે છે."
ફૂ માને છે કે ભવિષ્યમાં mRNA વિકસિત થઈને "સારવાર" તરીકે પણ ઉપયોગી થઈ શકે છે. સોજો નિવારવા જેવી બાબતમાં તેનો ઉપયોગ થઈ શકે છે તેનો દાખલો આપતાં તેઓ કહે છે, "થિયરીની રીતે આના કારણે ઘણી બધી શક્યતાઓ ખૂલી રહી છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના ફાર્મસીના ઍસોસિયેટ પ્રોફેસર યિઝાઉ ડોંગ ચરબીની નાના કણો અથવા તો લીપિડ્સ તરીકે ઓળખાતા પદાર્થના નિષ્ણાત છે.
mRNAને ફરતે તેને ગોઠવીને રાખવાની જરૂર પડતી હોય છે, જેના કારણે તે આપણા કોષ સુધી પહોંચી શકે. શરીરમાં દાખલ થતા જ આપણું શરીર તેનો તરત નાશ કરી ના નાખે તે માટે આમ કરવાનું હોય છે.
લીપિડ્સને હવે "ભૂલાઈ ગયેલા હિરો" ગણવામાં આવે છે. લીપિડને સંપૂર્ણ બનાવી શકાયા અને આખરે 2018માં તેને મંજૂરી મળી હતી. લીપિડ વિના 2020માં mRNA કોવિડ રસી તૈયાર થઈ શકી ના હોત.
લીપિડની આ નવી રીત સંપૂર્ણ બની તે પછી તેને mRNA જોડીને વધારે વ્યાપક ઉપયોગો માટે વિચારવાનું શરૂ થઈ ગયું હતું. કોવિડ પહેલાં તેના પર ઘણાં સંશોધનો થયાં હતાં. ડોંગ કહે છે કે જેનેટિક ડિસોર્ડર્સ, કૅન્સર ઇમ્યુનોથૅરપી, ચેપી રોગો તથા બૅક્ટેરિયાના ચેપની બાબતમાં પ્રયોગો થતા રહ્યા હતા.
"થિયરીની રીતે જુઓ તો તમારી પાસે ઍન્ટિજન હોય અને તેના પ્રોટીનને સિક્વન્સ કરી શકો તો તે કામ કરવું જોઈએ."
લીપિડથી ડિલિવરી અને mRNA ટેકનૉલૉજી બંનેમાં વિકાસ થયો તેના કારણે તેના આધારે રસી ઉપરાંત અન્ય સારવાર માટેની શોધખોળ ચાલુ થઈ છે. સિસ્ટિક ફાઇબ્રોસિસ અને મલ્ટિપલ સ્લેરોસિસ માટે ટ્રાન્સલેટ બાયો કંપની mRNA થૅરપી તૈયાર કરી રહી છે. ગ્રિસ્ટોન ઓન્કોલૉજી અને જીલેડ સાયન્સીઝ એચઆઈવી માટે mRNA રસી વિકસાવી રહી છે.
સિસ્ટિક ફાઇબ્રોસિસ અને હૃદય રોગો માટે આર્કટુરસ થેરાપ્યુટિક્સ સારવાર તૈયાર કરી રહી છે. જર્મન સ્ટાર્ટઅપ એથ્રીસ ઍસ્ટ્રાઝેનેકા સાથે મળીને ફેફસાં તથા અસ્થમાની બીમારી માટે mRNA સારવાર વિકસાવી રહી છે.
ટ્રૉપિકલ બીમારીઓમાં પણ આ માર્ગે સારવારનું સંશોધન થઈ રહ્યું છે.
મૉડર્ના ઝિકા અને ચિકનગુનિયા માટેની mRNA રસીની ક્લિનિકલ ટ્રાયલના ત્રણ તબક્કામાંથી બીજા તબક્કાની નજીક પહોંચી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
આ બંનેના કારણે થતી બીમારીઓ પર બહુ ધ્યાન નથી અપાતું, કેમ કે તેના કારણે મોટા ભાગે ગરીબ દેશોમાં લોકો બીમાર પડે છે. તેના સંશોધન માટે પૂરતું ફંડ મળતું નથી.
જોકે mRNA રસીની શોધ ઓછા ખર્ચે અને ઝડપથી થઈ શકે છે તેના કારણે આ સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે. તેના કારણે ટ્રૉપિકલ બીમારીઓની ઉપેક્ષા થાય છે તે બંધ થઈ જશે.
જોકે હવે પછીની નવી mRNA રસી આવશે તે કદાચ સૌથી વધુ જાણીતા અને પરેશાન કરનારા એવા ફ્લૂ માટેની હશે.
વિશ્વભરમાં ઇન્ફ્લુએન્ઝા વાઇરસના કારણે દર વર્ષે 2,90,000થી 6,50,000 લોકોનાં મોત થાય છે.
વ્હાઇટહેડ કહે છે, "નજીકના ભવિષ્યમાં આપણને ફ્લૂ માટેની mRNA વૅક્સિન જોવા મળે તેવી શક્યતા વધારે છે."
"ઘણાં વર્ષોથી આ mRNA વૅક્સિન વિકસાવાઈ રહી છે અને ક્લિનિકલ ટ્રાયલના આંકડા પ્રોત્સાહક છે. ઇન્ફ્લુએન્ઝા 'એ' માટે હાલમાં પાંચ ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે, જેમાંની એક બીજા તબક્કામાં છે."
આ સંશોધન બહુ યોગ્ય સમયે સફળ થઈ શકે છે. યુકેની ઇસ્ટ એન્ગલિયા યુનિવર્સિટીના હૅલ્થ પ્રૉટેક્શનના પ્રોફેસર પૉલ હન્ટર વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે પણ કામ કરે છે. તેઓ ચેતવણી આપતાં કહે છે કે કેટલાક દેશોમાં ઇન્ફ્લુએન્ઝાનો રોગચાળો પણ ફેલાઈ શકે છે અને તેના કારણે કોવિડ-19 કરતાં ય વધુ લોકોનાં મોત થઈ શકે છે.

કૅન્સરનો નવીન ઇલાજ બની શકે?

ઇમેજ સ્રોત, Getty Images
ઘણી દવા કંપનીઓ પણ કૅન્સર માટેની રસી અને સારવાર માટે mRNA પર આશા રાખી રહી છે.
બ્લૅકની કહે છે, "કૅન્સરના કોષમાં ઘણી વાર સપાટી પર એવા માર્કર હોય છે, જે શરીરના બીજા કોષોમાં નથી હોતા."
"તમે રોગપ્રતિકારક શક્તિને આને ઓળખી શકે તેવી રીતે તૈયાર કરીને તેનો નાશ કરી શકો છો. રોગપ્રતિકારક શક્તિને કેળવીને વાઇરસનો નાશ કરી શકાય તે રીતે જ આ કામ થઈ શકે છે. વિચાર એક જ છે, કે ગાંઠ થઈ હોય તે કોષની સપાટી પર કયું પ્રોટીન છે અને પછી તેનો રસી તરીકે ઉપયોગ કરો."
દરેક દર્દી પ્રમાણે અલગ દવા કરી શકાય તેવો વિચાર ઘણાં વર્ષોથી આકર્ષક બન્યો છે.
આ દિશામાં પણ mRNA બહુ ઉપયોગી થાય તેમ છે એવું બ્લૅકની માને છે. તેઓ કહે છે કે થિયરીમાં "તમારી ગાંઠને દૂર કરવાની, સિક્વન્સ તૈયાર કરવાની, સપાટી પર શું છે તે જાણી લેવાનું અને તે પછી તે પ્રમાણેની જ ખાસ તમારા માટેની રસી તૈયાર કરવાની."
જો આ રીતે mRNA 2.0ના વિકાસ સાથે કૅન્સર, એચઆઈવી અને ટ્રૉપિકલ બીમારીઓની સારવાર શક્ય બને તો પછી 3.0 વિકાસ સાથે શું થઈ શકે?
આધુનિક સારવાર પદ્ધતિમાં સૌથી મોટી ચિંતા ઍન્ટિબોડી સામે આવતા પ્રતિકારની હોય છે.
બ્લૅકની કહે છે, "તમે કલ્પના કરી શકો કે સી ડિફિસાઇલ પ્રકારના અથવા સારવારમાં મુશ્કેલ હોય તેવા બીજા બૅક્ટેરિયાના ઍન્ટિજન સામે રસી તૈયાર કરવાનું સંભવ બની શકે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
આ બાબતમાં હજી પ્રયોગો શરૂ થયા નથી, પરંતુ ફ્રન્ટિયર્સ પ્રકારના જર્નલ્સમાં આ પ્રકારના વિચારો વ્યક્ત થતા રહ્યા છે.
વેપારી ધોરણે આરોગ્ય અને સારવારના સામાન્ય બીજા ઉપાયો પણ આનાથી સંભવ બનશે એવી શક્યતા છે.
દાખલા તરીકે ફૂ કહે છે કે લેક્ટોઝ પચાવવાની મુશ્કેલી એશિયાના લાખો લોકોમાં હોય છે તેની સારવાર આનાથી થઈ શકે છે. પોતે પણ આ મુશ્કેલી ધરાવે છે અને વિશ્વની અંદાજે 68 ટકા વસતી લેક્ટોઝ પચાવી શકતી નથી તેમના માટે વિચાર થઈ શકે.
"મારામાં એ પ્રોટીન નથી જે લેક્ટોઝને બ્રેક કરી શકે. ભવિષ્યમાં એવું બની શકે કે mRNA દ્વારા શરીરમાં તેની શક્તિ પહોંચે અને લેક્ટોઝને બ્રેક કરનારું પ્રોટીન શરીરમાં બની શકે. આડઅસર વિના આવું થઈ શકતું હોય તો હું માનું છું કે તે અબજો રૂપિયાનો ઉદ્યોગ બની શકે છે."
ઓહાયોમાં ડોંગે કૉલેસ્ટરોલની બાબતમાં ઉંદરો પર આના પ્રયોગો કર્યા પણ છે.
જે લોકોમાં PCSK9 પ્રોટીન વધારે હોય તેને વધારે કૉલેસ્ટરોલ થાય છે અને હૃદયની બીમારીઓ વહેલી થાય છે.
ડોંગ કહે છે, "અમે જોયું કે એક (ઉંદરની) સારવારમાં PCSK9 પ્રોટીનનું પ્રમાણ 95 ટકાથી વધારે ઘટાડી શકાયું. આ ખરેખર ઘણું અગત્યનું સંશોધન છે."
ડોંગના જણાવ્યા અનુસાર કમસે કમ એક બાયૉટેક કંપની PCSK9 પ્રોટીન રોકી શકે તેવા mRNAની ક્લિનિકલ ટ્રાયલ કરવા માટેની તૈયારીમાં છે.
આ બધાને કારણે એક સવાલ ઊભો થાય છે: શું mRNA આધારિત સારવારથી આપણે લગભગ સુપરહ્મુમન જેવી રોગપ્રતિકારક શક્તિ મેળવી શકીએ છીએ?

ઇમેજ સ્રોત, Aleksandr Zubkov
કોવિડ-19 માટેની mRNA રસીને કારણે કેટલાક લોકોમાં ઊંચા પ્રમાણમાં ઍન્ટિબૉડી પેદા થઈ હતી અને કોવિડ-19ના જુદા-જુદા વૅરિઅન્ટનો નાશ કરવાની ક્ષમતા આવી હતી.
એવી પણ શક્યતા છે કે જુદી-જુદી mRNA રસીઓને એક કરીને બૂસ્ટર વૅક્સિન તૈયાર થઈ શકે, જે કૅન્સર અને વાઇરસને એક સાથે રોકી શકે.
આ બધી હજી માત્ર શક્યતાઓ જ છે, પરંતુ ફૂ કહે છે, "તમને આનાથી બહુ મોટો ફરક પડી શકે છે ... mRNA રસીઓની કોકટેઇલના જુદા- જુદા પ્રોટીન તમારી જરૂરિયાત પ્રમાણે તૈયાર થઈ શકે છે."
મોડેર્ના અને નોવાવેક્સ બંને કંપનીઓ કોવિડ-19ની અને ફ્લૂની સંયુક્ત રસી તૈયાર કરી રહી છે.
જોકે આપણે બહુ ઉત્સાહમાં આવી જઈએ તે પહેલાં mRNA રસી વિશેના કેટલા સવાલો પણ જાણી લેવા જોઈએ.
હાલમાં આ માટેના બૂસ્ટર ઇન્જેક્શન આપણે સમયાંતરે લેવા પડે છે. તેના કારણે હાથમાં દુખાવો થાય છે અને થાક જેવી આડઅસર પણ થાય છે.
બીજું કે હજી આ પ્રકારની રસીના વાસ્તવિક ઉપયોગના અનુભવો આપણને એક વર્ષથી જ થયા છે.
અમેરિકામાં 10 લાખ લોકોમાંથી બેથી પાંચ લોકોને એનાફિલાક્ટિક રિએક્શન પણ જોવા મળ્યા છે (જોકે કોઈનું મૃત્યુ થયું નથી). મોડેર્નાની રસીમાં દસ લાખે 2.5 લોકોને જ્યારે ફાઇઝર-બાયોનટેકની રસીમાં દસ લાખે 4.7 લોકોને તેની અસર જોવા મળી છે.
એક વિશ્લેષણ અનુસાર આ બહુ ઓછી અસર કહેવાય, પરંતુ ફ્લૂ વૅક્સિનમાં જોવા મળતા રિએક્શન કરતાં 11 ગણી વધારે છે.
બ્લેકની કહે છે, "ઍન્ટિબૉડી પ્રતિસાદ કેટલો સમય કામ કરતાં રહે છે તે સમજવા હજી આપણે પ્રયાસો કરી રહ્યા છીએ. સાથે જ કોષમાં શું પ્રતિક્રિયા થાય છે તે પણ જોવાનું છે."
"અત્યારે એવા સારા પુરાવા છે કે mRNA રસીના કારણે ટી-સેલ મેમરી સારી એવી દેખાય છે. પરંતુ આ ટ્રાયલ એક અથવા દોઢેક વર્ષથી જ ચાલે છે એટલે આ ઇમ્યુનિટી કેટલો લાંબો સમય ચાલે છે તે સમજવા માટે આપણે હજી પ્રયત્ન કરી રહ્યા છીએ."
તેઓ ઉમેરે છે કે મોટા ભાગના લોકો "દર વર્ષે એકથી વધુ વાર ડૉઝ લેવાનું અને ત્રણેક દિવસ માટે આરામ કરવો પડે તેવું પસંદ કરતા નથી."
આ સમસ્યાના નિવારણ માટે યુસીબી ખાતેની બ્લેકનીની પ્રયોગશાળા કામ કરી રહે છે: તે છે RNAse એટલે કે સેલ્ફ-એમ્પ્લિફાઇડ mRNA.
સામાન્ય mRNA જેવું જ સ્ટ્રક્ચર આનું હોય છે, પણ તેમાં ફરક એ છે કે એક વાર કોષમાં પહોંચી ગયા પછી તે પોતાની નકલો જાતે બનાવી શકે.
બ્લૅકની કહે છે, "આનાથી ફાયદો થાય છે, કેમ કે તેના કારણે બહુ ઓછો ડોઝ આપવો પડે છે. mRNAમાં જરૂરી હોય તેના કરતાં 100 ગણો ઓછો."

ઇમેજ સ્રોત, Peter Zelei Images
એટલે કે ખભે દુખાવો પણ ના થાય અને વધારે ફાયદો થાય.
જોકે આ કાચબા અને સસલા વચ્ચેની રેસ જેવું છે. કોવિડ-19ની સામે અત્યારે mRNA રસી જીતી ગઈ છે, પણ આગળ જતા RNAsa વિજેતા નીવડી શકે છે. હકીકતમાં આ દિશામાં સંશોધન માટે ઍસ્ટ્રોઝેનેકા તરફથી 19.5 કરોડ ડૉલરની સહાય મળે છે. (આ લેખમાં આગળ ઉલ્લેખ છે કે અમેરિકામાં એથ્રીસને ફેફસાંની સારવાર માટેની રસી માટે 2.95 કરોડ ડૉલર મળ્યા છે. તેના કરતાં આ ઘણી મોટી રકમ છે.)
દરમિયાન ફૂલ, ડોંગ, વ્હાઇટહેડ અને બ્લેકની જેવા સંશોધકો mRNAને આગળ વધારી રહ્યા છે.
તેનું જે પણ પરિણામ આવે એક વાત સ્પષ્ટ છે કે આના કારણે વૈજ્ઞાનિક સંશોધનનું આ ક્ષેત્ર હવે અજાણ્યું રહેવાનું નથી.
ખાસ કરીને બ્લૅકનીની જેમ તમે પણ ટિકટૉક પર વીડિયો મૂકવા લાગો એટલે વધારે લોકો જાણવા લાગશે.
બ્લૅકની હસતાં હસતાં કહે છે, "મારું મિશન લોકોને રસી બાબતે જાણકારી આપવાનું છે. મને ઢગલાબંધ જાતભાતના સવાલો મળે છે. પણ મને એવા ય પ્રતિસાદ મળે છે કે તમારા કારણે મેં અને મારા જીવનસાથીએ રસી લઈ લીધી. મારા માટે તે આઘાતજનક છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












