ભારતનો એ હત્યાકાંડ, જેણે આખી દુનિયાને હચમચાવી નાખી હતી
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
આ વાત 1933ની 26 નવેમ્બરની છે. ખાદી કે ઘરે કાંતેલા કપડામાંથી બનાવેલાં વસ્ત્રોમાં સજ્જ એક શખ્સ કોલકાતાના ભીડભર્યા હાવડા રેલવે સ્ટેશન પર ઊભેલા યુવાન જમીનદાર અમરેન્દ્રચંદ્ર પાંડેય સાથે ટકરાઈને આગળ નીકળી ગયો. 20 વર્ષના અમરેન્દ્રને પોતાના જમણા હાથમાં કશુંક ભોંકાયાની પીડાનો અનુભવ થયો.
તેમણે લગભગ બરાડીને કહ્યું, "કોઈ મને કશુંક ભોંકીને ચાલ્યું ગયું."

અમરેન્દ્ર તેમનાં સગાંસંબંધીઓ સાથે તેમની પારિવારિક રિયાસત પાકુડ (જે હાલ ઝારખંડમાં છે) જઈ રહ્યા હતા. એ ઘટના પછી પણ તેમણે તેમનો પ્રવાસ આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો.
જોકે તેમને કશું ભોંકાયાની વાત જાણ્યા પછી તેમની સાથે જનારા તેમનાં સગાંસંબંધીઓએ તેમને સૂચવ્યું હતું કે તેમણે કોલકાતામાં રોકાઈને તેમના લોહીનું પરીક્ષણ કરાવવું જોઈએ.
એ વખતે અમરેન્દ્રના તેમનાથી 10 વર્ષ મોટા સાવકા ભાઈ બેનોયેન્દ્ર અચાનક સ્ટેશને પહોંચ્યા હતા અને તેમણે તે ઘટનાને મામૂલી ગણાવીને અમરેન્દ્રને પ્રવાસ આગળ ધપાવવા જણાવ્યું હતું.

ઘટનાના આઠ દિવસ પછી મૃત્યુ

ઇમેજ સ્રોત, EASTERN RAILWAY
શરીરમાં કશુંક ભોંકાયાના ત્રણ દિવસ પછી તાવ આવવાને કારણે અમરેન્દ્ર ફરી કોલકાતા આવી પહોંચ્યા હતા. એક ડૉક્ટરે અમરેન્દ્રની તપાસ કરી હતી અને તેમના શરીર પર જે જગ્યાએ કશુંક ભોંકાયાની અનુભૂતિ થઈ હતી એ ત્યાં સોય ભોંકાયાનું નિશાન જોયું હતું.
એ પછીના થોડા દિવસોમાં અમરેન્દ્રનો તાવ વધી ગયો હતો અને તેમની બગલમાં સોજો આવી ગયો હતો તથા ફેફસાંમાં બીમારીના સંકેત દેખાવા લાગ્યા હતા.
એ પછી ત્રીજી ડિસેમ્બરની રાતે અમરેન્દ્ર કૉમામાં ચાલ્યા ગયા હતા અને બીજી સવારે તેમનું મૃત્યુ થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉક્ટરોએ જણાવ્યું હતું કે અમરેન્દ્રનું મૃત્યુ ન્યૂમોનિયાને કારણે થયું હતું. જોકે અમરેન્દ્રના મૃત્યુ પછી આવેલા તેમના લૅબોરેટરી રિપોર્ટ્સમાંથી જાણવા મળ્યું હતું કે અમરેન્દ્રના લોહીમાં યરસિનિયા પેસ્ટિસ નામના જીવલેણ બૅક્ટેરિયા જોવા મળ્યા હતા. આ બૅક્ટેરિયાથી પ્લેગ થતો હોય છે.
ઉંદર અને જીવડાંઓને કારણે ફેલાતા પ્લેગને કારણે ભારતીય ઉપખંડમાં 1896થી લઈને 1918 સુધીમાં 1.20 કરોડથી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
એ પછી 1929થી શરૂ કરીને 1938 દરમિયાન પ્લેગથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા લગભગ પાંચ લાખની થઈ ગઈ હતી.
અમરેન્દ્રના મૃત્યુ પૂર્વેનાં ત્રણ વર્ષ પહેલાં સુધી કોલકાતામાં પ્લેગનો એક પણ કેસ બહાર આવ્યો ન હતો.

વિશ્વભરમાં ચર્ચાયેલો કિસ્સો

ઇમેજ સ્રોત, CULTURE CLUB/GETTY IMAGES
જમીનદાર ખાનદાનના વારસદારની આટલી સનસનાટીભરી હત્યા પરત્વે ભારતમાંના બ્રિટિશરાજના લોકો અને તેનાથી પર રહેતા લોકોનું ધ્યાન ખેંચાયું હતું.
દુનિયાભરનાં અખબારોએ તથા સામયિકોએ આ ઘટના વિશે સતત સમાચાર પ્રકાશિત કર્યા હતા.
કેટલાકે આ ઘટનાને 'આધુનિક વિશ્વમાં વ્યક્તિગત બાયો-ટેરરિઝમની પ્રારંભિક ઘટનાઓ પૈકીની એક' ગણાવી હતી.
ટાઇમ મૅગેઝિને આ ઘટનાના 'જર્મ મર્ડર' એટલે કે રોગાણુથી થયેલી હત્યા ગણાવી હતી, જ્યારે સિંગાપુરના સ્ટ્રેઇટ્સ ટાઇમ્સે તેને 'પંક્ચર્ડ આર્મ મિસ્ટ્રી' ગણાવી હતી.
કોલકાતા પોલીસે આ ઘટનાની ઊંડાણભરી તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે આ તો એક ખતરનાક ષડયંત્ર હતું. એ ષડયંત્રમાં કોલકાતાથી 1900 કિલોમીટર દૂર આવેલા મુંબઈની એક હૉસ્પિટલમાંથી જીવલેણ બૅક્ટેરિયા મેળવવાનો સમાવેશ થતો હતો.
એ ગુનાના કેન્દ્રમાં પારિવારિક સંપત્તિ સંબંધે ભાઈઓ વચ્ચેનું ઘર્ષણ હતું. પાંડેયભાઈઓ વચ્ચે તેમના પિતાના મૃત્યુ બાદ કોલસા તથા પથ્થરની ખાણો માટે ચર્ચિત પાકુડ રિયાસત બાબતે બે વર્ષથી ઘર્ષણ ચાલી રહ્યું હતું.
ભાઈઓ વચ્ચેના ઘર્ષણને મીડિયાના અહેવાલોમાં સારા અને ખરાબ વચ્ચે છેડાયેલા સંઘર્ષ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો.
એક અહેવાલમાં જણાવ્યા મુજબ, "સ્થાનિક લોકોમાં પ્રિય અમરેન્દ્રચંદ્ર પાંડેય ઉચ્ચ નૈતિક સિદ્ધાંતોનું પાલન કરતા સદાચારી યુવાન હતા. તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છતા હતા. એ ઉપરાંત તેઓ તેમના તંદુરસ્તીસભર રૂટિન માટે પણ જાણીતા હતા."
બીજી તરફ બેનોયેન્દ્ર પાંડેય "શરાબના વ્યસની અને અય્યાશીપ્રચૂર જીવન" માટે કુખ્યાત હતા.

એક વર્ષ પહેલાં રચાયું હતું કાવતરું

ઇમેજ સ્રોત, Getty Images
અદાલતી દસ્તાવેજોમાં જણાવ્યા મુજબ, "અમરેન્દ્રની હત્યાનું કાવતરું સંભવતઃ 1932માં રચવામાં આવ્યું હતું. એ વખતે બેનોયેન્દ્રના નજીકના મિત્ર ડૉ. તારાનાથ ભટ્ટાચાર્યે મેડિકલ લૅબોરેટરીમાંથી પ્લેગના બૅક્ટેરિયાના કલ્ચરને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો."
આ દાવો વિવાદાસ્પદ છે, પરંતુ કેટલાક અહેવાલોમાં એવું સૂચવવામાં આવ્યું હતું કે બેનોયેન્દ્રએ તેમના સાવકા ભાઈની હત્યાનો પહેલો પ્રયાસ શક્યતઃ 1932ના ઉનાળામાં જ કર્યો હતો.
બ્રિટિશ આરોગ્ય અધિકારી ડીપી લામબર્ટના એક રિપોર્ટ મુજબ, બન્ને ભાઈઓ એક હિલ સ્ટેશન પર વૉક કરી રહ્યા હતા ત્યારે "બેનોયેન્દ્રએ તેમના ભાઈને ચશ્માં પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો. એ પ્રક્રિયામાં તેમની ત્વચામાં કાપો પડ્યો હતો."
એ ઘટનાના થોડા સમય પછી અમરેન્દ્ર બીમાર પડી ગયા હતા. ચશ્માંમાં રોગના વિષાણુ હોવાની શંકા હતી. એ પછીની તપાસમાં બહાર આવ્યું હતું કે અમરેન્દ્રને ટિટનેસ થયું હતું અને તેમને ટિટનેસ-વિરોધી રસી આપવામાં આવી હતી.
ડૉ. લામબર્ટના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, બેનોયેન્દ્ર તેમના ભાઈની સારવાર પદ્ધતિ બદલવા માટે કથિત રીતે ત્રણ ડૉક્ટરોને લાવ્યા હતા, પરંતુ એ ત્રણેય ડૉક્ટરોની સેવા લેવામાં આવી ન હતી.
એ પછી જે કંઈ થયું તે એક એવી હત્યાનું ષડયંત્ર હતું, જે સનસનાટીભરી અને અભૂતપૂર્વ ઘટના હતી.
બેનોયેન્દ્રએ રિયાસતની માલિકીના અધિકારો મેળવવાની દિશામાં ડગલાં ભર્યાં ત્યારે તેમના ડૉક્ટર મિત્ર ભટ્ટાચાર્યે પ્લેગના બૅક્ટેરિયા પ્રાપ્ત કરવાના ચાર પ્રયાસ કર્યા હતા.
ડૉ. ભટ્ટાચાર્યે 1932ના મે મહિનામાં મુંબઈસ્થિત હાફકિન ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટરનો સંપર્ક કર્યો હતો. હાફકિન ઇન્સ્ટિટ્યૂટ દેશની એકમાત્ર લૅબોરેટરી હતી કે જ્યાં એ રોગના કલ્ચર્સને રાખવામાં આવ્યા હતા.
હાફકિન ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટરે બંગાળના સર્જન જનરલની પરવાનગી વિના કલ્ચર્સ આપવાનો ઇનકાર કર્યો હતો.

પ્લેગની સારવાર શોધી કાઢ્યાનો દાવો

ઇમેજ સ્રોત, WELLCOME TRUST
ડૉ. ભટ્ટાચાર્યે એ જ મહિનામાં કોલકાતામાં એક ડૉક્ટરનો સંપર્ક સાધીને દાવો કર્યો હતો કે તેમણે પ્લેગની સારવાર શોધી કાઢી છે અને તેઓ કલ્ચરના ઉપયોગ વડે તેનું પરીક્ષણ કરવા ઇચ્છે છે.
અદાલતી દસ્તાવેજોમાં જણાવ્યા મુજબ, ડૉક્ટરે તેમને મેડિકલ લૅબોરેટરીમાં કામ કરવાની પરવાનગી આપી હતી, પરંતુ હાફકિન ઇન્સ્ટિટ્યૂટમાંથી પ્રાપ્ત કરવામાં આવેલા કલ્ચરને રાખવાની મંજૂરી આપી ન હતી.
ડૉ. લામબર્ટના જણાવ્યા અનુસાર, "ડૉ. ભટ્ટાચાર્યનું કામ અટકી પડ્યું હતું, કારણ કે કલ્ચરમાં બૅક્ટેરિયા વિકસી શક્યા ન હતા."
એ પછી 1933માં ડૉ. ભટ્ટાચાર્યે કોલકાતાવાળા ડૉક્ટરને હાફકિન ઇન્સ્ટિટ્યૂટને પત્ર લખવા માટે ફરી રાજી કરી લીધા હતા. ભટ્ટાચાર્યને હાફકિન ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરવા દેવાની પરવાનગી કોલકાતાવાળા ડૉક્ટરે એ પત્રમાં માગી હતી.
એ જ વર્ષના ઉનાળામાં બેનોયેન્દ્ર મુંબઈ પહોંચ્યા હતા અને તેમણે ભટ્ટાચાર્ય સાથે મળીને હાફકિન ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા પ્રાણીઓના બે ડૉક્ટર્સને ઇન્સ્ટિટ્યૂટમાંથી પ્લેગના બૅક્ટેરિયા કલ્ચરને બહાર કાઢી લાવવા માટે લાંચ આપી હતી.
બેનોયેન્દ્ર બજારમાં જઈને ઉંદરડાં ખરીદી લાવ્યા હતા, જેથી ગંભીર વિજ્ઞાની તરીકેની પોતાની છબી રજૂ કરી શકાય. એ પછી બન્ને લોકો આર્થર રોડસ્થિત ચેપી રોગની હૉસ્પિટલે પહોંચ્યા હતા. કલ્ચર એ હૉસ્પિટલમાં રાખવામાં આવતા હતા.

હત્યાના થોડા મહિના પહેલાં શું થયું હતું?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
અદાલતી દસ્તાવેજોમાં જણાવ્યા મુજબ, બેનોયેન્દ્રએ હૉસ્પિટલમાં હાજર અધિકારીઓ પાસેથી તેમના ડૉક્ટર મિત્રને કથિત ઇલાજ માટે લૅબોરેટરીમાં કામ કરવા દેવાની પરવાનગી માગી હતી.
જોકે ભટ્ટાચાર્યે લૅબોરેટરીમાં કોઈ પણ પ્રકારનું પરીક્ષણ કર્યું હોવાના પુરાવા નથી.
લૅબોરેટરીમાં કામ કરવાની પરવાનગી મળ્યાના પાંચ દિવસ પછી ભટ્ટાચાર્ય 12 જુલાઈએ પોતાનું કામ ખતમ કરીને બેનોયેન્દ્ર સાથે અચાનક કોલકાતા ચાલ્યા ગયા હતા.
અમરેન્દ્રચંદ્રની હત્યાના ત્રણ મહિના બાદ 1934ના ફેબ્રુઆરીમાં પોલીસે આ બન્ને લોકોની ધરપકડ કરી હતી.
તપાસ અધિકારીઓએ બેનોયેન્દ્રના પ્રવાસ સંબંધી દસ્તાવેજો, મુંબઈસ્થિત હોટલોનાં બિલ્સ, હોટલ્સના રજિસ્ટરમાં તેમના હસ્તાક્ષર, લૅબોરેટરીને મોકલવામાં આવેલા સંદેશાઓ અને ઉંદરડાં ખરીદ્યાની રસીદનું પગેરું શોધ્યું હતું.

નવ મહિના સુધી ચાલી સુનાવણી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમામ અહેવાલો મુજબ, આ કેસની સુનાવણી નવ મહિના સુધી ચાલી હતી અને એ ઘણી રસપ્રદ હતી. બચાવ પક્ષે એવી દલીલ કરી હતી કે અમરેન્દ્રને ઉંદરડાની ચાંચડ કરડી હતી.
અદાલતે જણાવ્યું હતું કે આરોપીઓએ મુંબઈસ્થિત હૉસ્પિટલમાંથી "પ્લેગના બૅક્ટેરિયા ચોર્યા" હોવાનું તેમજ "એ બૅક્ટેરિયાને કોલકાતા લાવ્યા હોવાનું અને 26 નવેમ્બર, 1933 સુધી તેને જીવંત રાખ્યા હોવાનું" પુરાવા વડે સ્પષ્ટ થાય છે.
કેસની સુનાવણી દરમિયાન સ્પષ્ટ થયું હતું કે બેનોયેન્દ્ર અને ભટ્ટાચાર્યે અમરેન્દ્રની હત્યા માટે એક ભાડૂતી હત્યારાની મદદ લીધી હતી. આ કેસમાં બન્નેને મૃત્યુની સજા કરવામાં આવી હતી.
અલબત્ત, આ કેસમાં દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી 1936માં હાથ ધરતાં કોલકાતા હાઈકોર્ટે મૃત્યુદંડની સજાને આજીવન કારાવાસની સજામાં પરિવર્તિત કરી હતી.
આ પ્રકરણમાં અરેસ્ટ કરવામાં આવેલા બે અન્ય ડૉક્ટરોને પુરાવાના અભાવે મુક્ત કરવામાં આવ્યા હતા. આ કેસની સુનાવણી કરનાર ન્યાયમૂર્તિએ એવી ટિપ્પણી કરી હતી કે "આ કેસ ગુનાખોરીની ઇતિહાસનો એક ખાસ કેસ છે."

અત્યાધુનિક હત્યાકાંડ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
આ હત્યાકાંડ સંબંધી પુસ્તક 'ધ પ્રિન્સ ઍન્ડ ધ પોઇઝનર' માટે સંશોધન કરી રહેલા અમેરિકન પત્રકાર ડેન મૉરિસને મને કહ્યું હતું, "બેનોયેન્દ્ર એવું માનતા હતા કે તેઓ રાણી વિક્ટોરિયાના રાજમાં કાર્યરત સંસ્થાઓને થાપ આપી શકશે."
મૉરિસને જણાવ્યું હતું કે રેલવે સ્ટેશન પરની આ હત્યાને સંપૂર્ણપણે આધુનિક હત્યા કહી શકાય. બાયોલૉજિકલ વેપન્સ એટલે કે જૈવિક શસ્ત્રોનો ઉપયોગ ઈસવી પૂર્વેની છઠ્ઠી સદીથી કરવામાં આવી રહ્યો છે.
એ સમયે અસીરિયન લોકો એક પ્રકારનો રોગ ફેલાવતો ફૂગ (rye ergot) દુશ્મનોના ઘરોની દીવાલો પર ચોપડી દેતા હતા.
અમરેન્દ્રચંદ્રની હત્યા ઘણા સંદર્ભમાં ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉને તેમના 45 વર્ષના સાવકા ભાઈ કિમ જોંગ-નમની સનસનાટીભરી હત્યાની યાદ અપાવે છે.
મલેશિયાના રાજધાની કુઆલાલમ્પુરના ઍરપૉર્ટ પર બનેલી એક અજબ ઘટનામાં બે મહિલાએ કિમ જોંગ-નમ પર વીએક્સ નર્વ એજન્ટ્સ વડે જીવલેણ હુમલો કર્યો હતો. એ વખતે કિમ જોંગ-ઉન ફ્લાઇટની રાહ જોઈ રહ્યા હતા.
જોકે બન્ને હુમલાખોર મહિલાઓને બાદમાં પકડી પાડવામાં આવી હતી, પરંતુ 88 વર્ષ પહેલાં હાવડા રેલવે સ્ટેશન પર બનેલી આ ઘટનામાં યુવાન જમીનદારની હત્યા કરનાર શખ્સ અને હત્યામાં વાપરવામાં આવેલા હથિયાર એટલે કે સીરિંજ ક્યારેય મળ્યા ન હતાં.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












