વિશ્વયુદ્ધ : પાકિસ્તાનમાં ધૂળ ખાતા પુરાવામાંથી ભારતીય સૈનિકોનો પત્તો કઈ રીતે મળ્યો?

    • લેેખક, ગગન સભરવાલ
    • પદ, બીબીસી સંવાદદાતા, લંડન

બર્મિંઘમનાં 22 વર્ષીય જાસ્મિન અટવાલ ગયા વર્ષે બ્રિટનમાં કોરોના વાઇરસ લૉકડાઉન દરમિયાન યુકે પંજાબ હેરિટેજ ઍસોસિયેશન સાથે સ્વયંસેવક તરીકે સેવા આપી રહ્યાં હતાં ત્યારે તેમના નાનાજી તથા નાનાજીના ભાઈના રેકૉર્ડ્ઝ અકસ્માતે મળી આવ્યા હતા.

જાસ્મિનના નાનાજી તથા તેમના ભાઈ પંજાબના જલંધરના મંગોવાલ ગામના રહેવાસી હતા અને પ્રથમ વિશ્વયુદ્ધ લડ્યા હતા.

સ્ફીંક્સ સામે પોઝ આપી રહેલા બ્રિટિશ ભારતીય સેનાના પંજાબના સૈનિકો

ઇમેજ સ્રોત, TEJPAL SINGH RALMILL COLLECTION

ઇમેજ કૅપ્શન, સ્ફીંક્સ સામે પોઝ આપી રહેલા બ્રિટિશ ભારતીય સેનાના પંજાબના સૈનિકો

જાસ્મિન અટવાલે બીબીસીને કહ્યું હતું, "પહેલાં તો મારી આંખમાં આંસુ આવી ગયાં હતાં. મને થયું હતું કે આ તો અવિશ્વસનીય છે. એ રેકૉર્ડ્ઝ મળી આવ્યાનું હું માની જ શકતી ન હતી."

"પછી મેં ગૌરવની લાગણી અનુભવી હતી, કારણ કે આ રેકૉર્ડઝ પ્રથમ વિશ્વયુદ્ધ સાથેનો મારો સીધા સંબંધ છે. હું પ્રાથમિક શાળામાં હતી ત્યારથી વિશ્વયુદ્ધ વિશે ભણતી રહી હતી. તેથી આ ઘટના ભાવનાત્મક હતી."

પ્રથમ વિશ્વયુદ્ધ લડેલા અવિભાજિત પંજાબના 3,20,000 સૈનિકોના સર્વિસ રેકૉર્ડ્ઝ જાહેર જનતા માટે સૌપ્રથમ વાર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અને એ રેકૉર્ડ્ઝમાં જાસ્મિનના નાના તથા તેમના ભાઈના રેકૉર્ડ્ઝનો સમાવેશ થાય છે.

અવિભાજિત પંજાબના 20 જિલ્લાઓના 'પંજાબ રેકૉર્ડ્ઝ' શીર્ષક હેઠળના આ રજિસ્ટર્સ પાકિસ્તાનના લાહોરના એક મ્યુઝિયમમાં આશરે એક સદીથી ધૂળ ખાઈ રહ્યા હતા. 1918માં પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થયું પછી તત્કાલીન પંજાબ સરકારે તે રજિસ્ટર્સનું સંકલન કર્યું હતું.

line

'મને વિશ્વાસ નથી બેસતો કે આવું થયું છે'

જાસ્મિન અટવાલ

ઇમેજ સ્રોત, JASMIN ATHWAL

ઇમેજ કૅપ્શન, જાસ્મિન અટવાલ

આ રેકૉર્ડ્ઝ મારફત જાસ્મિનને જાણવા મળ્યું હતું કે તેમના નાના ક્રિપાસિંહ તોપખાનાના સૈનિક હતા અને તેઓ મેસોપોટેમિયાસ્થિત માઉન્ટન બેટરીનો હિસ્સો હતા.

વિશ્વયુદ્ધમાં તેમની જવાબદારી બંદૂકો રાખવાની, તેને ચલાવવાની અને બંદૂકોના ટ્રાન્સપૉર્ટેશનની હતી.

બર્મિંઘમસ્થિત હેરિટેજ સલાહકાર રાજ પાલને આ રેકૉર્ડ્ઝમાંથી ખાતરી થઈ હતી કે પાકિસ્તાનના ગુજરાત જિલ્લામાં રહેતા તેમના દાદા અને કાકાઓ પણ પ્રથમ વિશ્વયુદ્ધ લડ્યા હતા.

બ્રિટિશ સંસદસભ્ય તનમનજિતસિંહ ઢેસીએ શોધી કાઢ્યું હતું કે તેમના ગામના ચાર લોકો પણ પ્રથમ વિશ્વયુદ્ધ લડ્યા હતા અને એ સમયે ઈશાન પંજાબના હોશિયારપુર જિલ્લામાં રહેતા તેમના પરદાદા મિહાનસિંહ મેસોપોટેમિયામાં એક સિપાઈ હતા.

મિહાનસિંહ લડાઈમાં ઘવાયા હોવાની તેમના પરિવાર વાતને આ રજિસ્ટરમાંની નોંધથી સમર્થન મળ્યું હતું. પંજાબી અને હિન્દી ફિલ્મોના અભિનેતા તથા ગાયક દિલજિત દોસાંજે પણ આ ઑનલાઇન રેકૉર્ડ્ઝમાંથી જાણ્યું હતું કે તેમના ગામ જલંદરના 51 સૈનિકો સૈન્યમાં હતા અને એ પૈકીના એકનું મોત વેસ્ટર્ન ફ્રન્ટ પરની લડાઈમાં થયું હતું.

line

એ રજિસ્ટર્સ પાકિસ્તાન કઈ રીતે પહોંચ્યાં?

સૈનિકોના રેકૉર્ડ- ગુરદાસપુર રજિસ્ટર

ઇમેજ સ્રોત, AMANDEEP SINGH MADRA

ઇમેજ કૅપ્શન, સૈનિકોના રેકૉર્ડ- ગુરદાસપુર રજિસ્ટર

લાહોર મ્યુઝિયમ રિસર્ચ ઍન્ડ રેફરન્સ લાયબ્રેરીના વડા બશીર ભટ્ટીએ બીબીસીના સૈયદઅલી કાઝમીને જણાવ્યું હતું કે રજિસ્ટર્સ લાહોરના મ્યુઝિયમમાં કઈ રીતે પહોંચ્યા એ તેઓ જાણતા નથી અને છેક 1977માં આ રજિસ્ટર્સ સત્તાવાર નોંધણી તથા સાફસફાઈ બાદ ડિજિટલાઇઝ કરવામાં આવ્યાં હતાં.

તેઓ કહે છે, "કોઈ પણ વ્યક્તિ વિશ્વના ગમે તે ખૂણેથી રજિસ્ટરમાંની નોંધ આસાનીથી જોઈ શકે તે હેતુથી અને ભાવિ પેઢી માટે આ દુર્લભ દસ્તાવેજો ડિજિટલ સ્વરૂપે જાળવી રાખવાના હેતુસર મ્યુઝિયમે તેને ડિજિટાઇઝ કરવાનો ફેંસલો કર્યો હતો."

લાહોરસ્થિત બીબીસીની ટીમ સાથે વાત કરતાં બશીર ભટ્ટીએ કહ્યું હતું, "આ રેકૉર્ડઝ બહુ મહત્ત્વના છે, કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધ લડેલા પોતાના પૂર્વજો વિશે સંબંધીઓ વધારે માહિતી મેળવવા ઇચ્છતા હોય છે અને તેમણે કયા યુનિટમાં કામ કર્યું હતું, તેઓ ક્યાં લડ્યા હતા અને તેઓ શહીદ થયા હતા કે ઘવાયા હતા એ જાણવા ઇચ્છતા હોય છે."

"એ લોકોને આ બધી માહિતી રેકૉર્ડ બુક્સમાંથી જાણવા મળે છે ત્યારે તેઓ બહુ રાજી થાય છે. આ રજિસ્ટર્સ મૂલ્યવાન ઐતિહાસિક ડેટા છે."

લંડનમાં 1919માં યોજાયેલી વિજય પરેડમાં સામેલ પંજાબના સૈનિકો

ઇમેજ સ્રોત, TOOR COLLECTION

ઇમેજ કૅપ્શન, લંડનમાં 1919માં યોજાયેલી વિજય પરેડમાં સામેલ પંજાબના સૈનિકો

લાહોર મ્યુઝિયમમાંના આવાં 34 રજિસ્ટર્સમાં પ્રથમ વિશ્વયુદ્ધ લડેલા સંયુક્ત પંજાબના 20 જિલ્લાના સૈનિકોના સર્વિસ રેકૉર્ડ્ઝ છે.

20 પૈકીના 10 જિલ્લા હવે ભારતના પંજાબ પ્રદેશમાં છે, જ્યારે બાકીના 10 જિલ્લા પાકિસ્તાનમાં છે. આ રજિસ્ટર્સમાંના 26,000 હસ્તલિખિત પાનાંમાં અવિભાજિત પંજાબના ગામેગામના સૈનિકોએ યુદ્ધ દરમિયાન આપેલી સેવાની તમામ વિગત નોંધાયેલી છે.

એ ઉપરાંત દરેક સૈનિકનું નામ, તેનો હોદ્દો, તેની રેજિમેન્ટ, તેનો સર્વિસ નંબર, તેનું સરનામું, તેના પરિવારની વિગત અને યુદ્ધ દરમિયાન તેઓ ઘવાયા હતા કે નહીં તે સહિતની નોંધ છે.

એક સદી પહેલાં બ્રિટિશ ભારતીય સૈન્યમાં ભરતીની પ્રક્રિયાની વિગતવાર માહિતી પણ આ રજિસ્ટર્સમાં નોંધાયેલી છે.

line

બ્રિટન આ રેકૉર્ડ્ઝ સુધી કઈ રીતે પહોંચ્યું?

યુકે પંજાબ હેરિટેજ ઍસોસિયેશન (યુકેપીએચએ)ના સહસંસ્થાપક અને અધ્યક્ષ અમનદીપસિંહ માદરા

ઇમેજ સ્રોત, AMANDEEP SINGH MADRA

ઇમેજ કૅપ્શન, યુકે પંજાબ હેરિટેજ ઍસોસિયેશન (યુકેપીએચએ)ના સહસંસ્થાપક અને અધ્યક્ષ અમનદીપસિંહ માદરા

બ્રિટનના એક અગ્રણી સખાવતી સંગઠન યુકે પંજાબ હેરિટેજ ઍસોસિયેશને (યુકેપીએચએ) વર્ષો સુધી થાક્યા વિના સતત પ્રયાસ ન કર્યા હોત તો આ રેકૉર્ડ્ઝ છુપાયેલા જ રહ્યા હોત.

યુકેપીએચએના સહસ્થાપક તથા અધ્યક્ષ અમનદીપસિંહ માદરાએ આ રેકૉર્ડ્ઝ મેળવવા માટે લાહોર મ્યુઝિયમ સાથે સાત વર્ષ સુધી પત્ર-વ્યવહાર કર્યો હતો.

આ ફાઇલોનું અસ્તિત્વ હોવાનું ભારતીય લશ્કરી ઇતિહાસકારો જાણતા હતા, પરંતુ તેઓ તેના સુધી ક્યારેય પહોંચી શક્યા ન હતા. આ વાત જાણ્યા પછી અમનદીપ માદરાએ લાહોર મ્યુઝિયમનો સૌપ્રથમ 2014માં સંપર્ક સાધ્યો હતો.

આ પ્રોજેક્ટ માટે ભંડોળની ફાળવણી કરી ચૂકેલી ગ્રીનવિચ યુનિવર્સિટી સૈનિકોના રેકૉર્ડ્ઝને ટ્રાન્સસ્ક્રાઇબ કરવામાં પણ મદદરૂપ થઈ હતી. એ પછી રેકૉર્ડ્ઝને ડિજિટાઇઝ કરવામાં આવ્યા હતા અને યુકેપીએચએની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યા હતા.

અમનદીપસિંહ માદરા

ઇમેજ સ્રોત, AMANDEEP SINGH MADRA

ઇમેજ કૅપ્શન, અમનદીપસિંહ માદરા

બીબીસી સાથે વાત કરતાં અમનદીપ માદરાએ કહ્યું હતું, "પહેલા વિશ્વયુદ્ધ વખતે ભારતીય સૈન્ય માટે સૈનિકોની ભરતીનું મુખ્ય કેન્દ્ર પંજાબ હતું. ભારતીય સૈન્યમાં હિન્દુ, મુસ્લિમ અને શીખો સહિતના પંજાબીઓનો હિસ્સો 33 ટકા હતો અને બ્રિટિશ સામ્રાજ્યના પરદેશી સૈન્યમાં તેમનું પ્રમાણ 16 ટકાથી વધારે હતું. તેમ છતાં આ લોકોના યોગદાનની નોંધ ક્યારેય લેવાઈ નથી."

"મોટા ભાગના કિસ્સામાં અમને એવા સૈનિકોના નામની પણ ખબર ન હતી. આ રેકૉર્ડ્ઝને ડિજિટાઇઝ કરીને અમે પરદેશમાં વસેલા પંજાબીઓ તેમજ સંશોધકો તથા શિક્ષણશાસ્ત્રીઓ માટે માહિતીનો ભંડાર ખોલી આપ્યો છે."

"એકમેકની પડખે અને બ્રિટિશ તેમજ સાથી રાષ્ટ્રોનાં લશ્કરીદળો સાથે રહીને વેસ્ટર્ન ફ્રન્ટની ખીણો, ગલ્લીપોલી અને રણમાં તથા આફ્રિકા અને મધ્ય-પૂર્વની ગરમીમાં યુદ્ધ લડેલા તમામ પંજાબીઓની કથાઓ કહેવામાં તેમને માહિતીનો આ ભંડાર ઉપયોગી થશે."

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનના કરાચીમાં શરૂ થયેલી પહેલી ગોઅન ફૂડ શૉપની મુલાકાત - INSPIRE

અમનદીપ માદરાના જણાવ્યા મુજબ, પોતાના કાકા પ્રથમ વિશ્વયુદ્ધ લડ્યા હોવાનું તેમના પિતાએ તેમને 2014માં કહ્યું હતું. એ કથા અમનદીપે અગાઉ ક્યારેય સાંભળી ન હતી. તેમના માટે તે વાત આશ્ચર્યજનક હતી.

અમનદીપ માદરાએ કહ્યું હતું, "મારા પિતાને તેમના કાકા પેન્શન લેવા માટે રોપડ ગામે લઈ જતા હોવાનું આછુંપાતળું યાદ હતું. મારા પિતાના કાકાએ વિશ્વયુદ્ધ વખતે બસરામાં ફરજ બજાવી હતી અને એ વખતે તેમણે રેતીના તોફાનનો સામનો કરવો પડ્યો હતો. પરિણામે તેમની દૃષ્ટિ નબળી થઈ ગઈ હોવાનું મારા પિતાને યાદ હતું."

"મારા પિતાના કાકાનું નામ બિશનસિંહ હતું અને તેઓ રોપડ જિલ્લાના માધપડ ગામના વતની હતા એ અમે જાણીએ છીએ. તેથી આ રજિસ્ટર્સ વિશે મેં સાંભળ્યું ત્યારે મને બિશનસિંહની બધી કથાઓ અચાનક યાદ આવી હતી."

"તે મહત્ત્વનાં છે એ હું તરત સમજી ગયો હતો, કારણ કે આ રજિસ્ટર્સમાંની માહિતીથી મારા જેવા ઘણા લોકોને તેમના પૂર્વજોનો લશ્કરી ઇતિહાસ જાણવામાં મદદ મળશે."

ભારતીય પંજાબના હોશિયારપુર જિલ્લાના પંજૌર ગામમાં બનેલું ગ્રેટ વૉર મેમોરિયલ

ઇમેજ સ્રોત, TEJPAL SINGH RALMILL COLLECTION

ઇમેજ કૅપ્શન, ભારતીય પંજાબના હોશિયારપુર જિલ્લાના પંજૌર ગામમાં બનેલું ગ્રેટ વૉર મેમોરિયલ

કુલ 20 જિલ્લા પૈકીના ત્રણ જિલ્લા - જલંધર તથા લુધિયાણા (ભારત) અને સિયાલકોટ (પાકિસ્તાન)ના આશરે 44,000 સર્વિસ રેકૉર્ડ્ઝ અત્યાર સુધીમાં ઑનલાઇન અપલોડ કરવામાં આવ્યા છે.

આ પ્રોજેક્ટને કારણે પોતાની ટીમ પંજાબના યોગદાનનું સમૃદ્ધ ચિત્ર રજૂ કરી શકશે અને વિશ્વયુદ્ધ લડેલા લોકોના વંશજોને ખૂટતી માહિતી મેળવવામાં મદદ મળશે, એવી અમનદીપ માદરાને આશા છે.

એ ઉપરાંત તેમની એવી આશા પણ છે કે આ પ્રોજેક્ટ પંજાબના લડવૈયાઓની સામૂહિક સેવાને ન્યાય અપાવવામાં તેમજ પંજાબ તથા પ્રથમ વિશ્વયુદ્ધની યોગ્ય આર્કાઇવ બનાવવામાં મદદરૂપ થશે.

line

પ્રથમ વિશ્વયુદ્ધમાં પંજાબનું યોગદાન

પંજાબના સૈનિકો

ઇમેજ સ્રોત, Getty Images

પ્રથમ વિશ્વયુદ્ધ લડેલા ભારતીય સૈનિકોના પરિવારજનો માટે અત્યાર સુધી આ પ્રકારની કોઈ સામગ્રી ઉપલબ્ધ ન હતી, જેમાંથી ઇતિહાસકારો અને બ્રિટિશ તથા આઈરીશ સૈનિકોના વંશજો સર્વિસ રેકૉર્ડ્ઝના પબ્લિક ડેટાબેઝમાંથી વિશ્વયુદ્ધ લડેલા તેમના પૂર્વજો વિશે માહિતી મેળવી શકે.

ગ્રીનવિચ યુનિવર્સિટી ખાતે ઇતિહાસના પ્રોફેસર તરીકે કાર્યરત ડૉ. ગેવિન રેન્ડે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "બ્રિટિશરાજમાં સૈનિકોની ભરતીના મુખ્ય કેન્દ્ર તરીકેની પંજાબની ભૂમિકાની અનોખી તથા ઝીણવટભરી માહિતી આ રેકૉર્ડ પૂરી પાડે છે."

"આ રેકૉર્ડમાં બ્રિટિશ સામ્રાજ્ય વતી પ્રથમ વિશ્વયુદ્ધ લડેલા તમામ સૈનિકો વિશેની વિગતવાર માહિતી છે."

ડૉ. ગેવિન રેન્ડ

ઇમેજ સ્રોત, DR. GAVIN RAND

ઇમેજ કૅપ્શન, ડૉ. ગેવિન રેન્ડ

ડૉ. ગેવિન રેન્ડે ઉમેર્યું હતું, "બ્રિટનમાં શીખ, મુસ્લિમ અને હિન્દુ મૂળના આશરે દસ લાખ લોકો વસવાટ કરે છે અને વિશ્વમાં એવા એક કરોડથી વધુ લોકો છે. એ પૈકીના ઘણા લોકો એવા પ્રદેશોમાંથી આવે છે, જ્યાં પ્રથમ વિશ્વયુદ્ધ વખતે મોટા પ્રમાણમાં નાગરિકોની સૈનિકો તરીકે ભરતી કરવામાં આવી હતી."

"રજિસ્ટર્સમાં નોંધાયેલી વિશિષ્ટ માહિતી સૌપ્રથમ વાર ઉપલબ્ધ કરાવવા ઉપરાંત આ પ્રોજેક્ટ બ્રિટનમાં તથા બ્રિટન બહાર વસતા પંજાબી સમુદાયને વ્યાપક અર્થમાં મદદરૂપ થશે."

નોટિંઘમ યુનિવર્સિટીમાં બ્રિટિશ ઇમ્પેરિયલ, કોલોનિયલ ઍન્ડ પોસ્ટ-કોલોનિયલ હિસ્ટરીના આસિસ્ટંટ પ્રોફેસર તરીકે કાર્યરત ડૉ. અરુણકુમારે પણ આ પ્રોજેક્ટને આવકાર્યો હતો.

તેમણે કહ્યું હતું, "પ્રથમ વિશ્વયુદ્ધને અત્યાર સુધી યુરોપિયન-પશ્ચિમી યુદ્ધ તરીકે જ ચિત્રિત કરવામાં આવ્યું છે. પશ્ચિમી મીડિયા તથા ફિલ્મોમાં કરવામાં આવતું આવું ચિત્રણ એટલી હદે ગેરમાર્ગે દોરનારું અને અનૈતિક છે કે તેમાં ભારતીય સૈનિકોના અને આફ્રિકાના અન્ય સૈનિકોના યોગદાનની નોંધ લેવામાં આવતી જ નથી."

ડૉ. અરુણકુમાર

ઇમેજ સ્રોત, DR. ARUN KUMAR

ઇમેજ કૅપ્શન, ડૉ. અરુણકુમાર

ડૉ. અરુણકુમારે ઉમેર્યું હતું કે વણકર, સોની તથા સુથાર જેવી કારીગર જ્ઞાતિઓના લોકો અને દલિતોએ પણ પ્રથમ વિશ્વયુદ્ધમાં યોગદાન આપ્યું હતું એ માહિતી તેમના માટે બહુ રસપ્રદ અને રોમાંચક છે.

લંડનસ્થિત ભારતીય પત્રકાર અને 'સ્પાય પ્રિન્સેસઃ ધ લાઇફ ઑફ નૂર ઇનાયત ખાન' તથા 'વિક્ટોરિયા ઍન્ડ અબ્દુલઃ ધ ટ્રુ સ્ટોરી ઑફ ધ ક્વીન્સ ક્લોઝેસ્ટ કૉન્ફિડાન્ટ' જેવાં અનેક પુસ્તકોનાં લેખિકા શ્રાવણી બસુએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "આ પ્રોજેક્ટ શાળાઓ અને યુનિવર્સિટીઓ તથા શિક્ષણશાસ્ત્રીઓ માટે પણ મહત્ત્વનો શૈક્ષણિક સ્રોત છે."

"પંજાબના સૈનિકોએ પ્રથમ વિશ્વયુદ્ધ કેટલી હદે સ્વૈચ્છાએ ભાગ લીધો હતો એ વિગત પણ તેમાંથી મળે છે."

line

પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતીય સૈનિકોનું યોગદાન વિસરાયું?

શ્રાવણી બસુ

ઇમેજ સ્રોત, SHRABANI BASU

ઇમેજ કૅપ્શન, શ્રાવણી બસુ

ડૉ. ગેવિન રેન્ડે કહ્યું હતું, "પ્રથમ વિશ્વયુદ્ધ એટલે ફ્રાન્સ અને બેલ્જિયમ વચ્ચે અને કાદવ તથા ખાઈઓની લડાઈ એવી ગેરસમજ બ્રિટનમાં પ્રવર્તે છે. આપણે માત્ર દક્ષિણ એશિયનો જ નહીં, કૉમનવેલ્થ તથા આપણા કોલોનિયલ સૈનિકોએ યુદ્ધમાં ભજવેલી ભૂમિકાને પણ ભૂલી ગયા છીએ."

બીજી તરફ ડૉ. અરુણકુમાર આ માટે સંસ્થાનવાદને દોષી ઠરાવે છે.

તેમણે કહ્યું હતું, "સંસ્થાનવાદ ચોક્કસ પાસાંઓની ભૂલી જવાની અને આપણે શું યાદ રાખવું જોઈએ તથા શું ભૂલી જવું જોઈએ તેને આકાર આપવાની પ્રક્રિયા હતો. ન્યાયસંગત, તર્કસંગત અને અધિકારયુક્ત એકમની રચનાના ઇન્કાર પર આધારિત સંસ્થાનવાદમાં એમ થવું સહજ હતું."

"એવું માનવામાં આવતું હતું કે વસાહતી સંસ્થાઓ નિકાલજોગ સંસ્થાઓ છે. તેથી યુદ્ધ પછી વિખેરી નાખવામાં આવેલાં વસાહતી રાજ્યોએ ગંભીર ઈજા પામેલા સૈનિકો માટે ખાસ કશું કર્યું ન હતું."

આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની સફળતા બાદ થોડા વધુ જિલ્લાઓના સર્વિસ રેકૉર્ડ્સ અપલોડ કરવાની યોજના છે, જેથી વધુ પરિવારો તેમના કુટુંબના ઇતિહાસ અને પ્રથમ વિશ્વયુદ્ધમાં તેમના પૂર્વજોની ભૂમિકા વિશે જાણી શકે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો