કોરિયન યુદ્ધના અંત માટે ઉત્તર કોરિયાએ કેવી શરતો મૂકી?
દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જે ઇને ઉત્તર અને દક્ષિણ કોરિયા, અમેરિકા અને ચીને સૈદ્ધાંતિકપણે કોરિયન યુદ્ધવિરામ અંગે ઔપચારિક જાહેરાત કરી હતી.
સાથે જ તેમણે ઉમેર્યું હતું કે આ બાબત અંગે ઉત્તર કોરિયાની માગણીઓને લઈને વાતચીત હજુ શરૂ થશે.
1950-53 સુધી ચાલેલા યુદ્ધમાં દ્વીપના બે ભાગ થઈ ગયા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે તે સમયથી જ તકનીકીપણે યુદ્ધ ચાલી રહ્યું હતું. જેમાં ઉત્તર કોરિયાને ચીનની સહાય હતી અને અમેરિકા દક્ષિણ કોરિયા સાથે હતું. આના કારણે બંને દેશો વચ્ચે ખૂબ જ તણાવભર્યા સંબંધ રહ્યા.
ઉત્તર સાથેનું ઍન્ગેજમેન્ટ એ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇન માટે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. જે અંગે તેઓ ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યા હતા; પરંતુ અવલોકનકારોનું કહેવું છે કે આ હાંસલ કરવું ખૂબ જ મુશ્કેલ હશે.
મૂન હાલ ઑસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તેઓ કૅનબરા ખાતે ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન સાથે એક પત્રકારપરિષદને સંબોધી રહ્યા હતા.

ઉત્તર કોરિયાની માગણી શી છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનનાં પ્રભાવશાળી બહેન કિમ યો જોંગે સપ્ટેમ્બર માસમાં એવા સંકેત આપ્યા હતા કે તેમનો દેશ વાતચીતને આવકારશે, પરંતુ તેમની એક જ શરત છે કે અમેરિકાએ 'વિરોધીનીતિ' ત્યાગવી પડશે.
ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયામાં અમેરિકાના સૈનિકોની હાજરીને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કરતું રહ્યું છે. આ સિવાય દક્ષિણ કોરિયા અને અમેરિકાના સંયુક્ત યુદ્ધાભ્યાસો અને અમેરિકાના વડપણ હેઠળ ઉત્તર કોરિયાના હથિયાર કાર્યક્રમ અંગે લાદવામાં આવેલા પ્રતિબંધો અંગે પણ તેઓ વાંધો વ્યક્ત કરતા રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ અમેરિકા અવારનવાર એ આગ્રહ વ્યક્ત કરતું રહ્યું છે કે તેઓ કોઈ પ્રતિબંધ ઉઠાવે એ પહેલાં ઉત્તર કોરિયાએ પોતાનાં પરમાણુ હથિયારોનો ત્યાગ કરવો પડશે.
સોમવારે રાષ્ટ્રપતિ મૂને કહ્યું હતું કે ઉત્તર કોરિયા કોઈ પણ પ્રકારની ચર્ચા પહેલાં આ માંગણી આગળ ધરે છે.
તેમણે કહ્યું કે, "આ કારણે, અમે જાહેરાત બાબતે વાતચીત કે સમજૂતી પર પહોંચવા માટે બેઠક કરી નથી શકી રહ્યા... અમને આશા છે કે વાતચીત શરૂ થશે."
દક્ષિણ કોરિયાના નેતાએ અગાઉ દલીલ કરી હતી કે યુદ્ધના અંતની આધિકારિક જાહેરાતથી ઉત્તર કોરિયા પોતાનાં પરમાણુ હથિયારોને ત્યાગવા માટે પ્રેરાશે. રાષ્ટ્રપતિ મૂન પાસે સમયની અછત છે.
તેમને પોતાના પદ પર આવતા માર્ચ માસમાં પાંચ વર્ષ થશે, જેથી તેમને પોતાના પદનો ત્યાગ કરવો પડશે. તેથી તેઓ દ્વીપમાં કાયમી શાંતિ જળવાઈ રહે તે માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.
પરંતુ હાલ ઉત્તર કોરિયા આ બધાથી અગાઉ કરતાં વધુ અલગ દેખાય છે. પ્યોંગયાંગ અને સિઉલ વચ્ચે હસ્તમેળાપના દિવસો હાલ પૂરતા પૂરા થયા છે.
યુદ્ધના અંત અંગેની સમજૂતીને ચર્ચાના ટેબલ પર લાવવું એ મૂન જે ઇનની ઇચ્છા છે.
પરંતુ તેમની સામે ઘણા પડકારો છે. અમેરિકા આ વિચાર અંગે ઓછું ઉત્સાહિત જણાઈ રહ્યું છે. બાઇડન પ્રશાસનને આ અંગે વાત કરવું પસંદ હોય તેવું લાગે છે. સ્વાભાવિકપણે કોને યુદ્ધની સ્થિતિ કાયમી જળવાઈ રહે તેવું ગમે. પરંતુ કેટલાકને આશંકા છે કે આ સમજૂતીને કારણે કિમ જોંગ ઉનને કોઈ પણ ગૅરંટી આપ્યા વગર લાભ કરાવશે.
આ સમજૂતીના ટેકેદારો માને છે કે આ એક રાજદ્વારી પગલું છે - જેને ઉત્તર કોરિયાને સુરક્ષાની ગૅરંટી આપતું પ્રથમ પગલું ગણાવી શકાય.
પરંતુ આની તરફેણમાં ન હોય તેવા લોકોનું કહેવું છે કે આના કારણે ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયામાંથી અમેરિકાના 28,500 સૈનિકોને સ્વદેશ પરત ફરવાની ફરજ પાડશે. તેમજ અમેરિકા અને દક્ષિણ કોરિયાનો વાર્ષિક સામૂહિક યુદ્ધાભ્યાસ પણ નહીં યોજી શકાય.
ઉત્તર કોરિયાના સરકારી મીડિયા દ્વારા આ વિચારને 'અવિકસિત' પણ ગણાવ્યો છે.
રાષ્ટ્રપતિ મૂન માટે વધુ મોટી મુશ્કેલી એ પણ છે કે દક્ષિણ કોરિયાએ હજુ યુદ્ધવિરામના દસ્તાવેજ પર હસ્તાક્ષર નથી કર્યા. યુદ્ધના અંત અંગેની સમજૂતી એ ઇતિહાસને દેવા માટે તેમના હાથમાં રહેલી ભેટ નથી.
તેઓ તમામ પક્ષોને આ અંગે એક જ ટેબલ પર ચર્ચા માટે લાવવા પોતાના પ્રયાસ ચાલુ રાખી શકે છે. પરંતુ તમામ પક્ષોને તમામ મુદ્દે રાજી કરી લેવા એ રાજદ્વારી એવરેસ્ટ સર કરવા જેવું કામ છે.

અમેરિકા અને ચીને શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
ઑક્ટોબરમાં પ્રેસ સાથે વાત કરતાં અમેરિકાના નેશનલ સિક્યૉરિટી એડવાઇઝર જેક સુલિવાને કહ્યું હતું કે, "અમેરિકા સમજૂતીની તમામ શરતો અને મુદ્દાઓને લઈને અલગ મંતવ્ય ધરાવે કે તમામ શરતોના ક્રમ અને સમયને લઈને તેની અલગ ધારણા હોય તેવું બની શકે."
આ દરમિયાન ગત અઠવાડિયે દક્ષિણ કોરિયાની ન્યૂઝ એજન્સી યોન્હાપે રિપોર્ટ કર્યું કે ચીનના ઉચ્ચ કક્ષાના રાજદ્વારી યાંગ જાઇચીએ યુદ્ધના અંત અંગેની જાહેરાત અંગે પોતાના દેશના સમર્થન બાબતે તૈયારી દર્શાવી છે. એજન્સીએ બીજિંગ ખાતે રહેલા દક્ષિણ કોરિયાના રાજદ્વારીના દ્વારા મળેલ જાણકારી પ્રમાણે આવું જણાવ્યું હતું.

કોરિયાના યુદ્ધમાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચેની સરહદ 38 પૅરેલલ પર જૂન, 1950માં કૉમ્યુનિસ્ટ ઉત્તર કોરિયા દ્વારા 75,000 સૈનિકો સાથે હુમલો કરાયા બાદ યુદ્ધની શરૂઆત થઈ હતી.
આ યુદ્ધમાં અમેરિકા દક્ષિણ કોરિયા સાથે યુદ્ધમાં જોડાયું અને ચીન અને સોવિયેત સંઘની સહાય મેળવી રહેલા ઉત્તર કોરિયાને પાછળ ખદેડ્યું હતું.
અમુક વર્ષો સુધી લોહિયાળ જંગ ચાલ્યો અને વર્ષ 1953માં ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ પર સહી કરવામાં આવી.
આ ઘર્ષણમાં 50 લાખ સૈનિકો અને નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













