Vikings : આ શાકાહારી યોદ્ધાઓ ખરેખર લોહીતરસ્યા હતા?
- લેેખક, ટોમ દે કેસ્ટેલા
- પદ, બીબીસી ન્યૂઝ મૅગેઝિન
વર્ષ હતું 793. એક લાંબું જહાજ 8મી જૂને કિનારે લાંગર્યું. લિન્ડિસફર્નના પાદરીઓને હજી ખબર પડી નહોતી કે શું આફત આવી છે. પરંતુ આ હુમલો એ પછી 300 વર્ષ સુધી બ્રિટન અને આયર્લૅન્ડ પર સમુદ્રમાર્ગે જે હિંસક વાઇકિંગ હુમલા થતા રહ્યા એની શરૂઆત હતી.

ઇમેજ સ્રોત, OTHER
'અલ્સૂઇન ઑફ યૉર્કે' એ વખતે લખ્યું હતું, "પેગન (પાખંડી) જાતના લોકોએ આપણા પર હાલમાં જે વિતાડી છે, તેવી આફત બ્રિટન પર અગાઉ ક્યારેય આવી નહોતી. આ વિધર્મી લોકોએ સેઇન્ટનું લોહી ઑલ્ટારની આસપાસ છાંટ્યું, ઇશ્વરના દરબારમાં સંતોના મૃતદેહોને શેરીના કચરાની જેમ પગેથી કચડ્યા."
12 સદીઓ પછી વાઇકિંગ લોકો વિશેનું એક મોટું પ્રદ્શન 'બ્રિટિશ મ્યૂઝિયમ'માં યોજાયું છે અને આજેય તે વખતની ઘટનાઓ વિશે લોકો કલ્પનાઓ કરતા રહે છે.
દેખાવડા, હૃષ્ટપુષ્ટ, માથે શિંગડાં સાથેનો હેલ્મેટ પહેરેલા અને નાકનાં ફણાં ફૂલાવતા આક્રમક લોકો ગામ પર તૂટી પડે. બળાત્કારો કરે અને લૂંટફાટ મચાવી દે.
લોકો આવું જ માનતા આવ્યા છે. જોકે લાંબા સમયની આવી ધારણાઓને હવે પડકારમાં આવી રહી છે.
હેલ્મેટની જ વાત કરીએ, જે સ્કેન્ડિનેવિયન ફૂટબૉલ ચાહકોમાં બહુ જ લોકપ્રિય છે. વાઇકિંગ લોકો ક્યારેય આવો હેલ્મેટ પહેરતા નહોતા.
19મી સદીમાં થયેલાં વર્ણનોમાં જ માથે શિંગડાંવાળા હેલ્મેટના ઉલ્લેખો જોવા મળે છે.
1876માં યોજાયેલા પ્રથમ બેયરથ ફેસ્ટિવલમાં 'રિંગ સાયકલ' નામના નાટકમાં પ્રથમવાર શિંગડાં સાથેનો હેલ્મેટ વેશભૂષા તરીકે લેવાયો હતો. વેગનરે નોર્સની દંતકથાના નાયક પરથી તૈયાર કરેલા ઑપેરા 'ડી વૉલક્યોર' (ધ વૉલ્કિરી)માં આવી વેશભૂષા હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

વાઇકિંગ જ શિંગડાંવાળો હેલ્મેટ પહેરતા?

ઇમેજ સ્રોત, Getty Images
જોર્વિક સેન્ટરનાં ઍમ્મા બૉસ્ટ કહે છે કે શિંગડાં સાથેનો હેલ્મેટો પહેરાતો હતો તે ઐતિહાસિક તથ્ય છે, પરંતુ તે માત્ર વાઇકિંગ લોકોનો નહોતો. બ્રિટિશ મ્યૂઝિયમમાં લોહયુગ વખતના ઉત્સવો અને પ્રસંગો વખતે પહેરાતો હેલ્મેટનો નમૂનો રાખેલો છે. થૅમ્સ નદીમાંથી આ અવશેષ મળ્યો હતો, જે ઈ.સ.પૂર્વે 150-50 વખતનો હોવાનું મનાય છે.
વાઇકિંગ દારૂ પીવા માટે શિંગડાંનો ઉપયોગ કરતા હતા અને શિંગડાંનું વાજિંત્ર પણ બનતું હતું, જેને જોરથી ફૂંકીને સંદેશાવ્યવહાર થતો હતો.
વાઇકિંગના બાજુબંધ અને ગળામાં પહેરેતા પેન્ડન્ટમાં પણ શિંગડાં ચિતરેલાં રહેતાં હતાં. પરંતુ આવા હેલ્મેટ ખરેખર પહેરવામાં આવતા નહોતા. લડાઈમાં તેને પહેરવામાં મોટી મુશ્કેલી થાય અને તેનો વજન ઊલટાનો નડતરરૂપ થાય.
પરંતુ આજે બાળકને વાઇકિંગ દોરવાનું કહેવામાં આવે એટલે તે શિંગડાંવાળા હેલ્મેટ માથે દોરે.
બૉસ્ટ કહે છે, "હું સમજી શકું છું કે બાળકો તે પ્રકારે ચિત્ર દોરવાનાં. આપણા સમાજમાં આવી છાપ પડી ગયેલી છે અને મને નથી લાગતું કે ક્યારેય તે દૂર થાય. પરંતુ તેનાથી પણ વધારે સારો ખુલાસો આપી શકાય તેમ છે."
નવું પ્રદર્શન ખૂલ્યું છે તેની સાથે મીડિયામાં પણ આ વિશે પુનર્વિચાર થઈ રહ્યો છે. હાલમાં જ 'ન્યૂ સ્ટેટ્સમૅન'નું એક મથાળું હતું: "વાઇકિંગ લોકોએ સોપ ઑપેરાની શરૂઆત કરેલી અને વૈશ્વિકીકરણનો પ્રાંરભ કરેલો - તો શા માટે આપણે તેમને ઘાતકી પ્રજા તરીકે વર્ણવીએ છીએ?"
'ડેઇલી ટેલિગ્રાફ'માં એક વિશ્લેષકે લખ્યું છે કે બ્રિટિશ મ્યૂઝિયમમાં પ્રદર્શન પાછળનો હેતુ કદાચ જૂની માન્યતાઓને તોડવાનો છે. "મને જાણવા મળશે કે આ ધાડપાડુઓ હકીકતમાં શાકાહારી હતા, તે વખતમાં વિશ્વવિદ્યાલયો ચલાવતા હતા અને સૌથી ચોંકાવનારી વાત કે, એ લોકો શિંગડાંવાળો હેલ્મેટ પહેરતા નહોતા."
તેમણે આ રીતે કટાક્ષ કર્યો તેના પરથી ખ્યાલ આવે છે કે બ્રિટિશ મ્યૂઝિયમનું કામ સહેલું નથી. યુનિવર્સિટી ઑફ યૉર્કમાં ઑલ્ડ નોર્સ ભણાવતા મેથ્યૂ ટૉનન્ડ કહે છે, "વાઇકિંગ વહાલા લાગે તેવા હતા કે કેમ તે વિશે લાંબા સમયથી ચર્ચાઓ ચાલતી રહી છે."
સામાન્ય માન્યતા હોલીવૂડની 1958ની ફિલ્મ 'ધ વાઇકિંગ્ઝ'માં દેખાડી છે તેવી જ છે.
તેમાં કર્ક ડગ્લાસ, જૅનેટ લેઈ અને ટૉની કર્ટિસે કામ કર્યું હતું. એક ફિલ્મવિવેચકે લખ્યું હતું તે પ્રમાણે સમગ્ર ફિલ્મમાં બળાત્કાર, હિંસા અને લૂંટફાટનું જ નિરૂપણ હતું. એટલું ખરું કે માથે શિંગડાં પહેરાવાયાં નહોતાં.

વાઇકિંગ અંગે લખાયેલી સામગ્રીમાં તથ્ય કેટલું?

ઇમેજ સ્રોત, COURTESY EVERETT COLLECTION/REX
1960 અને 70ના દાયકામાં જ વાઇકિંગ લૂંટારા હોવાનો દાવો કરનારાં ચરિત્રો સામે સવાલો ઉઠાવવાનું શરૂ થયું હતું.
અભ્યાસુઓ કહે છે કે વાઇકિંગ લોકોની ઇંગ્લૅન્ડ પરની ધાડ વિશે મોટા ભાગે 'હુમલાનો ભોગ' બનેલા પાદરીઓએ લખ્યું છે. તે લોકો પક્ષપાત વિના ના લખે તે સહજ છે. વધારે યોગ્ય પુરાવા તરીકે નોર્સ કથાઓની જગ્યાએ આર્કિયોલૉજીનું સંશોધન અને અભ્યાસો આવ્યાં તે ઘણી સદીઓ પછી આવ્યાં હતાં.
1970ના દાયકામાં એક મહત્ત્વનો વળાંક આવ્યો હતો. યૉર્કના કોપરગેટમાં શોપિંગ સેન્ટરના બાંધકામ વખતે વાઇકિંગનાં જૂનાં આવાસો, આભૂષણો, એક હેલ્મેટ વગેરે ભેજવાળી જમીનમાં સારી રીતે સચવાયેલાં મળી આવ્યાં હતાં. તેના આધારે શહેરમાં જોર્વિક સેન્ટરની સ્થાપના થઈ હતી. તે પછી વાઇકિંગને પણ ઘરગથ્થુ લોકો તરીકે જોવાનું શરૂ થયું હતું.
જોર્વિક સેન્ટરના ઇન્ટરપ્રિટેશ વિભાગના વડા ક્રિસ ટકલી કહે છે, "કોપરગેટની શોધ પહેલાં વાઇકિંગ વિશેની આપણી માન્યતાઓ અધારવિહોણી હતી."
વાઇકિંગની છાપ સુધારવા માટેના પ્રયાસો શરૂ થયા અને તેમને લૂંટારાંની જગ્યાએ કુશળ વેપારીઓ તરીકે ચીતરવાનું શરૂ થયું.
છેલ્લે 1980માં પણ બ્રિટિશ મ્યૂઝિયમમાં એક પ્રદર્શન યોજાયું હતું, ત્યારે પણ આવો જ અભિગમ વ્યક્ત થયો હતો. વાઇકિંગ ચામડાનાં જૂતાં પહેરતા હતા અને માથું ઓળેલું રાખતા હતા.
2007માં ડેનીશ સાંસ્કૃતિક મંત્રી બ્રિયાન મિક્કેલસન ડબલીનની મુલાકાતે આવેલા ત્યારે તેમણે આયરિશ લોકો સાથે વાઇકિંગે ખરાબ વર્તન કરેલું તેની માફી માગી હતી.
જોકે બાદમાં તેમણે ફેરવી તોળ્યું હતું અને કહ્યું હતું કે પોતે માફી માગી નહોતી.
તેમણે એક ડેનીશ અખબારને કહ્યું કે: "મેં મારા ભાષણમાં એટલું જ કહ્યું હતું કે તેના કારણે આયરિશ લોકોને ઘણું નુકસાન થયું હતું પણ 1000 વર્ષ પહેલાં વાઇકિંગ લોકોએ જે કર્યું હોય તેના માટે માફી નહોતી માગી. એ વખતે તેવી રીતે જ ચાલતું હતું."
1000 વર્ષ પછી માફી માગવાની વાત વિચિત્ર જ લાગે. જોકે મિક્કેલસને બીજી જે વાત કહી તેની સામે વળી સવાલો થયા હતા - તેમણે કહ્યું કે એ વખતે આવું જ ચાલતું હતું અને તે વર્તન સામાન્ય કહેવાય.
કૅમ્બ્રિજ યુનિવર્સિટીના ઍન્ગ્લો-સેક્સન ઇતિહાસકાર પ્રોફેસર સિમોન કેઇન્સ પણ કહે છે કે વાઇકિંગ બહુ "વહાલા લાગે તેવા હતા" તેવી વાતો વધારે પડતી થઈ રહી છે. તેઓ કહે છે, "તે લોકો માથા ફરેલા હતા, ધિક્કાર થાય તેવા અને ક્રૂર હતા તે બાબતમાં કોઈ શંકા નથી. વાઇકિંગ જેના માટે જાણીતા હતા, તેવું બધું એ લોકોએ કર્યું જ હતું."
તેમને હાથ લાગે તે લૂંટી લેતા હતા. ચર્ચના ખજાનાને લૂંટી લેવાતો હતો. તે લોકો પશુઓ, ધન અને અનાજ છીનવી લેતા હતા. પોતાની સાથે મહિલાઓને ઉપાડી ગયા હોય તેવી શક્યતા પણ છે એમ કેઇન્સ કહે છે.
"તે લોકો આખી વસાહતને સળગાવી દેતા અને પાછળ વિનાશ છોડીને જતા. કારણ વિના આવીને ત્રાસ ફેલાવતા હતા. બીજા આક્રમકો કરતાં જુદા એ રીતે હતા કે દરિયામાર્ગે આવતા હતા. ટૂંકા તળિયાવાળા તેમના લાંબાં વહાણો રહેતાં એટલે નદીમાં અંદર સુધી ઘૂસી આવતા હતા. અચાનક ગામો પર ધાડ પાડતા હતા."
સૌથી ખતરનાક વાત એ હતી કે વારંવાર ધાડ પાડતા હતા. ચોરની જેમ વાઇકિંગ વારંવાર આવતા અને ગામોને લૂંટીને જતા રહેતા. કોઈને શાંતિથી રહેવા દેતા નહોતા.

વાઇકિંગ લૂંટારા હતા?

ઇમેજ સ્રોત, OTHER
'ઈવાર ધ બોનલેસ' સૌથી વધુ ક્રૂર મનાતો હતો. કથાઓ અનુસાર તેમણે ઇસ્ટ એંગ્લિયાના રાજા ઍડમન્ડને ઝાડ પાસે ઊભો રાખેલો અને પોતાના માણસોને કહેલું કે તેની ખોપરી ઊડી ના જાય ત્યાં સુધી તેના પર તીરોનો વાર કરો.
તેનો હરિફ વાઇકિંગ કિંગ ઍલ્લા હતો, તેની પણ ક્રૂર રીતે હત્યા કરેલી. તેની પાંસળીઓ કાપીને તે પાંખ હોય તેવી રીતે રાખેલી. પીઠમાંથી તેનું ફેફસું ખેંચીને કાઢી લેવાયેલું. તેને 'બ્લડ ઈગલ' તરીકે ઓળખવામાં આવતો હતો. જોકે આ બધી કથાઓની ખરાઈ અંગે શંકાઓ કરવામાં આવતી હોય છે.
સામી બાજુ બીજા લોકો પણ એવું કહેતા હોય છે કે ઍન્ગ્લો-સેક્સન લોકો પણ કંઈ શાંતિના દૂત જેવા નહોતા. 2010માં વૅમાઉથમાં 50 મૃતદેહો મળી આવ્યા હતા. પકડાઈ ગયેલા વાઇકિંગની બાદમાં હત્યા કરી દેવાઈ હોય અને એ એમના જ મૃતદેહો હોવાની ધારણા બાંધવામાં આવી હતી.
વાઇકિંગ લોકો પશ્ચિમમાં ન્યૂફાઉન્ડલૅન્ડ સુધી, ઉત્તર ફ્રાન્સ અને જર્મની સુધી અને પૂર્વમાં રશિયા અને હવે યુક્રેન સુધી પણ ધાડ પાડવા જતા હતા. મધ્ય એશિયા અને મધ્ય પૂર્વમાં વાઇકિંગની અસર વિશે બહુ માહિતી નથી. કેઇન્સ કહે છે, "તે લોકોએ બહુ બધું કર્યું હતું, એટલે એક જ રીતે તેમનું મૂલ્યાંકન થઈ શકે તેમ નથી."
કૅમ્બ્રિજ યુનિવર્સિટીના અરબી ભાષાના પ્રોફેસર જૅમ્સ મૉન્ટગોમરી કહે છે કે વાઇકિંગ વિશે સૌથી વધુ લખાયેલું સાહિત્ય 9મી અને 10મી સદીનું છે અને તે અરબી ભાષામાં છે.
વાઇકિંગ લોકો કાસ્પિયન સમુદ્ર સુધી પહોંચ્યા હતા અને ખઝર સામ્રાજ્ય સાથે સંપર્કમાં આવ્યા હતા. મધ્ય 9મી સદીના સ્રોતો પર આધાર રાખીએ તો તે લોકો છેક બગદાદ સુધી પહોંચ્યા હતા. વાઇકિંગને 'રુસ' તરીકે પણ ઓળખવામાં આવતા હતા અને તે લોકોએ કિવનું સામ્રાજ્ય સ્થાપ્યું. તેમાંથી જ રશિયા બન્યું હતું એમ મૉન્ટગોમરી કહે છે.
આના કારણે ઘણા લોકો એવું કહે છે કે વાઇકિંગ લૂંટારા નહોતા, પણ વૈશ્વિક વેપાર કરનારા હતા. સાથે જ તે લોકોએ સોપ ઑપેરાની શોધ કરી હતી એમ પણ કહે છે.

પુનર્મૂલ્યાંકનની જરૂરિયાત

ઇમેજ સ્રોત, JORVIK VIKING CENTRE, YORK
આ રીતે પુનર્મૂલ્યાંકન થતું હોય તે સહજ હોય છે. અભ્યાસુઓ હંમેશાં કોઈ નવા દૃષ્ટિકોણ માટે વિચારતા હોય છે. સામાજિક મૂલ્યો બદલાતાં રહે તે સાથે લોકોની માન્યતાઓ પણ બદલાતી હોય છે.
'ધ સેકન્ડ વર્લ્ડ વૉર'ના લેખક ઍન્ટની બીવોર કહે છે, "સ્ટેન્ધલ કહેતા હતા કે નેપોલિયનની જીવનકથા દર છ વર્ષે નવેસરથી લખવી પડતી હતી."
આ રીતે ફેર વિચારણાની વાત સામેનો વિરોધ ઇતિહાસના કેટલાંક ક્ષેત્રોમાં વધારે થતો રહે છે.
દાખલા તરીકે પ્રથમ વિશ્વયુદ્ધ વિશે વારંવાર ફેરવિચારણા થતી રહી છે.
બીવોર માને છે કે "પ્રવર્તમાન રાજકીય સ્થિતિ પર વધારે અસર કરનારી બાબતોમાં તથા ગૃહયુદ્ધ, ગુલામી, સામ્રાજ્યવાદ, શ્રમિકોની સ્થિતિ, મહિલાઓ સાથેનો વ્યવહાર વગેરેમાં આ રીતે વારંવાર ફેરવિચારણાના પ્રયાસો થતા હોય છે".
ટોનન્ડ કહે છે કે વાઇકિંગ ધાડપાડુઓ અને વસાહતીઓ બંને હતા. તે લોકો આવી લૂંટ કરીને જતા રહે તેવું માત્ર નહોતું.
300 વર્ષના વાઇકિંગ યુગ દરમિયાન ઘણા લોકો જુદીજુદી જગ્યાએ સ્થાયી પણ થઈ ગયા. ધાડપાડુઓ કરતાં તે લોકો સ્થાનિક પ્રજા સાથે જુદી રીતે વર્તન કરતા હતા.
"સ્થાનિક પ્રજાનો ખો પણ કાઢી નખાયો નહોતો. તો પછી તે લોકો સાથે કેવી રીતે રહ્યા હશે?"
આ રીતે આ કથા માત્ર લૂંટની કે વિજેતા થવાની નથી, પણ વસાહતની અને સંમિશ્રણની પણ છે.
ઘણા વાઇકિંગ લોકોએ ખ્રિસ્તી ધર્મને પણ અંગિકાર કર્યો. જાતીઓ વચ્ચે લગ્નો પણ થયાં. કિંગ ક્નટ કિંગ ઑફ ઇંગ્લૅન્ડ બન્યા હતા અને 25 વર્ષ રાજ કર્યું હતું. તેમણે સત્તા સ્થાને રહેલા લોકોને હઠાવી દીધા હતા, પણ સામાન્ય પ્રજાને તેમની રીતે જીવન ગુજારવા દીધું હતું.
તે લોકોએ પોતાનાં નોર્સ નામો અને પરંપરા ચાલુ પણ રાખ્યાં હતાં. ટોનન્ડ કહે છે, "મારો અભિપ્રાય એવો છે કે ઘણી બાંધછોડ થઈ હતી."
હાકોન ધ ગૂડ ઇગ્લૅન્ડમાં હતા ત્યારે જ ખ્રિસ્તી બન્યા હતા. તેઓ નોર્વેમાં ફરી રાજ જમાવવા પહોંચ્યા ત્યારે ત્યાં તેમની ખરાબ હાલત થઈ હતી એમ ટોનન્ડ કહે છે. "પોતાની પ્રજા કરતાં તેમનો ધર્મ હવે જુદો પડી ગયો હતો."
ટકલીનું કહેવું છે કે વાઇકિંગ પછી જે આક્રમણો થયાં તે એના કરતાંય ખરાબ હતાં. નોર્મન્સે બહુ પદ્ધતિસર રીતે કબજો જમાવ્યો હતો.
તેઓ કહે છે, "વાઇકિંગની જેમ ભળી જવાને બદલે તે લોકોએ સ્થાનિક લોકોનું શોષણ જ કર્યું હતું."
ફેરવિચારણા અને તેની સામેની દલીલો વચ્ચે સંતુલન ચાલ્યા કરશે એમ કોઈ શંકા નથી. પરંતુ હિંસા, સામ્રાજ્યવાદી કબજો અને વેપારની વાતો સાથેની વાઇકિંગની વાતોમાં બધું જ આવી જાય છે. તેમાં શિંગડાંવાળો હેલ્મેટ પહેર્યો હોય કે ના પહેર્યો હોય તો પણ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












