હિંદુ-મુસ્લિમની પ્રેમકહાણી : '5 મહિનામાં મારા પતિ પુખ્ત થશે, એટલે અમે બાળક સાથે નવું જીવન શરૂ કરીશું'

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"હું અનાથ છું. મારાં માસીને ત્યાં મોટી થઈ. મને નજીકમાં રહેતા હિન્દુ છોકરા સાથે પ્રેમ થઈ ગયો. હું મુસ્લિમ પરિવારમાંથી છું એટલે મારા પરિવારને અમારો પ્રેમસંબંધ મંજૂર ન હતો. છેવટે અમે ભાગીને લગ્ન કર્યાં."

"હું ગર્ભવતી થઈ ત્યારે અમારાં પરિવારના લોકોએ અમને પકડી લીધાં. મારો પરિવાર ગર્ભપાત કરાવવા માગતો હતો. પણ તે શક્ય નહોતું. મારો પતિ પુખ્ત નથી એટલે મારા પર કેસ થાય એમ હતું. છેવટે મેં અમારા પ્રેમની નિશાનીને જન્મ આપ્યો."

"પાંચ મહિના પછી મારા પતિ પુખ્ત થશે, એટલે અનાથાશ્રમમાંથી અમારું બાળક લઈને નવેસરથી જિંદગી શરૂ કરીશું."

આ શબ્દો 19 વર્ષીય સાયરાના (નામ બદલ્યું છે) છે, તેઓ અત્યારે તેમના દાદા સાથે અમદાવાદમાં રહે છે.

પ્રતીકાત્મક તસવીર
ઇમેજ કૅપ્શન, સાયરા પુખ્તવયનાં છે પરંતુ વિપુલને હજી પુખ્ત વયના થવાને થોડો સમય બાકી છે (પ્રતીકાત્મક તસવીર)

સાયરાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે "નાનપણમાં મારાં માતાપિતા ગુજરી ગયાં હતાં. મારાં માસીએ મને ઉછેરવાની જવાબદારી લીધી કારણ કે, મારા દાદાની આર્થિક હાલત સારી ન હતી."

સાયરા જણાવે છે કે તેઓ દસમા ધોરણ સુધી ભણ્યાં છે. અનાથ હોવાને કારણે સાયરા માનતાં હતાં કે તેમની માટે પગભર થવું ખૂબ જરૂરી છે.

સાયરા કહે છે કે, "હું 18 વર્ષની થઈ એટલે મારા નિકાહની વાતો શરૂ થઈ ગઈ. આ અરસામાં મહેમદાવાદમાં અમારી શેરીથી થોડે દૂર રહેતા વિપુલ સાથે મારે પરિચય થયો. વિપુલ મધ્ય પ્રદેશથી ગુજરાત કામ કરવા માટે આવ્યો હતો અને એના બનેવીને ત્યાં રહેતો હતો."

...અને પ્રેમ પાંગર્યો

પ્રેમકહાણી

ઇમેજ સ્રોત, NURPHOTO/GETTYIMAGES

ઇમેજ કૅપ્શન, આંતર્ધર્મીય લગ્નના આ મામલામાં વિપુલનું પુખ્ત વયનું ન હોવું એ વધુ એક અડચણ છે.

વિપુલ છૂટક મજૂરી કામ કરતા હતા. સાયરાના કહેવા મુજબ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું.

સાયરા કહે છે કે, "વિપુલ કલરકામ અને મકાન રિપેર કરવાના કૉન્ટ્રૅક્ટ લેતો હતો. અમારાં વચ્ચે પ્રેમ થયો અને અને અમે સાથે રહેવાના સોગંદ લીધા."

સાયરા કહે છે કે, "હું અને વિપુલ પતિ-પત્નીની જેમ જ રહેવા લાગ્યાં. આ અરસામાં મને ખબર પડી કે હું સગર્ભા છું. મેં મારાં માસીને વિપુલ સાથે લગ્ન કરવાની વાત કરી અને વિપુલે પણ એના પરિવારમાં વાત કરી."

"વિપુલ હિન્દુ અને હું મુસ્લિમ એટલે ઘરમાં વાત કરતાં સાથે જ પરિવારજનો ભડકી ગયા."

"બંનેના પરિવાર અમને સ્વીકારવા તૈયાર ન હતા. મને દોઢ મહિનાનો ગર્ભ હતો અને અમે ભાગી જવાનું નક્કી કર્યું. અમે ઘરેથી ભાગી ગયાં. અને કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ."

કોરોનાની બીજી લહેર આવી

પ્રેમકહાણી

2021માં માર્ચ મહિનાના અંતમાં જ્યારે કોરોના વાઇરસની બીજી લહેરે આખા દેશને ભરડામાં લીધો ત્યારે અનેક લોકોની જેમ વિપુલને કામ મળતું બંધ થઈ ગયું હતું. આ મામલામાં વિપુલનું પુખ્ત વયનું ન હોવું એ વધુ એક અડચણ બની ગઈ.

સાયરા કહે છે કે, "કામ બંધ થઈ જતાં વિપુલે એના મિત્ર પાસેથી પૈસા મગાવ્યા અને અમારા બંનેના પરિવારજનોને ખબર પડી ગઈ કે અમે ક્યાં છુપાયેલાં છીએ."

"બંનેના પરિવારજનો અમને પકડીને પાછાં લાવ્યાં, ત્યારે મને છ મહીનાનો ગર્ભ હતો અને વિપુલની ઉંમર 20 વર્ષ હતી, પણ હું પુખ્ત હતી."

"વિપુલના પરિવારજનોએ મારા પરિવારને ધમકી આપી કે વિપુલ પુખ્ત નથી એટલે એ લોકો મારી પર સગીર છોકરાને ભગાડી જવાનો કેસ કરશે."

આગળ સાયરા કહે છે કે, "મારો પરિવાર ખૂબ ડરી ગયો હતો. સમાધાન થયું કે અમે લગ્ન નહીં કરીએ અને છૂટા પડી જઈશું, પણ હું અને વિપુલ રાહ જોતા હતા કે એની ઉંમર 21 વર્ષની થાય એટલે અમે ફરી ભાગીને લગ્ન કરીશું."

"સમાધાનના ભાગરૂપે. અમે બંને એકબીજાને મળી શકતા ન હતા. વિપુલને એના બનેવીએ મધ્ય પ્રદેશ મોકલી દીધો. મારાં માસી મારો ગર્ભપાત કરાવવા માટે ડૉક્ટરો પાસે લઈ ગયાં."

line

પ્રેમની નિશાની બચાવવાની જહેમત

વીડિયો કૅપ્શન, સના-દાઉદની પ્રેમકહાણીમાં નવો સુખદ વળાંક

સાયરા અને વિપુલ બંને સંતાન ગુમાવવા નહોતાં માગતાં. સાયરા કહે છે કે, "મેં ગર્ભપાતનો વિરોધ કર્યો. એ જ વખતે ગર્ભાવસ્થાના કારણે મારા શરીરમાં થઈ રહેલા ફેરફારો અંગે સમાજમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ હતી."

"હું ગર્ભપાત કરાવવા તૈયાર ન હતી, એટલે મને આણંદની એક સંસ્થામાં મૂકવામાં આવી. જ્યાં મારી પ્રસૂતિ કરવામાં આવી અને મારાં માસીએ બળજબરીથી મારી પાસે લખાણ લખાવી દીધું કે, મેં જે બાળકીને જન્મ આપ્યો છે તેને અનાથાશ્રમમાં મૂકવું."

"સાથે જ બાળકના પિતાના નામની નોંધણી નહીં કરાવવી, એવું સોગંદનામું કરાવ્યું અને બાળકને અનાથાશ્રમમાં મૂક્યું."

સાયરા કહે છે કે "મારાં સગાં જેમ-તેમ કરીને મારાં લગ્ન અમારા જ સમાજમાં કરાવવા માગે છે, પણ હું વિપુલ સાથે જ લગ્ન કરવાની છું અને એટલે ત્રણ વખત બળજબરીથી મારાં લગ્ન કરવાની કોશિશ થઈ, ત્યારે અભયમની મદદ લીધી હતી."

આણંદના જાગૃત મહિલા સંગઠને સાયરાને મદદ કરી હતી.

આ સંગઠનના પ્રમુખ આશાબહેન દલાલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આ છોકરીની આપવીતી જ્યારે મને ખબર પડી ત્યારે હું પણ ધ્રૂજી ગઈ હતી. મેં તમામ કાનૂની કાર્યવાહી કરીને આ છોકરીનો ગર્ભ બચાવવાનું નક્કી કર્યું."

"આ યુવતી ગર્ભવતી હતી એટલે તેને ઘરમાંથી કાઢી મુકાઈ હતી. જ્યારે તે મારી પાસે આવી ત્યારે તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને પ્રસૂતિ કરાવી કારણ કે, એનો પરિવાર એને રાખવા જ તૈયાર ન હતો."

"આ યુવતીનો ગર્ભપાત સંભવ ન હતો અને એ તે બાળકને જન્મ આપવા માગતી હતી."

મહિલા સંગઠન મદદે આવ્યું

મહિલા સંગઠન

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, મહિલાઓના મુદ્દે કામ કરતી સંસ્થાની સાયરાની મદદે આવી

સાયરાની વિપુલ સાથે લગ્ન કરવાની મક્કમતા વિશે વાત કરતાં આશાબહેન કહે છે કે "છોકરો પુખ્ત વયનો નથી અને યુવતી પુખ્ત વયની છે એ કાયદાકીય મુશ્કેલી હતી."

"ભવિષ્યમાં કોઈ વિવાદ થાય તો આ બાળક અંગે પોલીસ કેસ ન થાય તે માટે યુવતી પાસેથી લેખિત બાંયધરી લેવાઈ હતી કે તેઓ સ્વેચ્છાએ બાળકને જન્મ આપવા તૈયાર છે અને બાળકના પિતા સામે કાયદાકીય કાર્યવાહી નહીં કરે."

આશાબહેન કહે છે કે, "આવા કિસ્સામાં બાળકને અમે કાનૂની પ્રક્રિયાઓને ધ્યાને રાખીને અનાથાશ્રમમાં આપીએ છીએ. જેથી કોઈ છોકરીએ નાનપણમાં ભૂલ કરી હોય અથવા કોઈના જાતીય અત્યાચારનો ભોગ બની હોય તો તે એમાંથી મુક્ત થઈ શકે અને એનું નવું જીવન શરૂ કરી શકે."

"એ માટે અમે બાયૉલૉજિકલ મધર તરીકે તે એનો હક નહીં માગે એવું લખાણ પણ કરાવીએ છીએ."

હાલ આ બાળકને કયા અનાથાશ્રમમાં મૂકવામાં આવ્યું છે, એની વિગતો આપવાનો આશાબહેન સ્પષ્ટ ઇનકાર કરે છે

તેઓ કહે છે કે, "ગોપનીયતા જળવાઈ રહે એ માટે અમે જગ્યાનું નામ આપી શકીએ એમ નથી. જે હૉસ્પિટલમાં એનો જન્મ કરાવ્યો, ત્યાં પણ માતાના નામની ગોપનીયતા રાખવામાં આવી છે."

"આ યુવતી પોતાના પતિના પુખ્ય થાય પછી ફરી એની સાથે પરણવા માગે છે. પણ વિપુલ હજી સગીર છે તેથી તે કાનૂની રીતે આને રાખી ન શકે, એટલે અમે યુવતીનો કબજો એના દાદાને સોંપ્યો છે."

આશા દલાલ

ઇમેજ સ્રોત, Asha Dalal

ઇમેજ કૅપ્શન, આશા દલાલ કહે છે કે સાયરાની પ્રસુતિ કરાવ્યા પછી બાળકને અનાથ આશ્રમમાં મૂકવામાં આવ્યું

ત્યારે વિપુલ પણ પરિવારની વિરુદ્ધ જઈને સાયરા સાથે જ લગ્ન કરવા માગે છે.

ઍડ્વોકેટ આશિષ શુક્લની હાજરીમાં વિપુલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમે મંદીરમાં લગ્ન કર્યાં હતાં, લગ્ન પછી સાયરા મુસ્લિમ ધર્મ પાળતી હતી અને હું હિન્દુ ધર્મ પાળતો હતો. અમારા વચ્ચે કોઈ ખટરાગ નથી, પરંતુ મારાં માતાપિતા અને બનેવીને આ લગ્ન મંજૂર ન હતાં."

"એ વખતે સાયરા ગર્ભવતી હતી એટલે મેં પણ વકીલની સલાહ લીધી હતી, એટલે હાલ પૂરતું અમે ઘરમેળે સમાધાન કર્યું છે કે અમે એકબીજાને નહીં મળીએ."

"મને 21 વર્ષ થવામાં પાંચ મહિનાથી પણ ઓછો સમય બાકી છે. પાંચ મહિના પછી અમે ફરી ભેગાં થઈશું, અમારી દીકરી જે અનાથાશ્રમમાં છે ત્યાંથી પાછી લઈને અમે અમારું નવું લગ્નજીવન શરૂ કરીશું."

ઍડ્વોકેટ આશિષ શુક્લએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અનાથાશ્રમમમાં મુકાયેલી વિપુલ અને સાયરાની બાળકીને પરત લેવામાં કાનૂની આંટીઘૂંટીનું કામ છે પણ આ બાળકની કસ્ટડી મેળવવા માટેની કાર્યવાહી કરીશું."

line

'સાયરા-વિપુલ દાખલો બેસાડશે'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, AFP/Getty Images

ઇમેજ કૅપ્શન, સાયરા-વિપુલ હવે વિપુલના પુખ્તવયના થવાની રાહ જોઈ રહ્યાં છે (પ્રતીકાત્મક તસવીર)

આ સમગ્ર કિસ્સા અંગે વાત કરતાં જાણીતા સમાજશાસ્ત્રી વિદ્યુત જોષીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આપણે ત્યાં આઝાદી પહેલાંથી રાજા મહારાજાના વખતમાં પણ હિન્દુ મુસ્લિમ લગ્નો થતાં હતાં. બાબરી મસ્જિદનો વિવાદિત ઢાંચો તૂટ્યો, એ પછી ગુજરાતમાં થોડા સમય માટે હિન્દુ-મુસ્લિમ સંબંધો પર વિરોધ શરૂ થયો હતો."

"અમદાવાદમાં તો હિન્દુ-મુસ્લિમને અલગ કરતી દીવાલ થોડા સમયની અંદર તૂટી ગઈ હતી, હિન્દુ-મુસ્લિમ વચ્ચે આજે પણ આર્થિક સંબંધ તો છે."

વિદ્યુત જોષી કહે છે કે, "એ વાત સાચી છે કે છેલ્લા કેટલાક સમયમાં આંતરજ્ઞાતીય લગ્નનું પ્રમાણ વધ્યું છે અને એને સ્વીકૃતિ પણ મળી રહી છે પરંતુ કેટલાક લોકો રાજકારણમાં આગળ આવવા માટે આનો ટ્રમ્પકાર્ડ તરીકે ઉપયોગ કરે છે."

"ભલે ઘરમેળે સમાધાન થયું હોય, પરંતુ કાનૂની કાર્યવાહી તો અચૂક થવી જોઈએ."

"પતિના પુખ્ત થયા બાદ આ દંપતી ફરી પોતાની દીકરીને સાથે રાખીને નવું લગ્નજીવન શરૂ કરશે, ત્યારે હિન્દુ-મુસ્લિમ લગ્નના ટેબૂ સામે એક હકારાત્મક દાખલો બેસાડી જ શકાશે."

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો