હિંદુ યુવક-મુસ્લિમ યુવતીનાં લગ્ન સામે પોલીસ ફરિયાદ કરવા પિતાને ગુજરાત હાઈકોર્ટ કેમ જવું પડ્યું?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મારી ફૂલ જેવી દીકરી સાવ ભોળી ,છે. એને પ્રેમના નામે મૂરખ બનાવી બળજબરીથી હિંદુ ધર્મ અપનાવવા મજબૂર કરાઈ છે અને પછી લગ્ન કરાવ્યાં છે. પોલીસ મારું કંઈ સાંભળતી નથી."

"પોલીસ ગુજરાત ધર્મસ્વાતંત્ર્ય (સુધારા) ઍક્ટ-2021 કાયદા પ્રમાણે મારી ફરિયાદ લેતી નથી. એટલે ના છૂટકે હું ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ મારી દીકરી પાછી અપાવે એવી મદદ માટે અપીલ કરીને બેઠો છું."

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, REUTERS

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આ શબ્દો છે ખંભાતના મોહમ્મદ અબ્દુલ (નામ બદલેલું છે)ના. ખંભાતના મોહમ્મદ અબ્દુલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “મેં ન્યાયતંત્ર અને પોલીસની નિષ્પક્ષ તપાસ માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) ઍક્ટ-2021 (કથિત લવજેહાદ)નો કાયદો અમલમાં આવ્યા પછી મારી દીકરી અચાનક જ ગુમ થઈ ગઈ."

"મારી ઇચ્છા એને ભણાવી ગણાવીને ઑફિસર બનાવવાની હતી પણ અમારા ગામના જયંત પુરાણી(નામ બદલ્યું છે) એને ફોસલાવીને ભગાડી ગયો એની અમને એક દિવસ પછી ખબર પડી."

"અમને એવી પણ ખબર પડી કે જયંતે મારી દીકરીને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) ઍક્ટ-2021 (કથિત લવજેહાદ)ના કાયદા મુજબ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટની મંજૂરી લીધા વિના ધર્મપરિવર્તન કરાવીને પરણ્યો છે."

"મેં પોલીસમાં અનેક ફરિયાદો કરી પણ મારી જાણવાજોગ ફરિયાદ જ લીધી છે.”

અત્રે નોંધનીય છે કે ઑગસ્ટ મહિનામાં ગુજરાત હાઈકોર્ટે આ કાયદાની કેટલીક જોગવાઈઓ પર સ્ટે જાળવી રાખ્યો હતો.

પિટિશનર મુજાહિદ નફીસે 26 ઑગસ્ટ 2021ના દિવસે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "ગુજરાત હાઈકોર્ટે જે વચગાળાના આદેશમાં અલગઅલગ કલમ પર સ્ટે આપ્યો હતો, તેમાં કલમ 5 પરનો સ્ટે જાળવી રાખ્યો છે. જેનો અર્થ એ છે કે કોઈ પણ આંતરધર્મીય લગ્નમાં જો લગ્ન કરનાર વ્યક્તિ ધર્મપરિવર્તન કરવા માગતી હોય તો એ માટે કલેકટરની પરવાનગી જરૂરી રહેશે નહીં."

19 ઑગસ્ટના રોજ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) ઍક્ટ-2021 (કથિત લવજેહાદ)ના કાયદા મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. કથિત લવજેહાદના કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઈકોર્ટે તત્કાળ રોક લગાવી દીધી હતી.

line

યુવકના પિતા અને યુવતીના પિતા શું કહે છે?

પ્રતીકાત્મક તસવીર
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

મોહમ્મદ અબ્દુલ કહે છે કે, "ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) ઍક્ટ-2021)ના કાયદાની કલમ ત્રણ અને પાંચ મુજબ જયંતે ગુનો કર્યો છે. માટે લગ્ન કરાવનાર, ધર્મપરિવર્તન કરાવનાર, લગ્નમાં સાથ આપનાર તમામ સામે એફઆઈઆર નોંધીને કડક પગલાં લેવા જોઈએ."

"પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી એટલે હું હાઈકોર્ટમાં ગયો છું. હવે કોર્ટ જે ફેંસલો આપે તે મને મંજૂર રહેશે."

આ અંગે અમે મોહમ્મદ અબ્દુલના વકીલનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો તો તેમણે આ મુદ્દે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

જયંતના પિતા અને ખંભાતમાં શિક્ષકની નોકરી કરતા વસંત પુરાણીનો (નામ બદલ્યું છે) સંપર્ક સાધ્યો હતો.

એમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “મારો દીકરો મુસ્લિમ છોકરીના પ્રેમમાં હતો એવું એણે કહ્યું. ત્યારે મેં પહેલી શરત એ મૂકી હતી કે પ્રેમ કરવો હોય અને લગ્ન કરવા હોય તો મને કોઈ વાંધો નથી.

"પરંતુ લગ્ન કરનાર છોકરીને ધર્મપરિવર્તન નથી કરાવવાનું, કારણ કે મારા મામાની દીકરીએ મુસ્લિમ છોકરા સાથે લગ્ન કર્યાં છે. એને બે બાળકો પણ છે. અને સુખી લગ્ન જીવન જીવે છે."

"હું એક શિક્ષક છું એટલે ધર્મ કે નાત જાતના વાડામાં માનતો નથી. એટલે જ મેં લગ્નની મંજૂરી આપી હતી.”

line

'બંને કૉલેજના છેલ્લા વર્ષની પરીક્ષા આપી શક્યાં નથી'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, AFP/Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

પુરાણી કહે છે કે, "બંનેએ ભાગીને લગ્ન કર્યાં, ક્યાં કર્યાં અને કેવી રીતે કર્યાં, એની મને ખબર નથી. પણ એ બંનેનાં લગ્ન થયાં પછી મારા પર ધમકીભર્યા ફોન આવતા હતા. જેનાથી ડરીને મેં ખંભાત છોડી દીધું."

"હું બે મહિના સુધી વડોદરામાં અમારા સગાઓને ત્યાં અહીંથી ત્યાં ભટકતો રહ્યો. આ દરમિયાન મારી કાર પર હુમલો પણ થયો હતો."

"આ દિવસોમાં મારા છોકરાએ જ્યારે મારો સંપર્ક કર્યો તો મેં એ લોકોને પહેલો સવાલ કર્યો કે તે છોકરીનું ધર્મપરિવર્તન તો નથી કરાવ્યું ને, મારા દીકરાએ ના પાડી."

"એટલે મેં જ સલાહ આપી કે પોલીસ સમક્ષ હાજર થઈ જાવ જેથી કરીને આ મામલો ઠંડો પડી શકે. બંને લોકો પોલીસ સામે હાજર પણ થયાં છે."

"ક્યાં અને કેવી રીતે એ મને ખબર નથી ત્યાર બાદ એ બંને અજ્ઞાત સ્થળે રહે છે. બંનેને ડર છે કે જો એ લોકો ખંભાત આવશે તો એમની પર હુમલો થશે."

"એટલે ખંભાત આવ્યાં નથી. પણ મામલો ઠંડો પડતાં, હું નોકરીના કારણે ફરીથી ખંભાત આવી ગયો છું."

"એ બંને મને ફોન કરી પોતાની સલામતીના સમાચાર આપે છે. પરંતુ પોતાની પાસે ફોન રાખતાં નથી."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

હિંદુ અને મુસ્લિમ પ્રેમીનાં લગ્ન કરાવનાર જયંતના મિત્રએ પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "કોરોનાના કારણે બંને લોકો મળી શકતાં ન હતાં. વીડિયો કૉલથી વાતો કરતાં હતાં. આ અરસામાં જયંતની પ્રેમિકાનાં લગ્ન બીજે કરાવવાની વાત ચાલી રહી હતી. ત્યારે બંનેએ ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું."

"ગુજરાતમાં એમનાં લગ્નમાં કોઈ અડચણ ઊભી ન થાય એ માટે અમે રાજસ્થાન જઈને લગ્ન કરાવ્યાં હતાં. બંનેને અત્યારે ગુજરાતમાં એક સલામત જગ્યાએ રાખ્યાં છે."

"કૉલેજના છેલ્લા વર્ષની પરીક્ષા આપી શક્યા નથી. એ લોકો એક મકાન ભાડે રાખીને નાનું મોટું કામ કરીને એમનું ગુજરાન ચલાવે છે."

"પણ બંનેને ડર છે કે તેઓ ખંભાત આવશે તો એમના માટે મુશ્કેલીઓ વધી જશે. કોર્ટના આદેશ આવ્યા પછી અમે એને ખંભાત લાવીશું."

line

પોલીસે શું કહ્યું?

વીડિયો કૅપ્શન, ‘લવ જેહાદ’ : ગુજરાતી યુવતીઓ હિંદુ-મુસ્લિમના લગ્નને કઈ રીતે જોવે છે?

આ અંગે આણંદના એસપી અજિત રાજ્યને બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) ઍક્ટ-2021ના કાયદા અંગે કલમ ત્રણ અને પાંચ સંબંધિત કેટલીક જોગવાઈઓ પર ઑગસ્ટ મહિનામાં ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપ્યો છે."

"એટલે દીકરીના પિતા ધારે છે એ પ્રમાણેની કાર્યવાહી કરીએ તો કન્ટૅમ્પ્ટ ઑફ કોર્ટ થાય."

"એટલું જ નહીં અમે આ મામલાને ખૂબ ગંભીરતાથી લીધો છે. છોકરા અને છોકરીને બોલાવીને એમની મરજી જાણી છે. બંને પુખ્ત વયનાં છે."

"એટલે એમને લગ્ન કરતાં રોકી શકાય એમ નથી. એટલું જ નહીં ખંભાતમાં કોઈ તણાવપૂર્ણ માહોલ ઊભો ન થાય એ માટે અમે છોકરીના પિતાની હાજરીમાં બંનેની સંમતિ પૂછી છે."

"યુવતી વયસ્ક છે. તેમણે મરજીથી લગ્ન કર્યાં હોવાનું જણાવ્યું છે. આથી પોલીસે જાણવાજોગ ફરિયાદ દાખલ કરીને નિયમ પ્રમાણેની તમામ કાર્યવાહી કરી છે."

"અને આ અંગે અમે કોર્ટમાં આદેશ આવશે તો યોગ્ય પુરાવા પણ રજૂ કરીશું.”

"પરંતુ આ કેસમાં અમે કોઈ રીતે દ્વેષપૂર્ણ કાર્યવાહી કરી નથી."

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો