ગુજરાત: 'નપુંસક' પતિથી છૂટાછેડા માગ્યા તો સમાજે બહિષ્કાર કર્યો'

મહિલાની સાંકેતિક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહિલાની સાંકેતિક તસવીર
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મને લગ્ન પછી તરત જ ખબર પડી ગઈ હતી કે મારો પતિ નપુંસક છે. મેં માતાપિતાને વાત કરી પણ તેમણે મને ચૂપ રહેવા કહ્યું. હું ચૂપ રહી પરંતુ લગ્ન પછી મા બનવાનું દબાણ થવા લાગ્યું."

બનાસકાંઠાની 22 વર્ષની પરિણીતાનું કહેવું છે કે ચાર વર્ષ સુધી ચૂપ રહ્યાં બાદ જ્યારે પોતાની પીડા જાહેર કરી તો પરિવારને સામાજિક બહિષ્કાર સહન કરવો પડ્યો.

બનાસકાંઠાના થરાદના એક ગામની વતની પરિણીતા જ્યારે 18 વર્ષની હતી ત્યારે તેનું લગ્ન નજીકના ગામ થયું હતું.

પરિણીતાએ કહ્યું, "હું મા બની નહોતી એટલે મારા પર વાંઝ હોવાનું મહેણું લાગતું હતું. માત્ર પતિના પરિવારમાં જ નહીં પરંતુ ગામમાં પણ લોકો આ રીતની વાતો કરી મને હેરાન કરતા હતા."

"મેં તેમને કહ્યું કે ખામી મારામાં નહીં પણ તમારા દીકરામાં છે. કેવી રીતે કુળ આગળ વધી શકે?"

તેઓ જણાવે છે, ''જ્યારે મેં સત્ય કહ્યું ત્યારે મારપીટ શરૂ કરી દેવાઈ. મારાથી સહન ન થયું તો હું મારા પિયર આવી ગઈ."

તેઓ વધુમાં કહે છે, "ચાર વર્ષ સુધી આ બધું ચાલતું રહ્યું. પણ એ બાદ મારી સહનશક્તિએ જવાબ આપી દીધો."

"છેવટે મેં પતિ નપુંસક હોવાના આધાર પર છૂટાછેડા લેવા અરજી કરી."

"હું નપુંસક પતિ સાથે રહેવા નથી માગતી. એવું લાગે છે કે જાણે અમારા પર આભ તૂટી પડ્યું છે"

line

'છૂટાછેડા તથા સામાજિક બહિષ્કાર'

મહિલા

"છૂટાછેડા માટે મેં અરજી કરી તે મારા સસરાને ખબર પડી એટલે તેમણે સમાજને બોલાવ્યો તથા અમારો સામાજિક બહિષ્કાર કરવાનું નક્કી કરાયું."

"એટલું જ નહીં પતિની બદનામી કરવા બદલ સમાજે મારા પિતા તથા ભાઈ પર રૂપિયા 20 લાખનો દંડ ફટકારી દીધો. અમે ઘર અને ખેતર બધું વેચી નાખીએ તોય આટલા પૈસા ભેગા કરી શકીએ એમ નથી."

સામાજિક બહિષ્કારના ડરથી કોઈ પણ પરિણીતાનાં માતાપિતા, તેમના ભાઈઓને કોઈ બોલાવતું નહોતું. ઘરમાં પણ તણાવ ઊભો થઈ ગયો હતો.

તેઓ કહે છે, "આખરે મેં પોલીસને કહ્યું કે સામાજિક બહિષ્કાર રોકવામાં નહીં આવે તો હું આત્મહત્યા કરી લઈશ અને ત્યાર પછી પોલીસે મને પકડી લીધી."

આ અંગે થરાદ પોલીસના ઇન્સ્પેક્ટર જે. બી. આચાર્યએ કહ્યું, ''અમને આત્મવિલોપનની અરજી મળી તો અમે તુરંત જ મહિલાની અટકાયત કરી. એમનું કાઉન્સેલિંગ કર્યું."

"અમે તેમના સમાજના લોકોને બોલાવવાનો પ્રયાસ કર્યો પણ કોઈ આવ્યું નહીં. છેવટે મામલતદાર સમક્ષ મહિલાને રજૂ કરી અને એમને સમજાવ્યા બાદ મુક્ત કરવામાં આવ્યાં."

તેઓ જણાવે છે, "મહિલાના સાસરિયા પક્ષના લોકો ગામ છોડીને જતા રહ્યા છે. એમનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ."

પરિણીતાના એક સ્વજન કહે છે, "અમારે સમાજની પંચાયતની વાત માનવી પડે. તેની વિરુદ્ધ અમે જઈ ન શકીએ."

"નહીંતર બેન-બેટીના વ્યવહારમાં પણ તકલીફ પડે. એટલે અમે સમાજની પંચાયતે કરેલો નિર્ણય માથે ચઢાવીએ છીએ."

દુલ્હન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

જોકે, બનાસકાંઠાના નાયબ કલેક્ટર વી.સી. બોડાણા માને છે કે સામાજિક બહિષ્કારનો મામલો ગંભીર છે.

તેઓ કહે છે, "પ્રશાસને આ બાબતની પૂરતી નોંધ લીધી છે. આ પરિવારને તકલીફ ન પડે એના માટે અમે કાળજી રાખીશું અને તમામ સરકારી મદદ આપવાની ખાતરી પણ આપી છે."

સામાજિક કાર્યકર અને સરકારી મહિલા સહાય સંસ્થા 'અભયમ્'નાં સચિવ ફાલ્ગુની પટેલે મહિલાને આવી કપરી સ્થિતિમાં કાઉન્સેલિંગ આપ્યું હતું.

તેમનું કહેવું છે કે ગ્રામીણ વિસ્તારની મહિલા માટે પોતાનો અવાજ ઉઠાવવો શક્ય નથી હોતો.

તેઓ જણાવે છે, "ગામડામાં લગ્નપ્રથામાંથી બહાર આવવું અને પતિને નપુસંક કહેવો શક્ય નથી. જો મહિલાને બાળક ન થાય તો પુરુષ બીજા લગ્ન કરી શકે. પુરુષ નપુસંક હોય તો પત્ની અવાજ ન ઉઠાવી શકે?"

તો જાણીતાં વકીલ મનીષા પ્રજાપતિ કહે છે, "હિન્દૂ મૅરેજ ઍક્ટની કલમ 13 પ્રમાણે મીરાએ કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી છે. એ જોતાં પુરુષ નપુસંક હોય તો તેને છૂટાછેડા સાથોસાથ બીજું લગ્ન ન થાય ત્યાં સુધી પુરુષે ભરણપોષણ પણ પૂરું પાડવું પડે."

line

લગ્નસંબંધમાં ચાર જરૂરિયાતો

સાંકેતિક તસવીર

તો જાણીતા મનોચિકિત્સક ડૉક્ટર પ્રશાંત ભીમાણીનું કહેવું છે કે ભાવનાત્મક, શારીરિક, સામાજિક તથા આર્થિક એમ લગ્નજીવનની મુખ્ય ચાર જરૂરિયાત હોય છે.

તેઓ કહે છે, " આ કિસ્સામાં ભાવનાત્મક અને શારીરિક જરૂરિયાતો પૂરી થઈ ન હોવાથી કેટલીક સમસ્યાઓ ઊભી થઈ છે. બાળક ન હોવાને કારણે મહેણું સાંભળવું મહિલા માટે પીડાદાયક બની રહેતું હોય છે."

તેઓ કહે છે કે શારીરિક જરૂરિયાત કે બાળકની ઇચ્છા પૂરી ન થવાના કિસ્સા મહિલાઓ માટે માનસિક સમસ્યા સર્જતા હોય છે.

"વાતવાતમાં ચીડાઈ જવું. લાગણીઓ વ્યક્ત ન કરી શકવી કે વર્ષો સુધી તણાવવાળો સંબંધ ધરાવવો, એ બધું હતાશામાં પરિણમતું હોય છે."

આ કિસ્સાની વાત કરતા ડૉ. ભીમાણી ઉમેરે છે, "ચાર-ચાર વર્ષ સુધી આવી પરિસ્થિતિમાં રહેવું અને અંતે છૂટાછેડાનો નિર્ણય લેવો એક મહિલા માટે મુશ્કેલ નિર્ણય હોય છે."

"એમા પણ જ્યારે પોતાના કારણે માતાપિતા પર સમાજનું દબાણ સર્જાય ત્યારે મહિલા માટે ભારે કપરો વખત આવતો હોય છે."

"આવા કિસ્સામાં મહિલા પોતાની જાતને દોષી માનવા લાગે છે. આવા સમયે તેને લાગણીની જરૂર હોય છે.

(આ અહેવાલ 2019માં સૌપ્રથમ પ્રકાશિત કરવામાં આવ્યો હતો)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન