ગુજરાત : એ નશાખોર જેણે પોતાની દીકરીનું મોઢું જોઈને નશો કરવાનું છોડી દીધું
- લેેખક, બાદલ દરજી
- પદ, બીબીસી ગુજરાતી
"જિંદગીનાં 10 વર્ષ નશામાં વિતાવ્યાં બાદ મને નહોતું લાગતું કે હું ક્યારેય પણ નશો છોડી શકીશ, પણ જે દિવસે મેં મારી પુત્રીને પ્રથમ વખત જોઈ એ દિવસે વિચાર્યું કે બસ, હવે કંઈ જ નહીં."
આ શબ્દો વડોદરામાં રહેતા 29 વર્ષીય યુવક રોનકના છે. તેમની ઓળખ છતી ન થાય એ માટે તેમનું નામ અહેવાલોમાં બદલ્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ માત્ર ગુજરાતના એક શહેરનો એક કિસ્સો છે, આવા અનેક લોકો રાજ્યના વિવિધ ભાગોમાં નશાખોરીમાંથી છૂટવા માટે સારવાર લઈ રહ્યા છે.
આ દરમિયાન ગુજરાતમાં ડ્રગ્ઝના વેચાણ અને ઉપયોગના કેસ 2016થી 2020 સુધીમાં સતત વધ્યા હોવાના આંકડા છે.
રોનક વડોદરામાં કૉન્ટ્રેક્ટર તરીકે કામ કરે છે અને તેઓ વર્ષો બાદ ડ્રગ્ઝની લત છોડવામાં સફળ થયા છે.

19 વર્ષની ઉંમરથી લત લાગી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
રોનક કહે છે કે તેમણે પહેલી વખત ડ્રગ્ઝનું સેવન કર્યું ત્યારે તેઓ 19 વર્ષના હતા.
તેઓ કહે છે કે, "મિત્રો સાથે દિવસમાં એકાદ વખત ગાંજો પીવાથી શરૂઆત થઈ અને ક્યારે નશો મારી દિનચર્યા બની ગયો, એનો મને ખ્યાલ જ ન રહ્યો."
"ગાંજાથી શરૂઆત કર્યા બાદ મેં ચરસ, ક્રિસ્ટલ મૅથ (મૅથમફૅટામાઇન), કોકેન, બ્રાઉન શુગર જેવા નશા પણ કર્યા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"એક સમય એવો આવ્યો હતો કે હું એકલો દિવસમાં 2થી 3 ગ્રામ મૅથ લેતો થઈ ગયો હતો અને બધાથી 3-4 દિવસ દૂર રહેતો હતો."
રોનકને પહેલી વાર અતિશયતાનો અહેસાસ ત્યારે થયો, જ્યારે એક મહિનામાં તેમનું વજન સાત કિલોગ્રામ જેટલું ઘટી ગયું હતું.
તેમના હાથ અને પગમાં ઇંજેક્ષનનાં નિશાન જોઈને તેમનો પરિવાર પણ સમજી ગયો હતો કે રોનક ડ્રગ્સ લે છે.

નશામુક્તિ કેન્દ્રનો અનુભવ

ઇમેજ સ્રોત, Getty Images
રોનક કહે છે કે, "શરૂમાં મમ્મી-પપ્પા બન્ને ગુસ્સે થયાં, તેઓ મને નશાખોરીની દુનિયામાંથી બહાર કાઢવા માગતા હતા. તેમણે મને રિહૅબ (નશામુક્તિ કેન્દ્ર)માં જવા કહ્યું, તો મેં પહેલાં તો ચોખ્ખી ના પાડી દીધી હતી."
"એ બાદ તેમણે મારા પર નિયંત્રણો મૂક્યાં તો હું જવા માટે તૈયાર થયો. તેમણે મને બે વખત રિહૅબ સેન્ટરમાં મોકલ્યો, પણ બન્ને વખત બહાર આવ્યા બાદ હું સૌથી પહેલાં નશો શોધવા જ જતો હતો."
નશામુક્તિ કેન્દ્રના અનુભવ વિશે રોનકે કહ્યું કે, "રિહૅબ સેન્ટરમાં પ્રથમ વખત ગયો, એ સમય ખૂબ કપરો હતો. સવાર-સાંજ મને માત્ર ગાંજો પીવાની ઇચ્છા થતી હતી અને તે ન મળવાથી હું શરીર પર કાબૂ ગુમાવવા લાગતો હતો."
રોનક કહે છે કે નશામુક્તિ કેન્દ્રમાંથી તેઓ બહાર આવ્યા ત્યારે તેમના પિતા તેમને લેવા માટે આવ્યા હતા, તેઓ સિગારેટ પી રહ્યા હતા.
રોનક કહે છે કે, "એ ગંધે જાણે મને વશ કરી લીધો હોય, એમ ઘરે પહોંચ્યા બાદ તરત હું સિગારેટ પીવા દોડ્યો."
"પહેલી સિગારેટ બાદ બધા નશા પણ તે જ રીતે અસર કરે છે કે કેમ? તે ચકાસવા માટે દોડી ગયો."
આ દરમિયાન એક વખત વધારે પડતો દારૂ અને ગાંજાનો નશો રોનકે કર્યો અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી. ત્યારબાદ તેમના પરિવારે તેમને ફરી નશામુક્તિ કેન્દ્રમાં મોકલી દીધા.
જોકે બીજી વખત પણ એવું જ થયું, નશામુક્તિ કેન્દ્રમાંથી બહાર આવ્યા રોનકે ફરી નશાનો માર્ગ લીધો.

...અને વળાંક આવ્યો
એ બાદ રોનકનો પરિવાર પણ હતાશ થઈ ગયો હતો અને આશા છોડી દીધી હતી. અભ્યાસ પૂરો થયા બાદ રોનકને પારિવારિક ધંધો સોંપી દેવામાં આવ્યો અને થોડા સમય બાદ જ તેમનાં લગ્ન થઈ ગયાં.
રોનક કહે છે કે, "મારી નશાની લતના કારણે મારી ગર્ભવતી પત્ની મને છોડીને ચાલી ગઈ, એ વખતમાં હું વધારે હતાશ થયો હતો."
આ દરમિયાન રોનકની દીકરીનો જન્મ થયો. તેઓ કહે છે કે એ પછી એમની જિંદગીમાં વળાંક આવ્યો.
તેઓ કહે છે કે, "જે દિવસે મેં પ્રથમ વખત હૉસ્પિટલમાં મારી દીકરીને જોઈ, એ જ દિવસે નક્કી કર્યું કે, બસ હવે કંઈ નહીં."
"એ દિવસ હતો અને આજનો દિવસ છે, મેં હજુ સુધી સિગારેટને પણ હાથ નથી લગાવ્યો."
"હજુ પણ ક્યારેક નશો કરવાની ઇચ્છા થઈ જાય છે, પણ ત્યારે મારી પુત્રીનું હસતું મોઢું યાદ કરી લઉં છું."

ગુજરાતમાં ડ્રગ્ઝનું વેચાણ વધી રહ્યું છે?

એનસીઆરબીના ડેટા પ્રમાણે, ગુજરાતમાં વર્ષ 2017માં એનડીપીએસ ઍક્ટ અંતર્ગત 69 કેસ નોંધાયા હતા. જે પૈકી 20 કેસમાં દોષિતો વ્યક્તિગત વપરાશ માટે ડ્રગ્સ સાથે પકડાયા હતા અને 49 દોષિતો વેચાણ અર્થે ડ્રગ્સ સાથે ઝડપાયા હતા.
વર્ષ 2018માં આ આંકડો વધીને 150 પર પહોંચ્યો હતો. જે પૈકી 60 કેસ વ્યક્તિગત વપરાશ માટેના અને 90 કેસ ડ્રગ્સ વેચી રહેલા લોકો વિરૂદ્ધ નોંધાયા હતા.
જ્યારે 2019માં કુલ આંકડો 289 હતો, અને અનુક્રમે 112 અને 177 કેસ નોંધાયા હતા.
જ્યારે વર્ષ 2020માં ગુજરાતમાં એનડીપીએસ ઍક્ટ અંતર્ગત 308 કેસ નોંધાયા હતા. જે પૈકી 117 કેસ વ્યક્તિગત ઉપયોગ માટે ડ્રગ્સ રાખનારા લોકો વિરૂદ્ધ અને 191 કેસ વેચનારાઓ વિરૂદ્ધ નોંધાયા હતા.

2021ની સ્થિતિ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
સપ્ટેમ્બર મહિનામાં ડિરેક્ટરેટ ઑફ રૅવન્યૂ ઇન્ટેલિજન્સે કચ્છના મુંદ્રા પૉર્ટ પરથી ત્રણ હજાર કિલોગ્રામ હેરોઈન ઝડપી પાડ્યું હતું.
અંદાજે 21 હજાર કરોડ રૂપિયાની કિંમતના આ ડ્રગ્સ મામલે ડીઆરઆઈએ ચેન્નાઇના એક દંપતી તેમજ કોઇમ્બતુરથી એક શખ્સની ધરપકડ કરી હતી. હાલમાં આ કેસની તપાસ એનઆઈએ દ્વારા કરાઈ રહી છે.
એ બાદ દેવભૂમિ દ્વારકા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપે 10 નવેમ્બરના રોજ 88.25 કરોડ રૂપિયાની કિંમતનો 17 કિલોગ્રામ હેરોઇનનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
ત્યારબાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે, "છેલ્લા 55 દિવસમાં ગુજરાત પોલીસે5,756 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે."
"અંદાજે 2 મહિનામાં ગુજરાત પોલીસની ટીમોએ ગાંજો, ચરસ, અફીણ, હેરોઇન સહિતના ડ્રગ્સનો રૂપિયા 245 કરોડનો જથ્થો ઝડપી પાડ્યો છે અને હજુ પણ તેની સાથે સંકળાયેલા અન્ય દોષિતોને ઝડપી પાડવાની કાર્યવાહી ચાલુ છે."
આ ઉપરાંત ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં દક્ષિણ ગુજરાતમાં બે સ્થળોએ ડ્રગ્સ બનાવતી લૅબોરેટરી ઝડપી પાડવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Peter Dazeley
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, સુરત પોલીસે 12 નવૅમ્બરના રોજ સરથાણા વિસ્તારમાં એક ઑફિસમાં તૈયાર કરવામાં આવેલી લૅબોરેટરી શોધીને તેના માલિકની ધરપકડ કરી હતી.
અહેવાલ મુજબ, પ્રતિબંધિત ડ્રગ મૅફૅડ્રોન બનાવવા માટે આ લૅબોરેટરી તૈયાર કરાઈ હતી અને ઇન્ટરનેટના માધ્યમથી ડ્રગ્સ બનાવવાનું શીખ્યા હતા.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અન્ય એક અહેવાલ મુજબ, ભરૂચ જિલ્લા એસઓજીએ 26 ઑગસ્ટના રોજ જંબુસર તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં પૉલ્ટ્રીફાર્મની આડમાં ચાલી રહેલી ડ્રગ્સ બનાવવાની લૅબોરેટરી પર દરોડો પાડ્યો હતો.
નશાખોરીમાંથી બહાર આવવા માગતા નવયુવાનો માટે રોનક કહે છે કે, "તમને લાગશે કે બહાર નીકળવું મુશ્કેલ છે, પણ ખરેખર મક્કમ મનોબળ હશે તો સરળતાથી બહાર નીકળી શકાશે."
"જ્યારે પણ નશો કરવાનું શરૂ કરો તે પહેલાં એક વખત તમને જે લોકો ચાહે છે, તેમના વિશે વિચારજો. તમને પોતાને જ ઇચ્છા નહીં થાય."
"નશાની લતમાં મેં લાખો રૂપિયા તો ગુમાવ્યા, સાથે જ મિત્રો અને પત્નીને પણ ગુમાવ્યાં છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














