શ્રીલંકામાં રાજકીય અને આર્થિક ઊથલપાથલ વચ્ચે સેના કેમ શાંત છે?

ઇમેજ સ્રોત, EPA
- લેેખક, પ્રેરણા
- પદ, બીબીસી સંવાદદાતા
શ્રીલંકામાં કેટલાય મહિનાઓથી ચાલી રહેલી રાજનૈતિક ઊથલપાથલ બાદ દેશને નવા રાષ્ટ્રપતિ મળી ગયા છે પરંતુ કેટલાક દિવસોમાં દેશમાં ચાલી રહેલી અરાજકતાની તસવીરો સમગ્ર વિશ્વએ જોઈ છે.
13 વર્ષ પહેલાં ઉત્તર શ્રીલંકામાં તામિલ અલગતાવાદી વિદ્રોહીઓ વિરુદ્ધ નિર્ણયાક જંગ જીતનારી શ્રીલંકન સેનાએ આ વખતે પ્રદર્શનો, હિંસા અને અરાજકતા વચ્ચે રાજનીતિમાં કોઈ હસ્તક્ષેપ કર્યો નહીં.
આ વખતે પણ સેનાનું રાજનીતિ પ્રત્યેનું વલણ જુલાઈ મહિનાની ઘટનાઓથી જ સ્પષ્ટ થવા લાગ્યું હતું.
11 મેના રોજ શ્રીલંકાના સંરક્ષણ સચિવ કમલ ગુણારત્નેએ કહ્યું હતું કે "અમારા કોઈ પણ અધિકારીની ઇચ્છા સૈન્ય તખતાપલટની નથી. એવું શ્રીલંકામાં ક્યારેય બન્યું જ નથી અને એમ કરવું સરળ પણ નથી."
તે વખતે પણ આર્થિક અનિશ્ચિતતા વચ્ચે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાંની માગને લઈને લોકો રસ્તા પર ઊતર્યા હતા, પણ તે સમયે ગોટાબાયાએ ન તો રાષ્ટ્રપતિપદ છોડ્યું હતું, ન તો દેશ.
જોકે, હવે ગોટાબાયા દેશ અને પદ બંને છોડી ચૂક્યા છે અને દેશમાં રનિલ વિક્રમસિંઘે રાષ્ટ્રપતિપદ પર છે, પરંતુ આર્થિક સ્થિતિ યથાવત રહી છે.
શું વિક્રમસિંઘેએ રાષ્ટ્રપતિપદ સંભાળ્યું તે બાદ દેશની આર્થિક અને રાજનૈતિક અસ્થિરતા પૂરી થશે? નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા દેશને સંભાળવામાં જો વિક્રમસિંઘે નિષ્ફળ જશે તો શું થશે?
પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં સમયાંતરે સેનાઓએ રાજનીતિમાં પ્રવેશ કર્યો છે. આવી જ રીતે આફ્રિકાથી લઈને લૅટિન અમેરિકામાં પણ થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પણ શું આમ થવું શ્રીલંકામાં સંભવ છે? આ સમજવા માટે બીબીસીએ શ્રીલંકાની રાજનીતિ અને સેના પર નજર રાખનારા કેટલા વિશ્લેષકો સાથે વાત કરી. વાંચો શું કહે છે જાણકારો -

સેના અને રાજનીતિમાં સિંહલીઓનો દબદબો

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લા ઘણા મહિનાથી શ્રીલંકામાં ચાલી રહેલા રાજનૈતિક અને આર્થિક વંટોળ વચ્ચે પણ અહીંની સેના ખામોશ છે. 21 જુલાઈની રાત્રે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ થયેલી કાર્યવાહીને છોડી દઈએ તો સેનાએ દેશમાં પ્રસરેલી અશાંતિ અને અસ્થિરતા વચ્ચે ખુદને સંતુલિત અને શાંત રાખી છે.
શ્રીલંકાની જનરલ જૉન કોટેલવાલા નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીમાં ભણાવનારા સતીશ મોહનદાસે બીબીસીને જણાવ્યું, "શ્રીલંકાની સેના ભારતીય ઉપમહાદ્વીપના અન્ય દેશો અને તેમાં પણ ખાસ કરીને પાકિસ્તાન અને બાંગ્લાદેશની સેનાથી ઘણી અલગ છે. તેને આપ શિષ્ટતા ધરાવતી સેના કહી શકો છો."
જનરલ જૉન કોટેલવાલા નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી -
તેઓ આગળ કહે છે, "શ્રીલંકાની સેનાએ 72 વર્ષમાં ક્યારેય પણ ચૂંટાયેલી સરકારને પડકારવાનો પ્રયાસ કર્યો નથી. સેનાએ હમેશા લોકતાંત્રિક સરકારનું સન્માન કર્યું છે અને સમય-સમય પર સરકાર પ્રત્યે પોતાની વફાદારીનો પરિચય આપ્યો છે."
શ્રીલંકાની સેનામાં સિંહલી બૌદ્ધોની સંખ્યા સૌથી વધારે છે. દેશની સત્તા પર પણ સિંહલીઓનો દબદબો છે. અર્થાત સેનાથી લઈને સરકારના લોકોમાં બહુમતિનું જોર છે. આ જ કારણ છે કે સેના અને સરકાર વચ્ચે ઘર્ષણ થવાની કોઈ તક ઉદ્ભવી નથી.
સતીશ જણાવે છે કે 1983-2009 સુધી શ્રીલંકામાં ચાલેલું ગૃહયુદ્ધ હોય કે પછી અન્ય કોઈ બાબત. સેના હંમેશાં આંતરિક તણાવો સામે ઝઝૂમતી આવી છે.
તેઓ કહે છે, "આઝાદી બાદથી દેશમાં ક્યારેય રાજનૈતિક અસ્થિરતા જોવા મળી નહોતી. આજે જે અસ્થિરતા કે રાજનૈતિક અસંતોષ નજરે પડે છે, તેની પાછળનું મોટું કારણ આર્થિક પડકારો છે. દેશમાં રાજપક્ષે બંધુઓ અને વિક્રમસિંઘે પ્રત્યે ગુસ્સો છે કારણ કે તેઓ દેશના સૌથી ઉચ્ચ હોદ્દા પર હોવા છતા તેઓ દેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢી શક્યા નહીં."

શ્રીલંકાની લોકતાંત્રિક પરંપરા

ઇમેજ સ્રોત, AFP
જ્યારે બીબીસી સાઉથ એશિયાના ઍડિટર અને શ્રીલંકામાં લાંબા સમયથી રિપોર્ટિંગ કરી ચૂકેલાં અનબરાસન ઍથિરાજન કહે છે કે શ્રીલંકામાં એક સારી લોકતાંત્રિક પરંપરા રહી છે.
તેઓ કહે છે, "ગૃહયુદ્ધથી લઈને દેશમાં વામપંથી વિદ્રોહ સુધીની તમામ પરિસ્થિતિઓમાં દેશનું નેતૃત્વ મજબૂત નેતાઓએ કર્યું છે. નિયમિત ચૂંટણીઓ થઈ છે. આવા કિસ્સામાં સૈન્ય તખતાપલટની વાત જ આવતી નથી, કારણ કે દેશની શાખ સારી એવી રહી છે."
ભારતના જાણીતા થિંક ટૅન્ક ઇન્સ્ટિટ્યૂટ ફૉર ડિફૅન્સ સ્ટડીઝ ઍન્ડ ઍનાલિસિસના સીનિયર ફૅલો ડૉ. અશોક બેહુરિયાનું પણ કંઈક આવું જ માનવું છે.
તેઓ જણાવે છે, "ભારતીય ઉપમહાદ્વીપમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા જે દેશોમાં પણ અત્યાર સુધી સૈન્ય તખતાપલટ થયા છે, ત્યાંની તત્કાલીન પરિસ્થિતિ અને શ્રીલંકાની હાલની પરિસ્થિતિની તુલના કરવી યોગ્ય નથી. શ્રીલંકાના રાજનૈતિક સંકટનું મુખ્ય કારણ દેશની ધ્વસ્ત થયેલું અર્થવ્યતંત્ર છે."

સંકટ વધશે તો શું?

ઇમેજ સ્રોત, EPA
જો આવનારા દિવસોમાં સ્થિતિ તણાવપૂર્ણ થાય છે અને સંકટ પહેલાં કરતા પણ વધે તો એવી પરિસ્થિતિમાં સેનાની શું ભૂમિકા હશે?
આ પ્રશ્નના જવાબમાં અનબરાસન ઍથિરાજન કહે છે, "આ સમગ્ર રીતે વિક્રમસિંઘેની યોગ્યતા પર નિર્ભર છે. જોવું પડશે કે તેઓ ઇંધણની જરૂરિયાતોને કેમની પૂરી કરે છે, ઇંધણ અને ખાવાનું ખરીદવા માટે પૈસા ક્યાંથી લાવે છે. કારણ કે દેશની વિદેશી હૂંડિયામણ સમાપ્ત થઈ ગઈ છે. દેશ મૂળબૂત જરૂરિયાતની વસ્તુઓની આયાત માટે સંઘર્ષ કરી રહ્યો છે."
બીબીસી સિંહલાના ઍડિટર ઇશારા ડાનાસેકરાનું માનવું છે કે સેનાની ભૂમિકા શું હશે તે સરકારના આદેશ પર નિર્ભર છે. સરકાર જો આદેશ આપશે તો સેના તેનું પાલન કરશે.
તેઓ કહે છે, "શ્રીલંકાની આઝાદી બાદથી અત્યાર સુધીમાં એવી ઘણી તકો આવી છે જ્યારે દેશને સંકટનો સામનો કરવો પડ્યો હોય. એવા સમયે પણ લોકતાંત્રિક રીતે જ સમાધાન થયા છે. ઇતિહાસમાં સંકટના સમયે પણ સેનાનો કોઈ હસ્તક્ષેપ જોવા મળ્યો નથી અને ભવિષ્યમાં પણ આવું કંઈક થાય તેની સંભાવના નહિવત્ છે."

સેના અને સરકાર

ઇમેજ સ્રોત, Getty Images
અશોક બેહુરિયા કહે છે કે ગોટાબાયા રાજપક્ષેએ પોતાના કાર્યકાળમાં ઘણા રિટાયર્ડ સૈન્ય અધિકારીઓની બ્યૂરોક્રૅસીથી લઈને અન્ય મહત્ત્વપૂર્ણ પદો પર નિમણૂક કરી.
જેમ કે દેશના સંરક્ષણ સચિવ મેજર જનરલ કમલ ગુણારત્ને છે. બંદર બૉર્ડના અધ્યક્ષ જનરલ દયા રત્નાનાયકે છે અને સ્વાસ્થ્ય સચિવ મેજર જનરલ સંજીવ મુનાસિંઘે છે. પૂર્વ રાષ્ટ્રપતિના આંતરરાષ્ટ્રીય મામલાના સલાહકાર પૂર્વ નૌસેના પ્રમુખ ઍડમિરલ જયનાથ કોલમ્બેજ હતા.
કોવિડ-19નાં નિયંત્રણ માટે 2020માં બનાવાયેલી ટાસ્ક ફોર્સનું નેતૃત્વ પણ હાલના સેનાપ્રમુખ લૅફ્ટનન્ટ જનરલ શાવેન્દ્ર સિલ્વાને સોંપવામાં આવ્યું હતું.
બેહુરિયા જણાવે છે, "આ તમામ લોકોને ગવર્નન્સનો ઝાઝો અનુભવ ન હતો પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરકારી તંત્રની થોડીઘણી સમજ તેમનાંમાં વિકસિત થઈ છે. સાથે જે ક્ષેત્રીય મહત્ત્વાકાંક્ષાઓને પણ નજરઅંદાજ કરી શકાય તેમ નથી."
વર્ષ 2019 બાદ એટલે કે ગોટાબાયા રાજપક્ષેએ રાષ્ટ્રપતિપદ સંભાળ્યું ત્યાર બાદથી શ્રીલંકન મીડિયામાં જે એક ટર્મનો સૌથી વધુ ઉપયોગ થયો એ હતો 'સત્તાનું સૈન્યીકરણ'
આમ થવા પાછળનું કારણ એ છે કે ગોટાબાયા ખુદ સેનાના અધિકારી રહ્યા છે. વર્ષ 2005થી 2015 સુધી તે દેશના સંરક્ષણમંત્રી પણ રહ્યા હતા. 2019માં જ્યારે તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા ત્યારે પ્રમુખ પદો પર ઓછામાં ઓછા 28 સૈન્ય સાથે જોડાયેલા કર્મીઓની નિયુક્તિ કરવામાં આવી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













