ભારતના પડોશી પાકિસ્તાન અને નેપાળમાં શ્રીલંકા જેવું સંકટ આવશે તો શું થશે?
- લેેખક, હર્ષ પંત
- પદ, આંતરરાષ્ટ્રીય મામલાના જાણકાર
શ્રીલંકા હાલ ભારે ઊથલપાથલના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. હાલ ત્યાં જે આર્થિક કટોકટીની સ્થિતિ છે એવી જ સ્થિતિ આ સમયે દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં જોવા મળી રહી છે. પરંતુ આ રીતના આર્થિક સંકટને કાબૂમાં લેવા જે રાજકીય કે નેતૃત્વ ક્ષમતા આ દેશો પાસે હોવી જોઈએ, એવી નથી.

ઇમેજ સ્રોત, Getty Images
આ દેશોમાં આર્થિક સંકટની સાથે રાજકીય નેતૃત્વનું જે સંકટ દેખાય છે એ વિચિત્ર છે. શ્રીલંકાને આપણે ક્યારેય એક નિષ્ફળ દેશ તરીકે જોયો નહોતો. અહીં આર્થિક સ્થિતિ સારી હતી. સોશિયલ ઇન્ડિકેટર પણ સારું હતું.
માત્ર ત્રણ વર્ષ પહેલાં તેને એક વિકાસશીલ અર્થતંત્ર સ્વરૂપે જોવાઈ રહ્યું હતું. પરંતુ અહીંની આર્થિક સ્થિતિ જે રીતે ખરાબ થઈ એને જોઈને લાગે છે કે આ રાજકીય નેતૃત્વની નબળાઈઓનું પરિણામ છે.
દેશનું નેતૃત્વ આર્થિક સ્થિતિને બચાવવામાં નિષ્ફળ રહ્યું છે.
આ આર્થિક સંકટ દક્ષિણ એશિયામાં એક પછી એક દેશોમાં દેખાઈ રહ્યું છે. એ પાકિસ્તાન હોય કે નેપાળનું આર્થિક સંકટ- બધે આવો જ માહોલ જોવા મળી રહ્યો છે.
ક્યારેય પણ આવાં સંકટ ચાર દીવાલમાં સીમિત રહેતાં નથી. શ્રીલંકામાં જે આક્રોશ જોવા મળી રહ્યો છે, એ બની શકે કે કાલે પાકિસ્તાન કે નેપાળમાં જોવા મળે. આ દક્ષિણ એશિયા માટે એક ચિંતાનો વિષય છે.

ઘણા દક્ષિણ એશિયન દેશ આર્થિક સંકટમાં

ઇમેજ સ્રોત, Getty Images
સવાલ એ છે કે આ રીતના સંકટને કાબૂમાં લેવામાં પાકિસ્તાન અને નેપાળ જેવા દક્ષિણ એશિયાઈ દેશો સફળ રહેશે. શું આ દેશોનો રાજકીય આંતરમાળખું એવું છે કે તે આ રીતના સંકટને મૅનેજ કરી લેશે.
મને તો પાકિસ્તાનમાં આવી શક્યતા જણાતી નથી. નેપાળમાં પણ આવું આર્થિક સંકટ આવે તો રાજકીય ઢાંચો એવો છે કે તેને નિવારવું મુશ્કેલ થઈ જશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નેપાળમાં શ્રીલંકા જેવું આર્થિક સંકટ આવ્યું તો રાજકીય નેતૃત્વમાં તેને કાબૂમાં કરવાની ક્ષમતા નથી, કેમ કે અહીં પણ રાજકીય વિભાજન ઘણું ઊંડું છે.
સ્થિતિ એવી છે કે આ સમયે રાજકીય અને આર્થિક સમસ્યા બંને એકસાથે ઊભી છે અને તેનું પરિણામ દક્ષિણ એશિયાના લોકોને ભોગવવું પડી રહ્યું છે.

શ્રીલંકાની આર્થિક સ્થિતિમાં ચીનનો પણ હાથ

ઇમેજ સ્રોત, Getty Images
ચીન, પાકિસ્તાન અને નેપાળ ત્રણેય જગ્યાએ ચીનનાં હિતો છે. સવાલ એ છે કે ચીનમાં શ્રીલંકાની જે ભૂમિકા રહી છે, તેને કેવી રીતે જોવું જોઈએ?
હકીકતમાં શ્રીલંકામાં ચીનનું વલણ ઘણું બેજવાબદાર રહ્યું છે. ચીને શ્રીલંકાને મોટું ઋણ આપ્યું અને અહીં રોકાણ કર્યું. તેની અહીં મોટી દખલ હતી.
જોકે એ તો ન કહી શકાય કે શ્રીલંકાના વર્તમાન આર્થિક સંકટ માટે ચીન સંપૂર્ણ જવાબદાર છે, પરંતુ તેના સંકટનું એ એક મોટું કારણ છે.
જે સમયે પૈસા બનાવવાની વાત હતી એ સમયે ચીન સૌથી આગળ હતું. ચીને રાજપક્ષે પરિવારને ઘણા પૈસા આપ્યા.
ચીને રાષ્ટ્રપતિ, વડા પ્રધાનનાં અંગત હિતોને ધ્યાનમાં રાખીને કામ કર્યું. તેણે રાજપક્ષે પરિવાર પર પૂરું ધ્યાન આપ્યું, અહીં લોકોની અવગણના કરી.
લોકોને લાગ્યું કે રાજપક્ષે પરિવારની સંપત્તિ તો વધી રહી છે, પણ તેમની આર્થિક હાલત કંગાળ થઈ રહી છે.

'ચીનના વલણથી બીજો દેશો સબક લે'

ઇમેજ સ્રોત, Reuters
જે સમયે શ્રીલંકાને મદદની જરૂર હતી એ સમયે ચીન ક્યાંય નજરે ન ચડ્યું. છેલ્લા છ મહિનાથી શ્રીલંકાની આર્થિક સ્થિતિ ડામાડોળ થવા લાગી હતી.
ત્યાંના લોકોનું કહેવું હતું કે કોવિડને લીધે શ્રીલંકાની આર્થિક સ્થિતિને જે ફટકો પડ્યો છે તેમાંથી ભાગ્યે જ નીકળી શકીશું.
પરંતુ આ સમયે આપણને એ જોવા મળ્યું નથી કે શ્રીલંકાની મદદ માટે ચીને કોઈ પહેલ કરી હોય.
ચીને શ્રીલંકાની સમસ્યાને જોતા જે રીતે પોતાના હાથ ખંખેરી લીધા છે એનાથી અન્ય દેશોએ પણ સબક લેવો જોઈએ.
જ્યાં પૈસા બનાવવાની વાત આવે ત્યાં ચીન સૌથી આગળ જોવા મળે છે, પરંતુ જ્યાં મદદ કે સમસ્યા ઉકેલવાની વાત આવે ત્યારે ચીન પાછળ જોવા મળે છે.
આ સમયે પણ તમે જોશો તો શ્રીલંકામાં ચીન નજરે આવતું નથી. આ સમયે ત્યાં આઈએમએફ અને ભારત મદદ માટે ઊભાં છે. ભારતે પોતાના તરફથી શ્રીલંકાની મદદ માટે ઘણી પહેલ કરી છે.
શ્રીલંકા હવે મદદ માટે આઈએમએફ પાસે જઈ રહ્યું છે. શ્રીલંકાએ ચીન પાસે પોતાના કરજના રી-સ્ટ્રક્ચરિંગનો જે મુદ્દો ઉઠાવ્યો છે, તેના પર કોઈ ધ્યાન આપ્યું નથી.
પાકિસ્તાન અને નેપાળ જેવા દેશોમાં જે રીતે ચીનનો આર્થિક દબદબો છે, તેનું પરિણામ ક્યાંક એવું ન આવે કે તેમણે પણ શ્રીલંકા જેવી સ્થિતિનો સામનો કરવો પડે.

શ્રીલંકા માટે આગળનો રસ્તો કયો છે?

ઇમેજ સ્રોત, AFP
શ્રીલંકામાં બધા રાજકીય પક્ષો મળીને સર્વદળીય સરકાર બનાવવાની વાત કરે છે, પણ માત્ર આટલું પૂરતું નથી.
સરકારનાં બધાં ઘટક દળોને મળીને સહમતિથી કોઈ યોજના ઘડવી પડશે.
આંતરિક સહમતિથી મળીને બનાવેલી યોજના લઈને તેમણે આઈએમએફ પાસે જવું પડશે.
આઈએમએફ ત્યાં સુધી કોઈ ઠોસ મદદ માટે તૈયાર નહીં થાય, જ્યાં સુધી ત્યાં આર્થિક સ્થિતિને સુધારવા માટે સહમતિથી કોઈ યોજના ન બને.
શ્રીલંકામાં જ્યાં સુધી રાજકીય સ્થિતિ નહીં સુધરે ત્યાં સુધી આઈએમએફ પણ કંઈ નહીં કરી શકે. તેના હાથ પણ બંધાયેલા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














