સૌરાષ્ટ્રના તેલઉત્પાદકો 'તેલિયા રાજા' કઈ બની ગયા અને એ કેટલા શક્તિશાળી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
શ્રાવણ મહિનાના આગમનને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં મહત્ત્વપૂર્ણ એવાં આ તહેવાર પહેલા સિંગતેલના ભાવો ભડકે બળી રહ્યાં છે. 15 કિલોગ્રામનો ડબ્બો રૂપિયા 2900ને આંબી ગયો છે.
આવું પહેલી વખત નથી બની રહ્યું. દર વર્ષે આ ગાળામાં તેલના ભાવો વધી જાય છે, જેના માટે અનેક કારણો જવાબદાર છે. છતાં આને માટે મુખ્યત્વે 'તેલિયા રાજાઓ'ને જવાબદાર ઠેરવવામાં આવે છે.
સરકાર દ્વારા તેલિયા રાજાઓના પ્રભુત્વને ઘટાડવા માટે 'અમુલ' જેવું કૉ-ઑપરેટિવ મૉડલ, વૈવિધ્યિકરણ, વિકેન્દ્રીકરણ અનેકવિધ પ્રયાસ કર્યાં છે, જેમાં આંશિક સફળતા મળી છે.
ચૂંટણીવર્ષમાં સરકારની નજર તેલના ભાવો પર છે. છતાં એ પણ ખરું છે કે એમનું ભારે પ્રભુત્વ રહે છે.

તેલિયા રાજા કે માફિયા?

ઇમેજ સ્રોત, Getty Images
એક સમય હતો કે જ્યારે તેલના બજારનું નિયંત્રણ સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી થતું હતું. જે ગુજરાતનું લગભગ 75 ટકા કરતાં વધુ તેલ ઉત્પાદન કરતો હતો.
ગુજરાત રાજ્યની સ્થાપના થઈ, તે પહેલાંથી તેલના ઉત્પાદકો છેક 1955થી સંગઠિત હતા. આમ કરવા પાછળનો એક હેતુ વાયદાના વેપારોમાં નિયમપાલનનો પણ હતો.
સૌરાષ્ટ્રવિસ્તારના તેલઉત્પાદક સાથે વાત કરતાં તેલ માફિયા શબ્દનો પ્રયોગ થયો. ત્યારે તેમણે નારાજગી પ્રગટ કરતાં કહ્યું કે માફિયા શબ્દની સાથે પોલીસ સંરક્ષણ અને હિંસા જેવાં તત્ત્વો જોડાયેલાં છે, જ્યારે 'તેલિયા રાજા' શબ્દ વધુ યોગ્ય છે.
નામ ન છાપવાની વિનંતી સાથે આ ઉત્પાદકે કહ્યું, "1990ના દાયકાની શરૂઆતમાં ભારતે પોતાનું બજાર આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે ખોલી નાખ્યું હતું. સ્થાનિક તંત્ર પણ 'લાઇસન્સરાજ' અને 'પરમિટરાજ'માંથી મુક્ત થઈ રહ્યું હતું. એવા સમયે ચીમનભાઈ પટેલે અન્ય રાજ્યોની મુલાકાતે જતાં ગુજરાતીઓને તકલીફ ન પડે તે માટે આંતરદેશીય નિકાસની છૂટ આપી હતી. લાંબા સમયથી ઇન્ડસ્ટ્રી દ્વારા કરવામાં આવતું લોબિંગ સફળ રહ્યું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"કેશુભાઈ પટેલ સૌરાષ્ટ્ર વિસ્તારના જ હતા. તેમના પહેલા તથા બીજા કાર્યકાળ દરમિયાન ઉદ્યોગ માટે 'સકારાત્મક સ્થિતિ' રહી હતી."

સંક્ષિપ્તમાં: ખાદ્યતેલનો 'ખેલ' પાડતા તેલિયા રાજાઓ

- સૌરાષ્ટ્રમાં તેલઉત્પાદકો માટે 'તેલિયા રાજા' શબ્દનો ઘણીવખત ઉપયોગ કરાય છે.
- કેશુભાઈ પટેલ પર તેલિયા રાજાઓ સામે ઝૂકી જવાના આરોપ મીડિયામાં પ્રકાશિત થયા હતા અને વિપક્ષે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો
- સૌરાષ્ટ્ર વિસ્તારમાં લગભગ અઢીસો જેટલી ઑઈલ મિલો કાર્યરત્ છે
- આજે ભારત તેની જરૂરિયાતનું લગભગ 65 ટકા ખાદ્યતેલ આયાત કરે છે
- ચાલુ વર્ષે 15 લાખ 62 હજાર 891 હેક્ટર (ગત ત્રણ વર્ષની સરેરાશ 18 લાખ 42 હજાર 562) વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે
- છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં સૂરજમુખીના તેલનો વપરાશ પણ વધ્યો છે અને યુક્રેન તેનું મુખ્ય ઉત્પાદક છે
- ફરી એક વખત દેશ તેલની આયાત ઉપર નિર્ભર થઈ ગયો

પટેલ પર તેલિયા રાજાઓ સામે ઝૂકી જવાના આરોપ મીડિયામાં પ્રકાશિત થયા હતા અને વિપક્ષે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. એટલે સુધી કે ભાજપના જ અમુક અસંતુષ્ટ નેતાઓએ તેલના ભાવોમાં વધારાના મુદ્દે દિલ્હીમાં હાઈકમાન્ડને રજૂઆતો પણ કરી હતી. કેશુભાઈ સરકારના પતન બાદ નરેન્દ્ર મોદી આવ્યા. તેમણે પૂર્વ શાસક પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારાઓ સામે કડકહાથે કાર્યવાહી હાથ ધરી હતી.
એક અનુમાન પ્રમાણે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં લગભગ અઢીસો જેટલી ઑઇલમિલો કાર્યરત્ છે. રાજ્યના કુલ ઉત્પાદનના લગભગ 70 ટકા આ વિસ્તારમાં થાય છે. એટલે તેના ભાવોની સીધી અસર સૌરાષ્ટ્રવાસીઓ પર થાય છે.
આજે ગ્રાહકો વપરાશની બાબતો વધુ સતર્ક બન્યા છે. કનોલા, રાઇસબ્રાન, સનફ્લાવર તથા ઑલિવ ઑઇલનો વપરાશ વધ્યો છે, જેમાંથી અમુક મગફળી અને કપાસ કરતાં ખૂબ જ સસ્તાં છે. અનેક મોટી કંપનીઓએ તેના વિતરણમાં ઝંપલાવ્યું છે.
સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ મગફળીનું વાવેતર થવા લાગ્યું છે એટલે 'તેલિયા રાજા'નો અગાઉ જેટલો દબદબો નથી, છતાં રાજકીય પક્ષો માટે ફંડનો એક મોટો સ્રોત તો છે જ!

તેલ જોતી સરકાર

ઇમેજ સ્રોત, Getty Images
સરકાર દ્વારા જીવનજરૂરિયાતની 30 કરતાં વધુ ચીજવસ્તુઓના દૈનિક છૂટક તથા જથ્થાબંધ ભાવો અને સ્ટૉક ઉપર નજર રાખવામાં આવે છે.
તાજેતરમાં સરકાર દ્વારા રિટેલર, હૉલસેલર તથા ડિપોધારક કેટલા તેલનો સંગ્રહ કરી શકે તેના માટેની ટોચમર્યાદા જાહેર કરવામાં આવી હતી.
જ્યારે સરકારને મગફળીના ભાવોમાં વૃદ્ધિ થતી જણાય ત્યારે નાફેડ (નેશનલ ઍગ્રિકલ્ચર કૉ-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા)ના સ્ટૉકને બજારમાં ઠાલવવામાં આવે છે.
જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં કેન્દ્ર સરકાર દ્વારા તેલના ભાવોમાં ઘટાડો કરવા માટે કંપનીઓને કહેવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવ ઘટવા છતાં છૂટક ભાવોમાં ઘટાડો જોવાયો ન હતો, એટલે સરકાર દ્વારા આ મુદ્દે નિર્દેશ બહાર પાડવામાં આવ્યા હતા.
એ પછી પૅક્ડ તેલ વેંચતી કંપનીઓએ મહત્તમ છૂટક ભાવમાં (એમઆરપી) લિટરદીઠ રૂપિયા 30 સુધીનો ઘટાડો કર્યો છે. સરકાર દ્વારા સહકારક્ષેત્રને આગળ કરીને પણ તેલિયા રાજાઓને કાબૂમાં કરવાના પ્રયાસ થતા રહ્યા છે.

'ધારા'ની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
'નેશનલ ડેરી ડેવલ્પમૅન્ટ બોર્ડ' દ્વારા તેલિયારાજા અને વચેટિયાઓની ઇજારાશાહીને તોડવા તથા ભેળસેળરહિત શુદ્ધ ખાદ્યતેલ જનતાને મળી રહે તે હેતુથી 'ઑપરેશન ફ્લ્ડ'ની તર્જ પર 'ઑપરેશન ગૉલ્ડન ફ્લૉ' (સુવર્ણ ધારા) લૉન્ચ કરવામાં આવ્યું હતું.
જેના હેઠળ 'ધારા' નામની બ્રાન્ડ લૉન્ચ કરવામાં આવી હતી. જીસીએમએમએફને (ગુજરાત કૉ-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન) તેનું મુખ્ય વિતરક બનાવવામાં આવ્યું હતું.
શ્રીનિવાસ પંડિત તેમના પુસ્તક, 'થૉટ લીડર્સ : ધ સૉર્સ ઑફ ઍક્સેપ્શનલ મેનૅજર્સ ઍન્ડ ઑન્ટ્રપ્રનિયર્સ' (પેજ નંબર 153) લખે છે, "આઠ રાજ્યમાં પાંચ હજાર કરતાં વધુ તેલિબિયા-ઉત્પાદકોની સહકારી મંડળીઓની સ્થાપના કરવામાં આવી હતી. લગભગ એક લાખ કરતાં વધુ ખેડૂત તેની સાથે જોડાયેલા હતા. ગ્રાહકો અને ઉત્પાદકોની વચ્ચે સીધો સંપર્ક સ્થપાય તે માટે એનડીડીબીએ 'ધારા' મારફત તેલબજારમાં ઉતરવાનું નક્કી કર્યું."
ડૉ. કુરિયન જાતે તેના વેચાણ અને તેને પડતી મુશ્કેલીઓ વિશે ટીમ સાથે ચર્ચા કરતા હતા.
જોત-જોતામાં ભારતમાં ઉત્પાદિત તેલ આયાતિત તેલ જેટલું સસ્તું થઈ ગયું હતું. 1965 સુધી ભારત તેલનો નિકાસકર્તા દેશ હતો, એ પછી ભારત તેલ માટે આયાત ઉપર નિર્ભર થઈ ગયો હતો.
ગુજરાતમાં દરેક જિલ્લામાં ગ્રૉફેડ (ગ્રાઉન્ડનટ ગ્રૉઅર્સ ફેડરેશનન્સ)ની સ્થાપના કરવામાં આવી હતી. મગફળીના તેલનું 'સહકારીકરણ' કરવાનો ઉદ્દેશ હતો. છતાં આ મૉડલ સફળ થઈ શક્યું નહોતું.
એક તબક્કે કર્મચારીઓએ પગાર ન મળવાની ફરિયાદો પણ કરી. આ નિફળતાને માટે કેટલાક ટીકાકારો દ્વારા તેલિયા રાજાને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.
'ધારા'ની સફળતાને પગલે ઓછી આયાત ડ્યૂટી અને ડબલ્યુટીઓની જોગવાઈઓ છતાં ભારત પોતાની જરૂરિયાનું લગભગ 98 ટકા જેટલું તેલ ઉત્પાદિત કરવા લાગ્યું હતું.
પીળા કલરના ધારાના કેને કેરોસિન વપરાશ ના એ સમયમાં તેનો 'ફ્રી પ્રચાર' કર્યો હતો.
આ પછી દેશમાં ડ્રૉપ્સીના કેસ નોંધાયા. દિલ્હીમાં લગભગ 60 લોકો મૃત્યુ પામ્યાં અને ત્રણ હજાર લોકો બીમાર પડ્યા. ધારા સહિત અનેક પ્રતિષ્ઠિત બ્રાન્ડો શંકાના ઘેરામાં આવી ગઈ હતી. ખુદ એનડીડીબીએ ધારા નહીં ખરીદવાની જાહેરાતો આપી હતી.
દિલ્હીની એક અદાલતે ડ્રોપ્સી કેસની સુનાવણી દરમિયાન ભેળસેળવાળું તેલ વેંચવા બદલ 'ધારા'ના ઉત્પાદકોને રૂપિયા બે કરોડ 40 લાખનો દંડ ફટકાર્યો હતો. ફરી એક વખત દેશ તેલની આયાત ઉપર નિર્ભર થઈ ગયો.
આ પછી અમૃતા પટેલ એનડીડીબીનાં (પૂર્વ નાણામંત્રી હીરુ પટેલનાં પુત્રી) અધ્યક્ષા બન્યાં.
તેમના તથા તેમના ગુરુ વર્ગિસ કુરિયન વચ્ચેની તકરાર છૂપી રહી નહોતી.
આ પછી એનડીડીબીએ વિતરણ માટેનો જીએમએમએફ (જેની સાથે કુરિયન જોડાયેલા હતા) સાથેનો કરાર રદ કરી નાખ્યો.
એ પછી અલગ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. વધુ એક ફેરફાર કરતા પાછળથી તેનું નિયમન 'મધર ડેરી'ને સોંપી દેવામાં આવ્યું. હાલ મધર ડેરી નવા બ્રાન્ડિંગ સાથે તેનું સંચાલન કરે છે.
આજે ભારત તેની જરૂરિયાતનું લગભગ 65 ટકા ખાદ્યતેલ આયાત કરે છે. કઠોળની જેમ આ ક્ષેત્રે 'આત્મનિર્ભર' બનવા માટે સરકારે પ્રયાસ હાથ ધર્યા છે, પરંતુ હજુ તેમાં સફળતા નથી મળી.

તેલ અને તેલની ધાર

ઇમેજ સ્રોત, Getty Images
'તેલિયા રાજા બેફામ', 'તેલનો ડબ્બો રેકૉર્ડ સપાટીએ', 'તેલના ભાવોમાં જંગી વૃદ્ધિ' જેવી હેડલાઇન દર વર્ષે સૌરાષ્ટ્ર વિસ્તારનાં અખબારોમાં સામાન્ય છે. આની પાછળ 'સિઝનલ' કારણને પણ જવાબદાર માનવામાં આવે છે.
વરિષ્ઠ પત્રકાર દીપક મહેતા જણાવે છે, "સામાન્ય રીતે દર વર્ષે ઑગસ્ટ મહિના આસપાસ સાતમ-આઠમના તહેવારો આવે. એટલે જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં તેની વધુ માગ નીકળતી હોય છે. આ ગાળા દરમિયાન બજારમાં માત્ર ઉનાળું મગફળી જ ઉપલબ્ધ હોય છે. આ વખતે ઉનાળું પાકની આવક ઓછી હતી. વધુમાં ઉપવાસ અને ફરાળમાં પણ સિંગદાણાનો ઉપયોગ થતો હોય છે, જેથી તેની માગ વધી જતી હોય છે."
મહેતા ઉમરે છે કે "ચાલુ વર્ષની ખરીફ સિઝનમાં મગફળીનું ઓછું વાવેતર થયું છે, જેના કારણે આગામી અમુક મહિના સુધી સિંગતેલના ભાવોમાં નોંધપાત્ર ઘટાડો જોવા ન પણ મળે."
ગુજરાત સરકારના આંકડા પ્રમાણે ('કૉમોડિટી વર્લ્ડ', 20 જુલાઈ, પેજ નંબર-1), 19 જુલાઈની સ્થિતિ પ્રમાણે, રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ મગફળીનું વાવેતર 11.5 ટકા, સોયાબિનનું 7.5 ટકા અને તલનું વાવેતર 51 ટકા જેટલું ઘટ્યું છે. તેની સામે કપાસનું વાવેતર 10.5 ટકા જેટલું વધ્યું છે.
ચાલુ વર્ષે 15 લાખ 62 હજાર 891 હેક્ટર (ગત ત્રણ વર્ષની સરેરાશ 18 લાખ 42 હજાર 562) વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે. જ્યારે કપાસ 23 લાખ 11 હજાર 800 હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે. ગત વર્ષે 20 લાખ 91 હજાર 596 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું.
સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં મગફળીનો નવો સ્ટૉક બજારમાં આવે છે, જેમાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે, જેથી ડિસેમ્બર તથા જાન્યુઆરી મહિનામાં બજારમાં આવતું તેલ લગભગ બે વર્ષ સુધી ટકી શકે છે.

'તેલ' કાઢતાં પરિબળો

ઇમેજ સ્રોત, Getty Images
એક સમયે 'રૅશનનું તેલ' ગણાતું પામોલિન તેલ આજે ચીપ્સ, બિસ્કિટ, નૂડલ અને સૌંદર્યપ્રસાધનોમાં પણ વપરાશમાં લેવાય છે. પામોલિન તેલમાંથી બનાવવામાં આવેલાં ફરસાણની સૅલ્ફલાઇફ વધી જતી હોવાથી, નાના વેપારીઓ દ્વારા પણ તેનો જ ઉપયોગ કરવામાં આવે છે.
આથી પામ તેલના ભાવો ગ્રાહકોનાં ખિસ્સાં પર સીધી જ અસર કરે છે અને તેનું બજાર આંતરરાષ્ટ્રીય અસરોથી મુક્ત નથી હોતું.
એપ્રિલ મહિનામાં ઇન્ડોનેશિયાએ અચાનક જ પામ તેલના નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો, જેના કારણે દેશમાં સૌથી વધુ વપરાતા તેલના ભાવોમાં સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીયસ્તરે જંગી વૃદ્ધિ થઈ ગઈ હતી.
જોકે, ઉત્પાદિત સ્ટૉકની સંગ્રહક્ષમતા ન હોવાને કારણે લગભગ એક મહિનામાં જ ઇન્ડોનેશિયાની સરકારે આ નિર્ણય પાછો ખેંચી લેવો પડ્યો હતો.
છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતમાં સૂરજમુખીના તેલનો વપરાશ પણ વધ્યો છે અને યુક્રેન તેનું મુખ્ય ઉત્પાદક છે.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે આ પુરવઠો ખોરવાયો છે. ભારત સરકારે 20 લાખ ટનની ટોચમર્યાદામાં સોયાબીન તથા સૂરજમુખીના તેલની ડ્યૂટી-ફ્રી આયાતની છૂટ આપી છે. જેનો હેતુ બજારમાં પુરવઠો વધારવાનો તથા ભાવો ઘટાડવાનો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














