ભારત ખાદ્ય તેલક્ષેત્રે આત્મનિર્ભર બની શકે એમ નથી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ભારત ક્રૂડઑઇલને લાગેવળગે છે ત્યાં સુધી પોતાની જરૂરિયાતના 80 ટકા કરતાં વધારે આયાત કરે છે. ક્રૂડઑઇલ આપણા માટે અગત્યનું છે.
બરાબર આજ રીતે ખાવા માટે વપરાતાં વિવિધ પ્રકારનાં ખાદ્યતેલોમાં ભારતની આયાત નિર્ભરતા 65 ટકા જેટલી છે. આપણે માથાદીઠ 16થી 17 કિલો ખાદ્યતેલનો વપરાશ કરીએ છીએ.
2017-18માં દેશનો ખાદ્યતેલનો કુલ વપરાશ 227 લાખ ટન હતો જે વધીને 2018-19માં 234 લાખ ટન થયો અને થોડો ઘટીને 2019-20માં 214 લાખ ટન થયો.
આ સામે ભારતમાં 2019-20માં ઘરેલુ ઉત્પાદન 73 લાખ ટન હતું. આની સામે આયાત 138 લાખ ટન હતી. આગળના વરસની આયાત 157 લાખ ટન સામે આમાં ચોક્કસ ઘટાડો નોંધાયો, પણ આપણી આયાત ઉપરની નિર્ભરતા આવનાર સમયમાં પણ વધતી રહેશે એમાં શંકાને સ્થાન નથી.
એક સમયે આપણે બહારથી ખાદ્યતેલની આયાત બિલકુલ નહોતા કરતા તે સામે અત્યારનું ચિત્ર દિવસે દિવસે આપણે વધુ ને વધુ આયાત ઉપર આધાર રાખવો પડશે એવું બતાવે છે.
આનો ખ્યાલ સામ પિત્રોડા જેવા વિચક્ષણ ટેકનોક્રૅટને વરસો પહેલાં આવ્યો હતો. ભારત ખાદ્યતેલોની બાબતમાં આત્મનિર્ભર બને તે માટે 1986-87માં એક પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી.
જેમ હરિત ક્રાંતિ થકી આપણે ખાદ્યાન્નની બાબતમાં આત્મનિર્ભરતા તરફ પ્રયાણ કર્યું બરાબર એ જ રીતે આ "પીળી ક્રાંતિ" થકી આપણે ખાદ્યતેલક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવા આગળ વધવાનું હતું.
આ પીળી ક્રાંતિ એટલે કે "યલો રિવોલ્યુશન"ના જનક તરીકે સામ પિત્રોડાનું નામ જોડાયેલું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

યલો રિવોલ્યુશન

ઇમેજ સ્રોત, Getty Images
"યલો રિવોલ્યુશન" હેઠળ મગફળી, રાયડો, સોયાબીન, સૂર્યમુખી, કરડી, તલ-અળસી અને એરંડિયાના ઉત્પાદન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. આ પીળી કે પિત્ત ક્રાંતિની સફળતા માટે 1986માં ઑઇલ ટેકનોલૉજી મિશનની સ્થાપના કરવામાં આવી.
હાઇબ્રીડ રાયડો તેમજ તેના બિયારણના વપરાશમાં તેમજ ટેકનોલૉજીમાં સુધારાને કારણે તેલના ઉત્પાદનમાં પણ વધારો થયો. પંજાબનાં ખેતરોમાં લહેરાતા સૂર્યમુખીનાં ફૂલો અને ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશનાં ખેતરોમાં પીળાં ફૂલથી લદાઈને લહેરાઈ રહેલો રાયડો નયનરમ્ય દૃશ્ય પેદા કરતો હતો. જ્યારે આ પીળી કે પિત્ત ક્રાંતિની શરૂઆત થઈ ત્યારે ભારતમાં તેમનું કુલ ઉત્પાદન 120 લાખ ટન હતું. જે દસ વરસમાં વધીને 240 લાખ ટનના સુધી પહોંચ્યું. હાઇબ્રીડ બિયારણ અને ટેકનોલૉજીના ઉપયોગની સાથોસાથ આ પાકમાં મળતું વળતર વધવાને કારણે તેલીબિયાં પાક હેઠળ 260 લાખ હેક્ટર જેટલો વિસ્તાર આવ્યો.
આ રીતે પિત્ત ક્રાંતિના ભાગરૂપે ખેડૂતોને પ્રોત્સાહન લાભો આપવાની જોગવાઈ હતી. આ ઉપરાંત એનડીડીબીને ઉત્પાદન વધે તે માટે પ્રયત્નો કરવાનું કામ સોંપવામાં આવ્યું. જેમાં ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન વધારવાનું લક્ષ્ય હતું.
આ જ રીતે 'ધ નેશનલ ઑઇલ સિડ્ઝ ઍન્ડ વેજિટેબલ ઑઇલ ડેવલપમૅન્ટ બોર્ડ'ને જ્યાં અત્યાર સુધી તેલીબિયાંના પાક નહોતા ઉગાવતા એવા વિસ્તારોમાં પણ તેલીબિયાંનું વાવેતર થાય તે માટે પ્રયત્ન કરવાની જવાબદારી સોંપવામાં આવી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
રાયડો, મગફળી, સોયાબીન અને સૂરજમુખી ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું. સાથોસાથ 13 લાખ જેટલા ખેડૂતોને આવળી લેતી 3000 ઑઇલ સીડ્સ સોસાયટીની સ્થાપના કરવામાં આવી.
આ બધા પ્રયત્નોને કારણે 1986-87 પછીનાં 10 વરસમાં ભારતે લગભગ આત્મનિર્ભરતા હાંસલ કરી લીધી પણ ત્યારપછીનાં વરસોમાં ધીરેધીરે આત્મનિર્ભરતામાં ખાડો પડવા માંડ્યો અને 2007ની સાલમાં ભારતે મલેશિયા, અર્જેંટીના, બ્રાઝિલ જેવા દેશોમાંથી 50 લાખ ટન તેલીબિયાંની આયાત કરી હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ રહી છે કે તેલીબિયાંના ઉત્પાદન હેઠળ લાવવા માટેનો વિસ્તાર વધારી શકાય તેમ નહોતો.
વસતિ વધતી જતી હતી. એક મોટો મધ્યમ વર્ગ ઊભો થઈ રહ્યો હતો જેને કારણે આ દેશની માથાદીઠ વપરાશ વધતી જતી હતી. જેને પહોંચી વળવા ઘર-આંગણાનું ખાદ્યતેલનું ઉત્પાદન કોઈ પણ રીતે સક્ષમ નહોતું.
આ પરિસ્થિતિ એ આપણને ક્યાં લાવીને ઊભા રાખી દીધા તે નીચેના બે કોઠા ઉપરથી જોઈ શકાય છે.
*સંદર્ભ : Make in India towards self-sufficiency : Edible Oil Sector - Mr. Sudhakar Rao Desai, President, Indian Vegetable Oil Producers' Association (IVPA)

કોઠો - 2
*સંદર્ભ : Make in India towards self-sufficiency : Edible Oil Sector - Mr. Sudhakar Rao Desai, President, Indian Vegetable Oil Producers' Association (IVPA)
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ઇન્ડિયન વેજિટેબલ ઑઇલ પ્રોડ્યુસર્સ ઍસોસિયેશનના પ્રમુખ સુધાકરરાવ દેસાઈના મત મુજબ ભારતે જો આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવી હોય તો નીચેના ચાર મુદ્દા પર ધ્યાન આપવું પડશે.
- હેક્ટર દીઠ ઉત્પાદનમાં મોટો વધારો કરવો એટલે કે ઉત્પાદકતા વધારવી.
- ખાનગીક્ષેત્રનું રોકાણ તેલીબિયાં અને ખાદ્યન્નક્ષેત્રે વધારવું
- ખેતી માટેની પ્રવર્તમાન પદ્ધતિ અને ટેકનોલૉજીમાં સુધાર અને
- યોગ્ય લઘુતમ ટેકાના ભાવ
ભારતની આયાત અને નિકાસ અંગે એક દૃષ્ટિપાત કરીએ તે પહેલાં ચોખવટ કરી લઉં કે તેલવરસ નવેમ્બરથી શરૂ થઈને આગલા ઑક્ટોબરના અંત સુધીમાં ગણાય છે. જેમ એકાઉન્ટ વરસ એપ્રિલથી માર્ચ ગણાય છે એ જ રીતે તેલ વરસ નવેમ્બરથી ઑક્ટોબર સુધી ગણાય છે.
આપણે ત્યાં તેલીબિયાં પીલાણ કરીને તેલ ઉત્પાદન કરવામાં આવે છે તેમજ તેલનું ઉત્પાદન નીચેના કોઠામાં દર્શાવ્યા છે.

કોઠો - 3
*સંદર્ભ : Make in India towards self-sufficiency : Edible Oil Sector - Mr. Sudhakar Rao Desai, President, Indian Vegetable Oil Producers' Association (IVPA)
ઉપરોક્ત આંકડાઓ પરથી ખ્યાલ આવશે કે કુલ ઉત્પાદનનો મોટો ભાગ રાયડો અને કપાસિયા તેલ છે. ત્યારબાદ સોયાબીન અને છેલ્લે સિંગતેલનો વારો આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ તેલ પેદા કરતી રિફાઇનરી સરેરાશ 50 ટકા કૅપેસિટી એ કામ કરે છે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા મિશનના ભાગરૂપે 2017-18માં 'નેશનલ મિશન ઑફ ઑઇલ સિડ્ઝ ઍન્ડ ઑઇલ પામ' (NMOOP) 2014-15માં રચાઈ અને 2017-18ની સુધી ચાલ્યું.
2018-19ના વરસથી આ મિશનને નેશનલ ફૂડ સિક્યૉરિટી મિશન - ઑઇલ સિડ્ઝ ઍન્ડ પામ નામ આપ્યું. કોઈ પણ પ્રોજેક્ટનું લેબલ બદલવાથી પ્રોડક્ટ બદલાઈ જાય એવું નથી.
ખૈર! ભારત સરકાર ભલે હવે આને NFSM - TBOના નામથી ઓળખે પણ એમાં પણ બે જાત છે. એક સોફ્ટ ઑઇલ સીડ્ઝ જેવા કે રાયડો, તલ, સૂરજમુખી, મગફળી વગેરે અને બીજા બીજી કૅટેગરી એ પામ એટલે ટ્રી બેઇઝ્ડ ઑઇલ સીડ્સ.
પહેલા કિસ્સામાં કૃષિપદ્ધતિ સુધારવાનીથી માંડીને ડ્રીપ અને સ્પિંકલર ઇરિગેશન તેમજ સુધારેલા બિયારણના કીટ આપવાની વાત છે. જ્યારે બીજામાં પ્લાન્ટેશન થકી પામ, ઑલિવ અને બીજા ઝાડ પર ઊગતા ટ્રી બેઇઝ ઑઇલ (TBO)ના પ્લાન્ટેશન તેમજ એની સાથે સંલગ્ન અન્ય બાબતોનો સમાવેશ થાય છે.
આ બધું કર્યા પછી પણ 2034-35માં ભારતમાં ખાદ્યતેલ અંગેની પરિસ્થિતિ શું રહેશે તેની વિગતો નીચેના કોઠામાં આપી છે.

કોઠો - 4
*સંદર્ભ : Make in India towards self-sufficiency : Edible Oil Sector - Mr. Sudhakar Rao Desai, President, Indian Vegetable Oil Producers' Association (IVPA)
ઉપરોક્ત કોઠા પરથી જોઈ શકાય છે કે આત્મનિર્ભરતાની વાત તો દૂર રહી. આપણી ઘરઆંગણાની જરૂરિયાતનું 50 ટકા ઉત્પાદન પણ આપણે 2035 સુધીમાં હાંસલ કરી શકીશું નહીં.
એનું મૂળ કારણ આપણે પણ છીએ. 2020-21માં ખાદ્યતેલનો માથાદીઠ વપરાશ 16.67 કિલો જેટલો છે તે વધીને 2034-35માં 25.12 કિલો થશે.
એક બાજુ વસતી વધારો અને બીજી બાજુ માથાદીઠ તેલની જરૂરિયાતમાં ખાસ્સો એવો 60 ટકા જેટલો વધારો સરકાર અને ખેડૂતો ગમે તેટલા પ્રયત્નો કરે ત્યાં સુધી નાગરિકો તરીકે આપણે તેલ ખાવાનું ઓછું નહીં કરીએ અને એ રીતે માથાદીઠ વપરાશ નહીં ઘટાડીએ ત્યાં સુધી ખાદ્યતેલની બાબતમાં સ્વાવલંબી બનીએ એવું માનવું ભૂલભરેલું છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













