અમેરિકાની ચૂંટણી 2020: ટ્રમ્પના કાર્યકાળમાં કેવી રીતે બદલાઈ દુનિયા?

- લેેખક, રૅબેકા સિલેસ
- પદ, બીબીસી ન્યૂઝ
અમેરિકાના રાષ્ટ્રપતિ માત્ર પોતાના દેશના જ નેતા નથી હોતા, પરંતુ તેઓ કદાચ સમગ્ર વિશ્વના સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિ પણ હોય છે. અમેરિકન રાષ્ટ્રપતિના નિર્ણયોની અસર સમગ્ર વિશ્વમાં અનુભવાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમાં અપવાદ નથી. એવામાં ટ્રમ્પ કઈ રીતે દુનિયામાં પરિવર્તન લાવ્યા છે એ જોવું મહત્ત્વનું રહેશે.
વિશ્વ અમેરિકાને કઈ રીતે જુએ છે?
રાષ્ટ્રપતિ ટ્રમ્પે વારંવાર જાહેરાત કરી છે કે અમેરિકા "વિશ્વમાં સૌથી મહાન દેશ" છે. પરંતુ પ્યૂ રિસર્ચ સેન્ટરના 13 દેશો પર થયેલા તાજેતરના સરવે અનુસાર તેમણે વિદેશમાં આ છબિ સુધારવા માટે ખાસ કંઈ કર્યું નથી.
ઘણા યુરોપિયન દેશોમાં અમેરિકા અંગે હકારાત્મક વલણ ધરાવતા લોકોની સંખ્યા લગભગ 20 વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે.
અમેરિકા વિશે બ્રિટનમાં 41 ટકા લોકો હકારાત્મક અભિપ્રાય ધરાવતા હતા, જ્યારે ફ્રાન્સમાં આ આંકડો 31 ટકા છે જે 2003 પછી સૌથી નીચો છે. જર્મનીમાં માત્ર 26 ટકા લોકો અમેરિકા માટે હકારાત્મક મત ધરાવે છે.
કોરોના વાઇરસની બિમારી અંગે અમેરિકાના પગલાં આ વિષયમાં બહુ મોટું પરિબળ રહ્યા છે. જુલાઈ અને ઑગસ્ટના આંકડા દર્શાવે છે કે માત્ર 15 ટકા ઉત્તરદાતા (સરવેમાં ભાગ લેનારા લોકો) માને છે કે અમેરિકાએ આ વાઈરસનો યોગ્ય રીતે સામનો કર્યો છે.

જળવાયુ પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ) અંગે અસહમતી

ઇમેજ સ્રોત, MANDEL NGAN
રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર્યાવરણના ફેરફારો વિશે શું વિચારે છે તે નક્કી કરવું મુશ્કેલ છે, કારણ કે તેઓ ક્યારેક તેને "બહુ મોંઘો ભય" ગણાવે છે, તો ક્યારેક તેને "એક ગંભીર વિષય" ગણાવે છે, જે "તેમના હૃદયની બહુ નજીક છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ એક વાત સ્પષ્ટ છે કે સત્તા સંભાળ્યાના છ મહિનાની અંદર જ તેમણે પેરિસની જળવાયુ સંધિમાંથી હાથ ઊંચા કરી દીધા હતા. આ સમજૂતી હેઠળ લગભગ 200 દેશો વિશ્વના તાપમાનમાં વૃદ્ધિને બે ટકા સુધી નીચે રાખવા માટે તૈયાર હતા.
ચીન પછી અમેરિકા સૌથી વધારે કાર્બન ઉત્સર્જન કરે છે. આ અંગે રિસર્ચ કરનારાઓનું કહેવું છે કે ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ બનશે તો કદાચ ગ્લોબલ વોર્મિંગ પર અંકુશ મેળવવાનું મુશ્કેલ બની જશે.
પેરિસ ક્લાઈમેટ સમજૂતીમાંથી અમેરિકાની ઍક્ઝિટ રાષ્ટ્રપતિની ચૂંટણીના બીજા દિવસ 4 નવેમ્બરથી ઔપચારિક રીતે લાગુ થઈ જશે. ટ્રમ્પના હરીફ જો બાઇડને વચન આપ્યું છે કે તેઓ ચૂંટણી જીતી જશે તો અમેરિકા આ સંધિમાં ફરી સામેલ થઈ જશે.
કેટલાક જાણકારો કહે છે કે અમેરિકા આ સમજૂતીમાંથી નીકળી ગયું તેના કારણે જ બ્રાઝિલ અને સાઉદી અરેબિયાએ કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસોને ઠપ કરી દીધા છે.

- અમેરિકાની ચૂંટણીની આફ્રિકાના અંતરિયાળ ગામ સુધી કેવી અસર પડે છે?
- અમેરિકાની ચૂંટણીમાં પણ ભારત-પાકિસ્તાન એક મુદ્દો છે?
- ભારત-પાકિસ્તાન મૂળની એ મહિલાઓ જેમનો અમેરિકાની ચૂંટણીમાં ડંકો વાગશે
- ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બની શકશે?
- કમલા હૅરિસ : ભારતીય મૂળનાં ફાયરબ્રાન્ડ નેતાથી અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવાર સુધી

કેટલાક લોકો માટે સરહદો બંધ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યા પછી એક સપ્તાહમાં જ સાત મુસ્લિમ બહુમતી દેશોમાંથી આવતા માઇગ્રન્ટ્સ માટે અમેરિકાના દ્વાર બંધ કરી દીધા હતા. હાલમાં 13 દેશ આ પ્રકારના ટ્રાવેલ પ્રતિબંધોને આધીન છે.
બીજા દેશોમાં જન્મેલા અને અમેરિકામાં વસવાટ કરતા લોકોની સંખ્યા 2016ની તુલનામાં 2019માં ત્રણ ટકા વધારે હતી. પરંતુ અમેરિકામાં કયા લોકો વસવાટ કરવા આવ્યા છે તેમાં ફેરફાર થયો છે.
મેક્સિકોમાં પેદા થયેલા અમેરિકન નાગરિકોની ટકાવારી ટ્રમ્પના શાસન દરમિયાન સતત ઘટી છે. બીજી તરફ લેટિન અમેરિકાના બાકીના દેશોમાંથી અહીં આવનારાઓની સંખ્યા વધી છે.
અમેરિકામાં કાયમી ધોરણે વસવાટ કરવાના વિઝા આપવાના ધોરણો પણ બહુ ચુસ્ત થઈ ગયા છે. ખાસ કરીને જેમના સ્વજનો પહેલેથી અમેરિકામાં રહેતા હોય તેમના માટે આ વિઝા મેળવવા મુશ્કેલ બની ગયા છે.
મેક્સિકો અને અમેરિકાની સરહદ પર દીવાલ બનાવવાની રાષ્ટ્રપતિ ટ્રમ્પની શપથ પણ માઇગ્રન્ટ વિરોધી નીતિનું પ્રતીક છે.
યુએસ કસ્ટમ્સ ઍન્ડ બોર્ડર પ્રોટેક્શન અનુસાર 19 ઓક્ટોબર સુધીમાં 371 માઇલ લાંબી દીવાલ બની ગઈ હતી. પરંતુ આ દીવાલ અમેરિકા આવવાની ઇચ્છા ધરાવતા લોકોને રોકવામાં નિષ્ફળ રહી છે. અમેરિકા-મેક્સિકો બોર્ડર પર પકડાયેલા માઇગ્રન્ટ્સની સંખ્યા 2019માં 12 વર્ષની ટોચે પહોંચી ગઈ હતી. તેમાંથી મોટા ભાગના લોકો ગ્વાટેમાલા, હોંડુરસ અને અલ સાલ્વાડોરના હતા જ્યાં હિંસા અને ગરીબી એટલી છે કે લોકો શરણ શોધવા અને બીજી જગ્યાએ વસવાટ કરવા માટે લાચાર છે.
ટ્રમ્પે એવા લોકોની સંખ્યા પણ ઘટાડી છે જેઓ અમેરિકામાં ફરીથી વસવાટ કરી શકે છે. 2016માં આ આંકડો 85,000નો હતો જે ત્યાર પછીના વર્ષમાં ઘટીને 54,000 થઈ ગયો. 2021માં આ સંખ્યા ઘટીને માત્ર 15,000 રહી જશે જે 1980માં શરૂ થયેલા આ પ્રોગ્રામમાં સૌથી નીચો સ્તર હશે.

ફેક ન્યૂઝમાં વધારો

ડોનાલ્ડ ટ્રમ્પે 2017માં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, "મને લાગે છે કે હું જે શબ્દોથી વાકેફ થયો છું તેમાંથી સૌથી મોટો શબ્દ 'ફેક' છે." જોકે, ફેક ન્યૂઝની શોધ ચોક્કસપણે ટ્રમ્પે નથી કરી, છતાં એટલું જરૂર કહી શકાય કે તેમણે આવા ન્યૂઝને લોકપ્રિય બનાવ્યા છે.
ફેક્સબીએ. એસઈ દ્વારા મૉનિટર કરવામાં આવતા સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને ઓડિયો ટ્રાન્સ્ક્રિપ્ટ્સ અનુસાર ડિસેમ્બર 2016માં પ્રથમ વખત ટ્વિટ કરવામાં આવ્યા પછી ટ્રમ્પે આ શબ્દનો લગભગ 2,000 વખત ઉપયોગ કર્યો છે.
ફેક ન્યૂઝ માટે ગૂગલ સર્ચ કરશો તો તમને સમગ્ર વિશ્વમાંથી 1.1 અબજથી વધારે રિઝલ્ટ મળશે. ચાર્ટની દૃષ્ટિએ અભ્યાસ કરવામાં આવે તો જાણવા મળશે કે 2016-17ના શિયાળામાં અમેરિકામાં તેના વિશે રસ વધ્યો હતો અને ટ્રમ્પે "ફેક ન્યૂઝ એવોર્ડ" અંગે ખુલાસો કર્યો તે સપ્તાહમાં આ રસ ઘણો વધી ગયો હતો. આ એવા અહેવાલોની યાદી છે જેને ટ્રમ્પ જુઠા અહેવાલ માને છે.
2016માં રાષ્ટ્રપતિપદની રેસ દરમિયાન ફેક ન્યૂઝનો અર્થ બનાવટી સમાચારો થતો હતો. જેમ કે એક સમાચારમાં જણાવાયું હતું કે પોપ ફ્રાન્સિસે ટ્રમ્પની ઉમેદવારીને ટેકો જાહેર કર્યો છે. પરંતુ જેમ જેમ તેનો સામાન્ય ઉપયોગ વધતો ગયો તેમ તેમ તેનો અર્થ માત્ર 'ખોટી માહિતી' હોવાથી શિફ્ટ થઈ ગયો.
રાષ્ટ્રપતિ જે સમાચારો સાથે સહમત ન હોય એવા સમાચારોને તેમણે ફેક ન્યૂઝ ગણાવવાનું શરૂ કરી દીધું. ફેબ્રુઆરી 2017માં તેઓ વધુ આગળ વધ્યા અને તેમણે અનેક સમાચાર સંસ્થાઓને "અમેરિકન પ્રજાની દુશ્મન" ગણાવી.

અમેરિકાના અંતહીનયુદ્ધ અને મધ્ય પૂર્વમાં સંધિ

ઇમેજ સ્રોત, ANADOLU AGENCY
ફેબ્રુઆરી 2019ના સ્ટેટ ઑફ ધ યુનિયન સંબોધનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે સીરિયામાંથી સૈનિકોને પાછા બોલાવી લેવાનું વચન આપ્યું હતું. તેમણે જાહેરાત કરી હતી, "મહાન રાષ્ટ્રો અંતહીન યુદ્ધ નથી લડતા હોતા."
પરંતુ આંકડા અલગ જ ચિત્ર રજુ કરે છે. થોડા મહિના પછી ટ્રમ્પે તેલના કુવાની સુરક્ષા માટે સીરિયામાં 500 સૈનિકો રાખવાનો નિર્ણય લીધો હતો.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં હાજર સૈન્ય ઘટાડ્યું છે અને આવું જ ઇરાક અને સીરિયામાં પણ કરવામાં આવ્યું છે. પરંતુ અમેરિકન સૈન્ય હજુ એ દરેક જગ્યાએ હાજર છે જ્યાં તેઓ રાષ્ટ્રપતિ બન્યા તે સમયે હાજર હતું.
સૈન્ય વગર પણ મધ્ય પૂર્વના દેશોમાં ચોક્કસપણે પ્રભાવ પાડી શકાય છે. ટ્રમ્પે 2018માં અમેરિકન દુતાવાસને ઇઝરાયલના તેલ અવીવથી ખસેડીને જેરૂસલેમ શિફ્ટ કરી દીધું હતું અને આ રીતે તેમની અગાઉના રાષ્ટ્રપતિઓના તમામ વાંધાની ઉપેક્ષા કરી હતી.
ગયા મહિને તેમણે ઇઝરાયલ સાથે સંયુક્ત આરબ અમીરાત અને બહેરિનના સંબંધ સ્થાપિત કરવાની સમજૂતીને "મધ્ય પૂર્વમાં એક નવી સવાર" ગણાવી હતી. આ સમજૂતીઓ અમેરિકાની મદદથી શક્ય બની હતી અને તેને ટ્રમ્પ વહીવટી તંત્રની સૌથી મોટી રાજદ્વારી સિદ્ધિ કહી શકાય છે.

વ્યાપાર સંધિઓની કળા

ઇમેજ સ્રોત, AFP
ટ્રમ્પ એવી સંધિઓને કચરાપેટીમાં નાખવા માટે જાણીતા છે જે સંધિઓ તેમણે કરી ન હોય. સત્તા સંભાળ્યાના પ્રથમ દિવસે જ તેમણે ટ્રાન્સ-પેસિફિક પાર્ટનરશિપને રદ કરી દીધી. આ 12 દેશો વચ્ચેની વ્યાપાર સંધિ હતી જેને બરાક ઓબામાએ મંજૂરી આપી હતી.
આ સંધિમાંથી બહાર નીકળવાના કારણે સૌથી વધુ ફાયદો ચીનને થયો. પરંતુ અમેરિકામાં જે લોકોને લાગતું હતું કે આ સંધિથી અમેરિકામાં નોકરીઓ જતી રહેશે, તેમણે આ સંધિમાંથી પીછેહઠની ઉજવણી કરી હતી.
ટ્રમ્પે કૅનેડા અને મેક્સિકોની સાથે નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગે ફરીથી સોદાબાજી કરી. તેઓ આને "સૌથી ખરાબ સંધિ" ગણાવતા હતા. નવી સંધિમાં ખાસ કંઇ બદલાયું ન હતું. જોકે, લેબર અંગેના નિયમો સખત બની ગયા હતા.
ટ્રમ્પની કોશિશ હંમેશા એ રહી છે કે દુનિયાભરમાં વ્યાપાર સંધિઓથી અમેરિકાને ફાયદો કઈ રીતે પહોંચાડવો. આ નીતિના કારણે ચીન સાથે એક કડવાશભર્યું વ્યાપાર યુદ્ધ શરૂ થયું. તેના કારણે બંને દેશોને નુકસાન થયું.
2 ડિસેમ્બર 2016ના રોજ ટ્રમ્પે એક મોટું અણધાર્યું પગલું લીધું અને તાઇવાનના રાષ્ટ્રપતિ સાથે સીધી વાતચીત કરી. આ રીતે તેમણે 1979માં તાઇવાન સાથે ઔપચારિક સંબંધો તોડવાની પરંપરાને ખતમ કરી દીધી.
સાઉથ ચાઇના સી પર ચીનના દાવાને પણ અમેરિકાએ ગેરકાયદે જાહેર કર્યો. ચીનની ટિકટોક અને વીચેટ જેવી ઍપ્સ પર પ્રતિબંધ મૂક્યો અને ટેલિકોમ ક્ષેત્રની અગ્રણી ચાઇનીઝ કંપની ખ્વાવેને બ્લૅકલિસ્ટ કરી દેવામાં આવી.
પરંતુ ચીન સાથેના સંબંધો બગડવાની શરૂઆત ટ્રમ્પના કાર્યકાળમાં નહોતી થઈ, ચીનના પોતાના કેટલાક કામો પણ તેના માટે જવાબદાર છે.

ઇરાન સાથે લગભગ યુદ્ધ જેવી સ્થિતિ

ઇમેજ સ્રોત, GETTY IMAGES/REUTERS
2019માં નવા વર્ષે ટ્રમ્પે ટ્વિટ કરી હતી કે, "અમારા કોઈ પણ એકમને થનારા નુકસાન અથવા કોઈ પણ વ્યક્તિના મૃત્યુ માટે ઇરાન સંપૂર્ણપણે જવાબદાર રહેશે. તેમણે બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. આ ચેતવણી નહીં, પરંતુ ધમકી છે."
થોડા દિવસો પછી વિશ્વને આશ્ચર્યચકિત કરીને અમેરિકાએ ઈરાનના સૌથી શક્તિશાળી જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કરી દીધી હતી.
ઈરાને વળતી કાર્યવાહીમાં ઇરાકમાં અમેરિકાના બે થાણા પર ડઝનો મિસાઈલ ફેંકી હતી. આ હુમલામાં 100થી વધારે અમેરિકન સૈનિકો ઇજાગ્રસ્ત થયા હતા. તેના કારણે બંને દેશો યુદ્ધની અણી પર આવી ગયા હતા.
યુદ્ધ ન થયું છતાં નિર્દોષ લોકોનાં મોત જારી રહ્યા. ઈરાનના મિસાઈલ હુમલામાં થોડા જ કલાકની અંદર તેની સેનાએ યુક્રેનના એક પેસેન્જર વિમાનને મિસાઇલ દ્વારા ભૂલથી તોડી પાડ્યું જેમાં 176 લોકો માર્યા ગયા હતા.
મે 2018માં ટ્રમ્પે 2015માં ઈરાન સાથે થયેલી અણુ સંધિને પણ રદ કરી દીધી. ઈરાન પર ભારે આર્થિક પ્રતિબંધો ઝીંકવામાં આવ્યા. તેના કારણે ઈરાનનું અર્થતંત્ર ગંભીર સંકટમાં મૂકાઈ ગયું અને પરેશાન ઈરાની લોકોએ વિરોધપ્રદર્શન માટે ઊતરી આવવું પડ્યું.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












