કમલા હેરિસ : ભારતીય મૂળનાં મહિલા USનાં પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ કઈ રીતે બન્યાં?

ઇમેજ સ્રોત, Getty Images
કમલા હેરિસ. આ નામ દુનિયાભરમાં ચર્ચાઈ રહ્યું છે. આ ચર્ચા એવા માટે છે કે વિશ્વની મહાસત્તા અમેરિકાનાં ઉચ્ચપદોમાંથી એક ઉપરાષ્ટ્રપતિપદે ભારતીય મૂળનાં કમલા હેરિસ બિરાજ્યાં છે.
આજે તેમણે અમેરિકનોનાં સમૃદ્ધ અને સુખાકારીના ધ્યેય સાથે ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધાં.
કમલા હેરિસની ભાષણ આપવાની છટા ખૂબ જ અનોખી છે. તેમની ભાષણમાં ધૈર્યની સાથે કઠોર વાતને સ્પષ્ટ રીતે કહેવાની આવડત પણ કાબિલેતારીફ છે.
ભૂતકાળમાં એવું પણ બન્યું છે કે તેમણે નવનિયુક્ત રાષ્ટ્રપતિ બાઇડનની વાત સાથે અસહમતી દર્શાવી હોય અને નીડરતાથી પોતાની વાતને સ્પષ્ટ રીતે રજૂ કરી હોય. અમેરિકાની ચૂંટણી એવા વખતે યોજાઈ, જ્યારે કોરોના વાઇરસ મહામારીએ દેશને ભરડામાં લીધો છે.
કમલા હેરિસ અને જો બાઇડનના માથે કોરોના મહામારીના કટોકટીભર્યા વખતમાંથી દેશને બહાર કાઢવાનો પ્રમુખ પડકાર છે.
અમેરિકાના રાષ્ટ્રપતિપદના ડેમૉક્રેટિક ઉમેદવાર જો બાઇડને કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર તરીકે પસંદ કર્યાં હતાં.
ઘણાખરા અર્થોમાં આ એક ઐતિહાસિક વાત છે, એની પાછળનાં કારણ પર નજર કરીએ તો તેમના પરિવારની પૃષ્ઠભૂમિ અગત્યની છે.
કમલા હેરિસે અમેરિકાના રાજકારણમાં એક અશ્વેત નેતા તરીકે છેલ્લાં વર્ષોમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે પરંતુ કહી શકાય કે તેઓ પોતાનાં ભારતીય મૂળથી દૂર પણ થયાં નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2018માં પ્રકાશિત તેમની આત્મકથા 'ધી ટ્રૂથ્સ વી હોલ્ડ'માં કમલા હેરિસ પોતાના નામનો અર્થ પણ સમજાવતાં લખે છે કે "તેનો અર્થ છે કમળનું ફૂલ, જે ભારતીય સંસ્કૃતિનું પ્રતીક પણ છે. કમળનું ફૂલ પાણીમાં ઊગે છે. ફૂલ પાણીની સપાટી પર ઊગે છે પરંતુ તેનાં મૂળ પાણીની નીચે નદીના તળિયામાં મજબૂતાઈથી વસેલાં હોય છે. "
ભારતીય મૂળનાં માતા અને જમૈકન મૂળના પિતાનાં પુત્રી કમલા હેરિસ અમેરિકાના રાજકારણમાં એક ફાયરબ્રાન્ડ નેતા તરીકે ઓખળાય છે.
નવેમ્બર 2020માં યોજાનાર રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે તેમણે ઉમેદવારીની રેસમાં ઊતરવાની જાહેરાત 2019 જાન્યુઆરીમાં કરી હતી. જોકે એ રેસમાં તેઓ જો બાઇડન સામે હારી ગયાં.
જોકે, આ વખતે રાજકીય નિષ્ણાતો કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર તરીકે બાઇડનને રાષ્ટ્રપતિ બનાવવામાં એક મજબૂત ટેકા સ્પરૂપે જોઈ રહ્યાં હતાં.
અમેરિકામાં અશ્વેત લોકો સાથે રંગભેદના મુદ્દા પર કમલા હેરિસ મુખર રહ્યાં છે અને તેમણે જો બાઇડનને આ મુદ્દે ડેમૉક્રેટિક પાર્ટીના ચૂંટણી સંદર્ભના એક કાર્યક્રમમાં આડા હાથે લીધા હતા.

ભારતીય મૂળનાં એકલ હિંદુ માતા દ્વારા ઉછેર

પોતાના બાળપણમાં કમલા અને તેમનાં નાનાં બહેન માયા અશ્વેત સંગીતકારોનાં સંગીત સાથે મોટાં થયાં. જમૈકન મૂળના પિતા ડોનાલ્ડ હરિસ સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીમાં ઇકૉનૉમિક્સના શિક્ષક હતા.
જ્યારે કમલા પાંચ વર્ષનાં હતાં ત્યારે તેમનાં માતાપિતાના છૂટાછેડા થઈ ગયાં.
માતાપિતાના છૂટાછેડા પછી કમલા હેરિસનું બાળપણ મોટા ભાગે માતા સાથે વીત્યું.
આમ તો કમલા હેરિસનો ઉછેર એક હિંદુ માતા દ્વારા ભારતીય સંસ્કૃતિમાં થયો.
તેઓ માતા સાથે બાળપણમાં ભારતની મુલાકાતે પણ આવતાં પરંતુ કમલા હેરિસ કહી ચૂક્યાં છે કે તેમનાં માતાએ ઓકલૅન્ડમાં રહેતા અશ્વેત લોકોની સંસ્કૃતિને અપનાવી લીધી હતી અને કમલા તથા તેમનાં નાનાં બહેન માયા પણ એમાં ઓતપ્રોત થઈ ગયાં હતાં.
પોતાની 'આત્મકથા ધી ટ્રૂથ વી હોલ્ડ'માં તેમણે લખ્યું છે, "મારાં માતા બહુ સારી રીતે જાણતાં હતાં કે તેઓ બે કાળી દીકરીઓને ઉછેરી રહ્યાં છે."
કમલા આગળ લખે છે, "તેઓ જાણતા હતાં કે તેમણે જે દેશને પોતાના દેશ તરીકે અપનાવી લીધો છે એ માયાને અને મને કાળી છોકરીઓ તરીકે જ જોશે અને એમણે નક્કી કર્યું હતું કે તેઓ અમારો ઉછેર બે આત્મવિશ્વાસથી ભરેલી કાળી મહિલાઓની જેમ કરે."

ઇડલી, દહીં-ભાત અને બટેટાનું શાક

જોકે 2015માં સૅનેટની ચૂંટણી જ્યારે કમલા ઊતર્યાં ત્યારે વૉશિંગટન પોસ્ટે લખ્યું હતું કે કમલા હેરિસનો ઉછેર ભારતીય સંસ્કૃતિમાં થયો છે પરંતુ તેઓ એક ગર્વીલાં આફ્રિકન-અમેરિકન મહિલાનું જીવન જીવી રહ્યાં છે.
અને ઇકૉનૉમિસ્ટ પત્રિકાએ તેમને એક ભારતીય કૅન્સર શોધાર્થી અને એક જમૈકન ઇકૉનૉમિક્સના પ્રોફેસરના દીકરી તરીકે ઓળખાવ્યા હતા.
કમલા હેરિસ કૅનેડામાં પણ રહ્યાં હતાં. જ્યારે તેમનાં માતાએ મૅકગિલ યુનિવર્સિટીમાં શિક્ષક તરીકે નોકરી લીધી ત્યારે કમલા અને માયા બંને મૉન્ટ્રિયલની સ્કૂલમાં અભ્યાસ કરતાં હતાં.
કમલા હેરિસે યુએસની હાવર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો જેને ઐતિહાસિક રૂપે કાળા લોકોની કૉલેજો અને યુનિવર્સિટીઓમાંથી એક માનવામાં આવતી હતી.
કમલા હેરિસનું કહેવું છે કે યુનિવર્સિટીમાં વીતાવેલા દિવસોએ તેમના જીવનને એક ચોક્કસ દિશા આપી હતી.
જોકે 55 વર્ષનાં કમલા ક્યારેય પોતાનાં ભારતીય અને આફ્રિકી મૂળને લઈને કોઈ પણ ગૂંચવણમાં નથી રહ્યાં, તેઓ પોતાને માત્ર એક "અમેરિકન" તરીકે ઓળખાવતાં આવ્યાં છે.
2019માં તેમણે વૉશિંગ્ટન પોસ્ટને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે નેતાઓને રંગ કે પૃષ્ઠભૂમિ સાથે સાંકળીને ન જોવા જોઈએ. તેમણે કહ્યું, "હું જે છું એ છું. તમે શું સમજો છો એ તમારે જોવાનું છે પરંતુ હું તેનાથી ખુશ છું."
તેમને નજીકથી જાણતા લોકો કહે છે કે કમલા બંને સમુદાયોમાં સહેલાઈથી હળીમળીને રહે છે.
તેમના યૂટ્યૂબ પેજ પર પ્રકાશિત એક વીડિયોમાં તેમને અમેરિકામાં ભારતીય મૂળનાં અભિનેત્રી મિંડી કલિંગ સાથે દક્ષિણ ભારતીય વ્યંજનો બનાવતાં જોઈ શકાય છે.
આ વીડિયોમાં મિંડી કલિંગના પ્રશ્નનો જવાબ આપતા તેઓ કહે છે કે "બાળપણમાં અમે દહી-ભાત, બટેટાનું શાક, ખૂબ બધી દાળ અને ઇડલી ખાઈને મોટાં થયાં છીએ. "
તેઓ કહે છે કે જ્યારે તેઓ ભારતમાં પોતાના નાનાના ઘરે જતાં એ સમયે તેમના શાકાહારી માતા ઘરે ન હોય ત્યારે તેમના નાના તેમને ફ્રેન્ચ ટોસ્ટ માટે પૂછતા, કારણ કે તેમાં ઈંડું નાખવામાં આવે છે.
તેઓ પોતાની આત્મકથામાં ઘરમાં ભારતીય વિધિથી બિરયાની બનાવવાનો ઉલ્લેખ પણ કરે છે.

ભારતની ઊંડી છાપ અને ભારતીયો તથા આફ્રિકન લોકોમાં માન્યતા?

ઇમેજ સ્રોત, AFP
કમલા હેરિસે 2014માં ડગલસ ઍમહૉફ સાથે ભારતીય અને યહૂદી પરંપરાઓને ધ્યાનમાં રાખીને લગ્ન કર્યું હતું, કહેવામાં આવે છે કે તેમણે પોતાના પતિને વરમાળા પણ પહેરાવી હતી.
બીબીસી સંવાદદાતા સૌતિક બિસ્વાસ માને છે કે અમેરિકામાં કમલા હેરિસની છબિ મુખ્ય રૂપે આફ્રિકન મૂળના નેતા તરીકે ઊભી થઈ છે પરંતુ ભારતીય મૂળના અમેરિકન લોકો પણ તેમને પોતાનાં પ્રતિનિધિ તરીકે જુએ છે. આનાથી ભારતીય અને દક્ષિણ એશિયાના લોકો વચ્ચે તેમની ઉમેદવારીને મોટા સ્તરે માન્યતા મળશે.
કમલા હેરિસના જીવન પર તેમનાં માતાની ઊંડી છાપ હતી. તેમનાં માતાનો જન્મ ચેન્નાઈમાં થયો હતો, પરિવારમાં ચાર ભાઈ-બહેનોમાં તેઓ સૌથી મોટાં હતાં.
દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી લઈને 19 વર્ષની ઉંમરે 1958માં તેમણે અમેરિકામાં બર્કલેમાં અભ્યાસ માટે અરજી કરી.
તેઓ પીએચડી કરવા માટે અમેરિકા આવ્યાં અને પછી તેઓ બ્રેસ્ટ કૅન્સર રિસર્ચર બની ગયાં.
કમલા હેરિસ કહે છે, "મારા નાના-નાની માટે મારા માતાને અમેરિકા જવા દેવું કેટલું મુશ્કેલ રહ્યું હશે. ત્યારે કૉમર્શિયલ જેટ પરિવહન શરૂ જ થઈ રહ્યું હતું અને સંપર્કમાં રહેવું પણ મુશ્કેલ રહેતું હશે. પરંતુ મારાં માતાએ જ્યારે પરવાનગી માગી ત્યારે તેમણે ના ન પાડી."
તેઓ આગળ લખે છે કે "મારાં માતાએ આમ તો અભ્યાસ પૂરો કરીને ભારત પાછા આવવાનું હતું અને માતાપિતાની મરજીથી લગ્ન કરવાનું હતું પરંતુ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. "
તેઓ બર્કલેમાં નાગરિક અધિકાર આંદોલનમાં ભાગ લેવા દરમિયાન કમલા હેરિસના પિતા સાથે પ્રેમમાં પડ્યાં.
કમલા લખે છે, "તેમનાં લગ્ન અને અમેરિકામાં રહેવાનો દૃઢનિશ્ચય એ પ્રેમ દર્શાવતું એક મોટું પગલું હતું."
1964માં તેમનાં માતાએ 25 વર્ષની ઉંમરે ડૉક્ટરેટની ડિગ્રી લીધી અને એ જ વર્ષે કમલા હેરિસનો જન્મ થયો.
કમલા કહે છે કે તેમના જન્મનો સમય આવ્યો ત્યાર સુધી માતા અભ્યાસકાર્યમાં લાગેલાં હતાં.
તેઓ લખે છે કે જ્યારે તેમને ડિલિવરી આવવાનો સમય થયો ત્યારે તેઓ લૅબમાં હતાં.
ત્યારે ભારતમાં તેમના નાનાના પરિવારમાં શ્યામલા ગોપાલનનો ઉછેર રાજકારણ અને નાગરિક અધિકારો માટેની સજગતાના માહોલમાં થયો હતો.
કમલા હેરિસનાં નાની ક્યારે હાઈસ્કૂલમાં નહોતા ગયાં પરંતુ તેમનામાં નેતૃત્વ ક્ષમતા હતી. તેઓ સમાજમાં ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓને આશ્રય આપતાં અને મહિલાઓને ગર્ભનિરોધક વિશે જાગરૂક કરતાં.
તેમના નાના પીવી ગોપાલન ભારતીય સરકારમાં ઉચ્ચાધિકારી હતા, તેઓ ઝામ્બિયાને આઝાદી મળ્યા પછી ત્યાં રહ્યા અને શરણાર્થીઓને ત્યાં વસાવવામાં મદદરૂપ થયા હતા.
પોતાની આત્મકથામાં તેઓ કહે છે કે તેઓ પોતાના મામા અને બે માસીઓની ઘણી નજીક હતાં.
કમલા હેરિસનાં માતાનું 2009માં 70 વર્ષની ઉંમરે મૃત્યુ થઈ ગયું.

કારકિર્દી

ઇમેજ સ્રોત, Getty Images
કમલા હેરિસે હાવર્ડમાંથી અભ્યાસ કર્યા પછી યુનિર્સિટી ઑફ કૅલિફોર્નિયાથી લૉની ડિગ્રી લીધી. તેમણે વકીલાત શરૂ કરી અને 2003માં તેઓ સૅન ફ્રાન્સિસકોમાં ટોચનાં સરકારી વકીલ બની ગયાં.
આગળ ચાલીને તેઓ અમેરિકાના સૌથી મોટા રાજ્ય કૅલિફોર્નિયાનાં ઍટર્ની જનરલ બનનારાં પ્રથમ પ્રથમ કાળા મહિલા બન્યાં.
બે વખત ઍટર્ની જનરલ ચૂંટાયેલા કમલા હેરિસે ડેમૉક્રેટિક પાર્ટીનાં ઉભરતાં નેતા તરીકે સ્થાન બનાવ્યું અને 2017માં તેઓ યુએસ સૅનેટર બન્યાં.
એક મહત્ત્વકાંક્ષી અને આક્રમક વલણ ધરાવતાં વકીલ અને સૅનેટર તરીકે પોતાની છબિ બનાવનારાં કમલા હેરિસે રાષ્ટ્રપતિ બનવાની પોતાની ઉમેદવારીની જાહેરાત ગત વર્ષે 20 હજાર લોકો સામે કરી હતી.
જોકે માનવામાં આવે છે શરૂઆતમાં તેમને મહત્ત્વ મળ્યું પરંતુ હૅલ્થકેર જેવા અમુક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વલણ સ્પષ્ટ ન કરતાં તેઓ રાષ્ટ્રપતિપદની ઉમેદવારીની રેસમાં પાછળ રહી ગયાં હતાં.

કડક પ્રશ્ન પૂછનારાં નેતા

ઇમેજ સ્રોત, Getty Images
કમલા ડેમૉક્રેટિક પાર્ટીમાં હાલના તબક્કે યુવા અને વંશીય વૈવિધ્યનું પ્રતિનિધિત્વ કરે છે.
55 વર્ષનાં કમલા હેરિસને યુવા તો ન કહી શકાય પરંતુ 77 વર્ષીય જો બાઇડનની સરખામણીમાં તેઓ ઘણા યુવા છે.
હેરિસના પિતા આફ્રિકન અને માતા ભારતીય મૂળનાં હતાં એટલે તેઓ વંશીય વિવિધતાનું સૌથી સારું ઉદાહરણ બની જાય છે.
ઍન્થની ઝર્ચરનું કહેવું છે કે અમેરિકાના રાજકારણમાં સત્તા પર બેસેલા નંબર બે એટલે કે ઉપરાષ્ટ્રપતિની ભૂમિકા વિપક્ષ સાથે બાખડવાની છે. યુએસ સૅનેટમાં પોતાનાં કાર્યકાળ દરમિયાન કમલા હેરિસ એક દૃઢનિશ્ચયી, આક્રમક અને કડકાઈથી પ્રશ્ન પૂછનાર નેતા તરીકે ઓળખાતાં હતાં.

ભારતીયો માટે મોટી વાત
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
યુએસ ડેમૉટિક પાર્ટીના કાર્યકર શેખર નરસિમ્હન કહે છે કે " તેમનું જીતવું ભારતીય અમેરિકન સમુદાય માટે "ધરતીકંપ" લાવે તેવી ઘટના છે.
તેઓ કહે છે કે કમલા મહિલા છે, ભારતીય અને આફ્રિકન મૂળનાં છે, તેઓ અનેક સમુદાયોને આકર્ષિત કરે છે અને તેઓ ખૂબ હોશિયાર છે. "
તેઓ ઉમેરે છે, "ભારતીય મૂળના અમેરિકન લોકોએ તેમનાં પર કેમ ગર્વ કરવો જોઈએ? કારણ કે આ સંકેત છે કે આપણો સમય આવી ગયો છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












