વ્લાદિમીર પુતિન શું બેલારુસને રશિયામાં ભેળવી દેશે?

ઇમેજ સ્રોત, Getty Images
બેલારુસની રાજધાની મિન્સ્કમાં 20 ડિસેમ્બરે એકઠી થયેલી ભીડ 'સામ્રાજ્યવાદી રશિયામાં ભળવા માગતા નથી' એવા સૂત્રોચ્ચાર કરી રહી હતી.
બેલારુસ અને રશિયા વચ્ચે સમજૂતી થવાની શક્યતાના પગલે આ વિરોધ થઈ રહ્યો હતો. બંને દેશો વચ્ચે ગાઢ આર્થિક સંબંધો માટેની વાતચીત ચાલી રહી છે.
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને બેલારુસના પ્રમુખ ઍલેક્ઝાન્ડર લુકાશેન્કો વચ્ચે પીટર્સબર્ગમાં મુલાકાત થઈ હતી. 15 દિવસમાં બંને વચ્ચેની આ બીજી મુલાકાત હતી.
પુતિને બેઠક પછી કહ્યું હતું કે બંને નેતાઓ વચ્ચે સહમતી વધી રહી છે. જોકે રશિયાના નાણામંત્રી મૅક્સિમ ઓરેશ્કિને મુલાકાત અંગે કહ્યું હતું કે ક્રૂડ અને ગૅસના મામલે હજી સહમતી થઈ નથી.
વિરોધ કરનારાને શંકા છે કે બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો ગાઢ થઈ રહ્યા છે તેના કારણે સોવિયેત સંઘમાંથી છુટ્ટા પડ્યા પછી જે સ્વતંત્રતા મળી છે તે ઓછી થઈ જશે.
દેખાવકારોના હાથમાં રહેલા પાટિયામાં લખાયેલું હતું કે - 'પહેલા ક્રિમિયા અને હવે બેલારુસ. કબજો છોડો.'
બંને દેશો વચ્ચે ગઠબંધનના વિરોધમાં બેલારુસમાં પ્રદર્શનો હજીય ચાલી રહ્યાં છે.


પુતિનની યોજના શી છે?

ઇમેજ સ્રોત, Getty Images
2014માં ક્રિમિયાને રશિયામાં ભેળવી દેવાયું હતું અને પૂર્વ યુક્રેનમાં વિભાજનવાદીઓના સમર્થનને કારણે બેલારુસમાં પુતિન માટે શંકા ઊભી થઈ છે. પુતિન છેલ્લા બે દાયકાથી રશિયામાં સત્તાસ્થાને છે અને હજી 2024 સુધી રહેવાના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુદત પછીય સત્તા પર ટકી રહેવા માટે પુતિને વડા પ્રધાન સહિત સમગ્ર પ્રધાનમંડળનાં રાજીનામાં લઈ લીધાં હતાં. તેના કારણે બેલારુસમાં પુતિનના ઈરાદા સામે શંકા ઊભી થઈ છે.
ગત 8 ડિસેમ્બરે બંને નેતાઓએ 'યુનિયન સ્ટેટ ઑફ રશિયા એન્ડ બેલારુસ'ની 20મી જયંતી મનાવી હતી. 8 ડિસેમ્બર, 1999માં આ સંધિ થઈ હતી.
'યુનિયન સ્ટેટ ઑફ રશિયા એન્ડ બેલારુસ' કરાર પ્રમાણે બેલારુસને રશિયામાં ભેળવી દેવાની વાત હતી, પણ તે વાત કાગળ પર જ રહી છે.
ફરી એક વાર બંને દેશો વચ્ચે વાતચીત શરૂ થઈ તેથી બેલારુસની જનતામાં ડર પેઠો છે.
યુનિયન સ્ટેટ ઑફ રશિયા અને બેલારુસને સુપરનેશનલ ઍન્ટીટી કહેવામાં આવે છે. એટલે કે બંને દેશો વચ્ચે રાજકીય, આર્થિક અને સામાજિક સહયોગ વધશે.
અમેરિકા બ્રૉડકાસ્ટિંગ ઑફ ગવર્નર્સ સાથે કામ કરતાં બેલારુસના પત્રકાર ફ્રાનક વિકોર્કા 20 ડિસેમ્બરે યોજાયેલા દેખાવોમાં હાજર રહ્યા હતા.
તેઓ કહે છે, "અભૂતપૂર્વ પ્રદર્શન થયું હતું. વર્ષોમાં આવા દેખાવો મેં જોયાં નથી. 2011માં થયા હતા તેવા આ દેખાવો ગણી શકાય."

બેલારુસમાં પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images
2011માં હજારો દેખાવકારો બેલારુસમાં રસ્તા પર ઊતરી આવ્યા હતા. પ્રમુખ ઍલેક્ઝાન્ડર લુકાશેન્કોના રાજીનામાની માગણી સાથે બે મહિના સુધી દેખાવો ચાલ્યા હતા.
લુકાશેન્કો 1994થી બેલારુસમાં સત્તામાં છે. યુરોપમાં બેલારુસને છેલ્લા તાનાશાહી શાસન તરીકે જ જોવામાં આવે છે.
અમેરિકાના સંરક્ષણમંત્રાલયમાં કામ કરતાં બેલારુસના અન્ય એક પત્રકારનું કહેવું છે કે, ''સૌથી રસપ્રદ વાત એ હતી કે ડિસેમ્બરમાં થયેલા દેખાવો સામે કોઈ આકરાં પગલાં લેવાયાં નહોતાં."
"પ્રમુખ લુકાશેન્કો આ પ્રદર્શનને સમર્થન આપી રહ્યા હોય તો તેનાથી કદાચ પ્રમુખ પુતિનને સંદેશ દેવાની કોશિશ થઈ રહી છે કે બેલારુસ રશિયાના કબજામાં આવશે નહીં."
અન્ય પણ ઘણી બાબતોને કારણે પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે પુતિન બેલારુસને રશિયામાં ભેળવી દેવા માગે છે.
ગયા અઠવાડિયે જ નોબલવિજેતા સ્વેતલાના ઍલેક્સવિચે બેલારુસને રશિયામાં ભેળવી દેવાની યોજનાની ટીકા કરી હતી.
બીબીસી મુન્ડો સાથે વાતચીતમાં એક પત્રકાર અને લેખકે કહ્યું કે મિન્સ્કમાં બેલારુસ અને રશિયાના જોડાણની બહુ વાતો ચાલી રહી છે. એવું કહેવાય છે કે તેના કારણે પુતિનને 2024 પછી પણ સત્તા પર ટકી રહેવામાં મદદ મળે તેમ છે.
રશિયાના બંધારણ પ્રમાણે એક વ્યક્તિ બે મુદતથી વધુ સમય પ્રમુખપદે રહી શકે નહીં.
વિકોર્કાનું કહેવું છે કે પુતિનનો એક ઇરાદો આ ખરો, પણ તે એકમાત્ર હેતુ નથી.

ક્રિમિયાને પુતિને ભેળવી દીધું હતું

ઇમેજ સ્રોત, Getty Images
વિકોર્કા કહે છે, "પુતિન ઇચ્છે છે કે બેલારુસ બીજું ક્રિમિયા બની જાય. તેઓ કોઈ મોટી કટોકટી ઊભી થાય તેમ ઇચ્છે છે, જેથી તેમની લોકપ્રિયતા વધે. આવું જ અગાઉ કૉકકસ, ચેચેન્યા અને યુક્રેનમાં થઈ ચૂક્યું છે."
"પ્રમુખને લાગે છે કે બેલારુસ રશિયાની સાથે જ હોવું જોઈએ. એ વાત સાચી કે બેલારુસ રશિયાથી બહુ અલગ નથી. પરંતુ બે દાયકા પહેલાં હતી તેવી સ્થિતિ હવે નથી, તે વાત વિરોધપ્રદર્શનોથી પણ સાબિત થાય છે."
હાલમાં થયેલા સર્વેમાં ઘણી બાબતો સ્પષ્ટ થઈ છે. ઍનેલિટિકલ વર્કશૉપ ઑફ બેલારુસે હાલમાં જ એક સર્વે કરાવ્યો હતો.
ઑગસ્ટ 2019માં પ્રગટ થયેલા સર્વે અનુસાર 75.6 ટકા લોકો રશિયા સાથે મિત્રતા, ખુલ્લી સરહદ, વિઝા અને કસ્ટમ વિના આવનજાવન માટે સહમત થયા હતા.
15.6 ટકા લોકોએ સાર્વભૌમ દેશ રહેવાની વાત કરી હતી, જેમાં રશિયાની કોઈ દખલગીરી હોવી જોઈએ નહીં.

ઇમેજ સ્રોત, Getty Images
19 ડિસેમ્બરે મૉસ્કોમાં એક પત્રકારપરિષદમાં પુતિને કહ્યું હતું કે, "બેલારુસ અને યુક્રેનના લોકો રશિયનો જ છે. ભાષા, કૂળ, ઇતિહાસ અને ધર્મમાં કોઈ ફરક નથી. તેથી હું ખુશ છું કે બેલારુસ અને રશિયા નજીક આવી રહ્યા છે."
બીબીસી રશિયને વિતાલી શેવચેન્કોએ કહ્યું હતું કે પ્રમુખ પુતિન વિદેશનીતિને રાજકીય રીતે ચલાવે છે, જેથી પોતાનું મહત્ત્વ જળવાઈ રહે.
વિતાલી કહે છે, "તેઓ પોતાને સોવિયેત સંઘના વારસદાર સમજે છે. તેમને લાગે છે કે સોવિયેત સંઘ વીખેરાઈ ગયું તે ખોટું થયું હતું. તેમનું મિશન ફરીથી તેને ઊભું કરવાનું છે."
આ વિશે રશિયાના લોકો શું માને છે તે વિશે એક પત્રકાર કહે છે, "એ વાત સાચી કે અમારે ત્યાં પણ રસ્તાઓ સારા નથી. પેન્શન, રોજગારી અને દવાની પણ મુશ્કેલી છે. પણ રશિયાનું માન છે."
"પુતિન બોલે છે ત્યારે લોકો તેમને સાંભળે છે. રશિયાએ ફરીથી શક્તિશાળી બનીને અગાઉ જેવું સ્થાન મેળવવું જોઈએ. પુતિન યુક્રેન, જ્યૉર્જિયા, બેલારુસ કે અમેરિકામાં કોઈ દખલગીરી કરે ત્યારે રશિયાના લોકો તેને દેશના પ્રભાવ તરીકે જુએ છે."

પ્રમુખ ઍલેક્ઝાન્ડર લુકાશેન્કોની ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images
પ્રમુખ ઍલેક્ઝાન્ડર લુકાશેન્કોનો રશિયા સાથે જોડાણ કરવાનો અભિપ્રાય વારંવાર બદલાતો રહે છે.
સોચીમાં પુતિન સાથે મુલાકાત પહેલાં તેમણે કહ્યું હતું કે બેલારુસ બીજા કોઈ દેશનો, સિસ્ટર રશિયાનો પણ હિસ્સો બનવા માગતું નથી.
જોકે પ્રમુખ લુકાશેન્કો 1990ના દાયકામાં બંને દેશોના એકીકરણ માટે સમર્થન આપતા હતા.
વિકોર્કાનું માનવું છે કે બેલારુસના પ્રમુખ જોડાણ પછી સત્તા ઇચ્છે છે.
તેઓ કહે છે, "1990ના દાયકામાં બોરિસ યેલ્તસિન યુનિયન બનાવવા માટે સમહત થયા ત્યારે લુકાશેન્કોને આશા હતી કે પોતાને યુનિયનના પ્રમુખ બનાવાશે. પરંતુ 20 વર્ષમાં તેમને સમજાઈ ગયું છે કે એવું થવું શક્ય નથી."
"તેમની ઉંમર પણ બહુ થઈ ગઈ છે અને એટલી લોકપ્રિયતા પણ રહી નથી. તેઓ બીજું કોઈ જોખમ લેવાને બદલે બેલારુસના પ્રમુખ તરીકે ટકી જવા માગે છે."
સ્લોવેકિસયાના એનજીઓ ગ્લોબસેકના વિદેશનીતિના વિશ્લેષક અલિઝા મુઝર્ગસ વિકોર્કાની વાત સાથે સંપૂર્ણ સહમત થાય છે.
તેઓ કહે છે, "બેલારુસ ઘણી બધી બાબતોમાં રશિયા પર નિર્ભર છે. ખાસ કરીને ઊર્જાની બાબતમાં. થોડાં વર્ષો પહેલાં વિલય થઈ જશે તેમ લાગતું હતું અને બંને પ્રમુખોની ઘણી મુલાકાતો પણ થઈ હતી."

ઇમેજ સ્રોત, Getty Images
બેલારુસ આર્થિક અને ઊર્જાની બાબતમાં સંપૂર્ણપણે રશિયા પર નિર્ભર છે.
બેલારુસને સૌથી વધુ ધિરાણ રશિયા આપે છે અને રશિયા તે નિર્ભરતાનો ફાયદો ઉઠાવે છે.
ગયા ડિસેમ્બરમાં જ પુતિને ચેતવણી આપતા કહ્યું હતું કે, "યુનિયમાં જોડાય નહીં તો બેલારુસને સસ્તા દરે ગૅસ આપવાનો કોઈ અર્થ નથી. અમે લાંબો સમય બેલારુસને સબસિડી આપવાની ભૂલ કરી શકીએ નહીં, કેમ કે હજી યુનિયનમાં જોડાવાનું બાકી છે."
અલિસા મુઝર્ગસ કહે છે, "બેલારુસ રશિયાનો જ હિસ્સો છે, તે વાત પુતિને ક્યારેય છોડી નથી."
બીજી બાજુ બેલારુસના નેતાઓએ રશિયાને અટકાવી રાખવાની કોશિશ કરી છે. બેલારુસે એટલે જ ચીન અને પશ્ચિમ સાથે સંબંધો વધાર્યા છે.
બેલારુસના વિદેશમંત્રાલયના જણાવ્યા અનુસાર 16 ડિસેમ્બરે ચીન પાસેથી 50 કરોડ ડૉલરની લોન લેવામાં આવી હતી.
સાથે જ નાટોના દેશો સાથે સંબંધો સારા કરવાના પ્રયાસો બેલારુસે કર્યા છે.
અમેરિકન રાજદ્વારીઓ સામેનો પ્રતિબંધ પણ હઠાવાયો છે. ઘણા લોકો આ પગલાંઓને રશિયા પરની નિર્ભરતા ઓછી કરવાના બેલારુસના પ્રયાસો તરીકે જુએ છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













