ગુજરાતમાં ઑનર કિલિંગ : પ્રેમસંબંધો જ્ઞાતિ-ધર્મના ઝઘડામાં કેમ ફસાઈ જાય છે?

- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી સંવાદદાતા
હાલમાં જ રાજકોટમાં એક પિતાએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવાનો આગ્રહ કરનારાં પોતાનાં 20 વર્ષીય પુત્રીનું માથા પર લાકડાના ધોકાના ફટકા મારી કરૂણ મોત નિપજાવ્યાની ઘટના સામે આવી હતી.
હવે અમદાવાદમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે.
જુદાં-જુદાં સ્થાનિક અખબારોના અહેવાલોને આધારે અમદાવાદમાં બનેલી ઑનર કિલિંગની ઘટનામાં બે સગા ભાઈઓએ રક્ષાબંધનના દિવસે બહેન પાસેથી રાખડી બંધાવ્યા બાદ, બહેન પર છરી વડે હુમલો કરી તેની હત્યા કરી નાખી.
અહેવાલો અનુસાર બંને ભાઈઓ બહેને અન્ય ધર્મમાં લગ્ન કર્યાંની વાતથી દુ:ખી હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ સાથે જ ગુજરાત હાઈકોર્ટે અલગ-અલગ ધર્મના યુવક-યુવતીનાં લગ્નની કાયદાકીય કાર્યવાહી જલદી નિપટાવવા માટે સ્થાનિક તંત્રને આદેશ કર્યા હોવાના સમાચારો પણ સામે આવી રહ્યા છે.
આ તમામ ઘટનાઓ હાલ રાજ્યમાં અન્ય ધર્મમાં લગ્નની વાતને લઈને સમાજની માનસિકતા પ્રતિબિંબિત કરતી હોવાનું નિષ્ણાતો માને છે.
વધુમાં તેઓ ધર્મપ્રેરિત વાતાવરણને કારણે સર્જાયેલી પરિસ્થિતિઓ આ પ્રકારની ઘટનાઓ માટે ક્યાંક ને ક્યાંક કારણભૂત હોવાનું માને છે.
આ ઘટનાઓ વિશ વધુ માહિતી મેળવવા અને ગુજરાતમાં આંતરધર્મ લગ્નો કરવામાં કેમ મુશ્કેલીઓ પડે છે, એ મુદ્દે વધુ સ્પષ્ટતા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક નિષ્ણાતો અને અધિકારીઓ સાથે વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ક્યાંક પિતા, ક્યાંક ભાઈ તો ક્યાંક આખું પરિવાર બન્યો દુશ્મન
થોડા દિવસો પહેલાં રાજકોટ પોલીસે પિતા દ્વારા પુત્રીની હત્યા અંગે નોંધેલી FIRમાં દર્શાવેલી વિગતો અનુસાર, 'મૃતક ઉલા નકુમ અને તેમના પાડોશમાં રહેતા મુસ્લિમ યુવક ફરદીન સિપાઈને એકબીજા સાથે પ્રેમસંબંધ હતો.'
'ઇલા વારંવાર પોતાના પિતા પાસે ફરદીન સાથે પોતાનાં લગ્ન કરાવી આપવા માટે જીદ કરતાં હતાં. પિતા અને પરિવારની ઘણી સમજાવટ બાદ પણ તેઓ પોતાના નિર્ણય પર અડગ રહ્યાં હતાં.'
FIRમાં નોંધાયેલ અન્ય વિગતો અનુસાર, '23 જુલાઈના રોજ ઇલા પોતાના પિતાનું ઘર છોડીને ફરદીન સિપાઈના ઘરે જતાં રહ્યાં હતાં, પરંતુ સમાજના આગેવાનોની સમજાવટને કારણે થોડા દિવસ બાદ તેઓ પિતાના ઘરે પાછી ફર્યાં. થોડા દિવસ બધું શાંત રહ્યા બાદ ફરીથી ઘરમાં બોલાચાલી શરૂ થઈ ગઈ હતી.'
એ બાદ સર્જાયેલ ઘટનાક્રમ અંગે FIRમાં નોંધાયેલી વિગતો અનુસાર, 'ગુરૂવારે વહેલી સવારે ઇલાએ જ્યાં સુધી તેમનાં લગ્ન ફરદીન સાથે ન કરાવી આપે ત્યાં સુધી પાણી પણ ન પીવાની જીદ પકડી.'
'આ બોલાચાલી દરમિયાન પિતાને અતિશય ગુસ્સો આવતાં તેમણે ઘરમાંથી લાકડાનો ધોકો લાવી ઇલાના માથાના ભાગે ત્રણ-ચાર ફટકા મારતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ઘરમાં પડી ગયાં હતાં. ત્યાર બાદ પાડોશીઓ દ્વારા મેડિકલ હેલ્પલાઇન 108 પર ફોન કરાતાં તેમને સારવારાર્થે રાજકોટ સિવિલ લઈ જવાયાં, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.'

શું કહે છે પોલીસ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
પિતા દ્વારા પુત્રીની હત્યાની આ ઘટના અંગે વાત કરતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસઇન્સ્પેક્ટર ખુમાણસિંહ વાળા જણાવે છે, "ઇલા અને ફરદીન સિપાઈ એકસાથે સ્કૂલમાં હતાં. ઇલા હાલ સેકન્ડ યર બી.એ.માં અભ્યાસ કરી રહ્યાં હતાં."
"પિતાને વારંવાર પોતાનાં લગ્ન ફરદીન સાથે કરાવી આપવા બાબતે ઇલા જીદ કરતાં હતાં, જેથી બંને વચ્ચે ગુરૂવારે સવારે ઉગ્ર બોલાચાલી થઈ અને એ બાદ પિતા ગોપાલ નકુમે ઇલાના માથે ધોકાના ઘા કરતાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું."
"ઘટના બાદ આરોપી ગોપાલ નકુમ જાતે જ પોલીસસ્ટેશનમાં હાજર થઈ ગયા હતા. અમે તેમનું કોરોના વાઇરસ માટે પરીક્ષણ કરાવ્યું છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ તેમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાશે."
નોંઘનીય છે કે થોડા દિવસ પહેલાં જ ગોપાલ નકુમનાં પત્ની સવિતા નકુમનું હૃદયરોગના હુમલાના કારણે મોત નીપજ્યું હતું.
કેટલાક સ્થાનિક અખબારોએ દાવો કર્યો છે કે ઇલા સાથે અવારનવાર આ મુદ્દે ઉગ્ર બોલાચાલી થતી હોવાને કારણે પોતાનાં પત્નીએ જીવ ગુમાવ્યો હોવાનું ગોપાલ નકુમ માનતા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, સ્થાનિક પોલીસ દ્વારા આ વાતની પુષ્ટિ કરાઈ નથી.
અમદાવાદમાં સગા ભાઈઓ દ્વારા બહેનની હત્યા મામલે સ્થાનિક અખબારોમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલો અનુસાર, 'બંને સગા ભાઈઓએ રક્ષાબંધનના દિવસે રાખડી બંધાવ્યા બાદ પોતાનાં બહેનનું છરીના ઘા ઝીંકી મૃત્યુ નિપજાવ્યું હતું.'
'બહેને હિંદુ વ્યક્તિ સાથે લગ્ન કર્યાંની વાતથી બંને ભાઈ પોતાની ઇજ્જત ઘટી હોવાનું માનતા હતા.'
'બહેને અન્ય ધર્મમાં લગ્ન કર્યા હોવાને કારણે જ મોટા ભાઈની પત્નીએ તેને તલાક આપ્યા હોવાનું બંને ભાઈઓ માનતા હતા, તેમજ આ કારણે નાના ભાઈનાં લગ્ન થવામાં પણ મુશ્કેલી પડશે તેવું પણ માનતા હતા.'
જે કારણે બંનેએ પોતાનાં સગાં મોટાં બહેનની હત્યા કરી નાખી હતી.
અન્ય ધર્મની વ્યક્તિ સાથે પ્રેમસંબંધ અને વિવાહના આવા જ ત્રીજા મામલામાં ગુજરાત હાઈકોર્ટ દખલગીરી કરવી પડી છે.
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર, "જુદા-જુદા ધર્મનાં યુવક-યુવતીને એકબીજા સાથે લગ્ન કરવા માટે પડી રહેલી મુશ્કેલીઓ અંગે કોર્ટની દરમિયાનગીરી માટેની અરજી અંગે હુકમ કરતાં હાઈકોર્ટે આ યુવક-યુવતીનાં લગ્નની કાનૂની કાર્યવાહી જલદી નિપટાવવા માટે સ્થાનિક તંત્રને સૂચના આપી છે."
નોંધનીય છે કે, આ ઘટનામાં યુવક-યુવતીએ બબ્બે વખત એકબીજા સાથે લગ્ન કરવા માટે રજિસ્ટ્રારની ઑફિસમાં અરજી કરી હતી, પરંતુ તેમનાં લગ્ન શાંતિપૂર્વક થઈ શક્યાં નહોતાં.
જે પૈકી એક વખત યુવતીના પરિવારજનો દ્વારા બંનેને જુદાં પાડી દેવાયાં હતાં. જ્યારે બીજી વખત સ્થાનિક પોલીસે યુવતીને મહિલા સંરક્ષણગૃહમાં મોકલી આપ્યાં હતાં.

'સંતાનોનો પ્રેમ બની જાય છે પ્રતિષ્ઠાનો સવાલ'

ઇમેજ સ્રોત, Pneet Barnala/BBC
સમાજમાં સાંપ્રદાયિક સૌહાર્દની જાળવણી માટે કામ કરતી સંસ્થા 'અનહદ'ના ટ્રસ્ટી દેવ દેસાઈ આંતરધર્મીય કે આંતરજ્ઞાતીય લગ્ન કરવા ઇચ્છુક યુવક-યુવતીઓની મદદ કરે છે.
તેઓ આ મુદ્દે વાત કરતાં જણાવે છે, "ગુજરાતમાં કોમવાદનો મુદ્દો ઘણો વ્યાપક બની ગયો છે, જે કારણે અન્ય ધર્મમાં લગ્ન કરવા માગતા લોકોને ઘણા અવરોધોનો સામનો કરવો પડે છે."
આગળ આ મુદ્દે વાત કરતાં તેઓ જણાવે છે, "ગુજરાતમાં નાનપણથી બાળકોને પોતાની જ જ્ઞાતિ, સમાજ કે ધર્મના લોકો સાથે રાખવામાં આવે છે. જે કારણે સમાજ અને ધર્મો વચ્ચે પડેલી આ ફાટ વધુ વિસ્તરતી જાય છે."
"પોતાના જ સમાજ સુધી મર્યાદિત રાખીને બાળકોનો ઉછેર કરવાની આ રીતને કારણે બાળકોનાં મનમાં પોતાના સમાજ કે ધર્મ માટે એક ગર્વની લાગણી જન્મે છે અને અન્ય જ્ઞાતિ કે ધર્મ પ્રત્યે તેમનાં મનમાં તિરસ્કાર ભરાઈ જાય છે."
"જે એટલી હદ સુધી વધી જાય છે કે તેના માટે આગળ જઈને આવાં લોકો મરવા-મારવા પણ તૈયાર થઈ જતા હોય છે."
દેસાઈ જણાવે છે, "જેમની સાથે ક્યારેય રહ્યા ન હોય એવા સમાજમાં પોતાનો દીકરો કે દીકરી લગ્ન કરે એ વાત ઘણાં માતાપિતા નથી પચાવી શકતાં, ઘણા માટે તો તે પ્રતિષ્ઠાનો સવાલ બની જાય છે."
"જે કારણે આંતરધર્મીય લગ્નોમાં તકલીફ પડે છે. જોકે, આ માતાપિતાનો આ વિરોધ હિંદુ અને મુસ્લિમ ધર્મના યુવક-યુવતીઓ દ્વારા કરાતાં લગ્ન તરફ વધુ હોય છે. જ્યારે અન્ય ધર્મોમાં આ વિરોધનું પ્રમાણ થોડું ઓછું હોય છે."

ગુજરાતમાં આંતરધર્મ લગ્નોમાં આ કારણે પડે છે મુશ્કેલી?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં આંતરધર્મ લગ્નો બાબતે પડતી મુશ્કેલીઓ અંગેનાં કારણો વિશે વાત કરતાં સમાજશાસ્ત્રી ડૉ. ગૌરાંગ જાની જણાવે છે, "જો ગુજરાતનો પાછલાં 40 વર્ષનો ઇતિહાસ જોવામાં આવે તો આપણે ત્યાં આ સમય દરમિયાન લઘુમતિવિરોધી અને મુસ્લિમવિરોધી માનસ તૈયાર થયું છે."
"ગુજરાતના સમાજમાં મુસ્લિમોને પ્રભાવહીન બનાવવા માટે 'લવ-જેહાદ' જેવી વાતોને આપણે ત્યાં ખૂબ જ મહત્ત્વ અપાયું, જેથી મુસ્લિમો અને લઘુમતીઓ પ્રત્યે પહેલાંથી સમાજમાં પ્રવર્તી રહેલી ખોટી ધારણાઓ વધુ મજબૂત બને."
"આ માનસિકતા વધુ પ્રબળ બની જેના કારણે આવા અલગ-અલગ ધર્મોના લોકોનાં ન માત્ર પાડોશ અને શાળાઓ બદલાયાં, પરંતુ આ વ્યવસ્થાના કારણે ગુજરાતમાં આંતરધર્મ લગ્નો ખૂબ જ મુશ્કેલ બની ગયાં. હાલમાં રાજકોટ ખાતે બનેલી ઘટના પણ સમાજમાં પડેલી આ પ્રકારની ફાટ અને ભયને પ્રતિબિંબિત કરે છે."
તેઓ કહે છે કે, "સર્વ ધર્મ સમભાવના આદર્શ પર જે રાજકારણનો પાયો નખાયેલો હોવો જોઈએ, હાલ તેનાથી સાવ વિપરીતપણે આપણે ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ."
"જેના કારણે લઘુમતી સમાજના લોકોને બીજા ક્રમના નાગરિક તરીકેનો અનુભવ થવા લાગ્યો છે. જેના કારણે સમાજમાં ભેદભાવના વાતાવરણનું સર્જન થયું છે."
"આ કારણે માતાપિતા પણ ધર્મને નામે પોતાનાં સંતાનોને મારવાનું કૃત્ય કરવા લાગ્યાં છે. આ સિવાય ઘણાં માતાપિતાનાં મનમાં પોતાનાં સંતાનો જો અન્ય ધર્મમાં લગ્ન કરશે તો પોતાનો સામાજિક બહિષ્કાર થશે તેવી બીક પણ ઘર કરી ગઈ હોય છે, જે કારણે પણ આવા પ્રકારના બનાવો બને તે શક્ય છે."
આ વાત સાથે સંમત થતાં દેવ દેસાઈ જણાવે છે, "હાલમાં સમાજના જુદા-જુદા વર્ગો વચ્ચે રચાયેલી આ ભેદરેખા એક દિવસમાં નથી ખેંચાઈ."
"એટલું તો જરૂર છે મંદિર-મસ્જિદ કે લવ-જેહાદ કે ખોરાકના વિવાદો જેવી હિંદુ-મુસ્લિમ અને અન્ય સમાજો સાથે સંઘર્ષ વધારતી ઘટનાઓને કારણે આ ભારતીય સમાજોમાં એકબીજા માટે રહેલી આ ભેદભાવની ભાવના વધુ ને વધુ પ્રબળ બનતી ગઈ છે."

પિતૃસત્તાક માનસિકતા બની હિંસાનું કારણ?

સાંપ્રદાયિક સૌહાર્દની જાળવણી અને સમાજની અપ્રભાવી જ્ઞાતિઓના ઉત્કર્ષ માટે કામ કરતી સંસ્થા 'બુનિયાદ' સાથે સમાજસેવી હોજેફા ઉજ્જૈની કામ કરે છે.
રાજકોટમાં બનેલી આ ઘટનાનાં કારણો અંગે વાત કરતાં તેઓ જણાવે છે, "ગુજરાતમાં સમય સાથે સામાન્ય પ્રજાના મનમાં સામાજિક ભેદભાવની આ ભાવના ઘટવાને બદલે વધુ ને વધુ પ્રબળ બનતી ગઈ છે અને આવું માત્ર કોઈ એક જ સમાજમાં નથી બન્યું, આ ફેરફાર વ્યાપક અને સાર્વત્રિકપણે થયો છે."
"હાલમાં રાજકોટમાં બનેલી ઘટના માટે લોકોમાં વધતી જતી કોમવાદની માનસિકતા, નફરતના રાજકારણ સિવાય પિતૃસત્તાક માનસિકતાનો મોટો ફાળો છે."
"આપણે ત્યાં દરેક સમાજ પોતાની દીકરીને પોતાની જવાબદારી માને છે અને તેની રક્ષા પોતાનો ધર્મ હોવાનું માને છે, દીકરીને ઘર અને સમાજની લાજ ગણવામાં આવે છે, જે કારણે માતાપિતા આવું પગલું ભરતાં પણ ખચકાતાં નથી."
આ વાત સાથે દેવ દેસાઈ પણ સંમત થાય છે અને જણાવે છે, "આપણે ત્યાં જ્યારે કોઈ છોકરો પોતાની મરજીથી આંતરધર્મ લગ્ન કરવા માગતો હોય ત્યારે તેને એટલી મુશ્કેલી પડતી નથી."
"પરંતુ જ્યારે છોકરી આવું પગલું ભરે તો તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ પ્રકારનું વલણ એ આપણા સમાજની પિતૃસત્તાક માનસિકતાનું જ એક ઉદાહરણ છે."
"આ પ્રકારના વલણનું મૂળભૂત કારણ એ છે કે આપણે ત્યાં લગભગ દરેક સમાજના લોકો સ્ત્રીને પોતાનું ધન અને ઇજ્જત માને છે."

હિંદુ-મુસ્લિમનાં લગ્ન કેમ સરળ નથી રહ્યાં?

ઇમેજ સ્રોત, AFP
આંતરધર્મ લગ્ન કરવા ઇચ્છતા યુવક-યુવતીઓની સહાય કરવાનું કામ વકીલ શમશાદ પઠાણ કરી રહ્યા છે.
આંતરધર્મ લગ્ન માટેના અવરોધો અંગે વાત કરતાં તેઓ જણાવે છે, "લગ્ન એ ખૂબ જ વ્યક્તિગત બાબત હોવા છતાં ગુજરાતમાં અન્ય વસ્તુઓની જેમ લગ્નને પણ ધર્મ સાથે જોડી દેવાતાં આ મુશ્કેલી સર્જાઈ છે."
"આપણે ત્યાં ધાર્મિક વિધિ અનુસાર કરાયેલ અને ખાસ લગ્ન એટલે સ્પેશિયલ મૅરેજને કાયદેસરનાં લગ્ન તરીકે માન્યતા મળી છે. જ્યારે બે જુદા-જુદા ધર્મની વ્યક્તિ દ્વારા એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લેવામાં આવે છે, ત્યારે તેઓ સ્પેશિયલ મૅરેજ ઍક્ટ હેઠળ લગ્ન કરવા માટે અરજી કરી શકે છે."
શમશાદ પઠાણ જણાવે છે કે, "સ્પેશિયલ મૅરેજ ઍક્ટ અંતર્ગત લગ્ન કરવા માગતાં યુવક-યુવતી જ્યારે લગ્ન માટે રજિસ્ટ્રેશન કરાવે છે ત્યારે તેમને એક મહિનાનો સમય આપવામાં આવે છે."
"30 દિવસ બાદ તેમનું મૅરેજ રજિસ્ટ્રેશન ફાઇનલ કરી દેવાય છે. પરંતુ આ સમય દરમિયાન આંતરધર્મ લગ્નો કરનાર યુવક-યુવતીઓની માહિતી સરકારી વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા જે તે કટ્ટર ધાર્મિક જૂથોને આપી દેવામાં આવે છે."
"આ સિવાય ઘણી વખત રજિસ્ટ્રારની ઑફિસે જઈને પણ આવાં જૂથો દ્વારા ત્યાં મુકાતી તમામ નોટિસો પર નજર રાખવામાં આવે છે."

આંતરધર્મ લગ્નમાં પડતી મુશ્કેલીઓ વિશે વાત કરતાં તેઓ આગળ જણાવે છે કે, "જ્યારે પણ આવાં જૂથોના ધ્યાનમાં આંતરધર્મીય કે આંતરજ્ઞાતીય લગ્ન માટેની નોટિસ આવે છે, ત્યારે આ લોકો દ્વારા યુવક કે યુવતીના ઘરે જઈને તેમને પોતાના ધર્મથી બહાર અન્ય ધર્મમાં લગ્ન ન કરવા માટે દબાણ કરવામાં આવે છે. ઘણી વાર તો આવી પરેશાનીને કારણે આવાં યુવક-યુવતીઓ લગ્ન કરવાનું જ માંડી વાળે છે."
વધુ એક અવરોધ વિશે વાત કરતાં તેઓ જણાવે છે, "પહેલાં અલગ-અલગ ધર્મનાં યુવક-યુવતી પૈકી કોઈ પણ એક પોતાનો ધર્મ બદલવા માટેનું સોગંદનામું રજિસ્ટ્રાર સમક્ષ મૂકી અને ધાર્મિક વિધિ અનુસાર લગ્ન કરી ગુજરાત રજિસ્ટ્રેશન ઑફ મૅરેજ ઍક્ટ અંતર્ગત પોતાનાં લગ્ન તાત્કાલિક રજિસ્ટર કરાવી શકતાં હતાં."
"જોકે ગુજરાત ફ્રીડમ ઑફ રિલિજિયન ઍક્ટ, 2003ની જોગવાઈને કારણે હવે તેમને 30 દિવસ સુધી રાહ જોવી જ પડે છે."
"ગુજરાત ફ્રીડમ ઑફ રિલિજિયન ઍક્ટ, 2003 મુજબ હવે ધર્મપરિવર્તન માટે કોઈ પણ નાગરિકે જિલ્લા કલેક્ટર પાસેથી પૂર્વ-પરવાનગી મેળવવી પડે છે. જેથી આંતરધર્મ લગ્નો કરતાં યુવક-યુવતીઓ માટે મુશ્કેલીઓ વધી છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













