શ્રેય હૉસ્પિટલમાં આગ : પોલીસે જેમની અટકાયત કરી એ ભરત મહંત કોણ છે?

ભરત મહંત

ઇમેજ સ્રોત, Vipul Thakrar

ઇમેજ કૅપ્શન, ભરત મહંત
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી

એક જમાનાના દિગ્ગજ રાજકારણી અને કબીરપંથના સાધુ વિજયદાસ મહંતના પુત્ર ભરત મહંત આમ તો મિકૅનિકોની વચ્ચે બેસતા અને રૂપિયાનું પરચુરણ કર્યા પછી જમીન દલાલી કરી બે પાંદડે થયા.જે પછી મેડિકલ ક્ષેત્રે હાથ અજમાવ્યો અને કરોડપતિ બની ગયા.

ભરત મહંત આમ તો આ નામ ગુજરાતના પોરબંદર, જૂનાગઢ અને અમરેલીમાં ઘણું જાણીતું છે. કારણકે એમના પિતા કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને કબીર પંથી હતા. 1980ના દશકમાં પોરબંદર પાસે સરમણ મુંજાની ગૅંગની મોટી ધાક હતી ત્યારે વિજયદાસ કબીરપંથી સંપ્રદાયના મહંત એટલે ગૅંગ કે બીજા કોઈ ચૂંટણીમાં કોઈ દખલ ન કરે એવું ગણિત.

એમની સાથે કામ કરી ચૂકેલા માધવસિંહ સોલંકી સરકારનાં શિક્ષણ પ્રધાન હસમુખ પટેલ જણાવે છે, "એ અમારા પ્રધાનમંડળમાં અગત્યનું સ્થાન ભોગવતા હતા. મેર સમાજમાં એમનું મોટું નામ હતું."

"પોરબંદરમાં વિજયદાસ મહંતનું નામ મોટું એટલે એમને ટિકિટ આપી અને એ જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા. એ વખતે એવું ગણિત રાજકીય પંડિતો માંડતા હતા કે મેર અને ખારવા જાતિના મત અંકે કરવા માટે એમને ટિકિટ આપવામાં આવી છે, પણ એવું નહતું. "

"તેઓ આરઝી હકૂમતના આગેવાન હતા. સાથે જ જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ અને અમારા મંત્રી હતા. ઉપરાંત ગોંડલ, લુણીવાવ અને અમરેલીના મોટા આંકડિયાના કબીરઆશ્રમના મહંત હતા. એટલે એમને ટિકિટ આપવી એ સોશિયલ ઍન્જિનીયરિંગનો એક ભાગ હતો. ત્યારબાદ એમનો દીકરો કૉંગ્રેસ સાથે જોડાયો પણ સક્રિય રાજકારણમાં નહોતો."

line
ભરત મહંત

ઇમેજ સ્રોત, Vipul Thakarar

પિતા વિજયદાસ મહંતના રાજકારણનો વારસો એમના દીકરાએ જાળવ્યો નહીં. 1990માં તેઓ નિવૃત થયા ત્યારે એમના પુત્ર ભરત મહંત અમદાવાદમાં મારુતિ કારના રીપેરિંગનું સર્વિસ સેન્ટર ખોલીને બેસી ગયા.

ભરત મહંતના સર્વિસ સેન્ટરમાં કામ કરનારા અને અત્યારે એક પ્રતિષ્ઠિત કંપનીમાં કામ કરી રહેલા પી.બી. વાઘેલાએ જણાવે છે, "એ સમયે એમના પિતાને કારણે ભરત મહંતનો દબદબો હતો. પણ એ મૂળ મહેફિલના માણસ. "

"સર્વિસ સેન્ટરમાં ધ્યાન આપે નહીં, એટલે કંપની સાથે વાંકુ પડ્યું. ઘણા ગ્રાહકોની ફરિયાદ ગઈ એટલે સર્વિસ સેન્ટર બંધ કરવું પડ્યું. પણ એમની રાજકીયવગને કારણે બીજી એક કંપનીનું સર્વિસ સન્ટર પણ એમને મળી ગયું."

"જોકે, એ મહેફિલોમાં રચ્યાપચ્યા રહેતા. એટલે મેં એમનું સર્વિસ સેન્ટર છોડી દીધું. અહીં પણ ગ્રાહકોની ફરિયાદ આવવાને કારણે સર્વિસ સેન્ટર બંધ કરવું પડ્યું હતું."

ગાંધીનગરમાં સૅક્ટર 8માં રહેતા ભરત મહંતે મિકૅનિકો સાથેનો નાતો તોડીને એ અરસામાં જમીનની લે-વેચના ધંધામાં હાથ અજમાવ્યો.

line
શ્રેય હૉસ્પિટલમાં આગ લાગ્યા બાદ આઈસીયુની સ્થિતિ

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

ઇમેજ કૅપ્શન, શ્રેય હૉસ્પિટલમાં આગ લાગ્યા બાદ આઈસીયુની સ્થિતિ

ગાંધીનગરના એમના મિત્રવર્તુળમાં રહી ચૂકેલા ડૉ.એમ.કે. જોશી જણાવે છે, "કુતિયાણા પાસેના અમીપુરમાં એમની ઘણી જમીન હતી અને આવક પણ સારી હતી. એટલે ગાંધીનગરના સર્કલમાં એ પાર્ટીઓ આપતો. "

"એમના નાના ભાઈ સરકારી કૉન્ટ્રેક્ટ લેતા હતા પણ પછી ભરત મહંતની બેઠક જમીન દલાલો સાથે થઈ અને જમીનની લે-વેચમાં પૈસા કમાયો. "

"અરસામાં એમના જમાઈ જે કિડની હૉસ્પિટલમાં કામ કરતા હતા એમની સાથે મળીને એમણે એક ડૉક્ટરને ભાગીદાર બનાવી અમદાવાદના નવરંગપુરામાં શ્રેય હૉસ્પિટલ અને નર્સિંગ કૉલેજ શરુ કરી. હું એમાં જોડાયો નહીં અને અમારો સંપર્ક ઓછો થયો."

શ્રેય હૉસ્પિટલની સાથે સાથે નર્સિંગ કૉલેજ શરુ કરનારા ભરત મહંત અત્યાર સુધીમાં કોઈ વિવાદમાં આવ્યા નહોતા.

જોકે, જુલાઈ 2015માં એમના ત્યાં કામ કરતાં મૂળ દેવભૂમિ દ્વારકાનાં નર્સે એમની સામે જાતીય શોષણનો કેસ કર્યો હતો.

યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કરાયેલા આ કેસમાં ભરત મહંતની ધરપકડ થવાની તૈયારી હતી અને અચાનક કોર્ટમાં જાતીય સતામણીની ફરિયાદ કરનાર છોકરીએ કેસ પાછો ખેંચ્યો.અને ભરત મહંત આખા મામલામાંથી સાંગોપાંગ બહાર આવી ગયા.

ત્યારથી એમનાં પત્ની નીતાબહેન મહંત શ્રેય હૉસ્પિટલના વહીવટમાં ધ્યાન આપે છે.

line
બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

શંકરસિંહ વાઘેલા કૉંગ્રેસ પ્રમુખ હતા ત્યારે 2002માં ભરત કુતિયાણાથી ચૂંટણી લડ્યા હતા.

શંકરસિંહ વાઘેલા આ અંગે જણાવે છે, "મારો ભરત મહંત સાથે ખાસ કોઈ પરિચય નથી. એના પિતા વિજયદાસજીનું મોટું નામ અને એટલે એના પિતાના નામ પર એ જીતી આવે એટલે મેં એને ટિકિટ આપી હતી પણ એ ચૂંટણી હારી ગયો."

"બાકી મારે એના પિતા સાથે સંબંધ હતો એવો કોઈ સંબંધ એની સાથે રહ્યો નથી. પાછળથી એણે ભાજપનો ખેસ પહેરી લીધો હતો."

આ અંગે કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા જણાવે છે, "હું વર્ષોથી કૉંગ્રેસમાં છું પણ એમનો કોઈ પરિચય નથી. હું કૉર્પોરેટર હતો ત્યારે એમની શ્રેય હૉસ્પિટલની વધારાની જમીન પર બનેલા બાંધકામને ઈમ્પૅક્ટ ફી ભરીને કાયદેસર કરવાની કાર્યવાહી ચાલતી હતી. એ બધું કાયદેસર થયા પછી એમણે 2019માં લોકસભાની ચૂંટણી પહેલાં જૂનાગઢમાં ભાજપ નો ખેસ પહેરી લીધો હતો."

આ અંગે અમે ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પરંતુ સંપર્ક થઈ શક્યો નહતો.

મિકૅનિકો સાથે અને પછી જમીન દલાલો સાથે રહેલા ભરત મહંત મહેફિલના માણસ એટલે એના દુશ્મનોની સંખ્યા ઓછી છે, પણ પોતાના જમાઈની મદદથી મેડિકલ લાઈનમાં આવી ગયેલા ભરત મહંત 2015ના જાતીય સતામણીના કેસની જેમ શ્રેય હૉસ્પિટલમાં આગ લાગવાની ઘટનાના કેસમાંથી સાંગોપાંગ બહાર નીકળે છે કે નહીં એ તો આવનારો સમય જ કહેશે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો