અમેરિકાની ચૂંટણીની આફ્રિકાના અંતરિયાળ ગામ સુધી કેવી અસર પડે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નોમ્સા માસેકો
- પદ, બીબીસી ન્યૂઝ, જોહાનિસબર્ગ
"ડોનાલ્ડ ટ્રમ્પને આફ્રિકાની જરાય પરવા નથી. અહીંનો પ્રવાસ તેમણે કર્યો નથી અને ફરીથી જીતશે તો પણ ખંડની મુલાકાત લે તે વિશે મને શંકા છે," એમ દક્ષિણ આફ્રિકાની વિટવૉટરસ્ટેન્ડ યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રોફેસર જ્હોન સ્ટ્રેમલાઉ કહે છે.
તેમના પુરોગામી બંને પ્રમુખો, બરાક ઓબામા અને જ્યોર્જ ડબ્લ્યૂ બુશે તેમની પ્રથમ મુદત દરમિયાન આફ્રિકાની મુલાકાત લીધી હતી, પરંતુ ટ્રમ્પે પ્રવાસ માટે સમય કાઢ્યો નથી.
"આવી કોઈ જરૂર હોવાનું તેમને લાગતું નથી", એમ પ્રોફેસર સ્ટ્રેમલાઉ વધુમાં કહે છે.
ઘણા લોકો માને છે ટ્રમ્પના અભિગમમાં આફ્રિકા તરફની અમેરિકાની નીતિનો પડઘો પડે છે.
સહરા રણના કિનારે આવેલા ઘણા દેશો વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલા દેશોમાં આવે છે, આમ છતાં છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન આફ્રિકા અને અમેરિકા વચ્ચે વેપારી સંબંધો પણ ઘટ્યા છે.
આ પ્રદેશ અમેરિકા માટે અગ્રતાક્રમે રહ્યો હોય તેમ લાગતું નથી.
આરોગ્ય માટે ફંડથી માંડીને રાજદ્વારી રીતે વેપારી સંબંધો સહિત દરેક બાબતમાં વૉશિંગ્ટને પીછેહઠ કરી હોય તેમ લાગે છે.
ટ્રમ્પને કારણે આફ્રિકાને શું અસર થઈ રહી છે તેના પર વિચાર ચાલી રહ્યો છે ત્યારે નવેમ્બરની ચૂંટણી પણ આવી પહોંચી છે. તેમાં ટ્રમ્પ ફરીથી જીતે તો કદાચ સૌથી જરૂરી આરોગ્ય માટેના ફંડિંગ પર અસરની ચિંતા જાગી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'મને ગર્ભનિરોધકો મળતા નથી'

લિસોથોની રાજધાનીથી બે કલાક દૂર આવેલા મસેરુમાં અમેરિકાની નીતિની અસર દેખાવા લાગી છે.
અમેરિકાની નીતિની અસર ડઝનથી વધુ આફ્રિકન દેશો પર થઈ રહી છે, પણ અહીં અમેરિકાની નીતિની સીધી અસર જોવા મળી રહી છે, જે એક પ્રતીક બની રહી છે.
ચારે બાજુ પહાડોની વચ્ચે આવેલા હા મોજેલા ગામના ગારાનાં કાચાં મકાનો વચ્ચે એક જ નાનકડું દવાખાનું હતું તે પણ બંધ પડી ગયું છે.
દવાખાનાને લાગેલું તાળું પણ કાટ ખાઈ ગયું છે અને ત્યાં મૂકેલું કોન્ડૉમ વેન્ડિંગ બૉક્સ ખાલી પડ્યું છે. અહીંનાં મહિલાઓ માટે બીજો કોઈ આધાર રહ્યો નથી.
36 વર્ષીય માલેરાતો ન્યાઇ શરમાતાં શરમાતાં કહે છે, "હું દર મહિને આ દવાખાને આવતી હતું અને ગર્ભનિરોધકો લઈ જતી હતી. આ ક્લિનિક બંધ થઈ ગઈ એટલે હવે મારે તે ખરીદવા પડે છે. દર મહિને તેની પાછળ પૈસા ખર્ચવાનું પરવડે તેવું નથી અને મને ડર લાગે છે કે હું ફરીથી ગર્ભવતી થઈ જઈશ."

તેમની વાતનો પડઘો તેની પડોશમાં રહેતી સ્ત્રીઓ પણ પાડે છે. તેમની એક પડોશી સ્ત્રી ચિંતા વ્યક્ત કરે છે કે ગર્ભનિરોધકો નથી તેના કારણે તેમની કિશોર દીકરી ક્યાંક ગર્ભવતી ના થઈ જાય.
ગર્ભપાત માટે સહાય તથા ગર્ભનિરોધકો સહિતનાં સાધનો માટે સલાહ આપવાનું કામ કરતી એનજીઓને અગાઉ અમેરિકાની ફેડરલ સરકાર તરફથી ફંડિંગ મળતું હતું, તે બંધ થઈ ગયું છે.
1984થી આવી આરોગ્ય સહાય આપવાની અમેરિકાની નીતિ રહી છે, પણ ટ્રમ્પે સત્તામાં આવ્યા પછી 2017માં સહાય બંધ કરી હતી.

વેપાર નીતિમાં ફેરફાર

વૉશિંગ્ટનમાં લેવાયેલા તે નિર્ણયને કારણે તે સહાય પર આધારિત આફ્રિકાના ઘણા દેશોનાં સ્ત્રીઓને સીધી અસર થઈ છે.
"કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં અમે સેવા આપતા હતા તે બંધ કરી દેવી પડી છે. તેના કારણે ઘણી યુવતીઓ અને યુવા દંપતીઓ માટે અનિચ્છનીય ગર્ભધારણની સમસ્યા ઊભી થઈ છે", એમ લિસોથો પ્લાન્ડ પેરેન્ડહૂ઼ડ ઍસોસિયેશનના ત્લાલી મટેલા કહે છે.
માત્ર ગર્ભનિરોધકોનો અભાવ જ ગરીબ આફ્રિકન લોકોને નડી રહ્યો છે તેવું નથી. અમેરિકાનું ફંડ અટકી પડવાને કારણે HIV ટેસ્ટિંગ અને સર્વિકલ કૅન્સરના નિદાન પર પણ અસર થઈ રહી છે.
"અમેરિકાનું ફંડ અટક્યું તેનો અર્થ એ થયો કે અમારે અમારી સેવાઓ અટકાવી દેવી પડી… HIV સેવા પણ મર્યાદિત થઈ ગઈ છે," એમ મટેલા કહે છે.
ફંડિંગ બંધ કરી દેવાના ટ્રમ્પ સરકારના નિર્ણયને કારણે સબ સહારન આફ્રિકામાં સૌથી વધુ અસર પડી છે. તેનું કારણ એ કે આ પ્રદેશમાં AIDSનો ચેપ સૌથી વધુ ફેલાયેલો છે અને મરણ માટે તે સૌથી મોટું કારણ છે.
માત્ર આરોગ્ય સેવાઓ ઘટી છે એવું નથી, અમેરિકા અને આફ્રિકા વચ્ચે વેપાર પણ ઘટ્યો છે.
એવી ચિંતા જાગી છે કે આફ્રિકા ગ્રોથ એન્ડ ઓપોર્ચ્યુનિટી ઍક્ટ (AGOA) 2025ના વર્ષથી આગળ માટે ચાલુ રાખવામાં આવશે નહીં.
20 વર્ષ પહેલાં આ કાયદો કરવામાં આવ્યો હતો અને 40 જેટલા દેશોને અમેરિકામાં નિકાસ માટે ખાસ રાહતો આપવામાં આવી હતી.
AGOAને કારણે લિસોથોનો કાપડ ઉદ્યોગ ફરીથી બેઠો થઈ શક્યો હતો, જેમાં 46,000થી વધઉ લોકો, મુખ્યત્વે મહિલાઓ કામ કરે છે.
જો આ વેપાર કરાર રિન્યૂ નહીં કરવામાં આવે તો હજારો લોકોએ રોજગારી ગુમાવવી પડશે.
"અમારા બધા માટે કફોડી સ્થિતિ થશે. મને આશા છે કે AGOA કરારને આગળ વધારવામાં આવશે, કેમ કે તેને અટકાવી દેશે તો અમારે ઉદ્યોગો બંધ કરી દેવા પડશે. બધા બેકાર થઈ જશે અને દુનિયાના બીજા દેશો સાથે અમે સ્પર્ધા નહિ કરી શકીએ," એમ લિસોથોની તાઇવાનીઝ ટેક્સટાઇલ ફેક્ટરીના ડેવિડ ચેન કહે છે.
આ એકમમાં 1,600 કામદારો કામ કરે છે.
ચેનની કંપની અમેરિકાની બજાર માટે જીમ ક્લૉથિંગની નિકાસ કરે છે. દેશમાં કાપડ ઉદ્યોગ જ ખાનગી ક્ષેત્રમાં સૌથી વધુ રોજગારી આપનારો ઉદ્યોગ છે.
કાપડ ઉદ્યોગના એકમોમાં મહિલાઓ વધારે કલાકો સુધી આકરી મહેનત કરતી રહે છે અને રોજેરોજ હજારો વસ્ત્રો તૈયાર કરે છે. ઓછું વેતન મળતું હોવા છતાં લાખો કુટુંબો તેના પર આધારિત છે.

પ્રમુખ ટ્રમ્પની આફ્રિકા પ્રત્યેની 'નિર્દોષ ઉપેક્ષા'

આફ્રિકાના ઘણા દેશોમાં રોકાણ માટે અમેરિકાને કોઈ રસ દેખાતો નથી. તેના કારણે ભારત, તુર્કી, રશિયા અને ચીન તરફથી રાજદ્વારી, વેપારી અને રોકાણના પ્રયાસો તેજ થયા છે.
આફ્રિકામાં માળખાકીય સુવિધાઓ ઊભી કરવાનું કામ મોટા પાયે ચીનની ખાનગી કંપનીઓ કરી રહી છે. મોટા ભાગની કંપનીઓને બિજિંગની સરકાર તરફથી ફંડ મળે છે.
ચીન આફ્રિકાભરમાં રસ્તાઓ, બંદરો અને ઍરપૉર્ટ્સનું બાંધકામ કરી રહ્યું છે અને ખંડમાં પોતાની હાજરી મજબૂત બનાવી રહ્યું છે. તેના બદલામાં ચીનને સ્રોતો મળે છે, રાજકીય અને આર્થિક વગ ઊભી થાય છે.
ઘણા લોકો ચીન સાથેના સંબંધોને 'પરસ્પરના ફાયદા'ના ગણાવીને તેને આવકાર્યા છે, પરંતુ ઘણા તેની સામે ચેતવણી પણ આપી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે ચીન આફ્રિકા ખંડને ફરીથી ખંડિયો પ્રદેશ બનાવી રહ્યો છે.

ચીન-આફ્રિકાના સંબંધો

પ્રમુખ ટ્રમ્પ સત્તા પર આવ્યા તેના ઘણા વર્ષો પહેલાંથી ચીન આફ્રિકામાં સક્રિય થયેલો છે. જોકે ટ્રમ્પના શાસન દરમિયાન ચીને આ ખંડમાં પોતાની પ્રવૃત્તિઓને ઝડપી બનાવી છે.
દક્ષિણ આફ્રિકા સાથેની સરહદ નજીક આવેલી લિસોથોની હરિયાળી કાચા નેકની ખીણમાં એક વર્ષ પહેલાં જ માર્ગ બનાવવાનું શરૂ થયું છે. ચીનની એક્ઝિમ બૅન્કના ધિરાણ આધારે આ માર્ગ તૈયાર થઈ રહ્યો છે.

ડ્રેકન્સબર્ગ પર્વતમાળાને સમાંતર 91 કિમીનો આ માર્ગ બની રહ્યો છે, જેની પાછળ $ 12.8 કરોડ ડૉલરનો ખર્ચ થશે. તેમાંથી ચીનની સરકારે $ 10 કરોડ ડૉલર આપ્યા છે.
આ માર્ગને કારણે ચાર કલાકના બદલે માત્ર બે જ કલાકમાં મુસાફરી કરી શકાશે.
"લિસોથોની એક માત્ર વર્લ્ડ હેરિટેજ સાઇટ સેહલાબાથેબા નેશનલ પાર્કને આ માર્ગ જોડે છે અને આ માર્ગના બાંધકામના કારણે પ્રવાસનને ઉત્તેજન મળશે", એમ લિસોથોના માર્ગ વિભાગના તેબોહો મોકોઆને કહે છે.

અમેરિકા અને ચીન વચ્ચે વેપાર મુદ્દે ઘર્ષણ ચાલી રહ્યું છે તે જાણીતી વાત છે.
આ બંને વચ્ચેના ઘર્ષણનું શું પરિણામ આવે છે તે જોવું રહ્યું. પ્રમુખ ટ્રમ્પે "અમેરિકાને ફરીથી ગ્રેટ" બનાવવાનો નારો આપ્યો છે, પરંતુ તેમના શાસનમાં વિશ્વના સૌથી ઝડપી વિકસી રહેલા આફ્રિકન દેશો પર ભાગ્યે જ ધ્યાન અપાયું છે.
આગામી ચૂંટણી પછી અમેરિકામાં કોણ પ્રમુખ બને છે અને તેના કારણે આફ્રિકા અંગેની નીતિમાં શું ફેર પડે છે તેના પર સૌની નજર રહેશે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














