અમેરિકાની ચૂંટણી : ભારત અને અમેરિકાના રાજકારણમાં ધર્મનો કેટલો પ્રભાવ?

- લેેખક, ભૂપેન્દ્રસિંહ રાઓલ
- પદ, બીબીસી ગુજરાતી માટે, અમેરિકાથી
દુનિયાની સૌથી મોટી અને મહાન બે લોકશાહી, એક ભારત વસ્તીની દૃષ્ટિએ અને બીજી અમેરિકા વિસ્તાર તથા મહાસત્તાની દૃષ્ટિએ. બંને એકંદરે ખૂબ જ ધાર્મિક ગણાય છે. અમેરિકા એટલે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા સમજવું.
પ્રજા તો ધાર્મિક હોય તે સ્વાભાવિક છે. અમેરિકામાં 70.6% લોકો ક્રિશ્ચિયન છે, એમાંથી આશરે 25.4% ઇવેજેલિકલ પ્રોટેસ્ટન્ટ, 14.7% મેઇનલાઇન પ્રોટેસ્ટન્ટ, 6.5% હિસ્ટોરીકલી બ્લેક પ્રોટેસ્ટન્ટ છે.
જ્યારે 20.8% લોકો કૅથલિક છે. મોર્મોન અને બીજા થઈને ત્રણેક ટકા લોકો હશે. ક્રિશ્ચિયન ના હોય એવા ટોટલ 5.9%ની અંદર યહૂદી 1.9%, મુસ્લિમ 0.9%, બૌદ્ધ 0.7% અને હિંદુ 0.7% છે.
કોઈ પણ ધર્મ સાથે જોડાયેલા ના હોય એવા કુલ 22.8%ની અંદર, એથિઈસ્ટ ૩.૧%, ઍગ્નૉસ્ટિક એટલે અજ્ઞેયવાદી 4% અને 15.8 % અચોક્કસ લોકો છે.
મોટા ભાગે ધર્મોનો વિકાસ કે ફેલાવો રાજ્યો, સામ્રાજ્યોના આશ્રય હેઠળ થતો હોય છે. યહૂદીઓના કહેવાથી જે રોમનોએ જિસસને ક્રૉસ પર જડી દીધેલા એ રોમન સામ્રાજયના આશ્રય હેઠળ ક્રિશ્ચિયાનિટી આખા યુરોપમાં ફેલાણી.
તો ઓટોમન સામ્રાજયના આશ્રયે ઇસ્લામ આફ્રિકા, યુરોપ અને એશિયામાં ફેલાયો. હિંદુ ધર્મના બે અવતારો રામ અને કૃષ્ણ તો પોતે જ રાજાઓ હતા.
મૌર્ય અને ગુપ્ત રાજાઓના આશ્રય હેઠળ બૌદ્ધ ધર્મ ફેલાયો હતો. બૌદ્ધ ધર્મની અસરમાં બેહાલી પામેલા હિંદુ ધર્મનું પુનરુત્થાન રાજા પુષ્યમિત્ર શૃંગના આશ્રય હેઠળ થયેલું.

ધર્મને લઈને અમેરિકાનું બંધારણ શું કહે છે?

ઇમેજ સ્રોત, EPA
ગુજરાતના સોલંકી રાજાઓએ જૈન ધર્મને આશરો આપેલો, તો શીખ સામ્રાજ્ય શીખ ધર્મનું પોષક હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આખી દુનિયામાંથી રાજાશાહી ખતમ થવા લાગી અને લોકશાહી શરૂ થઈ તો ધર્મોની દખલ રાજકાજમાં હોવી ના જોઈએ એવો નવો વિચાર ફેલાવા પણ માંડ્યો.
કારણ લોકશાહી એટલે લોકો વડે ચાલતું રાજ હોય અને લોકો તો જાતજાતના ધર્મો એક જ રાજ્યમાં રહેતા હોવા છતાં પાળતાં હોય તો કોઈ એક ધર્મને રાજ્ય પ્રાધાન્ય આપે તો બીજાને અન્યાય લાગે એના કરતાં કોઈ પણ ધર્મને મહત્ત્વ જ ના આપવું શું ખોટું?
એટલે અમેરિકાના સંવિધાનમાં કલમ લખવામાં આવી કે સરકાર એવા કોઈ કાનૂન ઘડી શકે નહીં કે જે કોઈ પણ ધર્મ અથવા ધાર્મિક સંગઠનને મદદકર્તા હોય અને એવી રીતે કોઈ પણ ધર્મ પાળવામાં અડચણરૂપ હોય એવા કાનૂન પણ બનાવી શકે નહીં.
એટલે અમેરિકામાં કોઈ પણ ધર્મ પાળવાની અને નહીં પાળવાની છૂટ સંવિધાન દ્વારા મળે છે.
આમ કરીને તમામ પ્રકારનાં ચર્ચ અને ધાર્મિક સંગઠનોને રાજકારણથી દૂર કરી દીધાં.

પ્રજા પર ધર્મની અસર કેટલી?

ઇમેજ સ્રોત, Getty Images
છતાંય ધાર્મિક પ્રજા ઉપર ધર્મોની અસર સોલિડ હોવાથી ચૂંટણીમાં ઊભેલા ઉમેદવારનો ધર્મ અમેરિકામાં પણ લોકો જોતા હોય છે. ભલે એ ઉમેદવાર એના ધર્મનો ચૂંટણી જીતવા ઉપયોગ ના કરતો હોય.
હવે તમે ઉપરના આંકડા ફરી તપાસો, તો અમેરિકામાં 70.6 ટકા ક્રિશ્ચિયન છે, પરંતુ એમાંથી ત્રણેક જાતના પ્રોટેસ્ટન્ટ ભેગા કરો તો 46.6 ટકા થાય અને કૅથલિક 20.8 ટકા થાય.
એટલે પ્રમુખપદની ચૂંટણીમાં આ પરિબળ બહુ મોટું કામ કરે છે. 1928માં પહેલી વાર કૅથલિક હોય એવા આલ્ફ્રેડ ઈ. સ્મિથે પ્રમુખપદની ચૂંટણીમાં ઝંપલાવેલું પરંતુ હૅબર્ટ હુવર સામે હારી ગયેલા.
અમેરિકાની હિસ્ટ્રીમાં 35મા પ્રૅસિડેન્ટ 1961માં ચૂંટાયેલા જ્હૉન એફ. કૅનેડી એકમાત્ર કૅથલિક પ્રમુખ હતા.
પ્રમુખ કૅનેડીને થયેલું કે એમનું કૅથલિક હોવું ઇલેક્શનમાં નુકસાન કરશે એટલે સપ્ટેમ્બર 12, 1960માં એમણે સૅનેટર તરીકે રાઇસ હોટલ, હ્યુસ્ટનમાં ઇલેક્શન કૅમ્પેન તરીકે ઐતિહાસિક ભાષણ આપેલું.
આખું ભાષણ નહીં પણ મહત્ત્વના મુદ્દાનો ભાવાર્થ લખું છું. "શા માટે સો કૉલ્ડ રિલિજિયસ ઇશ્યુ આજે રાત્રે અહીં મહત્ત્વનો થઈ પડ્યો છે? આપણી પાસે બીજા અનેક પ્રશ્નો છે. સામ્યવાદની અસર વધતી જાય છે, વેસ્ટ વર્જિનિયામાં ભૂખ્યાં બાળકો મેં જોયાં છે."
"વૃદ્ધ લોકો એમનાં મેડિકલ બિલ ભરી શકતા નથી. ખેડૂતોને એમનાં ખેતર દબાણપૂર્વક આપી દેવાં પડે છે. ઝૂંપડપટ્ટીનો વિસ્તાર ખૂબ છે, શાળાઓ ઓછી છે. આ બધા ખરા મુદ્દા છે, અને આ બધા ધાર્મિક મુદ્દા નથી. યુદ્ધ અને ભૂખમરો ધર્મોની આડ વડે નહીં રોકાય."
"હું કૅથલિક છું અને આજ સુધી કોઈ કૅથલિક પ્રમુખ તરીકે ચૂંટાયો નથી. ચર્ચને હું કેવું માનું છું તે ફક્ત મારા પૂરતું મહત્ત્વનું હોય. પરંતુ અમેરિકાને હું કેવું માનું છું તે જોવાનું છે."
"હું એવા અમેરિકામાં માનું છું જ્યાં ચર્ચ અને રાજ્ય નિતાંત જુદાં છે, સૅપરેટ છે. જ્યાં કોઈ કૅથલિક પોપ કે પાદરી એવું કહી ના શકે કે પ્રૅસિડેન્ટ કેથલિક હોવા જોઈએ કે કોઈ પ્રોટેસ્ટન્ટ મિનિસ્ટર એવું ના કહી શકે કે આને મત આપો, કોઈ ચર્ચ કે ચર્ચ સ્કૂલ રાજકીય પ્રેફરન્સ ના આપી શકે, ધર્મના આધારે કોઈ ઑફિસમાં કોઈ તમને રોકી ના શકે."
આવું તો ઘણું બધું એમણે કહેલું અને એ ઇલેક્શન જીતી ગયેલા.

સેનેટમાં કયા ધર્મને કેટલા સભ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકા આપણે જેને રાજ્યસભા કહીએ છીએ એ સેનેટ કહેવાય છે અને આપણે લોકસભા કહીએ છીએ એને હાઉસ કહે છે. આ બને મળીને કૉંગ્રેસ કહેવાય છે.
સૅનેટમાં કે હાઉસમાં સીધી પ્રજા દ્વારા ચૂંટણી થાય છે. કોઈ ખાસ નિમણૂક થતી નથી. પ્રમુખની ચૂંટણી પણ સીધી પ્રજા દ્વારા થાય છે.
એટલે એવું બને કે પ્રમુખ રિપબ્લિકન હોય તો સેનેટમાં રિપબ્લિકનની બહુમતી હોય પણ હાઉસમાં ના હોય ત્યાં ડેમૉક્રેટની બહુમતી હોય. અહીં કોઈની ક્યાં બહુમતી હોય નક્કી કહેવાય નહીં.
ચાલો 116મી કૉંગ્રેસનું ધાર્મિક રીતે વર્ગીકરણ બતાવું. અહીં હાઉસમાં પ્રોટેસ્ટન્ટ હોય એવા 233 સભ્ય છે, એમાંથી રિપબ્લિકન 136 અને ડેમૉક્રેટ ફક્ત 97 છે.
કૅથલિક મેમ્બર કુલ 141 છે એમાંથી 87 ડેમૉક્રેટ અને 54 રિપબ્લિકન છે. મતલબ પ્રોટેસ્ટન્ટમાં રિપબ્લિકન તરફ ઝોક વધુ છે તો કૅથલિકમાં ડેમૉક્રેટ તરફી ઝોક વધુ છે.
યહૂદી સભ્યો 26 છે ઑલમૉસ્ટ ડેમૉક્રેટ, મોર્મોન છ છે ઑલમૉસ્ટ રિપબ્લિકન. મુસ્લિમ ત્રણ, બુદ્ધ 1, હિંદુ 3 અને યુનિટેરિયન 1 બધા ડેમૉક્રેટ.

હાઉસમાં કયા ધર્મને કેટલા સભ્યો?

ઇમેજ સ્રોત, Reuters
હવે હાઉસની વાત પૂરી થઈ સેનેટની વાત કરીએ તો એમાં પ્રોટેસ્ટન્ટ 60 સભ્યો. એમાંથી 20 ડેમૉક્રેટ અને 40 રિપબ્લિકન. 22 કૅથલિક સભ્યોમાંથી 12 ડેમૉક્રેટ અને 10 રિપબ્લિકન, મોર્મોન 4 લગભગ ડેમૉક્રેટ, 8 યહૂદી બધા ડેમૉક્રેટ.
હવે આમાં કૅથલિક પ્રમુખ ક્યાંથી ચૂંટાય? હવે જો બાયડન ચૂંટાશે તો બીજા કૅથલિક પ્રમુખ હશે.
અમેરિકાના સંવિધાનમાં 'ગોડ'નું નામ ક્યાંય નથી પરંતુ રાજ્યોના બંધારણમાં ઈશ્વરનું નામ હોય છે. કરન્સી ઉપર તો ગોડ બિરાજમાન છે.
થૉમસ જૅફરસન અને અબ્રાહમ લિંકન સિવાય તમામ પ્રમુખો ક્રિશ્ચિયન હતા. જૅફરસન અને લિંકને કોઈ ધર્મ જોડે જોડાણ બતાવેલું નહીં. લગભગ પ્રમુખો બાઇબલના નામે શપથ લેતા હોય છે.
50% અમેરિકન માને છે કે કાયદા-કાનૂનમાં બાઇબલની અસર હોવી જોઈએ નહીં. દસમાંથી છ અમેરિકન માને છે ચર્ચોએ રાજકારણથી દૂર રહેવું જોઈએ.
65 ટકા અમેરિકન માને છે કે ધર્મ, સરકારી પૉલિસી દૂર રહેવા જોઈએ. ટૂંકામાં બહુમત પ્રજા મત ધર્મ આધારિત નેતાઓ ચૂંટતી હશે પણ રાજકાજમાં ધર્મોની દખલ ઇચ્છતી નથી.

હવે ભારતની વાત

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં 2011ની વસ્તીગણતરી મુજબ 79.80% હિંદુ, 14.23% મુસ્લિમ, 2.30% ખ્રિસ્તી, 1.72% શીખ, 0.70% બૌદ્ધ, 0.37% જૈન લોકો છે.
આમાંથી હિંદુ, બૌદ્ધ, જૈન અને શીખ આ ચાર ધર્મનું જન્મદાતા ભારત જ છે. કોઈ પણ ધર્મ પાળવાની છૂટ એ ભારતના બંધારણ આર્ટિકલ 25-28 દ્વારા મળેલો મૂળભૂત હક છે.
1947માં નવા ભારતની શરૂઆત થઈ. બંધારણ લખાયું 1949માં પણ અમલમાં આવ્યું 26 જાન્યુઆરી 1950ના દિવસે.
એ વખતે તો ભારત સેક્યુલર દેશ છે એવું નહોતું લખેલું, પરંતુ 1976માં સંવિધાનમાં ભારત 'સેક્યુલર સ્ટેટ' છે એવા શબ્દો ઉમેરવામાં આવ્યા. સેક્યુલર શબ્દમાં બધું જ આવી જાય. પરંતુ એનું પાલન કોઈ કરતું નથી.
અમેરિકામાં કોઈ પણ ધર્મને સપોર્ટ કરતા કાનૂન બનાવાય નહીં.
ભારતમાં હજયાત્રીઓને સરકાર સબસિડી આપતી હતી. ધાર્મિક સંગઠનોને રાજ્યોની સરકારો મફતના ભાવે એટલે ફક્ત એક રૂપિયે અબજોની જમીનો એનો વિકાસ કરવા આપે છે.
ધાર્મિક સંગઠનોને એમની માલમિલકત-આવક બાબતે ટૅક્સમાં પુષ્કળ રાહત મળે છે.
અમેરિકામાં તમે ટૅક્સ ના ભરો તો મંદિર કે ચર્ચ બંધ થઈ જાય.
અમેરિકામાં તમે જમીન ખરીદો, મંદિર બનાવો છૂટ છે પણ એનો રેગ્યુલર ટૅક્સ, લાઇટબીલ, પાણીવેરો બધું સમયસર ભરવું પડે, નહીં તો તમારાં મંદિર, મસ્જિદ, ચર્ચને તાળાં વાગી જાય.
ભારતમાં નેતાઓ ચૂંટણી સમયે ધર્મોનો ખાસ્સો ઉપયોગ કરે છે. એક નેતા અંબાજીના મંદિરમાં જશે તો બીજો સોમનાથ જશે. ધાર્મિક સંપ્રદાયોના ગુરુઓ પણ એમના ભક્તોને આદેશ આપશે કે તમારે કોને વોટ આપવાનો છે.
શાહી ઇમામ જાહેરમાં કોઈ પક્ષને સપોર્ટ આપશે, નેતાઓ એમને મળવા જશે. અમેરિકામાં આવું થાય નહીં. ભારતમાં અમુક પક્ષોએ તો રીતસર હિંદુ એજન્ડા ચલાવેલો જ છે.
આમ કરીને ભારત બિનસાંપ્રદાયિક દેશ છે, પરંતુ બિનસાંપ્રદાયિકતાનું પાલન નેતાઓ દ્વારા જ કરવામાં આવતું નથી. ભારતની બિનસાંપ્રદાયિકતાની વ્યાખ્યા પશ્ચિમની વ્યાખ્યા કરતા થોડી અલગ છે, પણ ગલત તો નથી જ.
પશ્ચિમમાં સ્ટેટ અને ચર્ચ અલગ એટલે અલગ. એકબીજાની આંતરિક વાતોમાં દખલ કરે નહીં. ભારતમાં સરકાર બંધારણની મર્યાદામાં રહીને દખલ કરી શકે છે.
દા.ત., કોઈ મંદિરમાં સ્ત્રીઓને પ્રવેશ ના હોય તો સરકાર એમાં દખલ કરે છે. ત્રણ તલાક જેવા રિવાજ માટે બંધારણની મર્યાદામાં રહી દખલ કરી શકે છે અને એ તંદુરસ્ત લોકશાહી માટે સારું પણ છે. છતાં નેતાઓ દ્વારા ભારતમાં બિનસાંપ્રદાયિકતાનો અમલ સુપેરે થતો નથી તે હકીકત છે.
આવી રીતે દુનિયાની બે મહાન લોકશાહીઓ અમેરિકા અને ભારત બહુ ધાર્મિક છે અને એમના રાજકારણમાં ધર્મોની અસર સીધી અથવા આડકતરી રીતે રહેલી છે.
(લેખમાં વ્યક્ત થયેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં.)


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












