લાખો ભારતીયો દેશ છોડીને વિદેશમાં કેમ સ્થાયી થઈ રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images

- વર્ષ 2021માં કુલ એક લાખ 63 હજાર ભારતીયોએ દેશની નાગરિકતા છોડી હતી
- આ આંકડો 2020ના આંકડા કરતાં લગભગ બમણો છે
- વર્ષ 2019થી 2021 સુધી કુલ ત્રણ લાખ 92 હજારથી વધુ ભારતીયોએ ભારતીય નાગરિકતા છોડી
- વર્ષ 2015થી 2021નાં પાંચ વર્ષ દરમિયાન આ સંખ્યા આઠ લાખ 50 હજાર હતી

દર વર્ષે લાખો ભારતીયો વિદેશ જાય છે. આ એક જાણીતો અને વર્ષોથી ચાલતો આવેલો એક સામાન્ય ઘટનાક્રમ છે.
સારી નોકરી માટે કે વિદેશની શાળા-યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ભારતીયો દર વર્ષે હજારોની સંખ્યામાં વિદેશ જાય છે અને મોટા ભાગના ત્યાં સ્થાયી પણ થઈ જાય છે.
પરંતુ હવે ઘણા ભારતીયો વિદેશમાં તો સ્થાયી થઈ રહ્યા છે પણ સાથે ભારતની નાગરિકતા પણ છોડી રહ્યા છે. અને આ આંકડો મોટો છે અને તેમાં સતત વધારો પણ રહ્યો છે.
આ અહેવાલમાં આપણે ભારતીયો દ્વારા નાગરિકતા ત્યાગનાં કારણોનું વિશ્લેષણ કરીશું. સાથે ભારતીય નાગરિકતાના ત્યાગ બાદ કયા દેશની નાગરિકતા સૌથી વધુ લઈ રહ્યા છે અને તે દેશ કેમ પસંદ કરી રહ્યા છે તે વિશે પણ જણાવીશું.

આંકડા પર એક નજર

ઇમેજ સ્રોત, Reuters
સંસદમાં હાલમાં જ એક સવાલના જવાબમાં કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયે આ પ્રશ્નના સંદર્ભમાં જે આંકડા આપ્યા તે તમને કદાચ ચોંકાવી દેશે.
સંસદમાં જાહેર કરાયેલ આંકડા અનુસાર, વર્ષ 2021માં કુલ એક લાખ 63 હજાર ભારતીયોએ દેશની નાગરિકતાનો પરિત્યાગ કર્યો હતો.
ધ્યાન આપવા જેવી વાત એ પણ છે કે આ આંકડો 2020ના આંકડા કરતાં લગભગ બમણો છે.
2020માં ભારતની નાગરિકતા છોડી દેનારા ભારતીયોની સંખ્યા 85,000થી સહેજ વધુ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2019થી 2021 સુધી કુલ ત્રણ લાખ 92 હજારથી વધુ ભારતીયો વિદેશ જતા રહ્યા અને સાથે તેમણે ભારતીય પાસપોર્ટનો પણ ત્યાગ કર્યો એટલે કે તેમણે ભારતીય નાગરિકતા છોડી દીધી.
વર્ષ 2015થી 2021નાં પાંચ વર્ષ દરમિયાન કુલ આઠ લાખ 50 હજાર લોકો વિદેશમાં સ્થાયી થવા માટે ભારતીય નાગરિકતાનો પરિત્યાગ કર્યો હતો.
લાખોની સંખ્યામાં ભારતીયોએ પાછલાં અમુક વર્ષોમાં નાગરિકતાનો પરિત્યાગ કર્યો તે અંગે તો આપણે જાણ્યું પરંતુ મુખ્ય સવાલ એ છે કે પોતાના દેશની નાગરિકતા છોડીને ભારતીયો કયા દેશની નાગરિકતા સૌથી વધુ લઈ રહ્યા છે અને તેની પાછળનાં મોટાં કારણો કયાં છે?
આ બંને પ્રશ્નોના જવાબ છે પશ્ચિમના દેશો જ્યાં જીવનધોરણ ગુણવત્તાની દૃષ્ટિએ ઊંચું છે.
લોકસભામાંથી મળેલા આંકડા પ્રમાણે સૌથી વધુ ભારતીયો અમેરિકાની નાગરિકતા લઈ રહ્યા છે.
કૅનેડા, ઑસ્ટ્રેલિયા, યુકે ઉપરાંત ન્યૂઝીલૅન્ડ, જર્મની, ઇટાલી, નેધરલૅન્ડ્સ , સ્વીડન અને સિંગાપુર પણ નાગરિકતા માટે ભારતીયોના પસંદગીના દેશોમાં સામેલ છે.
આંકડા પ્રમાણે 2021માં ભારતીય નાગરિકતા છોડનારા એક લાખ 63 હજાર ભારતીયોમાંથી 78000 ભારતીયોએ અમેરિકાની નાગરિકતા લીધી હતી.
23,500 ભારતીયોએ ઑસ્ટ્રેલિયાની નાગરિકતા અપનાવી લીધી.
21 હજાર લોકોએ કૅનેડાની નાગરિકતા લઈ લીધી.
યુકે પણ માટેની પસંદગીના ટોચના પાંચ દેશોમાં છે. લગભગ 14,500 ભારતીયોએ ભારતીય પાસપોર્ટનો ત્યાગ કરી યુકેનો પાસપોર્ટ મેળવી લીધો.
લગભગ 6,000 ભારતીયોએ ઇટાલીની, 2,600 જેટલા ભારતીયોએ ન્યૂઝીલેન્ડની અને 2,500થી થોડા વધુ ભારતીયોએ સિંગાપુરની નાગરિકતા લીધી.
યુરોપમાં ઇટાલી ઉપરાંત જર્મનીની નાગરિકતા લગભગ 2,400 લોકોએ લીધી તો 2,100થી વધુ લોકોએ નેધરલૅન્ડ્સની અને 1,800થી વધુ લોકોએ સ્વીડનની નાગરિકતા લીધી.
સ્પેન અને પોર્ટુગલની નાગરિકતા લેનારા ભારતીયો પણ છે. લગભગ 1,600 ભારતીયોએ સ્પેનની અને તેના પડોશી દેશ પોર્ટુગલની નાગરિકતા માટે 700 ભારતીયોએ અરજી કરી અને તે મેળવી.
ભારતની નાગરિકતા ત્યાગી કેમ વિદેશની નાગરિકતા અપનાવી રહ્યા છે ભારતીયો? તેની પાછળ મુખ્ય ચાર કારણો જવાબદાર છે. તેની વિગતવાર ચર્ચા કરીએ.

મુખ્ય કારણો
બે દેશોની નાગરિકતા નહીં - ભારત કોઈ પણ વ્યક્તિને બે દેશનું નાગરિકત્વ ધરાવવાનો અધિકાર આપતું નથી. આથી અન્ય દેશની નાગરિકતા સ્વીકારતાં ભારતીયોએ ભારતનું નાગરિકત્વ છોડવું પડે છે.
વધુ સારી તકો - ઘણા ભારતીયોને વિદેશમાં નોકરીની વધુ સારી તકો મળી જતી હોય છે, ઉપરાંત વિદેશ ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓને વિદેશમાં ભારત કરતાં સારા પગારની નોકરી મળી જતી હોય છે.
જીવનધોરણ - જીવન ધોરણનું સ્તર એ વિદેશી નાગરિકતા સ્વીકારવા માટેનાં સૌથી મહત્વનાં કારણોમાંનું એક છે. ભારતીયો તેમના દ્વારા સરકારને ચૂકવાતા ટૅક્સની સામે વધુ સારી સુવિધાઓ ઇચ્છે છે.
મહિલાઓની સુરક્ષા, બાળકો માટે સારું શિક્ષણ અને ઊંચું જીવનધોરણ વગેરેને કારણે પણ ઘણા ભારતીયો વિદેશના ઉપરોક્ત દેશો પર પસંદગી ઉતારે છે.
આબોહવા - જળવાયુ પરિવર્તનની અસરો અને પ્રદૂષણ પણ ભારતીયોના વિદેશમાં જઈને કાયમી વસી જવા માટેનું એક મોટું પરિબળ છે.
તો માન્યતાની દૃષ્ટિએ પાસપોર્ટની મજબૂતી પણ ઘણા ભારતીયો માટે વિદેશની નાગરિકતા સ્વીકારવા માટે એક કારણ બને છે.
હેન્લી પાસપોર્ટ ઇન્ડેક્સ 2022 પ્રમાણે સુવિધાઓ કે મજબૂતીની સરખામણી કરતાં 199 દેશોના પાસપૉર્ટમાંથી ભારતીય પાસપોર્ટનો ક્રમ વિશ્વમાં 87મો છે.
ભારતીય પાસપોર્ટ પર 60 દેશમાં વિઝા-ફ્રી મુસાફરી કરી શકાય છે અને 60 દેશમાં વિઝા ઑન અરાઇવલની સુવિધા મળે છે. તો આની સરખામણીમાં વિદેશી પાસપોર્ટ વધુ સુવિધાયુક્ત મુસાફરીની તક આપતા હોય તો એ પણ ભારતીયો માટે વિદેશની નાગરિકતા સ્વીકારવા માટે એક માપદંડ બને છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો















