વડા પ્રધાન કાર્યાલયને લૉકડાઉનના નિર્ણય વિશે જાણકારી આપવાનો નિર્દેશ અપાયો

લૉકડાઉન
    • લેેખક, જુગલ પુરોહિત
    • પદ, બીબીસી સંવાદદાતા, નવી દિલ્હી
લાઇન
  • બીબીસી તરફથી કરવામાં આવેલી આરટીઆઈ અંતર્ગત વડા પ્રધાન કાર્યાલય પાસેથી લૉકડાઉન અંગે માહિતી માગવામાં આવી હતી પરંતુ તે આપવાનો ઇનકાર કરી દેવાયો હતો
  • વડા પ્રધાન કાર્યાલયે માહિતીના અધિકાર કાયદાની કલમ 7(9) ટાંકીને માહિતી આપવાની ના પાડી દીધી હતી
  • અપીલની સુનાવણી બાદ, કેન્દ્રીય માહિતી આયોગે પીએમઓને નિર્દેશ આપ્યો છે કે તે પોતાના નિર્ણયની 'ફરી સમીક્ષા' કરે અને માહિતી 'મુદ્દાસર' આપે
  • બીબીસી સંવાદદાતાની અપીલ સાંભળ્યા બાદ મુખ્ય માહિતી કમિશનર વાઈ. કે. સિંહાએ આ આદેશ 11 જુલાઈના રોજ જાહેર કર્યો હતો
  • આ આરટીઆઈ એ 240 કરતાં વધુ અરજીઓનો ભાગ હતી જે અલગ અલગ કેન્દ્ર અને રાજ્ય સરકારો, મંત્રાલયોને મોકલવામાં આવી હતી
  • છ મહિના સુધી ચાલેલ આ પ્રયાસ એ સમજવા માટે કરાયો હતો કે દરેક મંત્રાલયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લૉકડાઉનની જાહેરાત કરાઈ એ પહેલાં કેવી તૈયારીઓ કરી હતી
લાઇન

કોરોના વાઇરસના વધતા પ્રકોપ દરમિયાન લૉકડાઉન લાદવાની વડા પ્રધાનની જાહેરાત પહેલાં કયા વિભાગો સાથે વિચારવિમર્શ કરાયું હતું અને વડા પ્રધાન મોદી આ નિર્ણય લેવા સુધી કેવી રીતે પહોંચ્યા હતા.

બીબીસી તરફથી, માહિતી અધિકાર (આરટીઆઈ) અંતર્ગત વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) પાસેથી જાણકારી માગવામાં આવી હતી પરંતુ જાણકારી આપવાનો ઇનકાર કરી દેવાયો હતો.

અપીલની સુનાવણી બાદ, કેન્દ્રીય સૂચના આયોગે (સીઆઈસી) પીએમઓને નિર્દેશ આપ્યો છે કે તે પોતાના નિર્ણયની 'ફરી સમીક્ષા' કરીને, માગવામાં આવેલ જાણકારી 'મુદ્દાસર' આપે.

માહિતી આયોગે આરટીઆઈના જવાબમાં વડા પ્રધાન કાર્યાલયની અગાઉની પ્રતિક્રિયાને 'અમાન્ય' અને 'માહિતીના અધિકારની જોગવાઈથી વિરુદ્ધ' ગણાવી છે.

બીબીસી સંવાદદાતાની અપીલ સાંભળ્યા બાદ મુખ્ય માહિતી કમિશનર વાઈ. કે. સિંહાએ આ આદેશ 11 જુલાઈના રોજ જાહેર કર્યો હતો.

માહિતીના અધિકાર અંતર્ગત આ અરજી નવેમ્બર 2020માં કરાઈ હતી.

લૉકડાઉન

નીચે અપાયેલ સ્ક્રીનશૉટમાં જોઈ શકાય છે, માહિતીના અધિકાર અંતર્ગત વડા પ્રધાન કાર્યાલયથી કોરોના વાઇરસ લૉકડાઉન લાદ્યા પહેલાં થયેલી બેઠકો વિશે જાણકારી માગવામાં આવી હતી. એવું પણ પુછાયું હતું કે કઈ કઈ ઑથૉરિટી, મંત્રાલયો અને વિશેષજ્ઞો સાથે સલાહ-મસલત કરાઈ હતી અને શું રાજ્યોના મુખ્ય મંત્રીઓને લૉકડાઉન લદાયું એ પહેલાં માહિતગાર કરાયા હતા કે કેમ?

વડા પ્રધાન કાર્યાલય દ્વારા માહિતીના અધિકાર કાયદાની કલમ 7(9) ટાંકીને માહિતી આપવાની ના પાડી દેવાઈ હતી. આ અંગેની અપીલને પણ પીએમઓ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.

તે બાદ માહિતી કમિશનર સમક્ષ અરજી દાખલ કરાઈ હતી જેના પર સુનાવણી કરતાં આ નિર્દેશ અપાયા છે.

line

આરટીઆઈની કલમ 7(9) શું છે?

આરટીઆઈ
આરટીઆઈ

આ કલમ પ્રમાણે "માહિતી સામાન્યપણે એ જ સ્વરૂપે આપવામાં આવશે જે સ્વરૂપે તે માગવામાં આવી છે, જો આવું કરવામાં સાર્વજનિક ઑથૉરિટીનાં સંસાધનોનો અપ્રમાણસર ઉપયોગ કરવો પડે કે સંબંધિત રેકર્ડની સુરક્ષા કે સંરક્ષણ માટે હાનિકારક હોય, તો તે જાણકારી તે સ્વરૂપમાં ન આપી શકાય."

આ વ્યવસ્થા જાણકારી આપવાના સ્વરૂપ વિશે છે, તેમાં સરકારી વિભાગને એ વાતની છૂટ નથી અપાઈ કે તેઓ માહિતી ન આપે.

મુખ્ય માહિતી કમિશનરે આ સંવાદદાતાની બે અન્ય અપીલો પર નિર્ણય આપ્યો છે. તેમાં ગૃહમંત્રાલય દ્વારા લૉકડાઉન સાથે સંબંધિત માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.

વડા પ્રધાન કાર્યાલયની જેમ કેન્દ્રીય ગૃહમંત્રાલયમાં ડિસેમ્બર 2020 અને જાન્યુઆરી 2021માં દાખલ કરાયેલ આરટીઆઈ અંતર્ગત મંત્રાલયને એવું પુછાયું હતું કે શું સમગ્ર દેશમાં લૉકડાઉન લાદવાના નિર્ણય અંગે માહિતી અપાઈ હતી કે કેમ અને મંત્રાલય તરફથી કયાં અને કેવાં સૂચન કરાયાં હતાં. આ અરજીનો સ્ક્રીનશૉટ નીચે જોઈ શકાય છે.

પીએમ નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલ 2020 ના રોજ રાષ્ટ્રજોગ સંદેશમાં લૉકડાઉનને ત્રણ મે સુધી વધારી દીધું હતું

ઇમેજ સ્રોત, SOPA IMAGES

ઇમેજ કૅપ્શન, પીએમ નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલ 2020 ના રોજ રાષ્ટ્રજોગ સંદેશમાં લૉકડાઉનને ત્રણ મે સુધી વધારી દીધું હતું

કેન્દ્રીય ગૃહમંત્રાલયે માગવામાં આવેલ જાણકારી ઉપલબ્ધ નહોતી કરાવી.

મંત્રાલયે માહિતીના અધિકાર કાયદાની કલમ 8 (1)(a) અંતર્ગત માહિતી આપવાનો ઇનકાર કરાયો હતો. આ કલમ એવી માહિતી વિશે છે, જેના પ્રકાશનથી ભારતનાં સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યની સુરક્ષા, વ્યૂહરચના, વૈજ્ઞાનિક કે આર્થિક હિતો, વિદેશી રાજ્ય સાથે સંબંધ કે અન્ય કોઈ અપરાધને રોકવાની દિશામાં પ્રતિકૂળ પ્રભાવ પડી શકે છે.'

આ સિવાય કલમ 8 (1)(e)ને પણ ટાંકવામાં આવી હતી. આરટીઆઈ કાયદાની 8 (1)(જે) એવી સૂચનાને જાહેર કરવાની છૂટ આપે છે જે અંગત સૂચના સાથે સંબંધિત છે અને જેની સાથે સામાન્ય હિતનો કોઈ સંબંધ નથી કે જેનાથી વ્યક્તિની પ્રાઇવસીનું ઉલ્લંઘન થાય છે.

line

શું છે પૃષ્ઠભૂમિ?

આરટીઆઈ
ઇમેજ કૅપ્શન, લૉકડાઉનની જાહેરાત બાદ શહેરોમાં રહી રહેલા લાખો પ્રવાસી મજૂરોએ ગામડાં તરફ પલાયન કરવાનું શરૂ કરી દીધું હતું

આ આરટીઆઈ અરજીઓ એ 240 કરતાં વધુ અરજીઓનો ભાગ હતી જે અલગ અલગ કેન્દ્ર અને રાજ્ય સરકારો, મંત્રાલયો જેમાં સ્વાસ્થ્ય, શ્રમ, નાણા, ગૃહમંત્રાલય સામેલ હતાં, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન ઑથૉરિટી (એનડીએમએ) અને ઘણાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશનાં કાર્યાલયોને મોકલવામાં આવી હતી.

છ મહિના સુધી ચાલેલ આ પ્રયાસ એ સમજવા માટે કરાયો હતો કે દરેક મંત્રાલયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લૉકડાઉનની જાહેરાત કરાઈ એ પહેલાં કેવી તૈયારીઓ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર કલાકની નોટિસની અંદર જ લૉકડાઉન લાદી દીધું હતું.

અમને એ વાતનો કોઈ પુરાવો ન મળ્યો કે આવું કરવામાં કોઈ સંસ્થા કે વિશેષજ્ઞની લૉકડાઉન લાદવા પહેલાં કોઈ સલાહ લેવામાં આવી હતી કે આ નિર્ણયમાં તેમની કોઈ ભૂમિકા હતી.

લૉકડાઉનની જાહેરાત પછી શહેરોમાં રહેતા લાખો પ્રવાસી મજૂરોએ ગામો તરફ પલાયન શરૂ કર્યું

ઇમેજ સ્રોત, NUR PHOTO

ઇમેજ કૅપ્શન, લૉકડાઉનની જાહેરાત પછી શહેરોમાં રહેતા લાખો પ્રવાસી મજૂરોએ ગામો તરફ પલાયન શરૂ કર્યું

એનડીએએ દ્વારા મળેલ જાણકારીતી એ ખબર પડી હતી કે લૉકડાઉન લાદ્યા પહેલાં વડા પ્રધાને એનડીએમએની કોઈ બેઠકમાં ભાગ નહોતો લીધો જ્યારે વડા પ્રધાન એડીએમએના પ્રમુખ હોય છે. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લૉકડાઉનની જાહેરાત કરી હતી ત્યારે દેશમાં કોરોના સંક્રમણના 519 મામલાની પુષ્ટિ થઈ ચૂકી હતી અને નવ મૃત્યુ થઈ ચૂક્યાં હતાં.

સરકારે વિશેષજ્ઞોને ટાંકીને લૉકડાઉનને યોગ્ય ઠેરવ્યું હતું. જોકે આ દરમિયાન મોટા પાયે પ્રવાસી મજૂરો અને કામદારોએ પરત ઘરે જવું પડ્યું હતું અને ઓછામાં ઓછા એક કરોડ લોકોએ કામ છૂટવાના અને શટડાઉન હોવાના કારણે પોતાનાં ગામ કે ગૃહનગર પરત ફરવું પડ્યું હતું.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન