કોરોનામાં મેડિક્લેમને લગતી ફરિયાદો 50 ટકા વધી, ઇલાજ માટે લેવાઈ 4900 કરોડની લોન

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

"એપ્રિલ 2021માં એટલે કે બીજી લહેર દરમિયાન કોરોનાનો ચેપ લાગતા 1.8 લાખ રૂપિયા બિલ ચૂકવ્યું. મારે મેડિક્લેઇમ વીમાની પૉલિસી હોવાથી હું પૈસાની ચુકવણી બાબતે નિશ્ચિંત હતો. પરંતુ કંપનીએ માત્ર અડધાં જ નાણાં મંજૂર કર્યાં."

"હવે બાકીનાં નાણાં માટે વીમા લોકપાલને ફરિયાદ કરી છે, પરંતુ એક વર્ષ થવા છતાં કોઈ નિવારણ નથી આવ્યું."

કોરોના સમયે ઘણા દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી હોવાનું કહેવાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોરોના સમયે ઘણા દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી હોવાનું કહેવાય છે

અમદાવાદમાં નિવૃત્ત જીવન વિતાવી રહેલ ભદ્રેશ શાહ કોરોનાની બીજી લહેર સમયે પડેલી નાણાકીય ભીડ અને સર્જાયેલી સમસ્યા અંગે આ વાત જણાવે છે.

તેઓ આગળ કહે છે કે, "એ સમયે સારવાર મળી તે સારું થયું પરંતુ ગાંઠના પૈસા ખર્ચીને બેઠો થયો અને તેની કંપનીએ ચુકવણી ન કરતાં ભારે મુશ્કેલીમાં મુકાયો હતો. હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય નથી લેવાયો."

ભદ્રેશ શાહ પાસે એક મેડિક્લેઇમ કંપનીની પાંચ લાખ રૂપિયાની પૉલિસી હતી, જેનું તેઓ પાછલાં સાત વર્ષથી પ્રીમિયમ ભરી રહ્યા હતા. પરંતુ તેમની આગમચેતી તાકડે જ કામે ન લાગી તેવું તેઓ જણાવે છે.

નિષ્ણાતોના મતે કંઈક આવા જ હાલ કોરોનાકાળમાં ઘણા બધા મેડિક્લેઇમ સબસ્ક્રાઇબરના થયા.

જે ભારતીય વીમા નિયમન અને વિકાસ ઑથૉરિટી દ્વારા RTI અરજીના જવાબમાં પૂરી પાડેલી માહિતીમાં પણ આ જ વાત પ્રતિબિંબિત થાય છે.

બીબીસી ગુજરાતીએ જુદી જુદી સરકારી બૅંકો દ્વારા કોરોનાના ઇલાજ માટે પૂરી પડાયેલી લૉન અંગેની માહિતી RTI અંતર્ગત મેળવી હતી. જેમાં જાણવા મળ્યું કે ન માત્ર લાખો લોકોએ કરોડો રૂપિયા કોરોનાની સારવાર માટે લોન તરીકે લેવા પડ્યા. પણ હવે વ્યાવસાયિક અને ધંધા અર્થે લેવાતી લોનની જેમ આ હેતુસર લેવાયેલી લૉન પણ NPAમાં પરિવર્તિત થવા લાગી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર દેશમાંથી મેડિક્લેમ કંપનીઓ સામેની ફરિયાદોમાં વર્ષ 2021-22માં લગભગ 50 ટકાનો અસામાન્ય વધારો જોવા મળ્યો હતો.

જાણકારોના મતે આ વધારાનું મુખ્ય કારણ કોરોનાના કારણે માંદા પડેલા લોકોના મેડિકલ વીમા નકારાવો કે ઓછો મંજૂર થવો એ હોઈ શકે.

વર્ષ 2019-20માં આ ફરિયાદોની સંખ્યા 30,825 હતી, જે વર્ષ 2021-22માં વધીને 46,198 થઈ જવા પામી હતી.

બીબીસી ગુજરાતીએ આ વધારાના વલણનું યોગ્ય વિશ્લેષણ કરવા માટે મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતો સાથે વાત કરી હતી.

line

લોકોએ ખિસ્સાંમાંથી લાખો ખર્ચ્યા?

મેડિકલ વીમા અંગે મળેલ ફરિયાદોની સંખ્યામાં અસામાન્ય વધારો

ઇમેજ સ્રોત, Arjun Parmar

ઇમેજ કૅપ્શન, મેડિકલ વીમા અંગે મળેલ ફરિયાદોની સંખ્યામાં અસામાન્ય વધારો

મેડિકલ ક્ષેત્રના નિષ્ણાત અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના ડિરેક્ટર ડૉ. દિલીપ માવળંકર જણાવે છે કે, "વર્ષ 2021-22માં કોવિડ-19ના કારણે સામાન્ય કરતાં ઘણી વધુ સંખ્યામાં લોકોએ દાખલ થવું પડ્યું. તેના કારણે ઘણા લોકોને પોતાની મેડિક્લેઇમ કંપની સાથે ક્લેઇમ સેટલમૅન્ટ બાબતે અસંતોષ થયો હોય તેવું કહી શકાય. કોરોના આ વધારાનું મુખ્ય કારક હોઈ શકે."

તેઓ આ ફરિયાદોમાં થયેલ વધારા બાબતે હૉસ્પિટલો દ્વારા આચરાયેલી ગેરરીતિ, તેને નિયંત્રિત કરવામાં સરકારના અપૂરતા પ્રયત્નો, સરકારી હૉસ્પિટલોમાં લોકોનો અવિશ્વાસ અને મર્યાદિત સંસાધનોને કોરોના દરમિયાન લોકોને મેડિક્લેઇમ વીમા બાબતે વેઠવી પડેલ મુશ્કેલીઓ માટે કારણભૂત માને છે.

ડૉ. માવળંકર આગળ જણાવે છે કે, "દુર્ભાગ્યે આપણે ત્યાં સરકારી હૉસ્પિટલોમાં સંસાધનોની ભારે અછત છે. તેમજ કોરોના સમયે લોકોને સરકારી હૉસ્પિટલોની કામગીરી પર ભારે અવિશ્વાસ હતો. તેથી તેઓ ખાનગી હૉસ્પિટલોમાં સારવાર કરાવતા. અને બધી નહીં પરંતુ કેટલીક ખાનગી હૉસ્પિટલોએ મહામારીને તકમાં ફેરવી મનફાવે એવા ભાવ વસૂલી લોકોને પાયમાલ કરી નાખવાના કિસ્સા પણ જોવા મળ્યા છે."

"આ તમામ કારણે અંતે સામાન્ય નાગરિક જે એ સમયે જીવન-મૃત્યુ વચ્ચે હતો તેણે ભોગવવાનો વારો આવ્યો."

જોકે, ડૉ. માવળંકર એવું પણ નોંધે છે કે કોરોના દરમિયાન સરકારી હૉસ્પિટલોમાં અને ઘણી સરકારી યોજનાઓ અંતર્ગત લોકોનો મફત ઇલાજ થયો હોવાની વાત પણ એટલી જ સાચી છે. પરંતુ મહામારી દરમિયાન એ બધું અપૂરતું સાબિત થયું.

line

કંપનીઓના મનસ્વી નિર્ણયોના કારણે સર્જાઈ મુશ્કેલી?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

નિષ્ણાત ડૉક્ટર અને IMAની MPH શાખાનાં ચૅરપર્સન ડૉ. મોના દેસાઈ પણ માને છે કે કોરોના મહામારીના કારણે આરોગ્ય વીમાને લગતી ફરિયાદોમાં વધારો થયો હોઈ શકે.

તેઓ આ ફરિયાદો માટે મૂળભૂત કારણ કંપનીઓના અણઘડ વહીવટ અને મનસ્વી નિર્ણયોને ગણાવે છે.

ડૉક્ટર મોના દેસાઈ કહે છે કે, "કોરોના વખતે ઘણી કંપનીઓ દર્દીઓને અન્ય બીમારીઓ માટે થયેલ ખર્ચ ચૂકવવામાં આનાકાની કરતી હતી. ડૉક્ટરો દ્વારા અપાયેલ સલાહને અવગણીને મેડિક્લેઇમધારકોનાં નાણાં મનસ્વીપણે કાપીને મંજૂર કરવામાં આવી રહ્યાં હતાં. જેથી આ સમગ્ર માથાકૂટ ઊભી થઈ છે."

તેઓ વર્ષ 2020-21માં વર્ષ 2021-22ની સરખામણીમાં ઓછી ફરિયાદો અંગે કારણ આપતાં જણાવે છે કે, "કદાચ બીજી લહેર જે વર્ષ 2021-22માં આવી તે સમયે પ્રથમ લહેર કરતાં હૉસ્પિટલાઇઝેશનો દર વધુ હોવાના કારણે આ તફાવત જોવા મળી રહ્યો છે. કારણ કે પ્રથમ લહેર એટલે કે 2020-21માં લોકો સરકારી હૉસ્પિટલોમાં વધુ સારવાર લઈ રહ્યા હતા."

વધુ ફરિયાદો અંગે કોરોનાને કારણભૂત માનતા અમદાવાદ હૉસ્પિટલ્સ ઍન્ડ નર્સિંગ હોમ ઍસોસિયેશનના પ્રમુખ ડૉ. ભરત ગઢવી જણાવે છે કે, "કોરોના દરમિયાન મેડિક્લેઇમ કંપનીઓએ તેમના ગ્રાહકોને મુશ્કેલી વધારી દીધી હતી. તેના માટે કેટલીક હદે સરકારનો મર્યાદિત હસ્તક્ષેપ પણ કારણભૂત છે. જો સરકારે મેડિક્લેઇમ કંપનીઓને ગ્રાહકોના ક્લેઇમ સેટલ કરવા માટે સૂચન આપ્યું હોત તો આ ચિત્ર સુધર્યું શક્યું હોત."

line

કોરોનાની સારવાર માટે લોન થઈ રહી છે NPA?

સમગ્ર દેશમાં લોકોને કોરોનાના કારણે વેઠવી પડેલી નાણાકીય મુશ્કેલીઓનો તાગ મેળવવા માટે બીબીસી ગુજરાતીએ જુદી જુદી સરકારી બૅંકો દ્વારા કોરોનાના ઇલાજ માટે પૂરી પડાયેલી લોન અંગેની માહિતી RTI અંતર્ગત મેળવી હતી.

જેમાં સામે આવ્યું હતું કે ન માત્ર લાખો લોકોએ કરોડો રૂપિયા કોરોનાની સારવાર માટે લોન તરીકે લેવા પડ્યા. પરંતુ હવે વ્યાવસાયિક અને ધંધા અર્થે લેવાતી લોનની જેમ આ હેતુસર લેવાયેલ લોન પણ NPAમાં પરિવર્તિત થવા લાગી હતી.

RTI અંતર્ગત મળેલી માહિતી અનુસાર સમગ્ર દેશમાંથી 2,71,128 લોકોએ કોરોનાના ઇલાજ માટે 4,899.7 કરોડ રૂપિયાની લોન લીધી હતી. જે પૈકી લગભગ 13 કરોડ રૂપિયાની લોન અત્યાર સુધી જુદી જુદી બૅંકો દ્વારા NPA અને તાણગ્રસ્ત જાહેર કરાઈ છે.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

આમ, નિષ્ણાતોનું માનીએ તો તેમના અનુસાર કોરોનાના સમય દરમિયાન ન માત્ર ઘણા લોકોને મેડિક્લેઇમને લગતી ફરિયાદોને કારણે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ સારવાર માટે પણ કરોડોની લોન લેવી પડી એ સરકારી તંત્ર દ્વારા મહામારીને પહોંચી વળવા અપૂરતા પ્રયત્નો તરફ આંગળી ચીંધે છે.

બીજી તરફ સરકારનો દાવો કરે છે કે તેમણે કોરોના દરમિયાન તમામ જરૂરિયાતમંદ લોકોને જુદી જુદી યોજનાઓ અને તંત્ર અંતર્ગત પૂરતી સારવાર આપી છે.

કેન્દ્રની મોદી સરકારનો દાવો છે કે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કરોડો લોકોને ઘણી બધી સારવાર મફત ખાનગી તેમજ જાહેર હૉસ્પિટલોમાં મળી છે. જેમાં કોરોનાની સારવાર પણ સામેલ છે.

તેમજ હૉસ્પિટલો દ્વારા મનસ્વીપણે પૈસા વસૂલાતા હોવાની વાત પર સરકાર અવારનવાર કહી ચૂકી છે કે કોરોના દરમિયાન લોકોની ભલાઈ માટે ખાનગી હૉસ્પિટલો માટે નિયત રકમના પૅકેજ આપવાનું નક્કી કરાયું હતું, જેથી ગમે તે દર્દીને વધુ રકમ ન ચૂકવવી પડે. પરંતુ તેના પાલન અંગે નિષ્ણાતો નકારાત્મક મત ધરાવે છે.

મેડિક્લેઇમ કંપનીઓને પણ અવારનવાર ગ્રાહકોના યોગ્ય ક્લેઇમ નામંજૂર ન કરવા માટેનાં સૂચન અપાયાં હોવાનો સરકારનો દાવો છે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો