કર્ણાટકની આ શાહી મસ્જિદ શું હનુમાન મંદિર તોડીને બનાવી હતી?

ઇમેજ સ્રોત, IMRAN QURESHI
- લેેખક, ઇમરાન કુરૈશી
- પદ, બીબીસી, બૅન્ગલુરુથી
- હિન્દુવાદી સંગઠનોનું માનવું છે કે કર્ણાટકના શ્રીરંગપટનામાં બનાવાયેલી મસ્જિદ ખરેખર તો મંદિરને તોડીને બાંધવામાં આવી છે. આ મસ્જિદ ટીપુ સુલતાને બનાવી હતી.
- તાજેતરમાં જ નરેન્દ્ર મોદી વિચારમંચ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના સેંકડો કાર્યકર્તાઓને આ મામલે પ્રદર્શનો કર્યાં હતાં.
- કર્ણાટકમાં આ બીજી મસ્જિદ છે જેના વિશે એવો દાવો થઈ રહ્યો છે કે, અયોધ્યાની બાબરી મસ્જિદ અને વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદની જેમ પહેલાં આ હિન્દુ મંદિર હતું.
કર્ણાટકના શ્રીરંગપટનામાં ટીપુ સુલતાને બનાવેલી જામા મસ્જિદની ઘેરાબંધી કરીને 'મંદિરને મુક્ત કરાવવાનો' પહેલો મોટો પ્રયાસ કરાયો અને એ નિષ્ફળ ગયો. હિન્દુવાદી સંગઠનો માને છે કે ટીપુ સુલતાને બનાવેલી આ મસ્જિદ એક મંદિરના અવશેષો પર બની છે.
જિલ્લા વહીવટી તંત્રે હિન્દુવાદી સંગઠનોના આહ્વાનને ધ્યાનમાં રાખીને સુરક્ષાનો કડક બંદોબસ્ત કર્યો હતો. પોલીસે દેખાવકારોને મસ્જિદની નજીક પણ ના પહોંચવા દીધા.
જામા મસ્જિદ સાથે સંકળાયેલાં ઐતિહાસિક પ્રમાણો (પુરાવા)ના આધારે જાણવા મળે છે કે આ મસ્જિદની કહાણી વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ કે મેંગ્લોરની મલાલી મસ્જિદ (જ્યાં મંદિર જેવું માળખું દેખાય છે.) કરતાં ઘણી જુદી છે.
ચોથી જૂને નરેન્દ્ર મોદી વિચારમંચ (એનએમવીએમ), વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) અને બજરંગદળના સેંકડો કાર્યકર્તાઓને મસ્જિદથી લગભગ બે કિલોમીટરના અંતરે બેંગ્લોર-મૈસુરુ હાઈવે પર દેખાવો કરવાની મંજૂરી આપવામાં આવી હતી. એ દરમિયાન મસ્જિદની સુરક્ષા માટે 500 જવાન બંદોબસ્તમાં હતા.

ઇમેજ સ્રોત, IMRAN QURESHI
ભગવો ખેસ ઓઢેલા અને જય હનુમાન, જય શ્રીરામનાં સૂત્રો પોકારતા દેખાવકારોને મંડ્યા જિલ્લાના સહાયક કમિશનરે શાંતિ જાળવવાની અપીલ કરી હતી.
બાદમાં પુરાતત્ત્વ સર્વે (એએસઆઇ)ના અધિકારીએ પણ એમને સંબોધિત કર્યા હતા.
દેખાવકારોને સંબોધિત કરતાં એએસઆઇના અધિકારીએ કહેલું, "તમારા (મંદિર હોવાની તપાસ કરવા માટેના) આવેદનપત્રને અમે દિલ્હી નિદેશાલય મોકલી લીધો છે. હું એક કન્નડ છું અને મેં જાતે એનો અંગ્રેજીમાં અનુવાદ કરીને મોકલ્યો છે."
નરેન્દ્ર મોદી વિચારમંચ (એનએમવીએમ)ના સંયોજક સીટી મંજૂનાથે બીબીસીને જણાવ્યું કે, "અમારી પાસે એ બાબતના પૂરતા પ્રમાણ છે કે આ મસ્જિદ એક મંદિર છે. અહીંનાં સ્તંભ, કળશ, ગણેશ, કલ્યાણી, ચક્ર (જે વિષ્ણુમંદિરોમાં મળે છે.), આ બધું મસ્જિદમાં છે. એ જોતાં આ મસ્જિદ નહીં બલકે એક મંદિર છે. અમે ઇચ્છીએ છીએ કે જ્ઞાનવાપીની જેમ જ આનો પણ સર્વે થાય."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, IMRAN QURESHI
મંજૂનાથે કહ્યું, "એકવાર સર્વે પૂરો થઈ જાય અને એ સાબિત થઈ જાય કે આ એક મંદિર છે તો મહેરબાની કરીને આને અમને સોંપી દો. અમને વિશ્વાસ છે કે મુંદુલાબાગિલુ અંજનાસ્વામી દેવસ્થાનમ્ અહીં મોજૂદ છે."
કર્ણાટકમાં આ બીજી મસ્જિદ છે જેના વિશે એવો દાવો થઈ રહ્યો છે કે, અયોધ્યાની બાબરી મસ્જિદ અને વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદની જેમ પહેલાં આ હિન્દુ મંદિર હતું, મેંગ્લોરની મલાલી મસ્જિદની જાળવણી માટે જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે ત્યાં મંદિર જેવું માળખું જોવા મળ્યું તેથી ત્યાં મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો.
સ્થાનિક પોલીસે મસ્જિદને બૅરિકેડ કરી દીધી અને હવે આ કેસ એક સ્થાનિક અદાલતમાં વિચારાધીન છે.
મંજૂનાથનું કહેવું છે કે જ્ઞાનવાપી અને મલાલી મસ્જિદની જેમ જ હિન્દુ સંગઠન અદાલતમાં અરજી કરશે. એમણે કહ્યું, 'અમે ઉપાસનાસ્થળ કાયદો 1991ને રદ કરવાની માગણી કરીશું.'

ઇમેજ સ્રોત, IMRAN QURESHI
આ કાયદો બાબરી મસ્જિદ વિવાદ દરમિયાન પીવી નરસિમ્હા રાવની સરકારે પાસ કર્યો હતો. આ કાયદા અંતર્ગત બધાં ધાર્મિક સ્થળોની સ્થળ-સ્થિતિ એવી જ રહેશે જેવી 1947 પહેલાં હતી.
તાજેતરમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે એક બયાનમાં કહ્યું કે બધી મસ્જિદોમાં શિવલિંગ શોધવાની જરૂર નથી.
આ બાબતે મંજૂનાથે કહ્યું, "એમણે કોઈ સીધો-સ્પષ્ટ સંદેશ નથી આપ્યો. આરએસએસ એક શક્તિશાળી સંગઠન છે જે દેશના ભલા માટે કામ કરે છે. પરંતુ સંઘપ્રમુખના બયાનમાં કોઈ સ્પષ્ટતા નથી."

પુરાવા શા છે?

ઇમેજ સ્રોત, IMRAN QURESHI
મંજૂનાથે કહ્યું કે, "એએસઆઇના 1935ના સર્વે રિપોર્ટમાં એવું ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે અહીં ક્યારેક મંદિર હતું. તારીખ-એ-ટીપુ અને માલાબાર મૅન્યુઅલમાં પણ એવું વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યાં આજે મસ્જિદ છે ત્યાં ક્યારેક અંજનાસ્વામી મંદિર હતું."
ટીપુ સુલતાનના દરબારમાં 1781થી 1786 દરમિયાન કામ કરનાર ઈરાની મૂળના લેખક મીર હુસૈનઅલી કિરમાણીના પુસ્તક 'હિસ્ટરી ઑફ ટીપુ બીઇંગ અ કન્ટિન્યુએશન ઑફ ધ નિશાન-એ-હૈદરી'માં મસ્જિદના નિર્માણનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે. મૂળ ફારસીમાં લખાયેલા આ પુસ્તકનો કર્નલ ડબ્લ્યુ માઇલ્સે અનુવાદ કર્યો હતો અને એને (પુસ્તકને) એએસઆઇએ પ્રકાશિત કર્યું છે.
આ પુસ્તકમાં કહેવાયું છે કે, "આ મસ્જિદ બનાવવાનું સંક્ષિપ્ત કારણ આ પ્રમાણે છે - એ જાણીતું છે કે જ્યારે તિરસ્કૃત બ્રાહ્મણ ખુંડા રાવે પોતાના માલિકને નુકસાન કરાવવાના ઇરાદે મુસીબતો ઊભી કરવાનું શરૂ કર્યું અને દિવંગત નવાબ (હૈદરઅલી)એ એકલા જ બૅંગ્લોર ભાગી જવું પડ્યું ત્યારે આ ખલનાયકે નવાબની પત્નીઓ અને ટીપુ સુલતાન (જે એ સમયે છ-સાત વર્ષના હતા.)ને બંધક બનાવી લીધાં. એમને કિલ્લાના દેવરાયપીઠ દરવાજાની પાસેના એક ઘરમાં રાખવામાં આવ્યાં હતાં જે પહેલાં ગંજમ દરવાજો કહેવાતો હતો. એની આસપાસ એક મોટું મેદાન હતું."
"સુલતાન પોતાની બાળવયે અન્ય બાળકોની જેમ જ રમતના શોખીન હતા. એ મેદાનમાં કિનહારી (કન્નડ જાતિઓ) અને બ્રાહ્મણોનાં બાળકો પણ મેદાનમાં ભેગાં થઈને મનોરંજન કરતાં હતાં. સુલતાન ઘરની શાંતિમાં બેસીને એ બાળકોને રમતાં જોતા રહેતા હતા. એક દિવસ એવું થયું કે એક સંત-ફકીર એ રસ્તેથી પસાર થયા અને સુલતાનને જોઈને એમને વરદાન આપ્યું કે, હે ભાગ્યશાળી બાળક, ભવિષ્યમાં તું આ દેશનું શાસન સંભાળીશ અને જ્યારે એ સમય આવે ત્યારે તું મારા શબ્દો યાદ રાખજે. આ મંદિરને પાડીને અહીં એક મસ્જિદ બનાવજે અને સદીઓ સુધી એ મસ્જિદ તારું સ્મારક બની રહેશે."
"સુલતાને મલકાઈને એ ફકીરને કહ્યું એમના આશીર્વાદથી તેઓ જ્યારે બાદશાહ કે રાજા બનશે ત્યારે એવું જ કરશે જેવું એમણે કહ્યું છે. એનાં થોડાં વર્ષો પછી જ્યારે એમના પિતા શાસક બન્યા અને એમની પાસે ખૂબ ધન અને વિસ્તાર આવી ગયાં ત્યારે એમને પોતાનું વચન યાદ રહ્યું. નગર અને ગોરિયલ બુંડેરથી પાછા ફર્યા બાદ એમણે મંદિર (જેમાં બળદની પ્રતિમા અને દીવાલો સિવાય કશું નહોતું.)ની પૂજા કરનારાઓ પાસેથી એમની મરજીથી તે જમીન ખરીદી લીધી અને પછી બ્રાહ્મણ એ પ્રતિમાને દેવરાયપીઠ લઈ ગયા. એને ત્યાં સ્થાપિત કરી દીધી અને મંદિર તોડી પાડવામાં આવ્યું. નવી જમીન પર મસ્જિદનું માળખું ઊભું કરી દેવાયું. બીજાપુરમાંની અલી આદિલશાહની મસ્જિદના નકશા પ્રમાણે આ મસ્જિદ બનાવવામાં આવી."
(અહીં બળદની જે પ્રતિમાનું વર્ણન છે તે નંદી છે જેમને ભગવાન શિવનું વાહન માનવામાં આવે છે.)
આ પુસ્તકના આધારે જ ટીપુના સમયખંડ વિશે નિયમિત લખતા રહેલા બ્લૉગર નિધિન ઓલીકારાએ બીબીસીને કહ્યું કે આ મસ્જિદ બનાવવામાં બે વર્ષ થયાં હતાં અને એમાં 3 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.
એમણે જણાવ્યું કે, "આ શ્રીરંગપટનાની સૌથી મહત્ત્વની મસ્જિદ છે અને એને મસ્જિદ-એ-આલા કે શાસકની મસ્જિદ કહેવામાં આવી અને તે ટીપુ સુલતાનના રાજ્યની મુખ્ય જામા મસ્જિદ પણ હતી."
નિધિને જણાવ્યું કે, મસ્જિદની એક બાજુ સ્થંભોવાળો એક હૉલ છે.
તેમણે જણાવ્યું, "આ સ્થંભોને ધ્યાનથી જોતાં એના પર વિશિષ્ટ હિન્દુ આકૃતિઓ જોવા મળે છે, ખાસ કરીને એક સ્તંભ પર. આ સ્તંભ પર હિન્દુ આકૃતિઓ સ્પષ્ટ છે અને એ અહીં રહેલા મંદિરનો ભાગ હોઈ શકે છે. જ્યારે મસ્જિદને અડીને આવેલા રોડ પર થોડાક આગળ જઈએ તો ધ્વજસ્થાનની પાસે એક નાનો પરંતુ ઘણા સ્તંભોવાળો વિશિષ્ટ હૉલ જોવા મળે છે. સંભવ છે કે એ યાત્રીઓ માટે બનાવાયો હોય. મેં આ હૉલના કેટલાક સ્તંભો પર પણ એવી જ હિન્દુ આકૃતિઓ જોઈ છે."
એ મંદિર ત્યાર પછી જામા મસ્જિદથી લગભગ અડધો કિલોમીટર દૂર સ્થિત છે.

બીજો દૃષ્ટિકોણ

ઇમેજ સ્રોત, IMRAN QURESHI
મૈસુર યુનિવર્સિટીમાંના ટીપુ સુલતાન સ્ટડીઝ વિભાગના ચૅર રહેલા પ્રોફેસર સેબાસ્ટિયન જોસેફ આ મુદ્દે અલગ દૃષ્ટિકોણ ધરાવે છે. જોકે તેઓ કિરમાણીના પુસ્તકના એ તથ્યનું સમર્થન કરે છે કે પહેલાં અહીં હિન્દુ મંદિર હતું.
"શ્રીરંગપટના કિલ્લાની અંદર આ મસ્જિદ એ સમયે બની હતી જ્યારે ટીપુ સુલતાનના દરબારમાં પૂર્ણૈય્યા નામક એક શક્તિશાળી દીવાન હતા. એમની સલાહ અને મંજૂરી વિના એક 'પથ્થર' પણ ક્યાંય નહોતો હલતો. હનુમાનમંદિરના મુખ્ય માળખાને ત્યાંથી હઠાવીને પૂર્ણૈય્યાની દેખરેખમાં જ કિલ્લાની બહાર પુનર્સ્થાપિત કરવામાં આવ્યું હતું. મસ્જિદ બનાવનારા કારીગરોએ તેના પાયા અને થોડા સ્તંભોનો ઉપયોગ કર્યો હતો. આ દક્ષિણ ભારતની એક સામાન્ય પરંપરા હતી."
પ્રોફેસર જોસેફે કહ્યું કે, "જો તમે શ્રીરંગપટના કિલ્લાને ધ્યાનથી જોશો તો કલસ્થાવાડાનાં જૈન મંદિરોના અવશેષો દેખાશે. એ મંદિરોને એ કાળના દંડનાયકે તોડી નાખ્યાં હતાં અને એના કાટમાળનો ઉપયોગ શ્રીરંગપટનાનો કિલ્લો બનાવવામાં કર્યો હતો. દેવરાય સમયના કેટલાક શિલાલેખ છે જેમાં ઓછામાં ઓછાં 100 જૈન મંદિરો તોડાયાં હોવાનું વિવરણ મળે છે."
ઇતિહાસના પ્રોફેસરે એમ પણ કહ્યું કે, "મૈસુરમાં હનુમાનમંદિરોનું નિર્માણ દંડનાયક વંશના સમયખંડમાં થયું જેઓ પોતાના શાસક વિજયનગરના મહારાજા પ્રતિ વફાદારી દર્શાવવા માગતા હતા. હનુમાન વફાદારીના પ્રતીક છે."
પ્રોફેસરે કહ્યું કે, "જ્યારે મૈસુરના વડયાર સ્વતંત્ર શાસકો તરીકે ઊભર્યા ત્યારે હનુમાનમંદિરોનું મહત્ત્વ ઘટી ગયું અને શ્રીરંગપટનાનાં શ્રીરંગનાથ અને ચામુંડાદેવેશ્વરી મુખ્ય મંદિર બની ગયાં. આ જ કારણ હતું કે પૂર્ણૈય્યાને હનુમાનમંદિરને કિલ્લાની બહાર 'સ્થળાંતરિત' કરવામાં કોઈ મુશ્કેલી ના નડી, કેમ કે બદલાતા રાજકીય સમયમાં આ મંદિરે પોતાનું મહત્ત્વ ગુમાવી દીધું હતું."
પ્રોફેસર જોસેફે કહ્યું કે, "એ સમયે જ્યારે વિજયનગર સામ્રાજ્યને અધીન દંડનાયક વંશના શાસકોએ હનુમાનમંદિરો નિર્માણ કરાવ્યાં ત્યારે કાવેરી ક્ષેત્રના શોષિત-પીડિત લોકોએ રાવણની પૂજા કરવાનું શરૂ કરી દીધું હતું. અહીં તમને રાવણનાં ઘણાં મંદિર જોવા મળશે."
જોકે, પ્રોફેસર જોસેફે કહ્યું કે, "ભારતમાં પહેલાંથી જ ધર્મનો રાજકીય ઉપયોગ થતો રહ્યો છે. જૈન-શૈવ સંઘર્ષ, શૈવ-વૈષ્ણવ સંઘર્ષ, બૌદ્ધ-વૈષ્ણવ સંઘર્ષ જેવા સંઘર્ષો પહેલાંથી જ ભારતીય ઇતિહાસમાં થતા રહ્યા છે. પરંતુ વાતાવરણ ડહોળવા માટે ઇતિહાસને ખોદ ખોદ ના કરવો જોઈએ."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












