ઑપરેશન બ્લૂસ્ટાર : એ ભારતીય જનરલ જે પાકિસ્તાન વિરુદ્ધ પણ લડ્યા અને ભારતની સામે પણ
ઑપરેશન બ્લૂસ્ટારના થોડા સમય પહેલાં સુવર્ણમંદિરમાં જરનૈલસિંહ ભિંડરાવાલેની સાથે ઘણી વાર એક લાંબી સફેદ દાઢી અને વ્યવસ્થિત પાઘડી બાંધેલી વ્યક્તિ બેઠેલી જોવા મળતી હતી.

ઇમેજ સ્રોત, PRABPAL SINGH
દેખાવમાં તેઓ દૂબળા-પાતળા જરૂર હતા પરંતુ એમનો ચેહરો બૌદ્ધિક હતો. બાહ્ય દેખાવ પરથી તેઓ ગ્રંથી (ગુરુદ્વારામાં ગ્રંથસાહેબના રક્ષક) હોવાનો આભાસ કરાવતા હતા પરંતુ વાસ્તવમાં તેઓ એક સૈનિક હતા - એ હતા મેજર જનરલ શાબેગસિંહ જેમણે ભારતીય સૈનિકોની સામે સુવર્ણ મંદિરમાં વ્યૂહરચના ગોઠવી હતી.
ત્રણ મહિના પછી જ્યારે ભારતીય સેના સુવર્ણ મંદિરમાં ઘૂસી ત્યારે એમણે જ લગભગ 200 અનુયાયીઓ સાથે એનો સામનો કર્યો હતો.
શાબેગસિંહ વાંચવા-લખવાના શોખીન હતા અને સાત ભાષા - પંજાબી, ફારસી, ઉર્દૂ, બાંગ્લા, ગોરખાની, હિન્દી અને અંગ્રેજી સહજતાથી બોલી જાણતા હતા.
મેજર જનરલ શાબેગસિંહનું વ્યક્તિત્વ કેવું હતું?
આ જ સવાલ મેં એમના નાના પુત્ર પ્રબપાલસિંહને પૂછ્યો. તેઓ હાલ ભિવાડીમાં રહે છે.
પ્રબપાલસિંહનો જવાબ હતો, "તેઓ 5 ફૂટ 8 ઇંચ ઊંચા હતા. ખૂબ સારા ઍથ્લીટ હતા. 18 વર્ષની ઉંમરે 100 મીટરની દોડમાં તેઓ ભારતીય રેકૉર્ડની સમકક્ષ આવ્યા હતા. એ ઉપરાંત તેઓ ખૂબ સારા ઘોડેસવાર અને તરવૈયા હતા. પરંતુ તેઓ પહેલાંથી જ સૈન્યમાં ભરતી થવા માગતા હતા."

ભારત તરફથી દરેક લડાઈમાં સામેલ થયા

ઇમેજ સ્રોત, PRABPAL SINGH
પોતાની સૈનિક કારકિર્દી દરમિયાન તેઓ ભારત તરફથી દરેક લડાઈ લડ્યા હતા, પછી તે બીજું વિશ્વયુદ્ધ હોય, 1947નો પાકિસ્તાનનો હુમલો હોય કે 1962નું ભારત-ચીનનું યુદ્ધ કે પછી 1965 અને 1971નાં ભારત-પાકિસ્તાન યુદ્ધ હોય.
પ્રબપાલસિંહે જણાવ્યું કે, "1942માં એમને કિંગ્સ કમિશન મળ્યું હતું. એમણે બ્રિટિશ ફૉર્સિસ સાથે રહીને સિંગાપુર અને મલાયાને આઝાદ કરાવ્યા હતા. ઈ.સ. 1948માં તેઓ કાશ્મીરમાં પાકિસ્તાનની વિરુદ્ધ લડ્યા. ત્યારે તેઓ બ્રિગેડિયર ઉસ્માનના સ્ટાફ ઑફિસર હતા. યુદ્ધમાં જ્યારે ઉસ્માન મરાયા ત્યારે તેઓ એમનાથી 20 ગજ (આશરે 60 ફૂટ)ના અંતરે હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રબપાલસિંહે જણાવ્યું કે, "1962ના યુદ્ધમાં તેઓ તેજપુરમાં હતા. (ત્યારે) જે ભારતીય સૈનિકો ઘાયલ હતા એમને તેઓ મજૂરની જેમ પોતાના ખભે ઉપાડીને તેજપુર હૉસ્પિટલ સુધી લઈ આવેલા."
"1965ના યુદ્ધ વખતે તેઓ હાજીપીર મોરચે હતા. તેઓ એવા એકમાત્ર ઑફિસર હતા જેમને લેફ્ટનન્ટ કર્નલમાંથી સીધા બ્રિગેડિયર તરીકે પ્રમોટ કરવામાં આવ્યા હતા. ઈ.સ. 1969માં તેમનું નાગાલૅન્ડમાં પોસ્ટિંગ થતાં ત્યાં ગયા હતા. જ્યારે બાંગ્લાદેશનો સંઘર્ષ શરૂ થયો ત્યારે એમને ત્યાંથી બોલાવવામાં આવ્યા હતા."

શાબેગમાંથી બન્યા બેગ

ઇમેજ સ્રોત, BHARATRAKSHAK.COM
1971માં જ્યારે બાંગ્લાદેશનો સંઘર્ષ શરૂ થયો ત્યારે ભારતીય સૈન્યના વડા સૅમ માણેકશૉએ એમને દિલ્હી બોલાવ્યા જ્યાં એમને મુક્તિવાહિનીને બેઠી કરવાની અને પ્રશિક્ષણ આપવાની જવાબદારી સોંપવામાં આવી.
આ એક ગુપ્ત મિશન હતું કેમ કે ભારત દુનિયાને એમ નહોતું બતાવવા માગતું કે એ મુક્તિવાહિનીને પ્રશિક્ષિત કરી રહ્યું છે. સત્તાવાર રીતે ભારતે હજુ સુધી એવું નથી સ્વીકાર્યું કે એણે મુક્તિવાહિનીને પ્રશિક્ષિત કરી છે.
પૂર્વ કમાનના પ્રમુખ જનરલ જગજિતસિંહ અરોડાનું માનવું હતું કે મુક્તિવાહિનીના પ્રશિક્ષણમાં શાબેગસિંહનો ખૂબ મોટો ફાળો હતો.
એ જમાનામાં તેઓ પરંપરાવાદી શિખ નહોતા. જ્યારે કામની જરૂરિયાત ઊભી થઈ ત્યારે એમણે પોતાના વાળ સુધ્ધાં કપાવી નાખ્યા હતા.
શાબેગસિંહના પુત્ર પ્રબપાલસિંહે જણાવ્યું કે, "જ્યારે મારા પિતા મુક્તિવાહિનીને ટ્રેન કરતા હતા ત્યારે અમને ખબર નહોતી કે તેઓ ક્યાં રહે છે. જ્યારે અમે એમને ફોન પર પૂછ્યું કે તમારું સરનામું જણાવો તો એમણે કહેલું, મિસ્ટર બેગ, હબીબ ટેલરિંગ હાઉસ, અગરતલા. જ્યારે તેઓ ઘણા દિવસો સુધી ઘરે ના આવ્યા ત્યારે મારાં માતાએ મારા મોટા ભાઈને કહ્યું કે 'તું રજા લે અને જઈને તપાસ કર કે તારા પિતા ક્યાં છે? તેઓ પત્રનો જવાબ પણ નથી લખતા.' જ્યારે મારા ભાઈ ત્યાં ગયા તો એમણે કહ્યું, 'હું ઠીક છું. હું એક અંડરગ્રાઉન્ડ ઑપરેશનમાં છું. હું હવે બ્રિગેડિયર શાબેગ નથી, હવે મારું નામ બેગ છે."

મુક્તિવાહિનીને ટ્રેનિંગ આપી

ઇમેજ સ્રોત, PRABPAL SINGH
બ્રિગેડિયર શાબેગસિંહને ડેલ્ટા સેક્ટરમાં મધ્ય અને પૂર્વ બાંગ્લાદેશના વિસ્તારોમાં મુક્તિવાહિનીને પ્રશિક્ષણ આપવા માટેના ઇન્ચાર્જ બનાવાયા હતા.
એમણે પાકિસ્તાની સેના છોડીને આવેલા ઘણા લોકોને ટ્રેન કર્યા હતા. જેમાં મેજર ઝિયા ઉર રહમાન અને મહમદ મુશ્તાક પણ હતા. ઝિયા ઉર રહમાન પછીથી બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અને સેનાધ્યક્ષ બન્યા.
શાબેગના પ્રયાસોથી જાન્યુઆરીથી ઑક્ટોબર, 1971 સુધી બાંગ્લાદેશમાં છાપામાર આંદોલન એટલી હદે વધી ગયું કે જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે પાકિસ્તાની સેનાની વિરોધ કરવાની ઇચ્છાશક્તિ લગભગ સમાપ્ત થઈ ગઈ હતી.
પ્રબપાલસિંહે જણાવ્યું કે, "મારા પિતાએ મુક્તિવાહિનીને શસ્ત્રો ચલાવતાં શીખવ્યું, છાપામાર યુદ્ધની રણનીતિ સમજાવી. ચટગાંવ બંદર પર એમણે એક સમયે પાંચ નાનાં જહાજ ઉડાવી દીધાં હતાં."
"મુક્તિવાહિનીએ પાકિસ્તાની સેનાના અધિકારીઓ પર લાગ જોઈને હુમલા શરૂ કર્યા. તેઓ એમના સૈનિક કાફલાઓ પર હુમલા કરવા લાગ્યા, પુલ ઉડાડવા લાગ્યા અને એવી સ્થિતિ ઊભી કરવા માંડ્યા કે પાકિસ્તાની સેના સુધી ખાવાપીવાનો સામાન ના પહોંચી શકે. આ બધા માટે એમને બ્રિગેડિયર શાબેગસિંહે ટ્રેન કર્યા."

પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત

ઇમેજ સ્રોત, PRABPAL SINGH
બાંગ્લાદેશ યુદ્ધમાં બ્રિગેડિયર શાબેગસિંહની સેવાઓ માટે ભારત સરકારે તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કર્યા. એની પહેલાં તેમને અતિ વિશિષ્ટ સેવા મેડલ મળી ચૂક્યો હતો.
પુરસ્કાર વિતરણ સમારોહમાં ભાગ લેવા પોતે પિતાની સાથે રાષ્ટ્રપતિ ભવન ગયા હતા તેવું આજે પણ પ્રબપાલસિંહને યાદ છે.
પ્રબપાલસિંહે જણાવ્યું કે, "તે વખતે રાષ્ટ્રપતિ વી.વી. ગિરિ હતા. અશોક હૉલમાં પદક સમારોહ પછી તેમણે પાર્ટી આપી હતી. અમે બધા ઊભા હતા, એવામાં જ માણેકશૉનો અવાજ ગુંજી ઊઠ્યો, 'ઓય શાબેગ, તેરી સંગિની કિત્થે હૈ?' બધા લોકો મારા પિતા તરફ જોવા લાગ્યા. મારા પિતાએ કહ્યું, 'સર, હું હમણાં જ એમને લઈ આવું છું.' પછી સૅમ મારાં માતાને મળ્યા. મેં પણ એમની સાથે હાથ મિલાવ્યા. એમણે એક ગોરખા જવાનનાં પત્ની સાથે પણ નેપાળીમાં વાત કરી. તેઓ એટલી સારી વ્યક્તિ હતા કે દરેક સાથે ભળી જતા હતા."

રાવ ફરમાનઅલીએ 10 લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું

ઇમેજ સ્રોત, Getty Images
1971ના યુદ્ધ પછી શાબેગસિંહને જબલપુરમાં પાકિસ્તાની સૈનિકોના યુદ્ધકેદી કૅમ્પના ઇન્ચાર્જ બનાવાયા. એ જ કૅમ્પમાં જનરલ નિયાઝી અને પાકિસ્તાની સેનાના વરિષ્ઠ અધિકારીઓને રાખવામાં આવ્યા હતા.
એક વાર જ્યારે શાબેગસિંહ યુદ્ધકેદી કૅમ્પ જતા હતા ત્યારે એમના પુત્ર પ્રબપાલસિંહે પણ એમની સાથે ત્યાં જવાની ઇચ્છા વ્યક્ત કરી.
પ્રબપાલે જણાવ્યું કે, "જ્યારે હું ત્યાં પહોંચ્યો તો ત્યાં પાકિસ્તાની સેનાના ઘણા મોટા અધિકારીઓ બેઠા હતા. એટલામાં મેજર જનરલ રાવ ફરમાનઅલી ઓરડામાં દાખલ થયા. આવતાં જ એમણે મારા પિતા તરફ ધ્યાનથી જોયું. નિયાઝીએ હસીને કહ્યું, આ બહુરૂપિયાને ના ઓળખ્યા?"
"ફરમાન અલી બોલ્યા, 'ના, પરંતુ લાગે છે મેં આમને ક્યાંક જોયા છે.' મારા પિતાજીએ પોતાની પાઘડી ઉતારી નાખી. ફરમાનઅલીએ કહ્યું, 'સો યૂ આર મિસ્ટર બેગ.' મારા પિતાજીએ પોતાની પાઘડી પહેરીને કહ્યું, 'આઈ એમ જનરલ શાબેગસિંહ.'"
એમણે કહ્યું, "પછી મેં ફરમાનઅલીને પૂછ્યું કે તમે આમની સાથે આ રીતે (આ ટૉનમાં) કેમ વાત કરી? એમણે કહ્યું, 'યૂ નો યૉર ફાધર વૉઝ વૉન્ટેડ ડેડ ઑર અલાઇવ ફૉર 10 લાખ રૂપિઝ."
પ્રબપાલસિંહે કહ્યું, "જ્યારે નિયાઝી ટ્રેનમાં પાકિસ્તાન પાછા જઈ રહ્યા હતા ત્યારે હું મારા પિતા સાથે એમને સ્ટેશને મૂકવા ગયો હતો. મેં એમને એક મીઠાઈનો ડબ્બો અને કે.એલ. સહગલની છ રેકર્ડ પૅક કરી આપી હતી. હી વૉઝ વેરી ટચ્ડ."

નોકરીમાંથી બરતરફ થયા જનરલ શાબેગસિંહ

ઇમેજ સ્રોત, Getty Images
ત્યાર પછી ઉત્તર પ્રદેશના બરેલીમાં એમનું પોસ્ટિંગ થયું હતું. બરેલીનો વિસ્તાર ઘણો મોટો હતો. એમાં બે-ત્રણ ટ્રેનિંગ સેન્ટર હતાં. ત્યાં એક ઑડિટ રિપોર્ટમાં નાણાકીય ગેરરીતિની માહિતી મળી. જનરલ શાબેગસિંહે એનાં મૂળ સુધી પહોંચવાની કોશિશ કરી, જે સેનાના ઉચ્ચ અધિકારીઓને ના ગમ્યું.
પરિણામ એ આવ્યું કે, જનરલ શાબેગસિંહના રિટાયરમેન્ટના માત્ર એક દિવસ પહેલાં એમને કોઈ પણ પ્રકારના મુકદમા કે કાર્ટ માર્શલ વગર નોકરીમાંથી બરતરફ કરી દેવાયા.
એમનું પૅન્શન પણ અટકાવી દેવાયું. એમના પર ભ્રષ્ટાચારના બીજા આરોપ પણ કરવામાં આવ્યા કે જબલપુરથી સ્થાનાન્તરિત થતી વખતે એમણે એક ચાંદીની તાસકની ભેટ સ્વીકારી હતી જેની કિંમત 2,500 રૂપિયા હતી. એમના પર પોતાનું મકાન બનાવવા માટે પોતાની આવકના સ્રોત કરતાં વધારે નાણાં ખર્ચ્યાં હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો.
ઑપરેશન બ્લૂસ્ટાર પર 'અમૃતસરઃ મિસિસ ગાંધીઝ લાસ્ટ બૅટલ' પુસ્તક લખનાર સીતશ જૅકબે જણાવ્યું કે, "સરકારના આ પગલાએ જનરલ શાબેગસિંહને ખૂબ ખિન્ન અને સરકારવિરોધી બનાવી દીધા. એમણે સરકારના આ નિર્ણયને અદાલતમાં પડકાર્યો. "
"અદાલતને એમના પર લાગેલા આરોપો ખોટા લાગ્યા, તેમ છતાં સરકાર માટેના એમના વલણમાં કોઈ પરિવર્તન ના આવ્યું. ત્યારે એમણે પોતાના મનની શાંતિ માટે ધર્મનો સહારો લીધો અને ત્યારે જ તેઓ જરનૈલસિંહ ભિંડરાવાલેની અરસ હેઠળ આવ્યા."

જનરલ શાબેગે જ્યારે સતીશ જૅકબને ખખડાવ્યા

ઇમેજ સ્રોત, PRABPAL SINGH
સતીશ જૅકબે અન્ય એક કિસ્સો જણાવ્યો, "ભિંડરાવાલેને હું ઘણા સમય પહેલાંથી ઓળખતો હતો, કેમ કે હું ઘણી વાર એમના ઇન્ટર્વ્યૂ લેતો હતો. ભિંડરાવાલે ઘણી વાર જમીન પર જ બેસતા હતા. એમની પાછળ તકિયો રહેતો હતો."
તેમણે કહ્યું, "એક દિવસ હું એમની પાસે બેઠો હતો. એક જગ્યાએ બેઠાં બેઠાં મારા પગ થાકી ગયા હતા. આરામ આપવા માટે મેં એને થોડા પહોળા કર્યા તો તે ભિંડરાવાલેને અડી ગયા. બાજુમાં બેઠેલા જનરલ શાબેગસિંહે મારા તરફ નારાજગીથી જોતાં મને ટોક્યો અને કહ્યું, 'જરા સંભાળો. સંતજી નારાજ થઈ જશે.'"
"શાબેગને કદાચ અંદાજ નહોતો કે ભિંડરાવાલે મને સારી રીતે ઓળખતા હતા. જ્યારે ભિંડરાવાલેએ મને જનરલ શાબેગ સાથે વાત કરતા જોયો તો પૂછ્યું, જનરલ સાથે તારે શી વાત થઈ રહી છે? મેં વાત ટાળવાની કોશિશ કરી પરંતુ ભિંડરાવાલેએ દબાણ કર્યું કે હું એમને કહું કે અમારા બંને વચ્ચે શી વાત થઈ રહી હતી. જ્યારે મેં એમને જણાવ્યું કે જનરલ મને ચેતવતા હતા કે હું તમારી સાથે ગેરવર્તન ના કરું, તો એ સાંભળીને ભિંડરાવાલે હસવા લાગ્યા."

સુવર્ણ મંદિરની વ્યૂહરચના

ઇમેજ સ્રોત, Getty Images
ભિંડરાવાલેના કહેવાથી જનરલ શાબેગસિંહ સુવર્ણમંદિરમાં જઈને રહેવા લાગ્યા. ભિંડરાવાલેએ એમને સુવર્ણમંદિરની સુરક્ષાની જવાબદારી સોંપી.
ત્રણ મહિનાથી વધારે સમય સુધી ત્યાં રહીને એમણે એ બધું જ કર્યું જેનાથી ભારતીય સૈનિકોનું સુવર્ણમંદિરમાં ઘૂસવું ખૂબ જ મુશ્કેલ કરી દેવાય.
પ્રબપાલસિંહે કહ્યું કે, "લોકો કહેતા હતા કે શાબેગસિંહ ગેરીલા પદ્ધતિના હો ચિ મિન્હ છે. એમણે ભોંયરા અને મુખ્ય હૉલની નીચે પોતાના લડવૈયાને તહેનાત કરીને ભારતીય સૈનિકોના પગને નિશાન બનાવવા માટે કહ્યું. મોટા ભાગના ભારતીય સૈનિકોના પગમાં ગોળીઓ વાગી. એમને ખબર જ નહોતી કે ગોળીઓ ક્યાંથી છૂટી રહી હતી."
"ઑપરેશન બ્લૂસ્ટારમાં સેનાએ પોતાના સર્વશ્રેષ્ઠ કમાન્ડોને સફેદ સંગેમરમરના બૅકગ્રાઉન્ડ પર કાળાં કપડાં પહેરાવીને મોકલ્યા. અંધારામાં તેઓ તરત જ શિખ અલગાવવાદીઓની ગોળીઓના નિશાન બની ગયા."
પછીથી ભારતના સેનાધ્યક્ષ બનેલા જનરલ વી.કે. સિંહે 'કરેજ ઍન્ડ કન્વિક્શન' નામની આત્મકથામાં લખ્યું કે, "મેજર જનરલ શાબેગસિંહની દેખરેખમાં સુવર્ણમંદિરની સુરક્ષાની યોજના ઘડવામાં આવી. બધાં શસ્ત્રોને જમીનથી થોડાક ઇંચની ઊંચાઈએ રાખવામાં આવ્યાં."
"એનો અર્થ એ થયો કે માત્ર આક્રમક દળોના પગ જ ના ભાંગી ગયા બલકે તેમના માટે ઘસડાઈને આગળ વધવાનો વિકલ્પ પણ ના રહ્યો, કેમ કે જો તેઓ એવું કરે તો ગોળી એમના માથામાં વાગે."
"હુમલા પહેલાં જનરલ બરારે સાદાં કપડાંમાં સુવર્ણમંદિરની અંદર જઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. દૂરબીનથી પરિસ્થિતિ પર નજર રાખી રહેલા શાબેગસિંહે એમને તરત જ ઓળખી લીધા પરંતુ એમણે પોતાના લડવૈયાઓને કહ્યું કે જનરલ બરાર સાથે ભિડાશો નહીં."

ભારતીય જનરલો દ્વારા શાબેગના આકલનમાં ભૂલ

ઇમેજ સ્રોત, SHEKHAR GUPTA
પછીથી વરિષ્ઠ પત્રકાર શેખર ગુપ્તાએ 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના 4 જૂન, 2014ના અંકમાં 'ધ ઑડેસિટી ઑફ ઈનકૉમ્પિટેન્સ' શીર્ષકવાળા લેખમાં લખ્યું કે, "ભારતીય જનરલોએ એ વાતને નજરઅંદાજ કરી કે એમની ટક્કર અણઘડો સાથે નહીં પરંતુ એવા લોકો સામે છે જેમનું નેતૃત્વ એમના જેવી જ વ્યક્તિ કરી રહી છે અને તે વ્યક્તિ જો એમનાથી વધુ શ્રેષ્ઠ નહીં તો એમના જેવી તો જરૂર છે. તેઓ એ બધા સાથે કામ કરી ચૂક્યા છે અને એમણે બાંગ્લાદેશ યુદ્ધ સમયે મુક્તિવાહિનીના યોદ્ધાઓને ટ્રેન કરીને નામના મેળવી છે."
શેખર ગુપ્તાએ લખ્યું છે, "સુવર્ણમંદિરની સુરક્ષામાં કોઈ જોરદાર રણનીતિ કે જૂના જમાનાની છાપામાર લડાઈનો ઉપયોગ નહોતો કરાયો બલકે તે કોઈ ભવનનું બટાલિયન સ્તરના સૈનિકો દ્વારા કરવામાં આવેલું સુનિયોજિત રક્ષણ હતું."
"એમણે અડધા ફૂટબૉલ મેદાન જેટલા ક્ષેત્રને સંપૂર્ણપણે કવર કરેલું, જ્યાંથી ભારતીય સૈનિકોને પોતે ખુલ્લામાં હોવાનો આભાસ કરાવતા આગળ વધવાનું હતું. આ એમની દૃષ્ટિએ પહેલાંથી નક્કી કરાયેલું 'કિલિંગ ગ્રાઉન્ડ' હતું જેને સેનાની ભાષામાં FIBUA (ફ્રાઇટિંગ ઈન બિલ્ટ-અપ એરિયાઝ) કહેવામાં આવે છે."
"શાબેગને એવી ગેરસમજ નહોતી કે એમની જીત થશે. તેઓ ભારતીય સૈનિકોને શક્ય તેટલું નુકસાન કરવા માગતા હતા જેથી તેઓ તાકીદની આવશ્યકતાને થોડીક વાર સુધી ટાળી શકે, જેથી સવાર થતાં સુધીમાં ત્યાં એટલી ભીડ જમા થઈ જાય કે સૈનિક કાર્યવાહી રોકી દેવી પડે. જો ભારતીય સેનાએ સુવર્ણમંદિરમાં ટૅન્કો ના મોકલી હોત તો તેઓ પોતાના ઉદ્દેશમાં મોટા ભાગે સફળ થાત."

જનરલ શાબેગનું મૃત્યુ

ઇમેજ સ્રોત, UBS PUBLISHERS
જનરલ કુલદીપ બરારે પોતાના પુસ્તક 'ઑપરેશન બ્લૂસ્ટાર ધ ટ્રૂ સ્ટોરી'માં લખ્યું છે, "અમને જનરલ શાબેગસિંહનો મૃતદેહ ભોંયરામાં મળ્યો. મર્યા છતાંયે એમણે પોતાના હાથમાં કાર્બાઇન પકડી રાખી હતી. એમનો વૉકીટૉકી એમના મૃતદેહની પાસે જમીન પર પડ્યો હતો."
પરંતુ જનરલ શાબેગસિંહના પુત્ર પ્રબપાલસિંહ એમના મૃત્યુ વિશેનું બીજું વિવરણ આપે છે.
તેમણે કહ્યું, "હું ઘણા લોકોને મળ્યો હતો જેમને ઑપરેશન બ્લૂસ્ટાર પછી જોધપુર જેલમાં મોકલી દેવાયા હતા. એમણે મને જણાવ્યું કે જનરલ શાબેગસિંહનું મૃત્યુ પહેલા જ દિવસે એટલે કે 5 જૂને થઈ ગયું હતું."
તેમણે કહ્યું કે સરકારે 6 તારીખે એમના મૃત્યુની જાહેરાત કરી, જ્યારે તેઓ એક દિવસ પહેલાં જ મરી ગયા હતા.
તેમણે કહ્યું કે, "એમને 7 ગોળી વાગી હતી, મશીનગનની એક બર્સ્ટની. ભિંડરાવાલેએ એમના બૉડીને સુવડાવીને એમની અરદાસ કરી હતી. એમણે બૉડીને સાફ કરી. પછી તેઓ બૉડીને ભોંયરામાં લઈ ગયા. જ્યારે આર્ટિલરીનો ફાયર થયો ત્યારે એમની બૉડી પડી રહેલા કાટમાળ નીચે દબાઈ ગઈ."
માર્ક ટલી અને સતીશ જૅકબે પોતાના પુસ્તક 'અમૃતસરઃ મિસિસ ગાંધીઝ લાસ્ટ બૅટલ'માં લખ્યું છે, "9 જૂન સુધી શાબેગસિંહનો મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે લવાયો નહોતો, પરંતુ ત્યાર પછી પણ એમનું આખું પોસ્ટમૉર્ટમ ના થઈ શક્યું કેમ કે એમનું શરીર નષ્ટ થવા લાગ્યું હતું."

સરકારે શાબેગસિંહનો મૃતદેહ સોંપવાનો ઇન્કાર કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે શાબેગસિંહના પરિવારજનોને એમના મૃત્યુ વિશે ખબર પડી ત્યારે એમનાં પુત્રવધૂએ સેનાધ્યક્ષ જનરલ વૈદ્યને ફોન કરીને પૂછ્યું કે "અમને ખબર મળ્યા છે કે મારા સસરાનું ઑપરેશન બ્લૂસ્ટારમાં મૃત્યુ થયું છે. શું તમે અમને એ વિશે જણાવી શકો?"
પ્રબપાલસિંહે કહ્યું કે, "જનરલ વૈદ્યે કહ્યું, એમને એ વિશે કશી ખબર નથી. ઑપરેશન બ્લૂસ્ટાર જેવું કશું નથી થયું. સેનાએ કોઈ ઍક્શન નથી લીધાં."
"હું ચંડીગઢ પહોંચ્યો. ત્યાં મેં રાજ્યપાલ બી.ડી. પાંડેને ફોન કરીને કહ્યું, 'હું મારા પિતાના અંતિમ સંસ્કાર કરવા માગું છું.' પરંતુ ગવર્નર પાંડેએ કહ્યું કે 'હું તમને એવી પરવાનગી ન આપી શકું, કેમ કે જો હું એવું કરું તો મારે હજારો લોકોને એની પરવાનગી આપવી પડશે.'"
"ત્યારે મેં એમને કહ્યું કે શું તમે એમ માનો છો કે આ ઑપરેશનમાં હજારો લોકોનાં મૃત્યુ થયાં છે? તો એમણે ફોન મૂકી દીધો. ત્યાર બાદ એમણે મારી સાથે વાત ના કરી. ત્રણ દિવસ હું એમના ઘરના ગેટ બહાર ઊભો રહ્યો જેથી હું એમને મારી ફરિયાદ કહી શકું, પરંતુ મને સફળતા ના મળી."
"મારા પિતાના અંતિમ સંસ્કાર ક્યારે થયા, કઈ રીતે થયા, મને કશી ખબર નથી. એમણે ના તો અમને એમની કોઈ વસ્તુ આપી કે ના એમનાં અસ્થિ આપ્યાં."
જુલાઈ, 1984માં સરકાર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા શ્વેતપત્રમાં કહેવાયું કે ઑપરેશન બ્લૂસ્ટારમાં સેનાના 83 સૈનિકોનાં મૃત્યુ થયાં જેમાં 4 અધિકારી હતા.
એ ઉપરાંત 273 સૈનિક અને 12 અધિકારી ઘાયલ થયા.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












