હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની જેમ કૉંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા નેતાઓનું શું થયું?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

હાર્દિક પટેલ કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ તો ગયા, પરંતુ લોકોનો એક જ પ્રશ્ન છે કે પાટીદારોને અનામત અપાવવા માટે જાહેરજીવનમાં આવેલા હાર્દિક પટેલ શું ભાજપમાં રહીને પોતાની ઇચ્છા પ્રમાણે કામ કરી શકશે?

હાર્દિક પટેલ અને સી આર પાટીલ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, હાર્દિક પટેલ સી. આર. પાટીલ અને નીતિન પટેલ જેવા નેતાઓની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

હાર્દિક પટેલ પહેલાં આશરે 23 જેટલા ધારાસભ્યો અને કૉંગ્રેસના અનેક કાર્યકરો 2017થી અત્યાર સુધી ભાજપમાં જોડાયા છે. તેમાંથી કેટલાક નિરાશ છે, તો કેટલાકને થોડા સમય માટે સારી જગ્યાઓ પણ મળી છે.

બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો એ જાણવાનો કે કૉંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓ, કાર્યકર્તાઓ કેવું કામ કરી રહ્યા છે અને હાલમાં તેઓ કયાં છે?

હાર્દિક પટેલ કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હતા, તેઓ કૉંગ્રેસમાં જોડાયા એ પછી ખૂબ ઝડપથી તેમને આ હોદ્દો મળી ગયો હતો.

કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "નાની ઉંમર અને ઓછો અનુભવ હોવાને કારણે તેઓ આ હોદ્દો સંભાળી ન શક્યા."

"તેઓ કૉંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ભળી ન શક્યા અને સીધા જ ટોચ પર પહોંચવાનાં સપનાં જોતાં રહ્યાં. જેને કારણે તેઓ કૉંગ્રેસમાં યોગ્ય કામ ન કરી શક્યા અને આખરે તેમણે કૉંગ્રેસ છોડી દેવી પડી."

જોકે, બીજી બાજુ હાર્દિક પટેલે કૉંગ્રેસથી રાજીનામું આપ્યું એ અગાઉ કહ્યું હતું કે, "તેમને કામ કરવા નથી મળતું, તેમને કોઈ જવાબદારી આપવામાં નથી આવતી, એટલા માટે તેઓ કૉંગ્રેસ છોડે છે."

હાર્દિક પટેલે કૉંગ્રેસ છોડી ત્યારે સ્થાનિક નેતાગીરી પર ગંભીર આરોપો મૂક્યા હતા, જેને કૉંગ્રેસે 'ભાજપની કલમથી લખાયેલી પટકથા' ગણાવી હતી.

હાર્દિક પટેલનું કહેવું હતું કે, "ભાજપમાં તેમને કામ કરવાની તક મળશે, જે કૉંગ્રેસમાં મળી નથી. લોકો માટે તેઓ હજી સારું કામ કરી શકશે."

જોકે હાર્દિક પટેલ પહેલાં જે લોકો કૉંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે, તે જોતાં અને હાર્દિક પટેલના ભાજપ પ્રવેશને લઈને આવી રહેલા મિશ્ર પ્રતિભાવોને જોતાં, હાર્દિક પટેલની અપેક્ષા કેટલી સાચી નીવડશે તે કહેવું મુશ્કેલ છે.

line

અલ્પેશ ઠાકોર આજે ક્યાં છે?

જિતુ વાઘાણી અને અલ્પેશ ઠાકોર

ઇમેજ સ્રોત, Getty Images

હાર્દિકની સાથે જ જેમનું રાજકીય કદ મોટું થયું હતું, તેવા અલ્પેશ ઠાકોરની વાત કરીએ. તેમણે પણ એવું કહીને કૉંગ્રેસ છોડી હતી કે, તેમને કામ કરવા નથી મળતું અને ટોચની નેતાગીરી તેમને પરેશાન કરે છે.

તેઓ ભાજપમાં જોડાયા અને રાધનપુરથી ભાજપની ટિકિટ પર પેટાચૂંટણીમાં લડ્યા અને હારી ગયા.

પરિણામો બાદ તેમણે કોઈનું નામ લીધા વગર પોતાના જ પક્ષના લોકોએ તેમને હરાવ્યા છે, તેવો બળાપો કાઢ્યો હતો.

એ પછી તેઓ લાંબા સમયથી સક્રિય રાજનીતિથી અલગ થઈ ગયા હતા અને તાજેતરમાં 2022ની શરૂઆતમાં ક્ષત્રિય-ઠાકોર સેનાના નેજા હેઠળ વિવિધ કાર્યક્રમો યોજીને ફરીથી લોકો વચ્ચે આવી રહ્યા છે.

કૉંગ્રેસ છોડી ભાજપમાં જવું અને ત્યાંથી પાછા પોતાની જ હોમ પીચ સમાન ક્ષત્રિય-ઠાકોર સેનાના નેજા હેઠળ જ ફરીથી સક્રિય થવું તે જણાવે છે કે કૉંગ્રેસથી ભાજપમાં ગયેલા અલ્પેશ ઠાકોર જેવા નેતાઓની ભાજપમાં સ્થિતિ હજી બરોબર બની નથી.

જોકે, અલ્પેશ ઠાકોરે અગાઉ બીબીસી ગુજરાતીને કહ્યું હતું કે તેમની સભાઓમાં ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સામેલ હોય છે. સામે એક હકીકત એ પણ છે કે હજી સુધી કોઈ મોટા ગજા ભાજપના નેતાઓ ક્ષત્રિય-ઠાકોર સેના હેઠળ અલ્પેશ ઠાકોરની પદયાત્રામાં લોકોને દેખાયા નથી.

અલ્પેશ ઠાકોર, ભાજપમાં રહીને પણ પોતાની જ સંસ્થાના નેજા હેઠળ લોકોને મળી રહ્યા છે. તેઓ કહે છે કે હાલમાં તેમના સંબંધો ભાજપ પ્રમુખ સીઆર પાટીલ સાથે ખૂબ સારા છે, અને તેઓ પાર્ટીમાં સારું કામ કરશે.

line

શંકરસિંહના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલા સાથે શું થયું?

મહેન્દ્રસિંહ વાઘેલા

ઇમેજ સ્રોત, Twitter/mahenvaghela

ઇમેજ કૅપ્શન, શંકરસિંહના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલા

2017માં રાજ્યસભાની ચૂંટણી સમયે જ્યારે કૉંગ્રેસના અહેમદ પટેલ ઉમેદવાર હતા ત્યારે શંકરસિંહ વાઘેલા સહિત ચાર ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં.

જેમાં બળવંતસિંહ રાજપૂત (સિદ્ધપુર બેઠક), તેજશ્રીબહેન પટેલ (વિરમગામ બેઠક) અને પ્રહલાદ પટેલ (વિજાપુર બેઠક)નો સમાવેશ થાય છે.

આમાંથી બળવંતસિંહ રાજપૂતને રાજ્યસભાની ટિકિટ મળી ગઈ હતી, પરંતુ બીજા નેતાઓને કોઈ મોટો ફાયદો ન થયો.

તેજશ્રીબહેન પટેલ ત્યારબાદ વિરમગામની ચૂંટણી ભાજપની ટિકિટ પરથી લડ્યાં હતાં, પરંતુ તેઓ તે જીતી ન શક્યાં. તેઓ હાલમાં સક્રિય રાજકારણમાં નથી.

શંકરસિંહ વાઘેલાની પાછળ તેમના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલા કૉંગ્રેસથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. તેઓ બાયડ વિધાનસભાથી ધારાસભ્ય હતા.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "ભાજપમાં જોડાયા બાદ માત્ર એક મહિનામાં જ મેં રાજીનામું આપી દીધું હતું અને ત્યાર બાદ હજી સુધી હું કોઈ જ પક્ષ સાથે જોડાયો નથી અને માત્ર સમાજસેવાનું જ કામ કરું છું."

મહેન્દ્રસિંહ વાઘેલાની સાથે કૉંગ્રેસમાંથી ભોલાભાઈ ગોહિલ અને છનાભાઇ ચૌધરીએ પણ કૉંગ્રેસથી રાજીનામાં આપી દીધાં હતાં. જોકે તેમાંથી કોઈને પણ ભાજપમાં કોઈ મોટી જવાબદારી આપવામાં આવી ન હતી.

line

કુંવરજી બાવળીયા અને જવાહર ચાવડાનું શું થયું?

જવાહર ચાવડા

ઇમેજ સ્રોત, Twitter/jawaharpchavda

ઇમેજ કૅપ્શન, જવાહર ચાવડા

કૉંગ્રેસના મોટા નેતા કુંવરજી બાવળીયા અને જવાહર ચાવડા પણ કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

વિજય રૂપાણીની સરકારમાં આ બન્નેને મંત્રીપદ મળ્યું હતું, પરંતુ ત્યાર બાદ તેઓ ભાજપમાં ક્યાંય દેખાયા નથી.

વિજય રૂપાણી સરકારમાં જવાહર ચાવડા મત્સ્યોદ્યોગ મંત્રી હતાં પણ તેમને બીજી વખત મંત્રી ન બનાવવામાં આવ્યા અને તેઓ હાલમાં ભાજપના ધારાસભ્ય તરીકે ફરજ બજાવે છે.

જવાહર ચાવડાએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, "સ્વાભાવિક છે કે હજી સુધી હું જેમની સામે હતો, પછી જ્યારે તેમની સાથે જાઉં તો તે લોકોને મને સ્વીકારવામાં સમય લાગે."

"ઘણા લોકો પાર્ટીને વફાદાર હોય છે, તેમની માટે ચહેરો મહત્ત્વનો નથી હોતો, તેવા લોકોનો સાથ ભાજપમાં કામ કરનારા લોકોને મળી રહે છે."

"બીજી તરફ એવા લોકો હોય છે કે જેમની સાથે શરૂઆતમાં સંઘર્ષ હોય છે, તેમાંથી અમુક સાથે રહે છે, અમુક છોડીને જતા રહે છે."

જવાહર ચાવડાનું કહેવું છે કે એકંદરે ભાજપમાં કામ કરવા મળે છે અને ભાજપ કૉંગ્રેસમાંથી પાર્ટીમાં જોડાનારને નિષ્ક્રિય કરી દે છે એ વાત સાવ ખોટી છે.

line

'કૉંગ્રેસમાંથી ભાજપમાં જનારની ઍક્સપાયરી ડેટ'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, @BJP4Gujarat

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બીબીસી ગુજરાતીએ જ્યારે સિનિયર પત્રકાર દીપલ ત્રિવેદી સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે, "વ્યૂહરચના બનાવવા અને તેનો અમલ કરવામાં ભાજપ ખૂબ આગળ છે."

દીપલ ત્રિવેદી લાંબા સમયથી ગુજરાતની રાજનીતિને ખૂબ નજીકથી જોઈ રહ્યાં છે.

તેઓ માને છે કે, કૉંગ્રેસમાંથી આવેલા દરેક નેતા, કાર્યકર્તા વગેરે ભાજપમાં એક ઍક્સપાયરી ડેટ સાથે આવે છે. એટલે કે તેમનો ઉપયોગ અમુક સમય સુધી જ થતો હોય છે અને પછી તેમને નિષ્ક્રિય કરી દેવામાં આવે છે અને આવાં અનેક દાખલાં છે.

દીપલ ત્રિવેદી વધુમાં કહે છે કે, "કૉંગ્રેસથી આવેલા દરેક નેતાની ભાજપમાં એક ઉપયોગિતા હોય છે અને જ્યારે તે પૂરી થઈ જાય પછી તે નેતા ભાજપ માટે કોઈ કામનો રહેતો નથી. જેમ કે જવાહર ચાવડા, તેમની જરૂર કૉર્પોરેશન અને પંચાયતની ચૂંટણીમાં હતી માટે તેમને મંત્રીપદ મળ્યું અને જ્યારે ચૂંટણી પતી ગઈ તો તેઓ પાછા ધારાસભ્ય થઈ ગયા."

દીપલ ત્રિવેદી એ પણ જણાવે છે કે, "જ્યારે લોકોની જરૂર ન રહે તો ત્યારે તેમને નિષ્ક્રિય કરી દેવામાં આવે એ પ્રકારના રાજકારણની શરૂઆત કૉંગ્રેસે જ કરી હતી."

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો