કૉલ્ડ વૉર: અડધી મિનિટની એ ઘટના જે સાત દાયકા અગાઉ પ્રથમ શીત યુદ્ધનું કારણ બની
કૅપિટલ હિલ પર ખીચોખીચ ભરેલા હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં ગોળ ચશ્માં, ઘેરા રંગનો સૂટ અને બીજા રંગના પટ્ટાવાળી ટાઈ પહેરેલા સંયુક્ત રાજ્ય અમેરિકાના 33મા રાષ્ટ્રપતિ 62 વર્ષના હૅરી ટ્રૂમૅને કાળા રંગનું ફૉલ્ડર ખોલ્યું જેમાંથી એમણે પોતાનું ભાષણ વાંચવાનું હતું.
એમણે પાણીનો એક ઘૂંટડો પીધો, ઓરડામાં ચારેબાજુ હાજર લોકોને જોયા અને પોડિયમ પર હાથ ટેકવી દીધા - પછી કહ્યું,
"આજે દુનિયા સામે જે પરિસ્થિતિ છે એની ગંભીરતા ધ્યાનમાં રાખીને કૉંગ્રેસના સંયુક્ત સત્રમાં મારી હાજરીની જરૂર છે. એમાં દેશની વિદેશનીતિ અને રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો સામેલ છે."
આ 12 માર્ચ, 1947ની વાત છે.
માત્ર બે વર્ષ પહેલાં જ એવો વિચાર જન્મ્યો હતો કે હિટલરના જર્મની પરની જીતના લીધે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત થઈ ગઈ છે.
પરંતુ આ પ્રસંગે રાષ્ટ્રપતિએ એનાથી પણ ગંભીર જોખમ તરફ ધ્યાન દોર્યું.
ટ્રૂમૅન સિદ્ધાંતે, બાદમાં જે નામથી એ ભાષણને ઓળખવામાં આવ્યું, સામ્યવાદ અને સોવિયત સંઘને નિયંત્રણમાં રાખવા માટે સંયુક્ત રાજ્ય અમેરિકા અને બીજા વિશ્વયુદ્ધના એના સહયોગીઓ સમક્ષ એકતા જાળવી રાખવાનો આગ્રહ કર્યો.

જોકે, શીતયુદ્ધની શરૂઆત ક્યારે થઈ તે જટિલ અને લાંબી ચર્ચાનો વિષય છે અને નક્કરરૂપે ટ્રૂમૅન સિદ્ધાંત એનું કારણ નહોતો, પરંતુ કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે આ એ પળ હતી જ્યારે એની ઘોષણા કરવામાં આવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આશા આટલી જલદી ડરમાં કઈ રીતે ફેરવાઈ ગઈ?

શું બદલાઈ ગયું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
"કંઈ ખાસ નહીં." આમ કહેનાર છે વર્જિનિયા યુનિવર્સિટીના પ્રૉફેસર એમિરેટ્સ અને શીતયુદ્ધ તથા અમેરિકન વિદેશનીતિ પર ઘણાં પુસ્તકો લખનાર એવૉર્ડ વિજેતા ઇતિહાસકાર મેલ્વિન લેફલર.. એમના જણાવ્યા અનુસાર, સોવિયત સંઘને કારણે જ એમના પશ્ચિમ સાથેના સંબંધ તણાવભર્યા થઈ ગયા હતા.
"સંયુક્ત રાજ્ય અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે 1917, 1918, 1919માં રશિયામાં દખલ કરી હતી."
"સમગ્ર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પશ્ચિમ યુરોપમાં બીજો મોરચો શરૂ કરવાના મુદ્દે તણાવ હતો. સ્ટાલિન તેને 1942માં શરૂ કરવા માગતા હતા અને 1944 સુધી નક્કર રૂપે એવું કશું ના થયું."
"એ ઉપરાંત, અમેરિકનો અને અંગ્રેજોએ એક પરમાણુ બૉમ્બ બનાવી લીધો હતો અને એને સ્ટાલિનથી ગુપ્ત રાખ્યો. સ્ટાલિનને એમના જાસૂસો દ્વારા એની બાતમી મળી. જોકે, અમેરિકનોને ખબર હતી કે એમની જાસૂસી કરવામાં આવી રહી છે."
"પરંતુ ધરી રાષ્ટ્રો (એકસમાન વિચાર ધરાવતા દેશો) - નાઝી જર્મની, ઇટાલી અને જાપાન - ને હરાવવાની જરૂરિયાતે બાકીના બધા મુદ્દાને સાઇડમાં કરી દીધા હતા."

ડોમિનો સિદ્ધાંત

ઇમેજ સ્રોત, Getty Images
લડાઈ પૂરી થઈ એ પછી અમેરિકન નીતિ ઘડવૈયાઓની પહેલી પ્રાથમિકતા એ નિશ્ચિત કરવાની હતી કે કોઈ પણ વિરોધી પાસે યુરોપ અને એશિયાના સંસાધનો પર નિયંત્રણ રાખવાની સંભાવના ન બચે.
ઇતિહાસકાર લેફલરે સ્પષ્ટ કર્યું કે, "1946 અને 1947માં એવી બીક નહોતી કે સ્ટાલિનનું યુએસએસઆર સીધા સૈન્ય હુમલામાં જોડાઈ જશે."
ઇતિહાસકારે બીબીસી ધ ફોરમને જણાવ્યું કે, "વધુ બીક તો એ હતી કે યુદ્ધ પછી તે યુરોપમાંની સામાજિક અને રાજકીય ઊથલપાથલનો લાભ લઈ શકે છે. જ્યાં એના સૈનિકો હતા એવા માત્ર પૂર્વ યુરોપ અને મધ્ય યુરોપના થોડાક ભાગોમાં જ નહીં, બલકે સમગ્ર દક્ષિણ અને પશ્ચિમ યુરોપમાં, જ્યાં કમ્યુનિસ્ટ પાર્ટીઓએ ઇટાલી અને ફ્રાન્સમાં મોટી સફળતાના જોરે સત્તા માટે દાવો હતો."
એ ઉપરાંત, કમ્યુનિસ્ટોએ ચીનમાં ગૃહયુદ્ધ શરૂ કરી દીધું હતું અને એમના જીતવાનો અર્થ હતો કે સ્ટાલિન સમગ્ર પૂર્વ એશિયામાં પોતાનો પ્રભાવ જમાવવામાં સફળ થયા હોત.
અને જેણે દાયકાઓ સુધી અમેરિકાની વિદેશનીતિ પર અસર કરી તે 'ડોમિનો સિદ્ધાંત' અનુસાર એવી શક્યતાઓ વધારે ભયાનક હતી. જેમાં એવું માનવામાં આવતું હતું કે એક સામ્યવાદી દ્વારા એક બિન-સામ્યવાદી દેશની 'હાર'થી પડોશી બિન-સામ્યવાદી દેશોમાં પણ એને પ્રોત્સાહન મળશે.

શબ્દ બાણ

ઇમેજ સ્રોત, Getty Images
અગણિત પ્રવૃત્તિઓ ઉપરાંત, જે વાત દરેક પક્ષને હેરાન કરી રહી હતી તે હતી વધારે પડતા વાક્-પ્રહારો, અને એણે જ ટ્રૂમૅન સિદ્ધાંત માટેનો માર્ગ તૈયાર કર્યો.
યુદ્ધની સમાપ્તિ પછી, 9 ફેબ્રુઆરી, 1946એ મૉસ્કોમાં સ્ટાલિને પોતાના પહેલા મહત્ત્વપૂર્ણ ભાષણમાં બીજા એક મોટા યુદ્ધની સંભાવનાની આશંકા વ્યક્ત કરી, જેને એમણે મોઘમ શબ્દોમાં "વૈશ્વિક અર્થવ્યવસ્થાની મૂડીવાદી વ્યવસ્થા" કહી.
એમણે ઘોષણા કરી કે મોટો 'સૈન્ય વિનાશ' ટાળી શકાય એમ નથી, કેમ કે દેશો પાસે 'સમન્વિત (સંબદ્ધ) અને શાંતિપૂર્ણ નિર્ણયો'ના માધ્યમથી કાર્યવાહી કરવાની કોઈ પદ્ધતિ નથી.
"સમયની સાથે મૂડીવાદી દેશોનો અનિયમિત વિકાસ એમના સંબંધોને ગંભીર સંઘર્ષ તરફ ધકેલે છે અને જે રાષ્ટ્રસમૂહો એવું અનુભવે છે કે એમને કાચો માલ અને નિકાસ બજાર પૂરતા પ્રમાણમાં નથી મળ્યાં તેઓ પરિસ્થિતિ બદલવા અને શસ્ત્રોના જોરે વસ્તુસ્થિતિને પોતાના પક્ષમાં કરવાની કોશિશ કરે છે."
તેથી, આગામી વર્ષોમાં 'બધાં સંકટો સામે', યુએસએસઆરે પોતાનાં સંસાધનો અને ઊર્જાને પાયાના ઉદ્યોગોના વિકાસ માટે સુસજ્જ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

એક લાંબો ટેલિગ્રામ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના ઓહાયોના વુસ્ટરમાં ધ કૉલેજ ઑફ ઍજ્યુકેશનમાં કૉમ્યુનિકેશન ઍજ્યુકેશનના પ્રૉફેસર ડેનિસ બોસ્ટડૉર્ફે બીબીસી ધ ફોરમને જણાવ્યું કે, "ટ્રૂમૅન સહિત ઘણા અમેરિકન અધિકારીઓએ એના પર કશું ધ્યાન ન આપ્યું. જોકે, અન્ય લોકોએ આ ભાષણને ત્રીજા વિશ્વયુદ્ધની ઘોષણારૂપે જોયું."
ઉદાહરણ તરીકે સ્ટાલિને કહ્યું હતું કે, "તેઓ વિજ્ઞાનની સિદ્ધિઓને દેશની બહાર પહોંચાડવા માટે સાયન્સને ફાઇનાન્સ કરવા માગે છે અને ચિંતા કરનારા શ્રોતાઓએ એનો એવો અર્થ કર્યો કે એમનો આશય પરમાણુ બૉમ્બ સંલગ્ન હતો. અને જ્યારે એમણે કહ્યું કે યુએસએસઆર પોતાના સ્ટીલ ઉત્પાદનને ત્રણ ગણું વધારશે, ત્યારે અમેરિકન અધિકારીઓ અને કેટલીક મીડિયા સંસ્થાઓએ એનો અર્થ એવો કર્યો કે તેઓ પશ્ચિમ સામે યુદ્ધની તૈયારી કરી રહ્યા છે."
વિદેશી બાબતો માટે જવાબદાર અમેરિકાના વિદેશ વિભાગે મૉસ્કોમાંના પોતાના દૂતાવાસ દ્વારા સોવિયત વિસ્તારવાદ અને વિશ્વ અંગેના તેના ઇરાદા સ્પષ્ટ કરવા કહ્યું.
તત્કાલીન સંબંધિત અને ચર્ચિત રાજદ્વારી જૉર્જ કેનનની પ્રતિક્રિયા વિસ્ફોટક હતી.
"કેનને 8 હજાર શબ્દોમાં એક તાર લખ્યો જેમાં એમણે ઘણાં બધાં રૂપકોનો ઉપયોગ કર્યો - સામ્યવાદ એક રોગ જેવો છે, જે શરીરની પવિત્રતાને ભ્રષ્ટ કરે છે અને એને અંદરથી ખતમ કરી દે છે."
"તેઓ ટ્રેડ યુનિયનો, નાગરિક અધિકાર સંગઠનો, સાંસ્કૃતિક સમૂહોમાં કમ્યુનિસ્ટોની ઘૂસણખોરી અંગે પણ ચિંતિત હતા અને એવી સ્થિતિમાં પણ દુશ્મન અંદર જ હતા અને આ ઘૂસણખોરી લગભગ બળાત્કાર જેવી છે."
એમણે ચેતવણી આપી કે સોવિયત નીતિઓએ પશ્ચિમ સાથે દુશ્મની ઊભી કરી છે અને સોવિયત વિસ્તારવાદ ટાળી શકાય એમ નથી. એમના વિચાર પ્રમાણે, મૉસ્કો જોરદાર વિરોધથી જ ડરશે, ભલે ને પછી તે રાજકીય હોય કે સૈન્ય. એમણે 'લાંબી બીમારીના દર્દી પર કઠોર અને સજગ નિયંત્રણ'ની નીતિની ભલામણ કરી.
'ધ લૉન્ગ ટેલિગ્રામ'ના નામે પ્રસિદ્ધિ પામેલો આ તાર વ્યાપકપણે ફેલાયો અને એણે બીજા પ્રકારનાં વધારે તર્કસંગત વિશ્લેષણોને બંધ કરી દીધાં.

"શાંતિના સ્તંભો"

કેટલાંક અઠવાડિયાં પછી માર્ચ 1946ના આરંભમાં મિસૉરીના ફુલ્ટનમાં આપેલા એક ભાષણમાં બ્રિટનના યુદ્ધકાલીન નેતા વિન્સ્ટન ચર્ચિલે એ શાબ્દિક યુદ્ધમાં પોતાનો ફાળો આપતાં 'યુરોપમાંની વર્તમાન પરિસ્થિતિ વિશે કેટલાંક તથ્ય' રજૂ કર્યાં.
"બાલ્ટિક સમુદ્રમાં સ્ટેટિનથી શરૂ કરીને ઍડ્રિયાટિક સમુદ્રમાં ટ્રિએસ્ટે સુધી મહાદ્વીપ પર લોખંડી દીવાલ બનાવી દેવાઈ છે."
"એની પાછળ મધ્ય અને પૂર્વ યુરોપના પ્રાચીન દેશોની બધી રાજધાનીઓ છે. મારે કહેવું જોઈશે કે વારસૉ, બર્લિન, પ્રાગ, વિયેના, બુડાપોસ્ટ, બેલગ્રેડ, બુખારેસ્ટ અને સોફિયા - આ બધાં મશહૂર શહેરો અને એમની વસ્તી અને એમની આસપાસના દેશ કોઈ ને કોઈ રીતે સોવિયેત પ્રભાવને અધીન છે. અને માત્ર સોવિયત પ્રભાવ જ નહીં, બલકે, ઘણી બાબતોમાં ખૂબ જ વ્યાપક રીતે મૉસ્કોના વધતા જતા નિયંત્રણમાં છે."
એમના 'પિલર્સ ઑફ પીસ' ભાષણને લઈને સ્ટાલિને ચર્ચિલ પર યુદ્ધપિપાસુ હોવાનો આરોપ કર્યો.
"સ્ટાલિન ગુસ્સામાં હતા." એવું, લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં આંતરરાષ્ટ્રીય ઇતિહાસના પ્રૉફેસર વ્લાદિસ્લાવ જુબોકનું કહેવું છે.
"ચર્ચિલ, જેઓ થોડાક મહિનાઓ પહેલાં સુધી ખૂબ ભલા લાગતા હતા, મૂળભૂતરૂપે યુએસ-યુકેના સૈન્ય ગઠબંધનની તરફેણ કરી રહ્યા હતા."
"એનાથી એમની શંકા વધારે દૃઢ થઈ ગઈ. એમણે સોવિયત લોકો કરતાં વધારે સ્ટીલનું ઉત્પાદન કરવા આહ્વાન કર્યું અને સોવિયત વૈજ્ઞાનિકોથી છુપાવીને પરમાણુ બૉમ્બ બનાવવાનું આહ્વાન કર્યું. એટલા માટે નહીં કે તેઓ ત્રીજું વિશ્વયુદ્ધ કરવા માગતા હતા, બલકે એટલા માટે કે તેઓ બહુ અસુરક્ષિત હતા અને એમણે પોતાને ભરોસો આપ્યો કે પરમાણુ શક્તિ જ જીતની ગૅરંટી હશે."

નોવિકોવ ટેલિગ્રામ

ઇમેજ સ્રોત, Getty Images
આગામી મહિનાઓ અને વર્ષોમાં સોવિયતના ઇરાદાની એક સ્પષ્ટ રૂપરેખા મેળવી લેવાનો જે રીતે પશ્ચિમના દેશો પ્રયાસ કરી રહ્યા હતા એ જ રીતે સોવિયત પણ એ સમજવાના પ્રયત્ન કરી રહ્યો હતો કે એમના પૂર્વ સહયોગી શું કરી રહ્યા છે.
અમેરિકામાંના સોવિયત રાજદૂત નિકોલાઈ નોવિકોવનો ટેલિગ્રામ કેનનના લૉન્ગ ટેલિગ્રામની સમકક્ષ હતો. આ ટેલિગ્રામ સપ્ટેમ્બર, 1946માં કરવામાં આવ્યો હતો.
એમણે ચેતવણી આપી કે સંયુક્ત રાજ્ય અમેરિકા બીજા વિશ્વયુદ્ધથી આર્થિક રીતે મજબૂત થયું છે અને વિશ્વ પર નિયંત્રણ જમાવવા તત્પર છે.
"અમેરિકાની વિદેશનીતિ અમેરિકાની એકાધિકારવાદી મૂડીના સામ્રાજ્યવાદી વલણને પ્રકટ કરે છે, જેનો ઇરાદો યુદ્ધ પછીના સમયમાં દુનિયા પર વર્ચસ્વ સ્થાપવાનો છે."
"રાષ્ટ્રપતિ ટ્રૂમૅન અને અમેરિકાનાં શાસક વર્તુળોના પ્રતિનિધિઓનાં ઘણાં બયાનોનો ખરો અર્થ એ છે કે, સંયુક્ત રાજ્ય અમેરિકાને દુનિયાનું નેતૃત્વ કરવાનો અધિકાર છે. અમેરિકાની કૂટનીતિની બધી શક્તિઓ - વાયુસેના, નૌસેના, ઉદ્યોગ અને વિજ્ઞાન - આ વિદેશનીતિ માટે કામ કરી રહી છે."
નોવિકોવના ટેલિગ્રામે, પોતાના પ્રભાવનો વિસ્તાર કરવાના અને પૂર્વ યુરોપમાંના પોતાના બફર ઝોનને સુરક્ષિત કરવા માટેના સોવિયતના દૃઢ સંકલ્પની પુષ્ટિ કરી.
અને એણે ફરી એક વાર શીતયુદ્ધના બંને પક્ષો વચ્ચેના શંકા-આશંકા અને વિશ્વાસના અભાવને ઉજાગર કર્યા.

'મોતનો ડર'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
21 ફેબ્રુઆરી, 1947એ વિદેશ વિભાગને બ્રિટિશ વિદેશ કાર્યાલય દ્વારા એક સંદેશો મળ્યો, જેમાં એમ કહેવાયું હતું કે યુદ્ધનાં દેવાંથી આર્થિક રીતે લાચાર બ્રિટન પોતાની ડગુમગુ ઔદ્યોગિક અર્થવ્યવસ્થા અને ભયંકર ઠંડી પડ્યા પછી હવે મદદ કરવા માટે સક્ષમ નહીં રહે. બ્રિટન દ્વારા ગ્રીસ અને તુર્કીને અપાયેલી સુરક્ષાની ગૅરંટી રદ થવાના લીધે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ક્ષેત્રમાં અવકાશ ઊભો થવાની શક્યતા હતી.
19 દિવસ બાદ એ ઐતિહાસિક ભાષણમાં ટ્રૂમૅને કૉંગ્રેસ પાસે એ બંને દેશોને મદદ કરવા અને સામ્યવાદ સામે બધા મોરચે લડવા માટે 40 કરોડ ડૉલરની માગ કરી.
વચ્ચેના સમયગાળામાં જે થયું તે અમેરિકાની વિદેશનીતિમાં અચાનક અને આમૂલ પરિવર્તન નહોતું.
જોકે, ભૂતકાળમાં કહેવાઈ ગયેલા હજારો શબ્દો આવનારા સમય માટે રસ્તો બનાવી રહ્યા હતા, ડેમૉક્રેટ ટ્રૂમૅનને એક એવી નવી ચૂંટાયેલી રિપબ્લિકન કૉંગ્રેસનો સામનો કરવો પડ્યો જે પૂર્ણરૂપે એકાંતવાદી વિદેશનીતિમાંથી પાછી હઠી જવા માટે તૈયાર હતી અને અમેરિકાની જનતા જે યુદ્ધથી ત્રાસી ગઈ હતી તે પોતાના સૈનિકોના પાછા ફરવા બાબતે ચિંતિત હતી.
તદુપરાંત, અમેરિકાની બીજા દેશોને આર્થિક મદદ કરવાની કોઈ પરંપરા નહોતી.
રાષ્ટ્રપતિએ સમર્થન મેળવવા માટે કૉંગ્રેસના નેતાઓ સાથે વ્યક્તિગત ધોરણે મુલાકાતો કરી.
સેનેટની વિદેશ સંબંધિત સમિતિના અધ્યક્ષ અને અમેરિકાની એકાંતવાદી નીતિના સમર્થક સેનેટર આર્થર વૅન્ડેનબર્ગે એમને જણાવ્યું કે રિપબ્લિકન એમને સમર્થન આપશે જો તેઓ સાર્વજનિક રીતે ગ્રીસને સહાય કરવાનો પક્ષ લે તો. ગ્રીસ કમ્યુનિસ્ટ વિદ્રોહીઓ સામે ગૃહયુદ્ધ લડી રહ્યો હતો અને ડાર્ડાનેલ્સ સ્ટેટ પરના કબજામાં ભાગીદારી માટે યુએસએસઆર તુર્કી પર દબાણ કરી રહ્યો હતો.
વૅન્ડેનબર્ગે કહ્યું, જો એમને જનતાનું સમર્થન જોઈતું હોય તો એમણે "અમેરિકાનાં લોકોને મૃત્યુનો ભય બતાવવો પડશે."

ભાષણે જાદુની જેમ કામ કર્યું
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ટ્રૂમૅને સેનેટરની સલાહ માનીને એક ભાષણ આપ્યું. 19 મિનિટના એ ભાષણમાં 33 સેકંડમાં કહેવાયેલા શબ્દોનો મર્મ છે-
"મારું માનવું છે કે સંયુક્ત રાજ્ય અમેરિકાની નીતિ એવા આઝાદ લોકોનું સમર્થન કરનારી હોવી જોઈએ જેઓ સશસ્ત્ર અલ્પસંખ્યકો કે બહારનાં દબાણોની અધીનતાના પ્રયાસોનો વિરોધ કરે છે."
"મારું માનવું છે કે આપણી મદદ મૂળભૂત રીતે આર્થિક અને નાણાકીય હોવી જોઈએ, જે આર્થિક અને રાજકીય સ્થિરતા માટે જરૂરી છે."
તથ્ય એ છે કે ટ્રૂમૅન આ પ્રસંગે શબ્દોના જાદુગર વક્તા તરીકે નહોતા બોલતા, પરંતુ સમય એમના પક્ષે હતો. તેઓ કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર બોલતા હતા અને એણે એમને વધારે અસરકારક બનાવી દીધા.
જોકે, સાંસદોએ ઊભા થઈને તાળીઓ પાડીને એમના ભાષણનું સ્વાગત કર્યું, પરંતુ ખૂબ સારું સમર્થન ના મળ્યું. પછીનાં થોડાં અઠવાડિયાં સુધી આ મુદ્દે ઉગ્ર ચર્ચાઓ થતી રહી.
જોકે બંને ગૃહોએ પ્રસ્તાવ પાસ કરી દીધો અને 22 મે, 1947એ ટ્રૂમૅનના હસ્તાક્ષર પછી આ બિલ કાયદો બની ગયું, જેના માટે એમણે કહ્યું કે આ "એક ચેતવણી છે કે કમ્યુનિસ્ટોની માર્ચને કશીયે રોકટોક વગર સફળ થવાની મંજૂરી નહીં અપાય."
સોવિયત ઇતિહાસકાર આંદ્રેય શેસ્તાકોવનું શૈક્ષણિક પુસ્તક 'યુએસએસઆરના ઇતિહાસનો સંગ્રહ' આનાથી ઊલટું કહે છે કે, "રાષ્ટ્રપતિ ટ્રૂમૅને 1947માં બીજા દેશોની આંતરિક બાબતોમાં દખલ કરવાના સંયુક્ત રાજ્ય અમેરિકાના અધિકારની ઘોષણા કરી."
ટ્રૂમૅન સિદ્ધાંતે માર્શલ યોજના, નૅટોના ગઠનને પ્રોત્સાહન આપ્યું અને એ યુદ્ધનાં 40 વર્ષો સુધી અને એના પછી પણ અમેરિકાની વિદેશનીતિને આકાર આપ્યો.
દુનિયાના ભાગલા પાડનારી મહાગાથામાં ચરિત્રો દ્વારા ઉપયોગમાં લેવાયેલી બયાનબાજી અને રૂપકોનું અસ્તિત્વ હમેશાં રહેશે.
બોસ્ટડૉર્ફે કહેલું, "ક્યારેક ક્યારેક આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ અને ક્યારેક ક્યારેક ભાષા આપણો ઉપયોગ કરે છે."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












