રશિયાના વ્લાદિમીર પુતિનની ધમકી છતાં નેટોમાં કેમ જવા માગે છે ફિનલૅન્ડ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભૂમિકા રાય
- પદ, બીબીસી સંવાદદાતા
રવિવારે થયેલી કેટલી મહત્ત્વપૂર્ણ જાહેરાતોઃ
- સાઉલી નિનિસ્તોએ કહ્યું છે કે તેમનો દેશ ઔપચારિક રીતે નેટોના સભ્યપદ માટે અરજી કરશે.
- ફિનલૅન્ડનાં વડાં પ્રધાન સના મરીને કહ્યું કે તેમને આશા છે કે દેશની સંસદ આગામી કેટલાક દિવસોમાં નેટોમાં સામેલ થવા માટેની અરજી પર નિર્ણય કરી દેશે.
- નેટોના મહાસચિવ જેન્સ સ્ટોલટેનબર્ગે કહ્યું કે જો ફિનલૅન્ડ અને સ્વિડન નેટોમાં સામેલ થવાનો નિર્ણય કરે છે, તો એ ઐતિહાસિક હશે.
- જર્મન વિદેશમંત્રીએ કહ્યું, 'સ્વિડન, ફિનલૅન્ડ: જો તમે તૈયાર છો, તો અમે પણ તૈયાર છીએ.'
- અમેરિકાના વિદેશમંત્રીએ કહ્યું, 'અમેરિકા, ફિનલૅન્ડ અને સ્વિડનના આ નિર્ણયનું સંપૂર્ણ રીતે સમર્થન કરે છે.'

તટસ્થ રહેનારા ફિનલૅન્ડે હવે કેમ આવો નિર્ણય કર્યો?

ઇમેજ સ્રોત, Reuters
ફિનલૅન્ડ રશિયા એકબીજાના પડોશી દેશ છે અને તેમની સરહદ 1340 કિલોમીટર લાંબી છે, એવામાં તેની સ્થિતિ ભૌગોલિક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે.
ફિનલૅન્ડે 1917માં સ્વતંત્રતાની જાહેરાત કરી હતી. તે પહેલાં ફિનલૅન્ડનો મોટો ભાગ રશિયા હેઠળ હતો. ફિનલૅન્ડ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રશિયાની વિરુદ્ધમાં લડ્યું હતું.
સ્વિડને ગત 200 વર્ષમાં કોઈ યુદ્ધ લડ્યું નથી. તેની વિદેશનીતિ લોકતંત્રનું સમર્થન કરતી અને પરમાણુ નિ:શસ્ત્રીકરણ પર કેન્દ્રિત રહી છે.
આ વર્ષે જ્યારે જાન્યુઆરી મહિનામાં રશિયાનું સૈન્ય યુક્રેન સાથે જોડાયેલી સરહદની પાસે એકઠું થયું તો ફિનલૅન્ડનાં વડાં પ્રધાને કહ્યું હતું કે તેમના દેશની નેટો સાથે જોડાવાની સંભાવના ઘણી ઓછી છે.
પરંતુ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે પછી ફિનલૅન્ડના પહેલાંના અને હાલના વિચારોમાં ખૂબ પરિવર્તન આવ્યું છે અને આ નિર્ણય તેનું પરિણામ છે.
નેટોમાં સામેલ થવા માટે અરજી કરવાની વાતને ફિનલૅન્ડ એક જરૂરિયાત તરીકે વ્યાખ્યાયિત કરે છે. ફિનલૅન્ડના યુરોપ બાબતોના મંત્રી ટિત્તિ ટપરેનેનએ કહ્યું કે યુક્રેન પર રશિયાના હુમલાએ ઘણું બધુંબદલી નાખ્યું.
પરંતુ આ મહત્ત્વની જાહેરાતના એક દિવસ પહેલાં રશિયાના રાષ્ટ્રપતિએ ફિનલૅન્ડના રાષ્ટ્રપતિ સાથે વાત કરી હતી. આ વાતચીત દરમિયાન પુતિને તેમને આશ્વાસન આપ્યું હતું કે ફિનલૅન્ડની સુરક્ષાને કોઈ ભય નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Reuters
આ સવાલના જવાબમાં કિંગ્સ કૉલેજ લંડનમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રૉફેસર હર્ષ પંત કહે છે, "યુક્રેનને લઈને રશિયાએ જે વલણ અપનાવ્યું છે તેનાથી ઘણા ઓછા દેશ બચ્યા છે, જે રશિયાની કોઈ પણ વાત પર વિશ્વાસ કરે."
તેઓ આગળ કહે છે, "કારણ કે રશિયાએ યુક્રેન વિશે એમ પણ કહ્યું હતું કે વ્યૂહાત્મક સમાધાન ઇચ્છે છે પરંતુ તેણે હુમલો કર્યો. આ અંગે રશિયાના તમામ પડોશી દેશો અને યુરોપિય સંઘે રશિયાની સાથે પોતાની વિદેશનીતિ બદલી હશે. જે પ્રકારે રશિયાનું વલણ રહ્યું છે તેને જોતા તેના નિવેદન પર વિશ્વાસ કરવાને લઈને ભય છે, શંકા પણ છે અને અવિશ્વાસ પણ છે."
હર્ષ પંતની આ વાતનું પણ સમર્થન રશિયાની એ ધમકીઓ કરે છે જેમાં તેણે ચેતવણી આપી હતી કે ફિનલૅન્ડ નેટોમાં સામેલ થશે તો પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.
વિદેશી બાબતોના જાણકાર મનોજ જોશીનું માનવું છે કે ફિનલૅન્ડ અને રશિયાનો સંબંધ રહ્યો છે. જે પ્રકારે યુક્રેન પર હુમલો થયો છે બેશક ફિનલૅન્ડ તેનાથી ડરેલું છે.
બીજી વાત ઐતિહાસિક દૃષ્ટિકોણ એ પણ છે કે ભૂતકાળમાં રશિયાએ ફિનલૅન્ડના મોટા વિસ્તારને પડાવી લીધો હતો. સાથે જ બાલ્ટિક રિપબ્લિકની પણ વાત થઈ રહી હતી, બની શકે કે ફિનલૅન્ડને આ બાબતોને લઈને આશંકા હોય અને એટલા માટે પગલાં ભરે.
રશિયાએ ચેતવણી આપી હતી કે જો સ્વિડન અને ફિનલૅન્ડ નેટોમાં સામેલ થશે તો રશિયા યુરોપ બહારના વિસ્તાર માટે પરમાણુ હથિયાર અને હાઇપરસોનિક મિસાઇલ તહેનાત કરી દેશે.
રશિયાએ ધમકી આપતા કહ્યું હતું કે ફિનલૅન્ડનું આ પગલું નિશ્ચિત રીતે દ્વિપક્ષીય સંબંધોને નુકસાન પહોંચાડશે. આ પછી જ ઉત્તર યુરોપમાં સુરક્ષા અને સ્થાયી સ્થિતિ પર આકરી અસર પડશે.

ફિનલૅન્ડના આ નિર્ણયથી શું કશું બદલાશે?

ઇમેજ સ્રોત, Reuters
કેટલીક બાબતોમાં તો કશું પણ નહીં.
સ્વિડન અને ફિનલૅન્ડ 1994થી નેટોના અધિકૃત પાર્ટનર છે. જોકે આ પૂર્ણ સભ્યપદથી અલગ છે. બંને દેશોએ કૉલ્ડ પૂર્ણ થયા પછી નેટોના અનેક મિશનમાં ભાગ લીધો છે.
નેટોમાં ઔપચારિક રીતે સભ્યા બન્યા પછી એક મોટું પરિવર્તન આવશે કે નેટોના 'અનુચ્છેદ 5'નો ફરી પ્રયોગ થશે. જેના હેઠળ એક સભ્ય દેશ પર જો કોઈ હુમલો કરે છે તો તેને તમામ સભ્ય દેશ પર કરવામાં આવેલા હુમલા તરીકે જોવામાં આવે છે. સાથે જ પહેલી વખત ફિનલૅન્ડ અને સ્વિડનને પરમાણુ દેશો પાસેથી સુરક્ષાની ગૅરન્ટી મળશે.
વિદેશી બાબતોના જાણકાર મનોજ જોશી કહે છે, "ફિનલૅન્ડ પહેલાં પણ નેટોની બેઠકમાં સામેલ થતું રહ્યું છે પરંતુ અરજી કરીને ઔપચારિક રીતે સામેલ થવાનો હેતુ માત્ર આર્ટિકલ-5 હેઠળના આશ્વાસનને મેળવવાનો છે કે જો રશિયા અથવા કોઈ દેશ તેના પર હુમલો કરે તો તેની સામે લડવા માટે કોઈ હોય."
"નેટોના સભ્ય બનીને તેની ગૅરન્ટી મળી જશે."

રશિયાની વ્યૂહાત્મક હાર અને વધતા પડકારો

ઇમેજ સ્રોત, Reuters
રશિયાની તમામ ધમકીઓની વચ્ચે ફિનલૅન્ડે નેટોના ઔપચારિક સભ્યતાની દિશામાં પગલું આગળ ભર્યું છે. તો શું આને રશિયાના ઘટતા પ્રભાવના રૂપમાં જોઈ શકાય?
હર્ષ પંત કહે છે, "એક તરફ મને લાગે છે કે આ રશિયાની એક મોટી વ્યૂહાત્મક હાર છે, કારણ કે જે પ્રકારે યુક્રેનની સાથે યુદ્ધ છેડાયેલું છે અને જો વિવાદનું મુખ્ય કારણ રશિયાએ જ આપ્યું હતું તે છે કે યુક્રેન નેટોમાં સામેલ થશે તો તે રશિયાની સરહદની નજીક આવી જશે."
"તો હવે જ્યારે ફિનલૅન્ડ અને સ્વિડન જેવા દેશ કે જે હાલસુધી ઔપચારિક રીતે નેટોમાં જોડાયા ન હતા કે જોડાવાની તેમની મંશા ન હતી. તે નેટોમાં જોડાવાની વાત કરે છે. એવામાં જે કારણે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો તે હવે બીજી રીતે તેની સામે આવ્યું છે. એક પ્રકારે આ રશિયાએ પોતાની સમસ્યાને વધારી દીધી છે."
હર્ષ પંત કહે છે કે રશિયા માટે આ મોટો ભય છે. રશિયા માટે ફિનલૅન્ડ અને સ્વિડન બફર દેશ હતા પરંતુ હવે જ્યારે ફિનલૅન્ડે અરજી કરવાનું પાક્કું મન બનાવ્યું છે તો નેટો ગઠબંધન ફિનલૅન્ડની રક્ષા માટે ઊભું રહેશે.
મનોજ જોશી માને છે, "આનાથી રશિયા સામે પડકાર વધશે પરંતુ આ તેની જ ભૂલ છે. ફિનલૅન્ડ, રશિયાથી એક લાંબી સરહદ જોડાયેલી છે અને હવે જ્યારે ફિનલૅન્ડ નેટોમાં સામેલ થવા તરફ વધી રહ્યો છે તો રશિયા માટે પડકાર તો છે જ."
"નેટો આટલું નજીક આવી જશે તો રશિયા માટે તણાવપૂર્ણ સ્થિતિ હશે પરંતુ કંઈ પણ એટલું ઝડપી નહીં થાય. રશિયા મિસાઇલથી ડરે છે અને જો ફિનલૅન્ડથી મિસાઇલ છોડવામાં આવશે તો રશિયા માટે પડકાર હશે."
ફિનલૅન્ડની જોડાવાની જાહેરાત પછી જર્મની, અમેરિકા સહિત અનેક દેશોએ તેમનું સ્વાગત કર્યું છે. યુરોપ જે પ્રકારે ફિનલૅન્ડની નેટોમાં ભાગીદારીને લઈને અતિ સક્રિય છે તેનાથી શું સંકેત મળે છે?
આ સવાલના જવાબમાં હર્ષ પંત કહે છે કે યુરોપને લાગે છે કે તેમણે રશિયાને એ દેખાડવું જરૂરી છે કે અમે એકસાથે ઊભા છીએ અને ફિનલૅન્ડને લઈને યુરોપની પ્રતિક્રિયા પણ આ પ્રકારની જ છે.
તેઓ કહે છે, "યુરોપને લાગે છે કે જો તેમણે રશિયાને આ સંદેશો ન આપ્યો કે તે સાથે છે તો રશિયા સમજી શકે છે કે યુરોપના દેશો નબળા છે અને તે એકજૂથ નથી. પશ્ચિમી દેશ એ સંદેશો આપવા માગે છે કે યુક્રેન પર હુમલો કર્યા પછી પશ્ચિમના દેશો નબળા પડી જશે, કૂણું વલણ દાખવશે તો એવું નથી."
"આનાથી વિપરીત અસર પડશે અને એટલે જ યુરોપ એટલી ઝડપ કરી રહ્યું છે. તે સંદેશ આપવા માગે છે કે યુરોપિય દેશોને નબળા સમજવાની ભૂલ રશિયા ના કરે."
જર્મનીના વિદેશમંત્રીએ પણ પોતાના નિવેદનમાં એવું જ કાંઈક કહ્યું હતું. તેમણે કહ્યું, "સ્વિડન, ફિનલૅન્ડ: જો તમે તૈયાર છો, તો અમે પણ તૈયાર છીએ."
મનોજ જોશી કહે છે કે દૂરથી જોઈએ તો એ ભલે લાગે કે આ પગલું યુરોપના પ્રભુત્વનું પરિણામ છે, પરંતુ આ સંપૂર્ણ રીતે ફિનલૅન્ડનો નિર્ણય છે.

શું રશિયા અને યુક્રેન પર અસર પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
રશિયાએ 24 ફેબ્રુઆરીથી યુક્રેન પર જે હુમલો શરૂ કર્યો છે તે યથાવત્ છે. લાખો લોકો યુક્રેનથી પલાયન કરી ગયા છે. હજારોની સંખ્યામાં બંને બાજુએથી સૈનિકો મૃત્યુ પામ્યાં છે. શહેરનાં શહેર તબાહ થઈ ગયાં છે પરંતુ યુદ્ધ યથાવત્ છે.
રશિયા યુક્રેનના મારિયુપોલ જેવાં અનેક મહત્ત્વનાં શહેરો પર કબજો કરીને બેસેલું હોવાનો દાવો કરે છે, તો યુક્રેનનો દાવો છે કે તેણે ઘણા વિસ્તારો ફરીથી મેળવ્યા છે.
પરંતુ હાલ યુદ્ધ પૂર્ણ થશે તેવું દેખાઈ રહ્યું નથી.
પરંતુ હવે જ્યારે ફિનલૅન્ડ નેટોમાં સામેલ થવા માટેની પ્રક્રિયા કરવા જઈ રહ્યું છે ત્યારે શું રશિયા પોતાનાં પગલાં પાછાં ખેંચશે, કારણ કે જે ઉદ્દેશથી આની શરૂઆત થઈ હતી તે નિષ્ફળ થતું જોવા મળી રહ્યું છે.
આના પર હર્ષ પંત કહે છે કે રશિયા-યુક્રેન યુદ્ધ પર આની સીધી અસર તો નહીં પડે એવું દેખાય છે પરંતુ એ જરૂર છે કે આ વાતથી રશિયાને એક વખત ફરીથી એ સંદેશો જશે કે તેના પડોશી દેશ તેના વિશે શું વિચારી રહ્યા છે. રશિયાને એમ પણ સમજ આવશે કે જે તેના પડોશી તટસ્થ રહ્યા છે તે પોતાની વિદેશનીતિ પર ફરીથી વિચાર કરી રહ્યા છે.
તેઓ કહે છે, "એવા દેશ જે દાયકાઓ સુધી તટસ્થ રહ્યા છે તેની અસર રશિયા પર જરૂર થશે. બાકી વાત યુદ્ધની છે તો રશિયાએ પોતાની જાતને આગળ વધારી દીધી છે કે હવે યુદ્ધને યથાવત્ રાખ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, કારણ કે આની સીધી અસર પુતિન અને તેમની ઇમેજ પર થશે."
જોકે હાલમાં પુતિનની પાસે હવે આગળ વધવા સિવાય બહુ ઓછા વિકલ્પ છે અને તે માત્ર યુક્રેનમાં આગળ નહીં વધે પરંતુ તેની સરહદો બહાર પણ નીકળી શકે છે.
હાલની પરિસ્થિતિમાં સંકટ ગહેરાશે તે નક્કી છે અને યુરોપ પોતાના હાલના સમયમાં સૌથી ખતરનાક વળાંક પર છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













