Russia Victory Day : બીજા વિશ્વયુદ્ધની એ વિનાશક લડાઈ જેમાં રશિયા સામે હિટલરની સૌથી મોટી હાર થઈ
- લેેખક, લૉરેન્સ રીસ
- પદ, બીબીસી ન્યૂઝ
રશિયા નવી મેના દિવસે દર વર્ષે વિક્ટરી ડે એટલે કે વિજયદિવસ મનાવે છે. આ વર્ષે યુક્રેન પર રશિયાના હુમલા બાદ લગભગ ત્રણ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે લોકોની નજર રશિયન રાષ્ટ્રતિ વ્લાદિમીર પુતિન તરફ મંડાયેલી છે કે તેઓ પોતાના સંબોધનમાં યુક્રેન પર હુમલા અંગે શું કહેશે.
77 વર્ષ પહેલાંના એક યુદ્ધમાં રશિયાએ ખુવારી વેઠી હતી અને તે યુદ્ધ ઇતિહાસમાં યાદગાર બની રહ્યું છે. લેનિનગ્રાડથી ક્રીમિયા, કિએવથી સ્ટાલિનગ્રાડ સુધીના ફલક પર પથરાયેલા યુદ્ધમાં 2.5 કરોડ રશિયનોનો ભોગ લેવાયો હતો. આવી ખુવારી પછી જર્મનોએ શું હાંસલ કર્યું?

ઇમેજ સ્રોત, Getty Images
જર્મનીએ આક્રમણ કર્યું ત્યારે જર્મન સિવાયના પણ ઘણા લોકોને લાગ્યું હતું કે આ વાજબી યુદ્ધ છે અને જર્મનીના હિતમાં છે. જર્મની યુદ્ધ જીતી જશે એમ પણ સૌને લાગતું હતું.
1940ના ઉનાળામાં એડોલ્ફ હિટલરે ફ્રાન્સ પર નાટકીય વિજય મેળવી લીધો, પણ તેની સામેની લશ્કરી અને રાજકીય સમસ્યાઓનો અંત આવ્યો નહોતો. બ્રિટિશરો હજી શાંતિકરાર માટે તૈયાર નહોતા. હિટલરે ફ્રાન્સને કચડી નાખ્યું તે રીતે બ્રિટનને પાઠ ભણાવવા ઇંગ્લિશ ચેનલ પર હુમલો કરવાની તૈયારી કરી લીધી હતી.
ઇંગ્લૅન્ડ પર આક્રમણ માટેની તૈયારીનો જ આદેશ હિટલરે આપ્યો હતો, પરંતુ દરિયામાર્ગે મોટું આક્રમણ કરવાની બહુ ઇચ્છા અંદરથી નહોતી. બ્રિટન જેટલું મજબૂત નૌકાદળ જર્મની પાસે નહોતું. હવાઈ માર્ગે ધાક બેસાડ્યા પછી બ્રિટિશ નેવીનો સામનો કરવાનો જ હતો.
ઇંગ્લૅન્ડને હિટલરે દુશ્મન દેશ ગણ્યો નહોતો, એટલે તેની સામે જોખમી યુદ્ધ કરે તો સૌથી મોટા દુશ્મન ગણેલા સોવિયેટ સંઘ તરફથી જોખમ વધી જવાનું હતું. (વક્રતા એ હતી કે હજી સુધી આ ધારી લીધેલા દુશ્મન સામે યુદ્ધ કર્યું નહોતું અને ઑગસ્ટ 1030માં જર્મની અને સોવિયેટ સંઘે ના-યુદ્ધ કરાર કરી લીધા.)
આ સ્થિતિમાં હિટલરને લાગ્યું કે બ્રિટનના બદલે સોવિયેટ સંઘ પર જ હુમલો કરવો જોઈએ. હિટલર અને તેમના સેનાપતિઓને લાગતું હતું કે યુરોપમાં જ ઝડપથી યુદ્ધ પૂરું કરી શકાશે.
હ્યુબર્ટ મેન્ઝેલનો તર્ક એ હતો કે સોવિયેટ સંઘ પર 1941માં જ આક્રમણ કરી દેવું જોઈએ, કેમ કે 1942ના અંત અને 1943ના પ્રારંભ સુધીમાં બ્રિટન યુદ્ધ માટે સજ્જ હશે, અમેરિકા અને સોવિયેટ સંઘ પણ ત્યાં સુધીમાં સજ્જ થઈ ગયાં હશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

હિટલરનું આક્રમણ

ઇમેજ સ્રોત, Getty Images
જર્મનોએ 1941ના ઉનાળામાં જ સોવિયેટ સંઘ પર આક્રમણ કરી દીધું અને તેમને લાગતું હતું કે ઑક્ટોબર સુધીમાં મોસ્કો કબજે થઈ જશે. બ્રિટન અને અમેરિકામાં પણ ઘણાને લાગતું હતું કે હિટલર ઘાર્યું નિશાન ઝડપથી પાર પાડી દેશે.
યુરોપમાં અન્યત્ર થઈ હતી તેવી જ ખુવારી રશિયામાં પણ થઈ. બંને દેશો નિર્દય થઈને એકબીજાને ખતમ કરવા ઊતર્યા હતા અને એક જ અઠવાડિયામાં 1,50,000 સોવિયેટ સૈનિકો માર્યા ગયા અથવા ઘાયલ થયા હતા.
જર્મન સેના આગળ વધવા લાગી એટલે કિએવને બચાવવા માટે 10 લાખ સોવિયેટ સૈનિકોને મોકલાયા.
સ્ટાલિને કડક આદેશ આપ્યો હતો કે કોઈ પણ નગરે શરણે જવું નહીં, તેમ છતાં કિએવ જર્મનોએ કબજે કરી લીધું અને 6,00,000 સોવિયેટ સૈનિકોને પકડી લેવાયા.
ઑક્ટોબર 1941 સુધીમાં 30 લાખ સોવિયેટ સૈનિકોને યુદ્ધકેદી તરીકે પકડી લેવાયા હતા.
નવી કબૂલાતો અને દસ્તાવેજી પુરાવા દર્શાવે છે કે સ્ટાલિન શાંતિકરાર માટે તૈયાર થઈ ગયા હતા અને તેમણે પોતાને માટે એક ટ્રેન પણ તૈયાર કરાવી રાખી હતી.
જર્મનોના તોપગોળા મોસ્કો પર પડવા લાગે ત્યારે ત્યાંથી નાસી જવાની તૈયારી સ્ટાલિને કરી લીધી હતી. જોકે તેમણે આખરે મૉસ્કોમાં જ રહીને યુદ્ધ લડવાનો નિર્ણય લીધો તે મહત્ત્વનો સાબિત થયો અને યુદ્ધમાં નવો વળાંક આવ્યો.

ભયાનક યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images
રશિયા અને જર્મની વચ્ચેના આ યુદ્ધમાં થયેલા અત્યાચારો માટે સ્ટાલિન અને હિટલર બંને જવાબદાર હતા. મોસ્કો પર કબજો કરવા માટે થયેલી લડત દરમિયાન 8000 નાગરિકોને મારી નખાવામાં આવ્યા હતા.
તમે કાયર છો એમ કહીને તેમની કતલ કરી નખાઈ અને રશિયાની સેનાને પણ પીછેહઠ નહીં કરીને લડી લેવા માટે ફરજ પડાઈ હતી. માઇનસ 43 ડિગ્રી જેવી કડકડતી ઠંડીમાં પણ લડવા માટે તેમને મજબૂર કરાયા હતા.
મોસ્કોના મોરચાથી સૈનિકો નાસી ન જાય તે માટે સ્ટાલિને આડશ તૈયાર કરાવી હતી અને નાસી જનારાને ઠાર કરી દેવાનો આદેશ આપ્યો હતો. ગ્રામીણ વિસ્તારમાં પણ આદેશ અપાયો હતો કે કોઈ વફાદાર નથી એવું લાગે તેને ઠાર કરી જ દેવા.
તેના કારણે સરકાર માટે કામ કરનારા લોકોને છૂટો દોર મળી ગયો હતો અને તે લોકોએ ગામડાંમાં લૂંટ ચલાવી હતી.
સરકારી ટુકડીઓએ બળાત્કાર, હત્યાઓ અને અત્યાચાર કર્યા હોય તેવો એક અહેવાલ પણ તૈયાર થયો હતો. ખાસ કરીને યુક્રેનમાં સોવિયેટથી જુદા થવા માગનારા લોકો પર ત્રાસ ફેલાવી દેવાયો હતો. ગામડાના લોકો પર આ રીતે ત્રણ બાજુથી વાર થયો હતો.
રશિયાનો જે વિસ્તાર કબજામાં આવ્યો, ત્યાં જર્મનોએ પણ ભારે ત્રાસ ફેલાવ્યો હતો. યુક્રેન પર કબજો કરી તેનો હવાલો સંભાળી રહેલા એરિક કોચે એવું કહેલું કે સમગ્ર યુક્રેનની વસતિ કરતાં જર્મનીનો સૌથી સાદો કામદાર હજાર ગણો કીમતી છે.
ભૂખમરો એવો ફેલાયો કે સોવિયેટ નાગરિકોએ શ્વાનને મારીને માંસ ખાવું પડ્યું હતું. કૂતરા ખૂટી પડ્યા તે પછી લોકોએ ઉંદરોને અને પાળેલાં પશુઓને મારને ખાવાનું શરૂ કરવું પડ્યું હતું.
જર્મનીની સેનાના કબજામાં આવી ગયેલા ખારકીવમાં ભૂખમરો અને બીમારીથી 1,00,000 લોકોનો ભોગ લેવાઈ ગયો હતો.

સ્ટાલિનગ્રાડનું યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images
વીસમી સદીની સૌથી કટ્ટર લડાઈ શરૂ થઈ તે પછી સ્થિતિ પલટાઈ, હિટલરે 1942ની વસંતમાં પૂર્વ તરફના આખરી આક્રમણ તરીકે સ્ટાલિનગ્રાડ પર બે પાંખીયો હુમલો કરી દીધો.
સેનાની એક પાંખ બાકૂ તરફ આગળ વધી, જ્યારે બીજી પાંખ સ્ટાલિનગ્રાડ અને વોલ્ગા તરફ આગળ વધી. એક વર્ષથી સતત હાર ખમી રહેલી સોવિયેટ સેના હતાશ થઈ ગઈ હતી. પરંતુ આખરી લડાઈ તરીકે એક નવો વ્યૂહ રશિયન સેનાએ અપનાવ્યો.
સેનાને આદેશ આપી દેવાયો હતો કે સામે લડીને ખુવાર થવાને બદલે પીછેહઠ કરવી. તેના કારણે જર્મનો આગળ વધતા ગયા, પણ તેમના માટે પુરવઠો ખૂટવા લાગ્યો.
બહુ ઝડપથી જર્મન ટુકડીઓ વોલ્ગા નદીના કિનારે પહોંચી ગઈ. આર્મી ગ્રૂપ બી એક છેલ્લો હુમલો કરીને નદીના પશ્ચિમ કિનારે વસેલા સ્ટાલિનગ્રાડને કબજે કરવાની તૈયારીમાં હતું.
એ પછી થયું લોહિયાળ યુદ્ધ. 1000 ટનથી વધારે તોપના ગોળા શહેર પર વરસાવાયા. સ્ટાલિને શહેરમાં બહાર નીકળવા પર મનાઈ કરેલી.
વહારે આવનારી સોવિયેટ ટુકડીઓએ પૂર્વમાંથી નદી પાર કરીને શહેરમાં આવવું પડે તેમ હતું, તેમાં ઘણાં સૈનિકો નદીમાં જ ડૂબી ગયા.
રાજકીય કેદીઓ સહિતના કેદીઓને પણ યુદ્ધમાં લગાવી દેવાયા અને તેમાંના મોટા ભાગના માર્યા ગયા. સ્ટાલિનગ્રાડના મોરચે જ 10 લાખ સોવિયેટ સૈનિકો માર્યા ગયા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
અત્યાર સુધી આક્રમણ કરીને ફતેહ કરી રહેલા જર્મનોને સ્ટાલિનગ્રાડનું યુદ્ધ ભારે પડી ગયું. સોવિયેટ સૈનિકો સાથે હાથોહાથની લડાઈની સ્થિતિ આવી ગઈ હતી. સોવિયેટ સૈનિકો પણ હવે રઘવાયા થયા અને જર્મનોને વળગી જ પડતા હતા.
સુરન મિર્ઝોયાન નામના સૈનિક યાદ કરતાં કહે છે કે "એક જ હેતુ હતો કે મારી નાખવા. છરીના ઘા મારીએ ત્યારે ટમેટું કાપી નાખતા હોઈએ તેવું લાગતું હતું."
સ્ટાલિનગ્રાડમાં ચારે બાજુ મોતનું તાંડવ છવાયું હતું. બંને પક્ષોએ વંશીય લઘુમતી જૂથોનું પણ નિકંદન કાઢવાનું શરૂ કર્યું હતું. જર્મનો અને સોવિયેટ સત્તાધીશોને જ્યારે પણ લાગતું કે આ લોકો વફાદાર નથી ત્યારે હત્યા કરાવી દેવાતી.
થોડી પણ શંકા પડી હોય તેવા લોકોને પકડીને સાઇબિરિયા રવાના કરી દેવાયા.
સ્લાટિનગ્રાડના દક્ષિણમાં ઘાસના મેદાનમાં રહેતા કાલ્મિક નામની કોમને સૌથી વધુ ભોગવવું પડ્યું હતું. સ્ટાલિને આદેશ આપેલો કે આ લોકોને સોવિયેટ સંઘના દૂર-દૂરના ખૂણે ધકેલી દો.
પરિવારોને ખીચોખીચ ટ્રેનોમાં ભરીને રવાના કરાયા, તેમાંથી અનેકનું મોત રસ્તામાં જ થઈ ગયું. સત્તાવાર રીતે 93,000 કાલ્મિક્સ લોકો, 68,000 કરાચાઈ લોકો, 500,000 ચેચન્સ, 340,000 બાલ્કર અને 180,000 તાતારની હકાલપટ્ટી કરી દેવાઈ હતી. અસલી આંકડો આનાથી ઘણો વધારે હતો.

રશિયાનો વિજય

ઇમેજ સ્રોત, Getty Images
1944ની વસંતમાં હવે સોવિયેટ સેના જર્મનીમાં ઘૂસી જાય તેવી શક્યતા ઊભી થઈ હતી. પાછી હટી રહેલી જર્મન સેનાનો પીછો કરી રહેલી સોવિયેટ સેના છેક જર્મનીની સરહદે પહોંચી ગઈ હતી.
હિટલરે આદેશ આપ્યો કે રસ્તામાં જેટલાં ગામો છે તેમાંનું બધુ નાશ કરી દેવું, જેથી આગળ આવી રહેલા દુશ્મનોને કશું મળે નહીં. આટલા મોટા આક્રમણ પછી પોતાને હાર મળી તેનાથી ગિન્નાયેલા હિટલરે પોતાના જ લોકો પર અત્યાચાર ફેલાવાનું શરૂ કર્યું.
'જર્મનીના લોકો યુદ્ધમાં હારી જવાના હોય તો મારા માટે તે કોઈ કામના નથી.'
1944ના ઉનાળામાં આખરે હિટલરે તેની સૌથી મોટી લશ્કરી હાર મળી. સ્ટાલિનના ઑપેરેશન બેગ્રેશનમાં બેલોરશિયામાં જર્મન ટુકડીઓનો ખુરદો બોલાવી દેવાયો.
નૉર્મન્ડીમાં સાથી દેશોએ તબાહી મચાવી હતી તેના કરતાં ત્રણ ગણા વધારે જર્મન ડિવિઝનોને રશિયાએ ખતમ કરી નાખ્યા. સ્ટાલિને પોતાની સેનાને હટ્યા સિવાય લડવાની ફરજ પાડી હતી તે રીત હવે હિટલરે અપનાવી.
તેમણે કેટલાક ડિવિઝનોને હટ્યા વિના લડી લેવાનો આદેશ આપ્યો હતો. આમ છતાં જર્મનીની હાર આડે હવે થોડા મહિના જ હતા.
રશિયાને જર્મની પર ત્યારે વિજય મળ્યો, જ્યારે સોવિયટ સૈનિકોએ બર્લિન રિચસ્ટાગ પર 1945માં લાલ ઝંડો ફરકાવ્યો.
કબજો મેળવનાર સૈનિકોએ વિજયની ઉજવણી કરી જેમાં જર્મન નાગરિકોની હત્યાઓ અને બળાત્કાર પણ સામેલ છે.
જ્યારે સ્ટાલિનને કહેવામાં આવ્યું કે રેડ આર્મીના કેટલાક સૈનિકોએ જર્મન શરણાર્થીઓ સાથે કેવું વર્તન કર્યું ત્યારે તેમણે કહ્યું હતું કે: 'આપણે સૈનિકોને ખૂબ પ્રવચન આપીએ છીએ; હવે તેમને કંઈક પહેલ કરવા દઈએ.'
સોવિયટ સેનાના ફર્સ્ટ યુક્રેનિયન ફ્રન્ટના કમાંડર વ્લાદલેન અનચિશ્કિન જર્મન સૈનિકો સામે બદલો લેવાની આખી ઘટનાની ભયાનકતા યાદ કરતા કહે છે કે, "હું હવે એ સ્વીકારી શકું છું કે હું એવી અવસ્થામાં હતો, મારી પર ઝનૂન સવાર હતું."
"મેં કહ્યું હતું કે તેમને પૂછપરછ માટે લઈ આવો. મારી પાસે છરી હતી અને મેં તેને ઘા માર્યો. મેં કેટલાય લોકોને છરીના ઘા માર્યા. મેં વિચાર્યું કે તમે મને મારી નાખવા ઇચ્છતા હતા, હવે મારો વારો છે.''

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












