જર્મની : 90 મિનિટની એ બેઠક, જેમાં 'યહૂદીઓના પ્રશ્નનો કાયમી નિકાલ' કરવાનો નિર્ણય નાઝીઓએ કર્યો
- લેેખક, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
- પદ, .
15 વ્યક્તિઓની એ બેઠક માત્ર 90 મિનિટ ચાલી હતી, પણ તેના કારણે 80 વર્ષ પહેલાં યુરોપના લાખો લોકોના જીવ માથે જોખમ તોળાવા લાગ્યું હતું.
20 જાન્યુઆરી, 1942ના રોજ એડોલ્ફ હિટલરની નાઝી હકૂમતના ઉચ્ચ અધિકારીઓ બર્લિનની પશ્ચિમમાં આવેલા લેક વેનેસની નજીકમાં આવેલી ગ્રામીણ વિસ્તારની એક કોઠીમાં એકઠા થયા હતા.

ઇમેજ સ્રોત, GETTY IMAGES
શિયાળો હતો એટલે કોઈ વિશેષ મેજબાનીનું આયોજન કરાયું નહોતું.
ભોજન ખંડમાં રાબેતા મુજબનું ખાણું અને શરાબ પીરસવામાં આવ્યાં હતાં. વિશાળ ભોજન મેજના એક છેડે નાઝી નેતા રેઇનાર્ડ હેડ્રિચ બેઠા હતા.
એક મુદ્દાની ચર્ચા કરવા આ અધિકારીઓ એકઠા થયા હતા : "યુરોપમાં યહૂદીઓની સમસ્યાનો કાયમી નિકાલ".
બેઠકમાં શાણી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ નાઝી અધિકારીઓ એ બાબતમાં સહમત થયા હતા કે યુરોપના યહૂદીઓની ધરપકડક કરવી, તેમને છાવણીમાં એકઠા કરવા અને સામૂહિક નિકંદન કાઢી નાખવું.
તેમનાં મનમાં 1.1 કરોડ લોકોનું નિકંદન કાઢી નાખવાની ગણતરીઓ હતી.
વેનેસ કૉન્ફરન્સ તરીકે જાણીતી થયેલી અને લગભગ દોઢ કલાક ચાલેલી આ બેઠકમાં નાઝીઓએ યહૂદીઓનું નિકંદન કાઢી નાખવાની ચર્ચા કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

"દૂષણોથી ભરેલો" માણસ

ઇમેજ સ્રોત, Getty Images
રેઇનાર્ડ હેડ્રિચ નાઝી જર્મનીના સૌથી ખતરનાક અધિકારી હતા, જેમને મન હત્યા કરી નાખવી રમત વાત હતી.
1934માં તેમણે જ 'લાંબા છૂરાઓની રાત' એવો કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો, જેમાં હિટલરે ઊભી કરેલી નેશનલ સોશિયાલિસ્ટ જર્મન વર્કર્સ પાર્ટીમાં વિરોધીઓને ખતમ કરી નાખવાના હતા.
તેમણે જ બહાનું શોધી કાઢીને પોલૅન્ડ પર હુમલો કર્યો હતો અને તેના કારણે જ બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું હતું.
ઇતિહાસકાર નોબર્ટ કૅમ્પે બીબીસીને જણાવે છે, "બધાં જ ખરાબ કૃત્યોનો વિલન એ હતા. નાઝી વિચારધારામાં યહૂદીઓનો વિરોધ કેન્દ્રસ્થાને હતો. લાંબા સમયથી તે યહૂદીઓને કાયમ માટે ખતમ કરી દેવાનો કાર્યક્રમ હાથમાં લેવા માગતો હતો."
ડિસેમ્બર 1941માં પર્લ હાર્બર પર હુમલો થયો તે પછી અમેરિકાએ ધુરી રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરી દીધું હતું. તેના કારણે જર્મનીના નેતાઓએ નાઝી વિચારધારાના ઘણા મુદ્દા પર વિચાર કરવો પડે તેમ હતો.
તેમાં એક મુદ્દો આ હતો, જેને તેઓ "યહૂદી સવાલ" કહેતા હતા.
નાઝીઓ યહૂદીઓનો વિરોધ કરતા હતા અને યુરોપમાં પોતાના કબજામાં રહેલા વિસ્તારના હજારો યહૂદીઓને મહિનાઓથી પકડીને તેમને ખતમ કરવાનું કામ ચાલી જ રહ્યું હતું.
વેનેસ કૉન્ફરન્સ બોલાવીને હેડ્રિચ આ કામને હવે "પદ્ધતિસર"નું બનાવવા માગતા હતા, એટલે કે યહૂદીઓને છાવણીઓમાં એકઠા કરીને ખતમ કરી નાખવા માટેની એક ચોક્કસ રીત ઊભી કરવી.
જોકે આ બેઠકમાં જે 15 નાઝી અધિકારીઓ ભેગા થયા હતા તે આવી ભાષામાં તેની ચર્ચા કરવાના નહોતા. પરાણે બધાને એક જગ્યાએ પૂરી દેવાની વાતને "સ્થળો ખાલી કરાવવા" એવું કહેવાયું અને સામૂહિક હત્યા માટે સંખ્યામાં "ઘટાડો" એવી વાતો કરવામાં આવી હતી.
કૅમ્પે કહે છે, "બાલ્ટિક વિસ્તારના ડૉ. રુડોલ્ફ લૅન્ગે અને ડૉ. કાર્લ એબરહાર્ડ શોનગાને હેડ્રિચે બોલાવ્યા હતા, કેમ કે તે લોકોએ યહૂદીઓની કતલ કરવાનો અનુભવ હતો."

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ ઉમેરે છે, "હાજર રહેલામાંથી ઘણાએ ડૉક્ટરેટ કરેલું હતું અને ઘણા પાસે ઉચ્ચ શૈક્ષણિક લાયકાતો હતી, એટલે હત્યારા અધિકારી તરીકે આ જૂથ વિચિત્ર લાગતું હતું."
આ બેઠકને કારણે જ આગળ જતા હેડ્રિચ "નિકંદનના ઘડવૈયા" તરીકે કુખ્યાત થયા હતા.
વેનેસ કૉન્ફરન્સમાં હાજર રહેલા 15 નાઝીઓ
-રેઇનાર્ડ હેડ્રિચ, સુરક્ષા વિભાગના વડા
-ઑટ્ટો હૉફમેન, SS વંશીય વિભાગના વડા
-હેન્રિક મ્યૂલર, ગેસ્ટાપોના ચોથા વિભાગના વડા
-રુડોલ્ફ લૅન્ગ, લાતવિયાની ગુપ્તચર પોલીસના કમાન્ડર
-કાર્લ શોનાગ, સિક્યૉરિટી પોલીસના કમાન્ડર
-વિલ્હેમ સ્ટકાર્ટ, ગૃહ પ્રધાન
-જ્યોર્જ લેબ્રાન્ટ, પૂર્વ વિસ્તારની કબજા હેઠળના વિસ્તારોના પ્રધાન
-એરિક ન્યૂમેન, ચાર વર્ષીય આયોજનના વડા
-ફ્રેડ્રિક ક્રિટ્ઝીગર, ચાન્સેલરીમાં સેક્રેટરી
-ગેરાર્ડ કૉફર, ચાન્સેલરીમાં સેક્રેટરી
-એડોલ્ફ એઇકમૅન, ગેસ્ટાપોના એક ગ્રૂપના વડા
-આલ્ફેર્ડ મેયર, ડેપ્યુટી પ્રધાન
-જોસેફ બ્યૂહર, પોલૅન્ડ સરકારના સચિવ
-રૉલૅન્ડ ફ્રેસ્લર, ન્યાય વિભાગના સચિવ
-માર્ટિન લ્યૂથર, વિદેશવિભાગના નાયબ સચિવ
શરાબ સાથે બેઠક

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા ઇતિહાસકારો અને જાણકારો કહે છે કે આ બેઠકમાં હાજર રહેલા 15 જણાને જ નિકંદન માટે જવાબદાર ગણવા જોઈએ નહીં, કેમ કે માનવતા વિરુદ્ધનો આ હત્યાકાંડ હિટલરની વિચારધારાને કારણે થયો હતો.
પરંતુ હેડ્રિચ જે રીતે ઠંડા કલેજે લાખો લોકોને ખતમ કરી નાખવાની ચર્ચા કરતા હતા તે ધ્રુજાવી દેનારું હતું.
ગુપ્તચર સંસ્થા એસએસમાં હેન્રિક હિમલર પછી બીજા નંબરના હોદ્દા પર હેડ્રિચ હતા.
કૅમ્પે કહે છે, “આ બેઠક બોલાવવા પાછળનો તેનો ઇરાદો માત્ર પોતાની સત્તા દેખાડવાનો અને પોતે જવાબદારી સંભાળી રહ્યો છે તેવું દેખાડવાનો હતો.”
આ જ મકાનમાં કામ કરવા માટે તેઓ કેટલાક યુવાન યહૂદીઓને ઉપાડી લાવ્યા હતા તેના કારણે જ સંશોધકોને આ બેઠક વિશે માહિતી મળી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
આ બેઠકમાં શું થયું હતું તેની બીજી વિગતો હેડ્રિચના યહૂદી બાબતોના સહાયકર એડોલ્ફ એઇકમેને નોંધ તૈયાર કરી હતી તેમાંથી મળી હતી.
બેઠકની નોંધ તેમણે કરી હતી તેની એક જ કૉપી રાખવામાં આવી હતી.
1961માં એઇકમેન સામે મુકદ્દમો ચાલ્યો ત્યારે તેમણે વધારે વિગતો આપી હતી.
"મને યાદ છે કે આવી બેઠકમાં થતું હોય છે તે રીતે, એક પછી એક બધાને બોલવાનું કહેવાયું હતું. માહોલ બહુ શાંતિ, મૈત્રિપૂર્ણ અને સૌમ્ય હતો. ખાસ બીજી કોઈ વાતો થઈ નહોતી અને થોડી જ વારમાં વેઇટરો આવ્યા અને સૌને શરાબ પીરસ્યો હતો."
90 મિનિટની બેઠકમાં "યુરોપમાં યહૂદીઓના સવાલનું" શું કરવું તેનો નિર્ણય સર્વસંમતિથી લેવાયો હતો.
"વેનેસ પદ્ધતિ"

ઇમેજ સ્રોત, Getty Images
હેડ્રિચે પોતાની વાત શરૂ કરતાં કહ્યું કે હિટલરના માણસ હર્મન ગોરિંગે પોતાને "આખરી નિકાલ" માટેની કામગીરી સોંપી છે.
કૅમ્પે કહે છે, "તે પહેલાં સુધી એવું મનાતું હતું કે આખરી નિકાલનો અર્થ એવો થાય કે જર્મનીમાં પ્રભુત્વ ધરાવતી જગ્યાઓ પરથી યહૂદીઓને હઠાવી દેવા. આ બેઠક પછી યુરોપમાં યહૂદીઓનું નિકંદન કાઢી નાખવું એવો આખરી નિકાલનો અર્થ થવા લાગ્યો હતો."
યુરોપમાં યહૂદીઓને પરાણે કાઢી મૂકવાના પ્રયાસો ચાલુ થઈ જ ગયા હતા, પણ હેડ્રિકે ઠંડા કલેજે આલંકારિક ભાષા વાપરીને કહ્યું કે યહૂદીઓને ખતમ કરી નાખવા માટે છાવણીઓમાં એકઠા કરી દેવાના છે.
"સર્વોચ્ચ નેતાની આગોતરી મંજૂરી સાથે વધારાના એક ઉપાય તરીકે યહૂદીઓને હાંકી કાઢવાના બદલે પૂર્વમાં એકઠા કરવાની વાત છે. જોકે યહૂદી સવાલના આખરી ઉકેલ પહેલાં આ ઉપાયોને કામચલાઉ સમજવાના છે," એવું સૈદ્ધાંતિક કાર્યપદ્ધતિમાં નક્કી થયું હતું.
કૅમ્પે કહે છે કે હેડ્રિચ બહુ સારા વક્તા નહોતા અને દેખાવે એવા પ્રભાવશાળી પણ નહોતા. પણ સૌ તેમની વાત ધ્યાનથી સાંભળતા હતા, કેમ કે તેઓ જાણતા હતા કે "આ માણસ બહુ ખતરનાક છે."
કાર્યપદ્ધતિમાં વિગતો અપાઈ હતી કે યુરોપમાં કઈ જગ્યાએ કેટલા યહૂદીઓ વસેલા છે, તેમાં નાઝી શાસન હેઠળ નહોતા તેવા ઇંગ્લૅન્ડ અને સોવિયેત સંઘની પણ વિગતો આપવામાં આવી હતી.
"આખરી નિકાલ" માટે યુરોપમાં 1.1 કરોડ યહૂદીઓની ગણતરી કરવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
તે પછી હેડ્રિચે હચમચાવી દે તેવી વાત પણ કરી હતી કે 65 વર્ષથી મોટી ઉંમરના યહૂદીઓને છાવણીમાં મોકલી દેવા.
તંદુરસ્ત અને તગડા યહૂદીઓ પાસે પૂર્વમાં મજૂરી કરાવવી.
આ દસ્તાવેજમાં લખાયું છે તે પ્રમાણે તેમને લાગતું હતું કે મોટા ભાગના "આકરી સ્થિતિને કારણે માર્યા જશે". આ રીતે માર્યા ના જાય તેમની "યોગ્ય વ્યવસ્થા" કરવાની હતી.
આ પછી "મિક્સ્ડ બ્લડ"ના (આંતરવંશીય લગ્નનાં સંતાનો) હોય તેવા લોકોનું શું કરવું તેની ચર્ચા થાય. ત્યાર બાદ અન્ય અધિકારીઓનો બોલવાનો વારો આવ્યો.
કૅમ્પે કહે છે, "એરિક ન્યૂમેને કહ્યું હતું કે કારખાનામાં કામ કરતા હોય તેવા યહૂદીઓને હાંકી કાઢવા જોઈએ નહીં. પૂર્વ યુરોપમાંથી કામ કરવા માટે ગુલામ મજૂરો મળે પછી જ આ લોકોને હાંકી કઢાય એવી ખાતરી તેમને આપવામાં આવી હતી.”

"હત્યાની, ખતમ કરવાની, પૂરા કરી દેવાની ચર્ચાઓ હતી"

ઇમેજ સ્રોત, Getty Images
1961માં કબૂલાત આપતાં એઇકમૅને કહ્યું હતું કે સત્તાવાર બેઠક પૂરી થઈ ગઈ તે પછી શરાબપાન સાથે ચર્ચાઓ ચાલતી રહી હતી. હવે પ્રોટોકૉલ પ્રમાણે નહોતું એટલે સૌએ મોકળા મને પોતાની ભાષામાં વાતો કરી હતી.
"હત્યાની, ખતમ કરી દેવાની, પૂરા કરી દેવાની ચર્ચાઓ થઈ હતી. હકીકતમાં મારે આ બધાની નોંધ કરવાની હતી. હું ત્યાં ઊભો રહીને આ બધું સાંભળી શકું તેમ નહોતો, પણ બધું મારી પાસે નોંધવા માટે આવ્યું હતું."
કૅમ્પે કહે છે કે સામૂહિક નિકંદન કાઢી નાખવાની વાતે બધા સહમત થઈ ગયા હોય તેવું લાગ્યું હતું.
ઇતિહાસકાર કૅમ્પે કહે છે, "પોતાનો બચાવ કરવા માટે એઇકમૅને કહ્યું હતું કે: 'હું સૌથી નિમ્ન પાયરીનો અધિકારી હતો, બાકીના અધિકારીઓ ઉચ્ચ કક્ષાના હતા. તે લોકોને આ બાબત બરાબર લાગતી હોય ત્યારે હું કેવી રીતે યહૂદીઓને મારી નાખવાની વાત સારી છે કે ખરાબ એવી શંકા કરી શકું?'"

ઇમેજ સ્રોત, Getty Images
વેનેસ કૉન્ફરન્સ પછી હેડ્રિચે યહૂદીઓની હકાલપટ્ટી કરવાનો પ્રથમ હુકમ બહાર પાડ્યો હતો.
પાંચ મહિના પછી ચેકોસ્લોવાકિયામાં તે ગંભીરપણે ઘાયલ થયો હતો અને માર્યો ગયો, પરંતુ ત્યાં સુધીમાં નિકંદન કાઢી નાખવાની યોજના ચાલુ થઈ ગઈ હતી અને નાઝી જર્મનીમાં 60 લાખ યહૂદીઓને ખતમ કરી નાખવામાં આવ્યા હતા.
*બીબીસી વર્લ્ડ સર્વિસના હિસ્ટ્રી પ્રોગ્રામના લૂઇ હિડાલ્ગોની વિગતો સાથે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












