એ ખૈબરઘાટ જ્યાં સિકંદરથી માંડીને અંગ્રેજો સુધી સૌનું અભિમાન ઊતરી ગયું
- લેેખક, મહમૂદ જાન બાબર
- પદ, બીબીસી ઉર્દૂ
નાનપણમાં આપણે જાદુની વાર્તાઓ સાંભળતા અને તેમાં એવા પ્રદેશની વાત આવતી જ્યાં પગ મૂકનારા ખતમ થઈ જાય. પાછળ ફરીને જુએ તો પથ્થરની મૂર્તિ બની જાય.
વાસ્તવિક દુનિયામાં આવી કોઈ જગ્યાની વાત કરવી હોય તો તે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ પાસે આવેલો ખૈબરઘાટ હોઈ શકે.

ઇમેજ સ્રોત, Getty Images
આ ઘાટમાં થઈને અફઘાનિસ્તાન જવાય છે. અહીં આવવા જવા માટે અફરિદી કબીલાના લોકોને નજરાણું આપવું પડતું. દુનિયા આખી જીતનારા વિજેતાઓએ પણ અહીં આવીને નમી જવું પડતું હતું.
દુનિયાના લગભગ બધા ઇતિહાસકારોએ અફરિદી કબીલા વિશે લખ્યું છે. આ કબીલાના લોકો એવા કે તેમને લડવું જ ગમે અને તેના કારણે દુશ્મનો તેમની સામે ખરાબ રીતે હારી જાય.
વિદેશી કે સ્થાનિક લેખકો પણ સહમત થાય છે કે ખૈબરઘાટ પર જેટલા હુમલા થયા છે, તેટલા હુમલા દુનિયાના બીજા કોઈ પ્રદેશ કે મહામાર્ગ પર નહીં થયા હોય.
દુનિયાનો આ પ્રખ્યાત ખૈબરઘાટ પેશાવરથી 11 માઇલ દૂર આવેલા ઐતિહાસિક 'બાબ-એ-ખૈબર'થી શરૂ થાય છે. ત્યાંથી લગભગ 24 માઇલ દૂર તોરખમ પાસે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદે પૂરો થાય છે. ત્યાં આવેલી ડૂરંડ સરહદને પાર કરીને અફઘાનિસ્તાનમાં પ્રવેશ કરી શકાય છે.
'બાબ-એ-ખૈબર' અને તોરખમ વચ્ચેનો આ પ્રદેશ કોઈ પણ ખરાબ નિયત સાથેના માણસ માટે એટલો ખતરનાક છે કે તેની બીજી કોઈ મિસાલ મળતી નથી. તેના કારણે જ આ વિસ્તારના વિજેતા ગણાયેલા કોઈ પણ શાસક, આ ઘાટ પર અને અહીં રહેનારા લોકોને કાબૂ કરી શક્યા નથી.

ખૈબરઘાટની ભૌગોલિક સ્થિતિ અને યુદ્ધની સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
આ રસ્તાની બંને બાજુ લગભગ દોઢ હજાર ફૂટ ઊંચા પહાડો છે અને તેની વચ્ચે બનેલી ગુફાઓમાં ભૂલભૂલૈયા જેવા રસ્તાઓ છે. અહીંના રહેવાસીઓ માટે આ ઘાટ એક રીતે કુદરતી ઘેરાબંધી જેવો છે, જેને દુનિયાની કોઈ તાકાત યુદ્ધથી જીતી શકતી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેનો સૌથી ખતરનાક વિસ્તાર અહીંની ઐતિહાસિક અલી મસ્જિદ છે. અહીં ઘાટ એટલો સાંકડો થઈ જાય છે કે પહોળાઈ માત્ર થોડા મીટરની જ રહે છે.
આ જ સ્થાન એવું છે, જ્યાં પહાડોની ટોચ પર સંતાયેલા કબીલાના લોકો સેંકડો ફૂટ નીચેથી પસાર થઈ રહેલા હજારો સૈનિકો માટે ઘાતક સાબિત થાય અને સૈનિકોએ ભાગી છૂટવું પડે. અહીં લડતાં જો કોઈ મૃત્યુ પામે તો મૃતદેહ લઈ જવા માટે પણ કબીલાની વાત માનવી પડે.

'મોતના ઘાટનું દ્વાર'

ઇમેજ સ્રોત, GSINCLAIR ARCHIVE
પેશાવર શહેરથી થોડા કિલોમિટર દૂર જમરૂદ તાલુકામાં આ દરવાજો બન્યો છે તેને મોતના ઘાટનું પ્રવેશદ્વારા કહેવામાં આવે તો તે કંઈ ખોટું નથી.
આ દરવાજાથી જ ખૈબરઘાટના મહત્ત્વનો ખ્યાલ આવી જાય છે. આ પ્રવેશદ્વારનું નિર્માણ ભૂતપૂર્વ પ્રમુખ ફિલ્ડમાર્શલ અયૂબ ખાને કરાવ્યું હતું.
જૂન 1963માં તેનું બાંધકામ પૂર્ણ થયું. તે વખતના કેબલપુર ગામના બે-બે મિસ્ત્રીઓ ગામા મિસ્ત્રી અને તેના ભત્રીજા સાદિક મિસ્ત્રીએ દરવાજો બાંધ્યો હતો.
દરવાજો બનાવવામાં બે વર્ષ લાગ્યા હતા. તેના દ્વારા પર મૂકાયેલા શીલાલેખમાં આ માર્ગ પરથી પસાર થયેલા શાસકો અને આક્રમણખોરોના નામો લખેલા છે.
આ દરવાજા પાસે જ સમુદ્રી જહાજ જેવા આકારનો કિલ્લો આવેલો છે, જે શીખ જનરલ હરિસિંહ નલવાએ બનાવ્યો હતો. ખૈબરઘાટ પર નજર રાખવા માટે ગોઠવાયેલા સૈનિકો માટે આ કિલ્લો બનાવાયો હતો.
આ વિસ્તારમાં મોટા ભાગે અફરિદી કબીલાની પેટા શાખા કોકી ખેલ રહે છે.

સિકંદરે પણ પીછેહઠ કરવી પડી

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર ડૉક્ટર અસલમ તાસીર અફરિદી ખૈબરની નજીક જ આવેલા ઓરકઝઈ જિલ્લાની સરકારી ડિગ્રી કૉલેજના પ્રિન્સિપાલ છે તેઓ ઘાટના ઇતિહાસના પણ જાણકાર છે.
તેઓ કહે છે કે ઈરાનને જીતીને પખ્તૂન લોકોના ગાંધાર પ્રાંત જીતવા માટે આગળ વધી રહેલી સિકંદરની સેના સામે ખૈબરઘાટ પાસે જ સૌથી મોટો પડકાર આવ્યો હતો. પોતાની માતાની સલાહ પ્રમાણે સિકંદરે રસ્તો બદલી નાખ્યો હતો.
તેઓ કહે છે કે સિકંદરનાં માતા જાણવા માગતાં હતાં કે અફરિદી કબીલાએ કઈ રીતે આટલી જોરદાર ટક્કર આપી. તેથી તેમણે સિકંદરને કહ્યું કે 'આ વિસ્તારના કેટલાક નિવાસીઓને જમવા માટે મારી પાસે મોકલો'.
અફરિદી કબીલાના મુખી સિકંદરનાં માતાને મળવા માટે આવ્યા. તેમની સાથે બીજા પણ લોકો હતા. ભોજન દરમિયાન સિકંદરનાં માતાએ પૂછ્યું કે તમારામાંથી મુખી કોણ છે.
તેના જવાબમાં બધાએ કહ્યું કે પોતે મુખી છે. આ મામલે બધા અંદરોઅંદર બાખડી પડ્યા.
આ જોઈને સિકંદરનાં માતાને ખ્યાલ આવી ગયો કે અહીંનો એક-એક માણસ બીજા કોઈને પોતાનાથી મોટો માનવા તૈયાર ના હોય ત્યારે સિકંદરને શા માટે એ લોકો મોટો માને.
માતાએ પુત્રને સલાહ આપી કે 'હિન્દુસ્તાન જવા માટે ખૈબરઘાટનો માર્ગ લેવાનું ભૂલી જા.' તેના કારણે સિકંદરે રસ્તો બદલ્યો હતો અને બાજૌર થઈને તેમની સેના આગળ વધી હતી.
હાલના પાકિસ્તાનના વિસ્તારમાં સિકંદરે કેવી રીતે પ્રવેશ કર્યો હતો તેના વિશે ભૂતપૂર્વ બ્રિટિશ ગવર્નર સર ઓલાફ કારોએ પોતાના પુસ્તક 'પઠાણ'માં લખ્યું છે કે સિકંદર પેશાવર આવી શક્યા નહોતા. તેમણે કોસુસપ્લા અને ગોરિસ નદીઓ પાર કરવી પડી હતી.
તેમની વચ્ચે એક નાનકડું ઝરણું હતું, જે કદાચ પંજ કોડાનો ઉપરનો ભાગ હશે. હાલમાં ત્યાંથી ડૂરંડ રેખા પસાર થાય છે. ત્યાંથી હાલના બાજૌરનો માર્ગ લીધો હશે.

બૌદ્ધ ધર્મના વિશાળ સ્મારકો

ઇમેજ સ્રોત, Getty Images
જાણીતા પત્રકાર અલ્લાહ બખ્શ યૂસુફીએ તેમના પુસ્તક 'તારિખ-એ-અફરિદી'માં લખ્યું છે કે ખૈબરઘાટ પ્રદેશમાં મોટી સંખ્યામાં બૌદ્ધ પુરાતત્વ સ્થળો મળ્યા છે. જોકે પોતાની માન્યતાઓને કારણે પખ્તૂન લોકો આ મૂર્તિઓની વિરુદ્ધમાં હતા અને તેને તોડી નાખતા હતા.
આ વિસ્તારના લાંડી ખાના પાસે એક પહાડ પર પ્રાચીન સમયના કિલ્લા જેવી ઇમારત છે. અફરિદી લોકો તેને 'કાફિર કોટ' કહે છે.
અલ્લાહ બખ્શ યૂસુફી લખે છે કે સુલ્તાન મહમૂદ ગઝનવીએ ભારત પર હુમલો કરતી વખતે પખ્તૂનો સાથે દુશ્મની નહોતી કરી પરંતુ તેમની સાથે ગૌરવપૂર્ણ સંબંધો રાખ્યા હતા.
મહમૂદ ગઝનવી સાથે હુમલો કરવામાં અહીંના મુખીઓ સામેલ થયા હતા. તેમના નામ હતા મલિક ખાનો, મલિક આમૂ, મલિક દાવર, મલિક યાહ્યા, મલિક મહમૂદ, મલિક આરિફ, મલિક ગાઝી, મલિક શાહિદ અને મલિક અહમદ.
સોમનાથ પર હુમલા વખતે આ પખ્તૂનો બહાદુરીથી લડ્યા હતા અને તેમની લડવાની પદ્ધતિને કારણે તેઓ પ્રખ્યાત થયા હતા. તેના કારણે પખ્તૂનોને ખાનની ઉપાધી આપવામાં આવી અને કહ્યું કે માત્ર પખ્તૂનો જ એ લાયક છે કે તેમને ખાન કહી શકાય.
ઇતિહાસકારો લખે છે કે ઝહીરુદ્દીન બાબર પોતાની તાકાતથી ભારત જીતવા માટે ખૈબર તરફ આગળ વધ્યા ત્યારે અફરિદી તેમની આડે લોખંડી દીવાલ બનીને ઊભા રહી ગયા હતા. બાબરને ખ્યાલ આવી ગયો કે તાકાત દેખાડીને ખૈબરઘાટ પાર કરી શકાશે નહીં. કદાચ પસાર થઈ પણ જાય પરંતુ પછી અફઘાનિસ્તાન તરફ આગળ વધતી વખતે સુરક્ષાની ચિંતા રહેશે.
તેથી ફરી તાકાત એકઠી કરી અને 1519માં ફરીથી ખૈબર પર વિજય મેળવવા માટે હુમલો કર્યો. ભીષણ યુદ્ધ થયું અને પરંતુ બાબર અલી મસ્જિદમાં માત્ર એક જ રાત રોકાઈ શક્યા. તેઓ જમરૂદ પહોંચી ગયા.
તેમણે વિચાર્યું કે પંજાબ તો પહોંચી જશે, પરંતુ પાછા ફરવાનો રસ્તો આ કબીલાઓ કાપી નાખશે તો શું થશે.

શીખ શાસનકાળ

ઇમેજ સ્રોત, Getty Images
શીખ મહારાજા રણજિતસિંહને લાગ્યું કે પખ્તૂનો પર દાબ રાખવા માટે કોઈ મજબૂત માણસને અહીં મૂકવો પડે.
તેથી તેમણે શીખોના સૌથી પ્રસિદ્ધ સેનાપતિ જનરલ હરિસિંહ નલવાને એક મોટી સેના સાથે પેશાવર મોકલ્યા હતા અને ત્યાંના શાસનાધિકારી તરીકે મૂક્યા હતા.
હરિસિંહે પખ્તૂનોને પરેશાન કરી મૂક્યા પરંતુ વધુ કોઈ નુકસાન કરી શક્યા નહીં. આ કબીલાઓના વળતા હુમલાને કારણે રણજીતસિંહ પોતે પણ ગભરાયા હતા.
આ જોખમને કારણે જ કબીલાઓના હુમલાથી બચવા માટે હરિસિંહ નલવાએ બાબ-એ-ખૈબર એટલે ખૈબરઘાટના પ્રવેશના સ્થાન પાસે કિલ્લો બનાવવાનું નક્કી કર્યું હતું. 1836માં તેનું બાંધકામ શરૂ થયું હતું.
શીખોએ કબીલાઓના હુમલાથી બચવા માટે આ કિલ્લો બનાવ્યો હતો પરંતુ અફઘાનિસ્તાનના અમીર દોસ્ત મોહમ્મદ ખાનને લાગ્યું કે આ તેમની સામે હુમલાની તૈયારી માટે છે. તેના કારણે તેમણે શીખ સેના પર હુમલો કર્યો અને તેમાં હરિસિંહ નલવા માર્યા ગયા.

બ્રિટિશ સરકાર વખતે 'મવાજિબ'ની ઉઘરાણી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
બ્રિટિશ સેના અફઘાનિસ્તાનમાં ગોઠવવામાં આવી હતી ત્યારે આવનજાવન માટે ખૈબરઘાટ ખુલ્લો રાખવો જરૂરી હતી. જોકે તે માટે અફરિદી કબીલાઓને લાગો આપ્યા સિવાય ચાલે તેમ નહોતું.
અંગ્રેજોને લાગતું હતું કે કબીલાઓને લાગો આપી દેવામાં નહીં આવે તો શાંતિથી રહી શકાશે નહીં.
તેથી ખૈબરઘાટમાં શાંતિ જાળવી રાખવા માટે અફરિદીઓને વર્ષે એક લાખ 25 હજાર રૂપિયા ચૂકવવા પડતા હતા.
અફઘાનિસ્તાનમાં બે વર્ષ રહ્યા પછી અંગ્રેજો હારી ગયા અને પોતાની સાથી શીખ સેના સાથે તેઓ પાછા ફરી રહ્યા હતા. તે વખતે ખૈબરઘાટમાં અફરિદી કબીલાઓએ તેમની એવી ખરાબ વલે કરી કે તેમના હોંશ ઊડી ગયા હતા.
ખૈબરઘાટમાં અલી મસ્જિદ પાસે જ અંગ્રેજોની બધી તોપ અને બંદૂકો અફરિદી કબીલાઓએ કબજે કરી લીધી હતી.
અફરિદી કબીલા સાથે સમજૂતી કરીને જ આ માર્ગનો ઉપયોગ થઈ શકતો હતો. તેને સ્થાનિક ભાષામાં મવાજિબ કહેવામાં આવે છે.
વર્ષે બે વાર મવાજિબની રકમ ચૂકવવી પડે. આવી રીતે ઉઘરાણી કરનારો તેના માટે ગૌરવ અનુભવતો હોય છે. આવા કબીલામાં મલિક અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય.
આ વિસ્તારથી દૂર રહેવા જતા રહ્યા હોય તેવા કબીલાઓ પણ પોતાના હિસ્સે આવતી મવાજિબની રકમ લેવા માટે આવતા હોય છે. ભલે થોડો જ ભાગ મળવાનો હોય અને તેના માટે મોટો ખર્ચ કરવાનો હોય, પણ આ નજરાણું લેવાનું તેઓ ચૂકતા નથી.
સરકાર આ કબીલાઓના વૃદ્ધોને લિંગીના નામ પર પણ રકમ ચૂકવતી હોય છે.

અફરિદી અહીં ક્યાંથી વસ્યા છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
પ્રોફેસર ડૉક્ટર અસલમ તાસીર અફરિદીનું કહેવું છે કે જમરૂદથી લઈને તિરાહ અને ચોરાહ સુધીના પ્રદેશમાં અફરિદીઓ રહે છે. આ ઉપરાંત જલાલાબાદથી લઈને પાકિસ્તાનના હાલના શહેર મર્દાન સુધીમાં પખ્તૂન રાજ્ય બન્યું હતું. તેના સ્થાપક બાયઝીદ અન્સારી અથવા પીર રોખાન હતા. તેમાં વજીરિસ્તાનનો પ્રદેશ પણ આવી જતો હતો.
તેમના જણાવ્યા અનુસાર ભારતમાં સારી ખેતી થતી હતી અને તેના કારણે ભારત 'સોનાની ચિડીયા' તરીકે ઓળખાતું. તેથી આક્રમણખોરો હંમેશા તેના પર કબજો કરવા માટે હુમલો કરતા રહેતા હતા. આ આક્રમણખોરોએ ગાંધાર એટલે કે પખ્તૂનોના પ્રાંતમાંથી જવું પડતું હતું. પરંતુ તેમાં વચ્ચે ખૈબરઘાટ દીવાલ બનીને ઊભો હોય.
તેમના જણાવ્યા અનુસાર બાબ-એ-ખૈબરની આસપાસના વિસ્તારમાં જ લગભગ 29 લડાઈ થઈ હશે. કબીલાઓએ અંદરોઅંદર આ લડાઈ કરી હતી. આ ઉપરાંત શીખો, અંગ્રેજો સામેની લડાઈઓ પણ ખરી.
અફરિદી કબીલાની ઘણી શાખાઓ મનાઈ છે. તે જુદા-જુદા વિસ્તારમાં રહે છે. તેમાં સૌથી મોટી શાખા કોકી ખેલ બાબ-એ-ખૈબરથી લઈને ખૈબરઘાટ સુધી અને તિરાહના મોટા વિસ્તારમાં વસેલી છે.
આ કબીલાના મલિક મલિક અબ્દુલ્લા નૂર કહે છે કે જમરૂદનો કબજો લેવા માટે તહકાલના અરબાબ સરફરાઝ ખાને તેમના કબીલાની મદદ લીધી હતી. તેમનું કહેવું છે કે દુનિયાભરમાંથી આક્રમણખોરો આ પ્રદેશને જીતવા આવતા રહ્યા છે. આ ઉપરાંત સત્તા અને જમીન માટે કબીલાઓ વચ્ચે આંતરિક લડાઈઓ પણ થઈ અને તેમાં તેમના પોતાના જ માણસોએ પણ ભૂમિકા ભજવેલી.
જોકે તેઓ કહે છે કે હવે આ વિસ્તારમાં ઘણા સમયથી શાંતિ છે. બધા કબીલા પોતપોતાના વિસ્તારમાં શાંતિથી રહે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો















