રશિયા-યુક્રેન યુદ્ધ : 'આકરી ઠંડીમાં ભીના બૂટ પહેરી જમીન પર પડ્યા રહ્યા, હાથ-પગ પણ ગુમાવ્યા' રશિયન જેલમાં યુક્રેનિયનો સાથે શું થયું?

    • લેેખક, લેખન અને તસવીરો જૉએલ ગન્ટર
    • પદ, કિએવ, યુક્રેન

હૉસ્પિટલમાં જૂના જમાનાના લોખંડના પલંગ પર નિકિતા હોર્બાન પોતાના પગના કપાઈ ગયેલા અંગૂઠા પર બાંધેલા પાટા પર આંગળીઓ ફેરવી રહ્યા હતા.

રશિયામાંથી જે વસ્ત્રો પહેરાવીને તેમને પાછા યુક્રેન મોકલાયા હતા તે હજી તેમણે કાઢ્યા નહોતા. તેમણે મિલિટરીનું ગ્રીન ટીશર્ટ અને ટ્રૅકસૂટ પહેરેલો હતો. 31 વર્ષના સાવ ફિક્કા થઈ ગયેલા નિકિતા તેમની ઉંમર કરતાં મોટા દેખાતા હતા.

નીચી નજર ઢાળીને તેઓ કહે છે, "મારું બહુ વજન ઊતરી ગયું છે. સાવ લેવાઈ ગયો છું."

નિકીતા
ઇમેજ કૅપ્શન, રશિયામાંથી જે વસ્ત્રો પહેરાવીને તેને મોકલાયા હતા તે હજી તેમણે કાઢ્યા નહોતા. મિલિટરીનું ગ્રીન ટીશર્ટ અને ટ્રેકસૂટ પહેરેલો હતો. 31 વર્ષના સાવ ફિક્કા થઈ ગયેલા નિકિતા તેમની ઉંમર કરતાં મોટા દેખાતા હતા.

પથારીમાં તેમણે પડખું ફરીને આરામ કરવાની કોશિશ કરી. છેલ્લાં બે અઠવાડિયાંથી જ બેસી શકે છે, નહીં તો બેસાતું પણ નહોતું.

પગમાં ખાલી ના ચડી જાય એટલે થોડી થોડી વારે તેને ફેરવવા પડે છે. દક્ષિણ યુક્રેનના ઝાપોરઝિયાની વસંતનો દિવસ ખુશનુમા ખીલ્યો હતો, પણ રશિયાના સૈનિકો હુમલા કરીને બૉમ્બમારો કરી રહ્યા હતા એટલે હૉસ્પિટલની બારીઓ પર પરદા ઢાંકી દેવાયા હતા. વૉર્ડની અંદર ગરમી લાગી રહી હતી.

કેદીઓની અદલાબદલીના ભાગરૂપે ત્રણ દિવસ પહેલાં જ નિકિતાને ફરીથી યુક્રેનમાં મોકલાયા હતા અને પછી કોઈ તેમને અહીં હૉસ્પિટલમાં લઈ આવ્યું હતું.

આ કેદીઓએ છેલ્લાં ત્રણ અઠવાડિયાં રશિયાની કેદમાં ખૂબ મુશ્કેલી સાથે વિતાવ્યા હતા.

28 વર્ષના બીજા એક કેદી સેરહી વેસિલિહાના બંને પગ કાપી નાખવા પડ્યા હતા. નિકિતાએ કહ્યું, "એ અમારા જેટલો નસીબદાર નહોતા."

યુક્રેનનાં નાયબ વડા પ્રધાન ઇરિના વેરેશ્ચૂક કેદીઓની અદલાબદલીનો હવાલો સંભાળી રહ્યા છે અને તેમણે જણાવ્યું કે "કેદીઓ પરત લવાયા તેમાં ઘણાને બહુ ઈજાઓ થયેલી છે - કેટલાના અંગો કાપી નાખવા પડ્યા, કેટલાને પરૂ થઈ ગયું છે, કેટલાને ગંભીર ઘા વાગ્યા છે."

તેઓ કહે છે, "ત્રાસ અપાયો હોય તે ચોખ્ખું દેખાઈ આવે છે. આ લોકોએ આપવીતી જણાવી તે દર્દનાક છે."

નિકિતાની મુશ્કેલીની શરૂઆત માર્ચમાં થઈ હતી. રશિયાની સેના કિએવના પશ્ચિમમાં આવેલા નાના ગામ એન્ડ્રિવ્કામાં ઘૂસી ગઈ હતી. કિએવની હૉસ્પિટલમાં લૅબ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા નિકિતા તેમનાં માતાપિતા, પત્ની અને પાંચ વર્ષના દીકરા સાથે બગીચામાં છુપાયા હતા.

પિતા સાશા આમ સાવકા પિતા છે, પણ બંનેએ એકબીજાને સ્વીકારી લીધેલા છે.

રશિયનો ઘરે-ઘરે તપાસ કરી રહ્યા હતા અને નિકિતાના ઘરમાં ઘૂસીને બંનેને બહાર કાઢીને માર મારવાનું શરૂ કર્યું હતું.

નિકિતા કહે છે, "ગોળીબાર થયો હતો. ગામના લોકોને મારી નાખવામાં આવી રહ્યા હતા અને બહુ ભય ફેલાયો હતો."

તેમની સહિત ઘણાને પકડી લેવાયા અને આંખે પાટા બાંધી, બંદૂકના નાળચે એક ખેતરમાં લઈ જવાયા અને ત્યાં તેમને ત્રાસ અપાયો. નિકિતાને ઘૂંટીમાં ઘા પડ્યા હતા. તેમની સાથે બીજા પણ હતા, પણ કોણ-કોણ હતા તે ઓળખી શકાતું નહોતું.

line

આકરી ઠંડી, વરસાદ, અને પાણી ભરેલા બૂટ

નિકીતા
ઇમેજ કૅપ્શન, પાંચ દિવસ બાદ તેમને એજ કપડાંમાં પાછા મોકલવામાં આવ્યા કે જેની પર રશિયનોએ નિશાન બનાવ્યા હતા.

"હું એટલું જ વિચારી રહ્યો હતો કે મારા પિતા ક્યાં હશે? મારાથી છૂટા પડી ગયા હશે તો શું થશે?"

"રશિયનોએ તેમના બૂટ કઢાવીને તેમાં પાણી ભર્યું અને ફરીથી પહેરાવી દીધા. તે પછી કેદીઓને કડકડતી ઠંડીમાં જમીન પર ઊંઘા સુવડાવ્યા."

નિકિતા કહે છે, "આવી રીતે ત્રણ કે ચાર દિવસ કાઢ્યા. વરસાદ પણ પડ્યો અને બહુ જ ઠંડી વધી ગઈ હતી."

આસપાસના રશિયનો નથી એવું લાગ્યું તે પછી નિકિતાએ પિતા માટે બૂમ પાડી હતી, "ડૅડ તમે ક્યાં છો?" સાશાએ ધીમેથી જવાબ આપ્યો એટલે ખ્યાલ આવ્યો કે બંને હતા તો સાથે જ. તે પછી બંને સલામતી રાખીને એક બીજા સાથે વાતો કરતા રહ્યા હતા.

ખેતરમાં જ પડી રહેવાથી નિકિતાનો પગ ઠરી ગયો હતો. તે પછી તો તેમાં કંઈ સંવેદના જ થતી નહોતી. તે પછી તેમના પર ગોળા વરસવા લાગ્યા હતા.

નિકિતા કહે છે, "અમે કેટલીય વાર સુધી એમ જ જમીન પર પડ્યા રહ્યા હતા અને સૌ એક બીજાને અલવિદા કહેવા લાગ્યા હતા"

તે પછી તેમને સૌને ઊઠાવીને એક ટ્રકમાં બેસાડી દેવાયા. આંખે પાટા બાંધ્યા હતા એટલે કેટલો સમય પસાર થઈ રહ્યો છે તે નિકિતાને ખબર પડતી નહોતી. થોડા વખત પછી બીજા જૂથની સાથે તેમને જોડી દેવાયા અને હેલિકૉપ્ટરમાં બેસાડી દેવાયા. તે બધા ભૂખ્યા થયા હતા, કેમ કે તેમને બહુ થોડું-થોડું જ ખાવાનું અપાતું હતું.

હેલિકૉપ્ટરથી ઍરપૉર્ટ પર પહોંચાડ્યા પછી બધા કેદીઓને કાર્ગો વિમાનમાં બેસાડી દેવાયા. વિમાનની અંદર બીજા 10થી 12 કેદીઓ હશે તેવું નિકિતાને લાગેલું.

વિમાનના એન્જિનોનો ઘરઘરાટ થવા લાગ્યો તે પછી નિકાતાએ પૂછ્યું "તમે કેમ છો?" સાશાએ કહ્યું, "હું બરાબર છું."

line

'પગ નકામા થઈ જશે'

રાશા અને નિકીતાનું ઘર
ઇમેજ કૅપ્શન, રાશા અને નિકીતાનું ઘર

આ બાજુ ગામમાંથી નિકિતાનાં માતા નાદિયા અને પત્ની સ્વિત્લાના અને પુત્ર આર્ટેમ પડોશના મોટા ઘરમાં છુપાયા હતા. તે લોકોને ખ્યાલ નહોતો કે નિકિતા અને સાશા ક્યાં હશે.

થોડે જ દૂર રહેતા સાશાનાં માતાપિતા પણ બહુ ચિંતામાં હતા. સાશાનો ફોન લાગતો નહોતો અને તે લોકો આવીને તપાસ કરી શકે તેમ નહોતા. ગામ પર હજીય તોપમારો થઈ રહ્યો હતો.

ગોળીબાર ના થતો હોય ત્યારે રશિયાના સૈનિકો ઘરમાં ઘૂસીને પરેશાન કરતા હતા. એકાદ મહિના સુધી ગામમાં કોઈને ખબર નહોતી કે તેમના સ્વજનોને ક્યાં લઈ જવાયા હશે.

નિકિતા અને સાશાને લઈ જઈને રહેલું વિમાન રશિયામાં પહોંચ્યું પછી નીચે ઊતરવા લાગ્યું હતું. તે લોકોને ડિટેન્શન કૅમ્પમાં લઈ જવાયા અને હવે તેમની આંખેથી પાટા હઠાવી દેવાયા.

તે પછી બધાએ એકબીજાને જોયા અને ભેટી પડ્યા. સાશાને પણ બહુ ઈજાઓ થઈ હતી અને તેમની ચામડી ફાટી ગઈ હતી. તેમને હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા.

નિકીતાનાં દાદી તેમની તસવીરો લઈને ઊભાં છે
ઇમેજ કૅપ્શન, નિકિતાનાં દાદી તેમની તસવીરો લઈને ઊભાં છે

આંખેથી પાટો હટ્યો તે પછી નિકિતાએ જોયું કે તેમના પગના અંગૂઠા કાળા પડી ગયા હતા. આકરી ઠંડીમાં પગમાં ફ્રૉસ્ટ બાઇટ થઈ ગયું હતું. તેમણે સારવાર માટે માગણી કરી પછી હૉસ્પિટલમાં લઈ જઈને પગને સૂકવીને પાટો બાંધી દેવાયો બસ. પાંચેક દિવસ આ છાવણીમાં રખાયા પછી તે લોકોને પ્રિ-ટ્રાયલ ડિટેન્શન સેન્ટર નંબર 1માં લઈ જવાયા, જે કૂર્સ્ક શહેરમાં છે.

અહીં કેદી તરીકે દાખલ કરીને તેમને યુનિફોર્મ પહેરાવી દેવાયો, વાળ કાપી નખાયા અને જણાવાયું કે તમને "વૅક્સિન" અપાશે, પણ હકીકતમાં તેમને માર મારવાની વાત તેઓ કરી રહ્યા હતા.

તેમને અને સાશાને બીજા 10 કેદીઓ સાથે એક ઓરડીમાં રખાયા. નિકિતાને લાગ્યું કે તેના બંને પગ નકામા થઈ જશે.

line

'અંગૂઠો કાપવો પડશે'

વોલોદિમીર હોલુમેન્કોવ
ઇમેજ કૅપ્શન, વોલોદિમીર હોલુમેન્કોવનું કહેવું છે કે બધા અહીંયા પોતપોતાના દુ:ખમાં છે

નિકિતા યાદ કરતાં કહે છે, "કેદમાં તે પહેલી રાત્રે મને લાગ્યું કે મારા પગમાં મને સંવેદન થતી નથી અને પગને હું ફેરવી પણ શકતો નહોતો. તેમાંથી દુર્ગંધ પણ આવવા લાગી હતી."

બીજા લોકોની પણ આવી જ કરૂણ દશા હતી. કેટલા લોકોના અંગ કાપી નાખવા પડ્યા હતા. આ કેદમાં નામની જ સારવાર અપાતી હતી - ઍન્ટિબાયોટિક આપી દેવાતી હતી અને ત્રણ દિવસે પાટા બદલી દેવાતા હતા.

નિકિતાના જણાવ્યા અનુસાર "એક ડૉક્ટરે કહેલું કે તેમની પાસે દવાઓ છે ખરી, પણ કેદીઓ માટે વાપરવાની મનાઈ કરાઈ હતી."

કેદીઓ એકબીજાના પરિવારની વાતો કરીને સાંત્વના આપવા કોશિશ કરતા રહેતા હતા.

તે લોકોને રશિયાના દેશભક્તિનાં ગીતો મોઢે કરવાં અને ગાર્ડ સામે ગાવાની ફરજ પડાતી હતી.

નિકિતા કહે છે, "રશિયાનું રાષ્ટ્રગીત પુતીનની વાહવાહ કરનારું જ હતું. સવારે ગીત અપાતું અને બપોરે જમવા સુધીમાં મોઢે કરી લેવાનું કહેવાતું."

દિવસમાં બે કે ત્રણ વાર તેમની પૂછપરછ કરાતી હતી અને માર મરાતો હતો. તે પછી તેમની પાસે એવા દસ્તાવેજો પર સહી કરાવી લેવાતી કે તેમની સાથે સારો વ્યવહાર થયો હતો અને પૂરતું ખાવાનું અપાયું હતું.

કેદમાં ત્રણ અઠવાડિયા રહ્યા પછી નિકિતાના પગની હાલત ખરાબ થઈ ગઈ હતી અને આખરે બીજા બે સાથે તેમને એક હૉસ્પિટલમાં મોકલી દેવાયા. સર્જને કહ્યું કે બંને અંગૂઠા કાપી નાખવા પડશે.

સર્જરી પછી એક અઠવાડિયું હૉસ્પિટલમાં જ રહેવાનું થયું હતું. તે પછી તેમને જાણ કરાઈ કે તેમને અને બીજા ઘવાયેલા લોકોને તેમના વતનમાં પરત મોકલી દેવાશે.

નાયબ વડા પ્રધાન વેરેસ્ચૂક કહે છે કે કેદમાં રહેલા પોતાના સૈનિકોને છોડાવવા માટે રશિયનો તેમણે પકડેલા નાગરિકોને છોડવાની કોશિશ કરી હતી.

જીનિવા કન્વેન્શન પ્રમાણે આવું કરી શકાતું નથી. તેઓ કહે છે, "આ કામ માટે જ તે લોકોએ નાગરિકો, મહિલાઓ અને સ્થાનિક પંચાયતોના કર્મચારીઓને પકડી લીધા હતા અને તેમનો ઉપયોગ કરવા માગતા હતા."

"અમે જાણીએ છીએ કે એક હજારથી વધારે કેદીઓ છે, તેમાંથી 500 જેટલી મહિલાઓ છે. તે લોકો કેદમાં છે અને કૂર્સ્ક, બ્રિયાન્સ્ક, રિઆઝન, રોસ્તોવ વગેરે જગ્યાએ પ્રિ-ટ્રાયલ ડિટેન્શનમાં સેન્ટરોમાં રખાયા છે."

સાશાને જ્યાં છેલ્લે જોયા હતા તે કેન્દ્રમાં નિકિતાને પરત જવાની તક મળી નહોતી.

તેમને હૉસ્પિટલથી સીધા કાર્ગો વિમાનમાાં લઈ જવાયા અને ક્રિમિયાના સિમ્ફરોપોલમાં મોકલી દેવાયા.

રશિયનોએ કહેલું કે તેમની પાસે ઍમ્બ્યુલન્સ નથી એટલે તેમણે ઈજાગ્રસ્ત કેદીઓને ટ્રકમાં જ બેસાડી દીધા હતા. ચારેક કલાકની આકરી મુસાફરી પછી તેમને યુક્રેનને સોંપી દેવાયા.

line

પરિવાર વેરવિખેર થઈ ગયો, ફરી મળવાની આશા

નિકિતા
ઇમેજ કૅપ્શન, નિકિતા કહે છે, "હું આભો થઈ ગયો કે હું મારા વતનમાં પાછો આવી ગયો."

રશિયનો તેમને હાઈવે પર સ્ટ્રેચરમાં એમ જ છોડીને જતા રહેલા. યુક્રેનના સૈનિકો આવીને સૌ કેદીઓને લઈ ગયા.

નિકિતાને માનવામાં જ નહોતું આવતું કે તેઓ પરત યુક્રેન આવી ગયા છે.

નિકિતા કહે છે, "હું આભો થઈ ગયો કે હું મારા વતનમાં પાછો આવી ગયો."

જોકે તેમને હજી એ ખબર નહોતી કે પરિવારનું શું થયું હશે. છેલ્લા એક મહિનામાં યુક્રેનની શી હાલત થઈ હતી તેની કશી જાણ નહોતી.

નિકિતાએ પોતાની પત્નીનો નંબર આપ્યો અને શું ખબર આવે છે તેની ધડકતા હૃદયે રાહ જોતા રહ્યા.

તેઓ કહે છે, "ફોનનો ડાયલિંગ સાઉન્ડ સાંભળવા ઉત્સુક હતો, કેમ કે તેનાથી ખબર પડવાની હતી કે પત્નીનો ફોન ચાલુ છે. પણ રિંગ વાગી અને પત્નીએ ઉપાડ્યો નહીં. જોકે તે જીવતી છે એટલી ખબર પડી ગઈ."

સાશાના ભાઈ વ્યાચેસ્લાવ અને તેમનાં પત્ની
ઇમેજ કૅપ્શન, સાશાના ભાઈ વ્યાચેસ્લાવ અને તેમનાં પત્ની

બીજા પ્રયત્ને નાદિયાએ ફોન ઉપાડ્યો અને જણાવ્યું કે પોતે આર્ટેમ સાથે બેલ્જિયમ પહોંચી ગઈ છે અને સૌ સલામત છે.

નિકિતા કહે છે, "પાંચ મિનિટ સુધી ફોન પર વાત કરવાના બદલે અમે રડતા રહ્યા હતા. વાતચીત કરવાની કોશિશ કરી, પણ ના થઈ શકી. મારી આંખમાંથી ધાર થઈ હતી. તેણે હેલ્લો કહ્યું અને તે સાંભળીને મારા શ્વાસ થંભી ગયા હતા."

નાદિયાએ સાશાના ભાઈને અને તેમના માતાપિતાને ખબર આપ્યા, પરંતુ હજી સુધી સાશાનું શું થયું હશે તે સ્પષ્ટ નહોતું.

નાદિયાએ મને કહેલું, "અમને એટલી ખબર હતી કે બે અઠવાડિયા પહેલાં નિકિતા છૂટા પડ્યા ત્યારે સાશા જીવતા હતા. એટલે અમને આશા હતી. હજીય આશામાં બેઠા છીએ."

યુક્રેન પરત આવ્યા પછી નિકિતાએ પોતે જ્યાં કામ કરે છે ત્યાં કિએવની હૉસ્પિટલમાં જવાની કોશિશ કરી હતી, પણ તેવું શક્ય બની નહોતું રહ્યું. છેલ્લે મંગળવારે અચાનક નર્સ આવી અને જણાવ્યું કે તમારે ઘરે જવાનું છે.

નિકિતા હોર્બાન કિએવમાં એક હૉસ્પિટલમાં
ઇમેજ કૅપ્શન, નિકિતા હોર્બાન કિએવમાં એક હૉસ્પિટલમાં

ઍમ્બ્યુલન્સમાં લાંબી મુસાફરી કરીને નિકિતા આખરે કિએવ સિવિલિયન હૉસ્પિટલ નંબર 5માં એક હિરોના સ્વાગત સાથે પરત પહોંચ્યા.

તેમને એક રૂમમાં રખાયા છે, જ્યાંથી પાઈનનાં વૃક્ષો દેખાય છે. બુધવારે મેડિસિનના વડા અને મુખ્ય સર્જને તેમને તપાસ્યા હતા.

તે બંને નિકિતા માટે ચિંતિત હતા અને તેમને પરત આવેલા જોઈને રડવા લાગ્યા હતા.

તેમની સાથે કામ કરતાં એક પતિપત્ની અને તેમનાં સંતાનો હાલમાં જ રશિયાના તોપમારામાં માર્યાં ગયાં હતાં.

સર્જન યુરિય શાયલેન્કો કહે છે, "તેઓ પાછા આવ્યા તે અમારા માટે બહુ છે. તેમણે ફરીથી ચાલતા શીખવું પડશે, પણ અમે તેમને દરેક રીતે મદદ કરવાના છીએ."

નિકિતાએ હૉસ્પિટલના સ્લીપર્સ પહેર્યા અને પગ પર ઊભા રહીને થોડું ચાલીને કેટલું સારું છે તે બતાવ્યું.

ડૉક્ટર્સ તેમની સારવાર આગળ કેમ કરવી તેની ચર્ચા કરી રહ્યા છે. જોકે નિકિતા જાણે સાંભળતા જ નથી, "મારા મનમાં એક જ વાત ચાલી રહી છે. હું જલદી મારા પત્ની અને પુત્ર પાસે જવા માગું છું."

આ અહેવાલમાં એન્ના પેન્ટ્યૂખોવાએ પણ સહયોગ કર્યો છે.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો