રશિયા-યુક્રેન યુદ્ધ : એ લોકો જેમને રશિયન સૈન્યના બંધક તરીકે મૃતદેહો સાથે રહેવું પડ્યું

    • લેેખક, યોગિતા લિમયે
    • પદ, બીબીસી ન્યૂઝ, ચેર્નિહિવ

યુક્રેનની યહિદ્રે સ્કૂલના ભોંયરામાં ભેજવાળી સફેદ રંગની દીવાલ પર લાલ રંગથી કોતરાયેલું એક કૅલેન્ડર છે જે પાંચ માર્ચથી લઈને બીજી એપ્રિલ સુધીમાં આ ગામના લોકો સાથે જે કંઈ બન્યું એ અકલ્પનીય ત્રાસનું સાક્ષી છે.

યુક્રેનની રાજધાની કિએવથી ઉત્તર દિશામાં 140 કિલોમીટર દૂર આવેલા ચેર્નિહિવ શહેરના બહારના ભાગમાં આવેલું યહિદ્રે ગામ રશિયા અને બેલારુસની સરહદની ખૂબ નજીક છે. રશિયન સૈનિકોએ આ ગામ પર લગભગ એક મહિના સુધી કબજો કર્યો હતો.

માયકોલા ક્લિમચક સહિત અન્ય તમામ લોકોને બંદૂકની અણીએ એક સ્કૂલના બેઝમેન્ટમાં રહેવા માટે મજબૂર કરાયાં હતાં
ઇમેજ કૅપ્શન, માયકોલા ક્લિમચક સહિત અન્ય તમામ લોકોને બંદૂકની અણીએ એક સ્કૂલના બેઝમેન્ટમાં રહેવા માટે મજબૂર કરાયાં હતાં

રશિયન સૈનિકો જ્યારે આ ગામમાં ઘૂસ્યા ત્યારે અહીંનાં સ્થાનિક મહિલાઓ, પુરુષો અને બાળકોને બંદૂકની અણીએ એમનાં ઘરોમાંથી બહાર કાઢીને એક સ્થાનિક સ્કૂલના ભોંયરામાં રહેવા કહેવામાં આવ્યું હતું. લગભગ 700 વર્ગ ફૂટના આ ભોંયરામાં 130 લોકોને ચાર અઠવાડિયાં સુધી રાખવામાં આવ્યાં. સાઠ વર્ષના માયકોલા ક્લિમચક એ લોકોમાંના એક હતા.

માયકોલા અમને એ બેઝમૅન્ટમાં લઈ ગયા. થોડાં પગથિયાં ઊતરતાં જ અમે બેઝમૅન્ટમાં પહોંચી ગયાં જ્યાં અમે સડેલી વસ્તુઓની દુર્ગંધનો સામનો કર્યો. ગંદકીથી ખદબદતા આ બેઝમૅન્ટની જમીન પર કેટલાંક ગાદલાં, કપડાં, જૂતાં અને પુસ્તકો વિખેરાયેલાં પડ્યાં હતાં.

ભોંયરાની વચ્ચોવચ કેટલાંક બાળકો માટેના બિસ્તરા પડ્યા હતા અને એક ખૂણામાં વેરવિખેર વાસણો પડ્યાં હતાં.

line

રહેવા માટે અડધો મીટર જગ્યા

માયકોલાએ કહ્યું કે એમણે જાતે પોતાને એક રેલિંગ સાથે બાંધી દીધા હતા જેથી તેઓ ઊભા ઊભા સૂઈ શકે
ઇમેજ કૅપ્શન, માયકોલાએ કહ્યું કે એમણે જાતે પોતાને એક રેલિંગ સાથે બાંધી દીધા હતા જેથી તેઓ ઊભા ઊભા સૂઈ શકે

માયકોલા અમને આ ભોંયરાના છેલ્લા ખૂણે લઈ ગયા. તેમણે કહ્યું, "આ એ અડધો મીટર જગ્યા છે જ્યાં હું રશિયન કેદ દરમિયાન ઊભો ઊભો સૂતો હતો."

આટલું કહેતાં માયકોલાની આંખોમાં આંસુ આવી ગયાં અને એમના ગળે ડૂમો ભરાવા લાગ્યો.

તેમણે કહ્યું, "મેં મારી જાતને આ રેલિંગ સાથે બાંધી દીધો હતો જેથી હું પડી ના જાઉં. મેં લગભગ 25 રાતો આ જ રીતે જ પસાર કરી છે."

માયકોલાએ જણાવ્યું કે, ક્યાંક ભૂલથી પણ બીજી કોઈ વ્યક્તિ પર પગ ના મૂકી દેવાય એવી બીકના કારણે લોકો હલી પણ નહોતા શકતા. અહીં બંધક તરીકે રહેતા લોકોમાં 40-50 બાળકો પણ હતાં, જેમાં નવજાત પણ સામેલ હતાં. અહીં રહેનારાઓમાં સૌથી નાની ઉંમરનું બાળક માત્ર 2 મહિનાનું હતું.

રશિયન સૈનિકોએ જ્યારે ચેર્નિહિવ પર હુમલો કર્યો ત્યારે તેઓ સૌથી પહેલાં યહિદ્રે જેવાં ગામોમાં પહોંચ્યા.

અહીંના લોકોનું કહેવું છે કે જ્યારે રશિયન સૈનિકોને જોરદાર પ્રતિકારનો સામનો કરવો પડ્યો ત્યારે એમણે ત્રણ લાખ લોકોની વસતી ધરાવતા આ શહેરને ઘેરીને બૉમ્બમારો શરૂ કરી દીધો. એમણે કિએવ જતા રોડ સુધી લઈ જતા પુલને પણ તોડી નાખ્યો જેના લીધે લોકોને ભાગવાની તક ના મળી શકી.

કિએવ પર કબજો કરવામાં અસફળ રહ્યા પછી રશિયન સૈનિકો હવે પાછા જઈ રહ્યા છે.

બીબીસી એ તમામ સંસ્થાઓમાંની એક છે જેમણે સૌથી પહેલાં અહીં આવીને રશિયન બૉમ્બમારા અને કબજો કરવા દરમિયાન જે કંઈ થયું એનું નિરીક્ષણ-સર્વેક્ષણ કર્યું.

આ વિસ્તાર સરહદની ખૂબ નજીક છે, એ કારણે લોકોને બીક છે કે રશિયન સૈનિકો ઝડપથી અહીં પાછા આવી શકે છે.

15 વર્ષની અનાસ્તાસિયાએ પોતાના પિતા અને દાદાની સાથે આ બેઝમૅન્ટમાં લગભગ ચાર અઠવાડિયાં પસાર કર્યાં છે. એમણે કહ્યું, "અહીંયા ખૂબ ઓછી જગ્યા હતી. અમે લોકો ઊભાં-ઊભાં અહીં રહેતાં હતાં. બેઠાં રહ્યાં હતાં. જોકે, એ દરમિયાન અમે સૂઈ ના શક્યાં. સૂવાની શક્યતા જ નહોતી. અહીંયાં બૉમ્બ પડતા હતા. એ બધું બહુ અસહનીય હતું."

આ બેઝમૅન્ટમાં હવાની અવરજવર માટે જગ્યા સુધ્ધાં નહોતી. અહીં બે બારીઓ હતી જે બંધ હતી.

માયકોલાએ કહ્યું કે, "અમે અહીં જેટલા દિવસ રહ્યા એ દરમિયાન 12 લોકોનાં મૃત્યુ થયાં."

line

મૃકદેહો સાથે રહેવું

અહીંયાં લગભગ 130 લોકોએ ચાર અઠવાડિયાં પસાર કર્યાં
ઇમેજ કૅપ્શન, અહીંયાં લગભગ 130 લોકોએ ચાર અઠવાડિયાં પસાર કર્યાં

આ ભોંયરામાં જેમનાં મૃત્યુ થયાં એમાંના મોટા ભાગના લોકો વૃદ્ધ હતા. એ સ્પષ્ટ નથી કે એ લોકોનાં મૃત્યુ શા કારણે થયાં, પરંતુ માયકોલા માને છે કે કેટલાક લોકોનાં મૃત્યુ શ્વાસ રૂંધાવાના કારણે થયાં હશે.

તેમણે જણાવ્યું કે, "જ્યારે લોકો મૃત્યુ પામ્યા ત્યારે એમના મૃતદેહોને તાત્કાલિક હઠાવી ના શકાયા."

તેમણે કહ્યું કે, "રશિયન સૈનિકો દરરોજ મૃતદેહોને હઠાવવા નહોતા દેતા અને બહાર સતત ચાલતી લડાઈ વચ્ચે ધડાકા અને ગોળીબારોના કારણે બહાર જવાનું ખતરનાક પણ હતું."

એનો મતલબ એ હતો કે, જ્યાં સુધી એમને અહીંથી બહાર કાઢવામાં ન આવ્યા ત્યાં સુધી બાળકો સહિત અહીં હાજર લોકોએ કલાકો અને ક્યારેક-ક્યારેક દિવસો સુધી મૃતદેહોની સાથે રહેવું પડ્યું.

અનાસ્તાસિયા ખૂબ ડરેલાં છે અને એમના ચહેરા પર ઘણા દિવસોની ઘેરાબંધીના તણાવનાં નિશાન સ્પષ્ટ દેખાય છે
ઇમેજ કૅપ્શન, અનાસ્તાસિયા ખૂબ ડરેલાં છે અને એમના ચહેરા પર ઘણા દિવસોની ઘેરાબંધીના તણાવનાં નિશાન સ્પષ્ટ દેખાય છે

અનાસ્તાસિયાએ કહ્યું કે, "એ ઘણું ડરામણું હતું. જેમનાં મૃત્યુ થયાં એ બધાં લોકોને હું ઓળખતી હતી. એમણે અમારી સાથે સારો વ્યવહાર કર્યો હતો. મને ઘણું દુઃખ થયું કે અહીંયાં તેઓ વિના કારણ મૃત્યુ પામ્યાં."

માયકોલાએ કહ્યું કે, "જો સ્થિતિ સામાન્ય હોત તો એ લોકોનાં મૃત્યુ ન થાત. પુતિન એક યુદ્ધ ગુનેગાર છે."

એમણે કહ્યું, "મારા પગમાં સોજો આવવા લાગ્યો હતો પરંતુ હું વિચારતો હતો કે મારે જીવતા રહેવું છે, મારી દીકરી અને બે દોહિત્રો માટે."

ભોંયરામાં રહ્યા હતા એ લોકોનું કહેવું છે કે એમને ટૉયલેટ જવાની પણ મંજૂરી નહોતી. એમને ડોલનો ઉપયોગ કરવા માટે મજબૂર કરવામાં આવ્યાં.

માયકોલાએ કહ્યું કે, "ક્યારેક-ક્યારેક સૈનિકો લોકોને બહાર લઈ જઈને એમનો માનવઢાલ તરીકે ઉપયોગ કરતા હતા."

દિવસમાં બે વાર લોકોને ખુલ્લી જગ્યાએ રસોઈ બનાવવાની છૂટ હતી. ગામમાં ખાદ્યસામગ્રી પર્યાપ્ત હતી અને પીવાના પાણી માટે એક કૂવો હતો.

રશિયન સૈનિકોએ માયકોલાને જણાવેલું કે, એમને કહેવામાં આવ્યું હતું કે યુક્રેનમાં તેઓ ચાર દિવસ માટે છે અને કિએવને જીતી લેવા માટે એટલો સમય પૂરતો હશે.

line

કબરોમાં સ્વજનોની શોધ

ગઈ 3 એપ્રિલે રશિયન સૈનિકો યહિદ્રેમાંથી જતા રહ્યા

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ગઈ 3 એપ્રિલે રશિયન સૈનિકો યહિદ્રેમાંથી જતા રહ્યા

ગઈ ત્રીજી એપ્રિલે રશિયન સૈનિકો યહિદ્રેમાંથી જતા રહ્યા. હવે આ ગામમાં યુક્રેનના સૈનિકો પહોંચી ગયા છે અને અહીંયાં ફસાયેલા લોકોને બચાવીને નજીકના વિસ્તારોમાં પહોંચાડી રહ્યા છે.

અનાસ્તાસિયાએ કહ્યું કે, "રાત્રે ઘણી વાર મારી ઊંઘ ઊડી જતી હતી. મને હજુ પણ એવું લાગે છે કે જાણે ગોળીબારના અવાજ સંભળાય છે. હું ડરીને મારાં માતા-પિતા પાસે જાઉં છું."

રશિયન સૈનિકોએ ચેર્નિહિવની ઘેરાબંધી કરવા માટે યહિદ્રે જેવાં ગામોને કબજે કર્યાં અને આખરે અહીં સંપૂર્ણ કબજો કરી લીધો હતો.

તેઓ શહેરમાં ઘૂસવામાં સફળ ના થયા પરંતુ શહેરના ઘણા વિસ્તારોને ઘણું નુકસાન થયું છે અને યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યા અનુસાર લગભગ 350 સામાન્ય નાગરિકોનાં મૃત્યુ થયાં છે.

સ્થાનિક કબ્રસ્તાનોનો એક ભાગ હવે નવી કબરોથી છવાઈ ગયો છે અને અહીં દરેક કબર પર એક તકતી લગાડવામાં આવી છે જેથી મૃતકોની ઓળખ થઈ શકે. એકબીજાથી છૂટા પડેલા પરિવારોના સદસ્યો પાછા આવીને આ કબરોને જુએ છે જેથી તેઓ સ્વજનોની કબરોને શોધી શકે.

યુક્રેનના અધિકારીઓએ જણાવ્યા અનુસાર, એક સ્થાનિક ફૂટબૉલ સ્ટેડિયમ પર રશિયન સેનાએ બૉમ્બમારો કર્યો હતો. આ સ્ટેડિયમના મધ્યમાં બૉમ્બ પડવાથી થયેલો એક મોટો ખાડો જોઈ શકાય છે.

બીજા એક બૉમ્બે સ્ટેડિયમમાં બેઠકની જગ્યાનો નાશ કરી દીધો છે. સ્ટેડિયમની નજીક એક ઐતિહાસિક ઇમારતમાં બાળકો માટેની લાઇબ્રેરી હતી, એને ખૂબ મોટું નુકસાન થયું છે.

શહેરમાં ફરતાં અમને એ તમામ રહેણાક વિસ્તારો જોવા મળ્યા જે સંપૂર્ણ જમીનદોસ્ત થઈ ગયા છે.

ચેર્નિહિવની ઉત્તરે આવેલા નોવોસેલિવ્કામાં તમારી નજર પહોંચે ત્યાં સુધી તબાહીનાં દૃશ્ય જોવા મળે છે. જ્યાં પહેલાં ઘર હતાં ત્યાં હવે પથ્થરો અને ઈંટોનો કાટમાળ જોવા મળે છે.

રહેણાક વિસ્તારો તરફ જતાં રસ્તામાં એમને ઠંડીમાં પહેરવા માટેનું બાળકનું ગુલાબી રંગનું જૅકેટ જોવા મળ્યું. હાથીની આકૃતિનું એક સૉફ્ટ ટૉય અને બાળકોને રમવાના સામાન જેવા લેગોના ટુકડા જોવા મળ્યા.

એ જ રસ્તે અમને બૉમ્બ પડવાથી બનેલા ખાડા જોવા મળ્યા.

line

અમને ચેતવણી કેમ ના અપાઈ?

62 વર્ષીય નીના વિન્યેક અને એમની દશ વર્ષની દોહિત્રી અમને પોતાનું ઘર બતાવવા માંગતાં હતાં
ઇમેજ કૅપ્શન, 62 વર્ષીય નીના વિન્યેક અને એમની દશ વર્ષની દોહિત્રી અમને પોતાનું ઘર બતાવવા માંગતાં હતાં

એક મહિલા અને સાઇકલ ચલાવતા એક બાળકે અમને એમની પાછળ આવવાનો ઇશારો કર્યો.

62 વર્ષીય નીના વિન્યેક અને એમની દસ વર્ષની દોહિત્રી અમને પોતાનું ઘર બતાવવા માગતાં હતાં, જેનું હવે માત્ર માળખું જ બચ્યું છે અને એની આસપાસની બધી વસ્તુ નષ્ટ થઈ ગઈ છે.

નીનાની પુત્રી અને ડેન્યલોનાં માતા 39 વર્ષીય લુડમ્યાલાએ પોતાનો એક પગ ગુમાવ્યો છે અને હવે તેઓ હૉસ્પિટલમાં છે.

નીનાએ કહ્યું કે જ્યારે એમના ઘર પર બૉમ્બમારો શરૂ થયો ત્યારે એમણે દોડી જઈને બીજી એક વ્યક્તિના ઘરે આશરો લીધો જેથી એમને ભોંયરામાં જગ્યા મળી શકે. પરંતુ ત્યાં પણ બૉમ્બમારો થવા લાગ્યો.

તેમણે કહ્યું કે, "ધડાકાના કારણે હું બેભાન થઈ ગઈ. કોઈના માથામાં ઈજા થઈ તો કોઈ ઘાયલ થઈ ગયું. જ્યારે મને ભાન આવ્યું ત્યારે મેં જોયું કે મારી પુત્રી બૂમો પાડતી હતી કે, મમ્મી, મારા પગ નથી."

લુડમ્યાલા ઘસડાતાં ઘસડાતાં સુરક્ષિત સ્થળ સુધી પહોંચ્યાં, બાદમાં એમને હૉસ્પિટલ લઈ જવાયાં.

નીનાએ જણાવ્યું કે, "મને લાગ્યું કે આ એક ખરાબ સપનું છે. આ સાચું ના હોઈ શકે. અમારી સરકારે અમને ચેતવણી કેમ ના આપી? એમણે અમને બચાવ્યાં કેમ નહીં?"

નીનાના પરિવારની ચાર પેઢીઓ આ જ ઘરમાં રહેતી આવી છે. તેમણે કહ્યું કે, "પલક વારમાં બધું ખતમ થઈ ગયું. મને ખબર નથી કે શિયાળામાં હું ક્યાં રહીશ."

તેઓ પોતાની પુત્રી માટે પ્રૉસ્થેટિક (નકલી પગ) લગાડવાનો ખર્ચ પણ ઉઠાવી શકે એમ નથી.

રશિયાએ પોતાના બયાનમાં કહ્યું છે કે, એમણે સામાન્ય નાગરિકોને નિશાન નથી બનાવ્યા.

જોકે, નીનાએ કહ્યું કે, "તેઓ (પુતિન) ખુલ્લેઆમ ખોટું બોલે છે. હૉસ્પિટલમાં એક મહિલા છે જેમણે પોતાનો પગ ગુમાવ્યો છે. આ સત્ય છે. પુતિનને એની સર્જરીનો ખર્ચ ભોગવવા માટે કહેવાય, પુતિન પાસે એમનું ઘર બનાવડાવાય. તેઓ એમ જ ઇચ્છતા હતા ને? હવે એમને આ બધાંની કિંમત ચૂકવવા દેવાય."

(ઇમોજેન ઍન્ડર્સન, અનાસ્તાસિયો લેવચેંકો અને દારિયા સિપિજિનાના વધારાના અહેવાલ સાથે)

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો