રશિયા-યુક્રેન સંકટ : ભારત અને પાકિસ્તાન જેવી યુક્રેનના જન્મની કહાણી? રશિયા સાથે શું સંબંધ?

છેલ્લાં 8 વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે માત્ર બંને દેશને જ નહીં, બલકે, આખી દુનિયાને ખતરનાક વળાંક પર લાવીને મૂકી દીધી છે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, આ રાજ્યનું ગઠન સ્કૅન્ડિનેવિયન કબીલાએ કર્યું હતું જે પોતાને 'રુસ' કહેતા હતા. આ જ મધ્યકાલીન રાજ્ય પાછળથી કિએવિયન રુસ તરીકે ઓળખાયું.(પ્રતીકાત્મક તસવીર)

બીજા પડોશી દેશોની જેમ જ યુક્રેન અને રશિયાની વચ્ચે વારસાઈ ભાગીદારીનો ઇતિહાસ છે, જે બંનેને જોડવાની સાથોસાથ એક રીતે અલગ પણ પાડે છે.

આ કથા નવમી સદીના યુક્રેનના પાટનગર કિએવથી શરૂ થાય છે. કિએવ પ્રથમ સ્લાવિક સામ્રાજ્યની રાજધાની હતી.

આ રાજ્યનું ગઠન સ્કૅન્ડિનેવિયન કબીલાએ કર્યું હતું જે પોતાને 'રુસ' કહેતા હતા. આ જ મધ્યકાલીન રાજ્ય પાછળથી કિએવિયન રુસ તરીકે ઓળખાયું.

રશિયા અને યુક્રેન બંનેનો જન્મ આ જ મહાન સામ્રાજ્યમાં થયો છે. બારમી સદીમાં મૉસ્કોની સ્થાપના થઈ. ત્યારે એ શહેર કિએવિયન રુસ સામ્રાજ્યની ઉત્તર-પૂર્વ સરહદ હતું.

વારસાની કથા

કિએવ ખાતે આવેલ ઐતિહાસિક સેન્ટ માઇકલ મોનાસ્ટ્રી

ઇમેજ સ્રોત, Tuul & Bruno Morandi

ઇમેજ કૅપ્શન, કિએવ ખાતે આવેલ ઐતિહાસિક સેન્ટ માઇકલ મોનાસ્ટ્રી

આ સામ્રાજ્યમાં ઑર્થોડૉક્સ ક્રિશ્ચિયન ધર્મની બોલબાલા હતી. વર્ષ 988માં કિએવ સમ્રાટ વ્લાદિમીર પ્રથમ અથવા સેન્ટ વ્લાદિમીર સ્વયાતોસ્લાવિચ ધ ગ્રેટે આ મત (પંથ)ને અપનાવ્યો હતો. વાલ્દિમીર પ્રથમે મધ્યકાલીન રશિયા રાજ્યનો વિસ્તાર હાલના બેલારુસ, રશિયા અને યુક્રેનથી લઈને બાલ્ટિક સમુદ્ર સુધી કર્યો હતો.

આ આખા ક્ષેત્રમાં બોલાતી ઘણી બોલીઓમાંથી બેલારુસી, યુક્રેની અને રશિયાન ભાષાઓ બની. વહેંચાઈ ગયેલી આ વિરાસત આ ત્રણે દેશોને સાંસ્કૃતિકરૂપે જોડે છે. તાજેતરમાં જ વ્લાદિમીર પુતિને ઘોષણા કરી હતી કે રશિયન અને યુક્રેનિયન લોકો એક છે.

પરંતુ જાણકારો આ વાત સાથે સંમત નથી. તેઓ કહે છે કે નિઃશંક બંનેની ઉત્પત્તિ એક જ રાજ્યમાંથી થઈ છે પરંતુ વીતેલી સદીઓમાં યુક્રેનનો અનુભવ અલગ રહ્યો છે. કેમ કે, એના ભાગ્યનો નિર્ણય જુદા-જુદા સમયે જુદી-જુદી શક્તિઓએ કર્યો છે.

યુનિવર્સિટી કૉલેજ ઑફ લંડનમાં યુક્રેનિયન સ્ટડીઝના પ્રોફેસર ડૉક્ટર એન્ડ્ર્યૂ વિલ્સને જણાવ્યું કે, “યુક્રેનને એક ક્ષેત્ર કે એક ઓળખમાં સીમિત કરી દેવાને બદલે એક ‘જટિલ કોયડા’ની જેમ જોવું જરૂરી છે.”

તેરમી સદીમાં રશિયા રાજ્યના ઘણા પ્રાંતો પર મંગોલ સામ્રાજ્યનો કબજો થઈ ગયો હતો, પરંતુ ચૌદમી સદીમાં નબળા પડતા જતા મંગોલરાજનો લાભ મૉસ્કો અને લિથુએનિયા નામનાં બે પ્રાંતને મળ્યો. એ બંનેએ રશિયાને એકબીજા વચ્ચે વહેંચી લીધું.

line

પશ્ચિમી યુક્રેનથી અલગ જ પૂર્વ યુક્રેન

કિએવનું સેન્ટ સોફિયા કૅથેડ્રલ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, કિએવનું સેન્ટ સોફિયા કૅથેડ્રલ

કિએવ અને એની આજુબાજુના વિસ્તારો લિથુએનિયા રાજ્યના કબજામાં આવ્યા. એ જ લોકો અહીં રેનેસાં અને સુધારાવાદી વિચારધારા લઈ આવ્યા.

પશ્ચિમ યુક્રેનના એન્ડ ગૅલિસિયા અથવા કારપેથિન ગૅલિસિયા ક્ષેત્ર પર હૅબ્સબર્ગ સામ્રાજ્યનું રાજ રહ્યું. આ વિસ્તારમાં આજે પણ એ કાળની સાંસ્કૃતિક વિરાસત જોવા મળે છે.

રશિયાના એક વિખ્યાત ઇતિહાસકાર જૉફરી હોસ્કિંગે બીબીસી હિસ્ટરી ઍક્સ્ટ્રાને જણાવેલું કે, “પશ્ચિમ યુક્રેનનો ઇતિહાસ પૂર્વ યુક્રેન કરતાં એકદમ જુદો છે.”

પશ્ચિમ યુક્રેનમાં ઘણા લોકો રશિયન ઑર્થોડૉક્સ ચર્ચના અનુયાયી નથી. તેઓ ઈસ્ટર્ન કૅથલિક ચર્ચમાં માનનારા છે. આ મત (પંથ) પોપને પોતાના આધ્યાત્મિક ગુરુ માને છે.

આ ઉપરાંત યુક્રેનનું ક્રિમિયા ક્ષેત્ર પણ દેશના બાકીનાં ક્ષેત્ર કરતાં ઘણું અલગ છે. એનો સંબંધ ગ્રીક અને તાતાર લોકો સાથે રહ્યો છે અને મધ્યકાળમાં ક્રિમિયા રશિયન અને ઑટોમન સામ્રાજ્યને અધીન પણ હતું.

સત્તરમી સદીમાં લિથુએનિયા–પોલૅન્ડના રાષ્ટ્રમંડળ અને રશિયાના ઝાર સમ્રાટો વચ્ચે થયેલા યુદ્ધમાં ડનાઇપર નદીના પૂર્વ તરફના બધા વિસ્તારો રશિયાના નિયંત્રણ હેઠળ જતા રહ્યા. યુક્રેનના લોકો આ ક્ષેત્રને પોતાનો ‘ડાબો કાંઠો’ માનતા હતા.

હાલનો યુક્રેન જ્યાં છે, એના મધ્ય અને ઉત્તર-પશ્ચિમી વિસ્તારમાં સત્તરમી સદીમાં એક રાજ્ય હતું, જેને ઈ.સ. 1764માં રશિયાનાં સામ્રાજ્ઞી કૅથરીન ધ ગ્રેટે વિલીન કરી દીધું. એમણે પોલૅન્ડની સત્તા હેઠળના યુક્રેનના વિસ્તારો પર પણ પોતાનો અધિકાર જમાવી દીધો.

ભવિષ્યનાં વર્ષો માટે એક નીતિગત આદેશ હેઠળ યુક્રેનની ભાષાના ઉપયોગ અને અધ્યયન પર નિયંત્રણ લાદી દેવાયું. આસ્થાની બાબતમાં પણ લોકો પર દબાણ કર્યું અને એ રીતે એક ‘નાના જાતિ’ સમૂહની રચના કરી દેવામાં આવી.

line

વણઊકલ્યો કોયડો

1574નો યુક્રેન અને રશિયાનો નકશો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1574નો યુક્રેન અને રશિયાનો નકશો

દરમિયાનમાં, પશ્ચિમના ઘણા દેશોમાં રાષ્ટ્રવાદની લહેર આવી. એની અસર પોલૅન્ડથી માંડીને ઑસ્ટ્રિયા સુધી જોવા મળી. એ દરમિયાન અહીં ઘણા લોકોએ રશિયાના લોકોથી અલગ પડવા માટે પોતાને ‘યુક્રેનિયન’ ગણાવવાનું શરૂ કરી દીધું.

પરંતુ વીસમી સદીમાં રશિયન ક્રાંતિ થઈ અને સોવિયત સંઘનું ગઠન થયું. આ ગાળામાં ‘યુક્રેન સાથે સંકળાયેલા કોયડા’ને નવી ઓળખ મળી.

સોવિયત નેતા જોસેફ સ્ટાલિને બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે પોલૅન્ડ પાસેથી પશ્ચિમ યુક્રેનનો અધિકાર મેળવી લીધો.

1950ના દાયકામાં મૉસ્કોએ ક્રિમિયાને યુક્રેનને સોંપી દીધું. એ સોવિયત સંઘનો ભાગ હતું. આ નિર્ણય પછી પણ રશિયા સાથેના ગાઢ સંપર્કો જળવાઈ રહ્યા અને બ્લૅક સી (કાળો સમુદ્ર)માં રશિયાની જે ટુકડી હતી એ પ્રતીકાત્મકરૂપે એની પુષ્ટિ કરતી હતી.

સોવિયત સરકારે યુક્રેન પર વધારે ભારપૂર્વક રશિયાનો પ્રભાવ લાદવાની કોશિશ કરી. યુક્રેને ઘણી વાર એનો ભારે ભોગ બનવું પડતું હતું.

1930ના દાયકામાં સોવિયત સંઘનો ભાગ રહેલા યુક્રેનના લાખો લોકો સ્ટાલિન દ્વારા જબરજસ્તીથી લાદવામાં આવેલા ભૂખમરાના લીધે મર્યા.

ત્યાર બાદ સ્ટાલિને ત્યાં મોટી સંખ્યામાં સોવિયત લોકોને વસાવ્યા. એમાંના ઘણા યુક્રેની ભાષા બોલી શકતા નહોતા. આ વિસ્તાર સાથેના એમના સંપર્ક અને સંબંધ પણ ઘણા સીમિત હતા. આ પૂર્વ વિસ્તારને ફરીથી વસાવવાનો પ્રયાસ હતો.

જોકે, સાંસ્કૃતિકરૂપે સોવિયત સંઘ ક્યારેય યુક્રેન પર આધિપત્ય સાબિત નથી કરી શક્યો.

હૉસ્કિંગના જણાવ્યા અનુસાર, "કેન્દ્ર તરફથી આર્થિક, રાજકીય અને લશ્કરી નિર્ણયો ભલે લાદવામાં આવતા રહ્યા પરંતુ સાંસ્કૃતિક અને શિક્ષણના ક્ષેત્રમાં યુક્રેન પાસે એક ‘ખાસ સ્વાયત્તતા’ હતી."

પ્રભુત્વ ભલે રશિયન ભાષાનું હતું પરંતુ પ્રાથમિક શાળાઓમાં બાળકો યુક્રેની ભાષા શીખતાં રહ્યાં. એ ભાષામાં ઘણાં પુસ્તકો છપાયાં. ‘વીસમી સદીના ઉત્તરાર્ધમાં યુક્રેનીમાં શિક્ષિત લોકો વચ્ચે એક મજબૂત રાષ્ટ્રવાદી અભિયાન શરૂ થયું.’

ઈ.સ. 1991માં સોવિયત સંઘ વિખેરાઈ ગયો અને વર્ષ 1997માં રશિયા અને યુક્રેન વચ્ચે સંધિ થઈ. એના દ્વારા યુક્રેનની સરહદોની અખંડતાને સમર્થન મળ્યું. પરંતુ દેશના જુદા-જુદા વિસ્તારોમાં કેટલીક એવી ખામીઓ રહી ગઈ જેનાથી તિરાડ પડી ગઈ છે.

યુક્રેનના પૂર્વ ભાગના લોકોનો રશિયા સાથે ગાઢ સંબંધ છે. ત્યાં રહેનારા લોકો રશિયન ભાષા બોલે છે અને રૂઢિવાદી છે. યુક્રેનના પશ્ચિમ ભાગમાં પશ્ચિમના દેશોનો પ્રભાવ દેખાય છે. અહીં પોલૅન્ડ અને હંગરીની અસર જોવા મળે છે. અહીં રહેતા લોકો કૅથલિક છે અને પોતાની ભાષા બોલે છે.

સ્વપ્નની ખાસિયત એ જ છે કે દરેક પાસે પોતાના માટેની કલ્પના હોય છે. સ્વપ્ન જોનારમાંથી કેટલાક પોતાના મૂળ તરફ પાછા જવા ઇચ્છે છે, તો બીજા ઘણા લોકો સ્વતંત્ર માર્ગે આગળ વધવા માગે છે.

(આ કહાણી બીબીસીની સ્પૅનિશ ભાષાની સેવા બીબીસી મુંડો પરથી અનુવાદ કરવામાં આવી છે.)

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો