યુક્રેન રશિયા તણાવ : પુતિને રશિયાને 30 વર્ષમાં 'મહાસત્તા' કઈ રીતે બનાવ્યું?

    • લેેખક, મુંડો સેવા
    • પદ, બીબીસી ન્યૂઝ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પૂર્વ યુક્રેનના વિદ્રોહી પ્રદેશોને સ્વતંત્ર રાજ્યની માન્યતા આપી દીધી છે.

પૂર્વ યુક્રેનમાં સ્થિત પીપલ્સ રિપબ્લિક ઑફ દોનેત્સ્ક અને લુહાંસ્ક એ રશિયાનું સમર્થન ધરાવતા વિદ્રોહીઓનો ગઢ છે. આ વિદ્રોહીઓ વર્ષ 2014થી જ યુક્રેન સામે લડી રહ્યા છે.

રશિયાના આ પગલાના લીધે હવે શાંતિમંત્રણા અટકી શકે છે. શાંતિમંત્રણાના કારણે જ અનેક વર્ષોથી અહીં યુદ્ધવિરામ લાગુ હતો.

વ્લાદિમિર પુતિન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મીરા મિલસેવિક માને છે કે પુતિન ફરી એક વાર રશિયાને વૈશ્વિક સત્તા બનાવવામાં વ્યૂહાત્મક રીતે સફળ પણ રહ્યા છે.

પશ્ચિમના દેશોને ડર છે કે પુતિનની આ જાહેરાત બાદ રશિયાનાં દળોને પૂર્વ યુક્રેનમાં પ્રવેશવા માટે કારણ મળી જશે.

રશિયાની આ જાહેરાત બાદ પુતિને એક આદેશ પર હસ્તાક્ષર કર્યા, આ આદેશમાં રશિયાના સૈનિકોને દોનેત્સ્ક અને લુહાંસ્કમાં કથિતરૂપે શાંતિ જાળવી રાખવા માટે કહેવામાં આવ્યું છે.

શાંતિ જાળવી રાખવા માટે રશિયાના સૈનિકો શું કરશે, એ અંગે હજી સુધી સ્પષ્ટતા નથી.

જો રશિયાની સેના સરહદ પાર કરશે તો વિદ્રોહીઓના નિયંત્રણવાળા વિસ્તારમાં રશિયા અધિકૃત રીતે પ્રથમ વખત દાખલ થશે.

line

30 વર્ષ પાછળ

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

30 વર્ષ પહેલાંની આ વાત છે. સોવિયેત સંઘના પ્રમુખ મિખાઈલ ગોર્બાચેવે 25 ડિસેમ્બર 1991નો રોજ રાજીનામું આપી દીધું હતું.

નવા ચૂંટાયેલા પ્રમુખ બોરિસ યેલ્તસિનને તેમણે સત્તા સોંપી દીધી હતી.

એ જ રાત્રે ક્રેમલિન પર ફરકતાં હથોડાના ચિહ્ન સાથેના સોવિયેત ધ્વજને ઉતારી લેવાયો હતો અને તેની જગ્યાએ રશિયાનો ધ્વજ લહેરાવા લાગ્યો હતો.

બીજા દિવસે સુપ્રીમ સોવિયેત સંઘ સાથે જોડાયેલાં ગણરાજ્યોની સ્વાધીનતાનો સ્વીકાર કરીને સત્તાવાર રીતે યુએસએસઆરને વિખેરી નાખ્યું.

દુનિયાભરમાં પ્રભાવ પાડનારા સોવિયેત સંઘ તરીકે 70 વર્ષ સુધી જુદા-જુદા દેશોને એક રાખીને એક સંગઠિત શક્તિ તરીકે સામ્રાજ્ય ચાલ્યું હતું. તે આ રીતે અચાનક વિખેરાઈ જાય તે દુનિયામાં મોટું પરિવર્તન લાવનારી ઘટના બની હતી.

તેની જગ્યાએ હવે રશિયા તરીકે અલગ દેશ બન્યો તેની પોતાની ઓળખ જાળવી રાખવા માટેનો પડકાર ઊભો થયો હતો.

line

ઓળખની સમસ્યા

રશિયાના તત્કાલીન રાષ્ટ્રપતિ બોરિસ યેલ્તસિન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયાના તત્કાલીન રાષ્ટ્રપતિ બોરિસ યેલ્તસિન

એલ્કાનો રૉયલ ઇન્સ્ટિટ્યૂટમાં રશિયા અને યુરેશિયા બાબતોનાં જાણકાર મીરા મિલસેવિક કહે છે, "પશ્ચિમની જેમ રશિયા ક્યારેક એક રાષ્ટ્ર તરીકે રહ્યું નહોતું. રશિયાનું સામ્રાજ્ય રહ્યું હતું, પણ તે એક રાષ્ટ્ર તરીકે નહોતું રહ્યું."

"તેના કારણે હવે સોવિયેત સંઘના વિઘટન પછી રશિયાએ એક રાષ્ટ્ર તરીકેની ઓળખ ઊભી કરવાની હતી. આ એક મુશ્કેલ પ્રકિયા હતી, કેમ કે રશિયામાં ઘણી જાતીઓ અને વંશીય ઓળખ ધરાવનારા લોકો છે. તેમની મહાન પરંપરા રહી છે, જે સામ્રાજ્યના ઇતિહાસ સાથે જોડાયેલી રહી છે."

1990ના દાયકામાં રશિયાએ પોતાની રાષ્ટ્રીય ઓળખ ઊભી કરવા સાથે પશ્ચિમના દેશો સાથેના પોતાના સંબંધોને પણ નવી રીતે જોવાનું શરૂ કર્યું હતું.

જોકે હવે સોવિયેત સંઘ વિખેરાઈ ગયું હતું અને શીતયુદ્ધ પણ રહ્યું નહોતું ત્યારે અમેરિકા અને પશ્ચિમના દેશો રશિયાને તેની અગાઉની યુએસએસઆર તરીકેની મહાસત્તા તરીકે જોતા નહોતા.

આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયાનો પ્રભાવ ઘટ્યો અને મૉસ્કોના વર્ચસ્વ હેઠળ રહેનારા પૂર્વ યુરોપના દેશોમાં પણ હવે નાટોનો પ્રવેશ થવા લાગ્યો હતો.

line

પુતિનનું આગમન

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

રશિયાના જાણકારો કહે છે કે પુતિને રશિયાના પ્રમુખ બન્યા પછી આ જ બાબત તરફ ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે સોવિયેત સંઘનું વિઘટન એ "20મી સદીની સૌથી મોટી રાજકીય આપત્તિ હતી."

પુતિને કહ્યું હતું કે, "સોવિયેત સંઘના નામે ઐતિહાસિક રશિયાનું વિઘટન થયું હતું. આપણે એક જુદા જ દેશ બનીને રહી ગયા. 1000 વર્ષમાં આપણે જે કંઈ હાંસલ કર્યું હતું તે બધું ખલાસ થઈ ગયું."

આથી જ 2000ની સાલમાં રશિયામાં સત્તા પર આવ્યા પછી પુતિને સ્પષ્ટ કરી દીધું હતું કે અમેરિકા અને નાટોના સાથી દેશો દ્વારા અપમાન વર્ષો સુધી સહન કર્યા પછી તેઓ હવે રશિયાને ફરીથી મહાસત્તા બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

મીરા મિલસેવિક માને છે કે પુતિન ફરી એક વાર રશિયાને વૈશ્વિક સત્તા બનાવવામાં વ્યૂહાત્મક રીતે સફળ પણ રહ્યા છે.

તેઓ કહે છે, "પુતિન પોતાને રશિયાના મસીહા તરીકે જુએ છે, કેમ કે 1990ના દાયકામાં દેશમાં લોકતંત્ર માટેના પ્રયાસો નિષ્ફળ ગયા તે પછી રશિયાનું પતન થઈ રહ્યું હતું અને દેશ દેવાળિયો બનવા તરફ જઈ રહ્યો હતો. પુતિને રશિયાને બચાવી લીધું અને તેને ફરીથી આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વની રાજકીય ભૂમિકામાં મૂકી આપ્યું."

એ વાત સાચી છે કે પુતિને 90ના દાયકા બાદ રશિયાને એ સ્તરે પહોંચાડ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની વાત સાંભળવામાં આવે છે. 90ના એ દાયકાને રશિયાના નિષ્ફળ દાયકા તરીકે માનવામાં આવે છે.

line

કેજીબી જાસૂસથી પ્રમુખ બનવા સુધી

બોરિસ યેલ્તસિન સાથે પુતિન

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, બોરિસ યેલ્તસિન સાથે પુતિન

સોવિયેત સંઘની જાસૂસી સંસ્થા કેજીબીમાં પુતિને 16 વર્ષ સુધી કામ કર્યું હતું અને બાદમાં 1991માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આ માટે તેમણે કેજીબીમાંથી રાજીનામું આપ્યું હતું.

રાજકારણમાં તેમના પ્રવેશ બાદ 1999માં તેમને વચગાળાના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા અને ચાર જ મહિના પછી ચૂંટણીમાં પુતિન પૂર્ણ સમયના પ્રમુખ તરીકે સત્તા પર બેસી શક્યા.

ત્યારથી તેઓ સત્તા પર છે અને 1953માં અવસાન પામેલા સોવિયેત નેતા જોસેફ સ્ટાલિન પછી સૌથી વધુ સમય પ્રમુખપદે રહેનારા નેતા બન્યા છે.

આ વર્ષે એપ્રિલમાં બંધારણમાં સુધારો કરીને વિવાદિત સ્થિતિમાં રાષ્ટ્રીય મતદાન કરવામાં આવ્યું હતું અને તેમાં 2024માં તેમની પ્રમુખ તરીકેની ચોથી મુદત પૂરી થાય તે પછી પણ તેમને લાંબો સમય સત્તામાં રહેવાની તક મળી ગઈ છે.

આના કારણે હાલમાં 69 વર્ષના પુતિન 2036 સુધી સત્તામાં રહી શકે છે.

પુતિનના ટીકાકારો કહે છે કે તેમણે સોવિયેત સંઘના સમયમાં પોતાને જે રીતે તૈયાર કર્યા હતા, તેવી રીતે જ તેઓ અત્યારે પ્રમુખ બનીને કામ કરી રહ્યા છે.

લંડનની કિંગ્સ કૉલેજના વૉર સ્ટડીઝના પ્રોફેસર નતાશા કુહર્ટ કહે છે, "એ વાત સાચી કે આંતરરાષ્ટ્રીય ચર્ચામાં રશિયાનું નામ લેવાઈ રહ્યું છે, પણ તે સકારાકાત્મક કારણોથી નથી લેવાઈ રહ્યું."

નતાશા કહે છે, "મજાની વાત એ છે કે દસ વર્ષ પહેલાં તેઓ એવું કહેતા હતા કે રશિયાએ પોતાને સૌ માટે આકર્ષક દેશ બનવાની જરૂર છે. તે માટે પોતાના સૉફ્ટ પાવરનો ઉપયોગ કરવાની જરૂર છે.

"પણ હવે તેઓ બદલાઈ ગયા છે. હવે મૉસ્કોમાં એવી વાત કોઈ નથી કરતું કે આપણે વિશ્વ માટે આકર્ષક બનવું જોઈએ. તેઓ રશિયાને આંતરરાષ્ટ્રીય ફલક પર એક ખેલાડી તરીકે જોવા માગે છે. તેઓ ઈચ્છે છે કે દુનિયા રશિયાને સ્વીકારે અને તેમી વાત સાંભળવામાં આવે. પરંતુ તમે વ્યૂહાત્મક રીતે જુઓ તો પુતિને જે ધાર્યું હતું તે પ્રાપ્ત કરી લીધું છે ખરું."

line

રશિયાની વૈશ્વિક તાકાત

વ્લાદિમીર પુતિન રશિયાની જાસૂસી એજન્સી કેજીબીમાં પણ કામ કરી ચૂક્યા છે

ઇમેજ સ્રોત, Rex Features

ઇમેજ કૅપ્શન, વ્લાદિમીર પુતિન રશિયાની જાસૂસી એજન્સી કેજીબીમાં પણ કામ કરી ચૂક્યા છે

રશિયા દુનિયાનો સૌથી વિશાળ દેશ છે, જેનું ક્ષેત્રફળ 1.7 કરોડ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે.

રશિયા રોજનું 10.27 લાખ બેરલ ખનીજ તેલ ઉત્પાદન કરે છે અને તે રીતે અમેરિકા પછી બીજા નંબરનું સ્થાન ધરાવે છે.

સૌથી વધુ પરમાણુ શસ્ત્રોની બાબતમાં પણ તે 6,375 સાથે અમેરિકા પછી બીજા નંબરે છે.

સંરક્ષણ પાછળ સૌથી વધુ ખર્ચ કરનારા દેશોમાં રશિયા ચોથા સ્થાને છે. 2020ના વર્ષમાં રશિયાએ પોતાના સંરક્ષણ પાછળ 66,840 મિલિયન અમેરિકન ડૉલરનો ખર્ચ કર્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના કાયમી સભ્ય તરીકે રશિયા પાસે વીટો પાવર પણ છે.

line

પુતિન માટે અગ્રતાક્રમ કયા?

વ્લાદિમિર પુતિન

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, સોવિયેત સંઘની જાસૂસી સંસ્થા કેજીબીમાં પુતિને 16 વર્ષ સુધી કામ કર્યું હતું અને બાદમાં 1991માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો

તજજ્ઞો કહે છે કે સોવિયેત સંઘના વિઘટન પછી રશિયાની તાકાતમાં ઘટાડો થવા લાગ્યો હતો તેને રોકવો અને તેનો જૂનો દબદબો પાછો લાવવો તે બાબતને પુતિને અગ્રક્રમ આપ્યો હતો.

એક જમાનામાં સોવિયેત સંઘના વર્ચસ્વ નીચે હતા તેવા પ્રદેશોમાં પશ્ચિમ કે વિદેશી સત્તા પગપેસારો ના કરે તે માટેના પ્રયત્નો પર તેમણે ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.

2008માં રશિયાની સેનાએ જ્યોર્જિયા પર આક્રમણ કર્યું હતું, જેથી પશ્ચિમ દેશોનું સમર્થન ધરાવતા પ્રમુખ મિખાઇલ સાકાશવિલીને દક્ષિણ ઓસેટિયામાં આવેલા જ્યોર્જિયાના વિભાજનવાદી વિસ્તારો પર ફરીથી કબજો કરતા અટકાવી શકાય.

સાકાશવિલી વિભાજિત થયેલા પ્રદેશને ફરીથી દેશ સાથે જોડી શક્યા હોત તો તેઓ જ્યોર્જિયાને નાટોમાં સામેલ કરવાની પોતાના લક્ષ્યમાં સફળ થયા હોત.

નવેમ્બર 2017ની આ તસવીરમાં પુતિન રશિયન ઝાર નિકોલસ દ્વિતીયના પિતા ઝાર ઍલેક્ઝાન્ડર તૃતીયની પ્રતિમાનું અનાવરણ કરી રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નવેમ્બર 2017ની આ તસવીરમાં પુતિન રશિયન ઝાર નિકોલસ દ્વિતીયના પિતા ઝાર ઍલેક્ઝાન્ડર તૃતીયની પ્રતિમાનું અનાવરણ કરી રહ્યા છે

આ જ રીતે પશ્ચિમના દેશોના સમર્થન સાથે વિરોધી આંદોલન કરવામાં આવ્યું અને મૉસ્કો તરફી યુક્રેનના પ્રમુખ વિક્ટર યાનુકોવિચને સત્તા પરથી હઠાવી દેવાયા ત્યારે રશિયાએ વિરોધ કર્યો હતો. રશિયાએ યુક્રેનમાં લશ્કરી કાર્યવાહી કરીને ક્રાઇમિયા પર કબજો કરી લીધો હતો.

ત્યારબાદ રશિયાએ પૂર્વ યુરોપમાં રશિયન ભાષા બોલનારા લોકોના પ્રાંતમાં યુક્રેનનો વિરોધ કરનાર વિદ્રોહીઓને પણ સમર્થન આપ્યું હતું.

મીરા કહે છે કે આ રીતે હુમલો કરીને પુતિને સોવિયેત સંઘની સ્થાપના માટેના પ્રયાસો કર્યા હોય તેવું નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો આ ઐતિહાસિક મામલો હતો.

તેઓ કહે છે, "પોતાનો પ્રભાવ જે વિસ્તારમાં હોય ત્યાંની રક્ષા કરવી તે ઐતિહાસિક રીતે રશિયાના વિચારો સાથે જોડાયેલી બાબત છે. તેના કારણે આ પ્રકારની કાર્યવાહીને રાષ્ટ્રીય સુરક્ષાનાં પગલાં તરીકે જોવામાં આવે છે. રશિયા પર ભૂતકાળમાં થયેલા હુમલાના અનુભવોના કારણે આવી વિચારસરણી પેદા થયેલી છે.

રશિયા અત્યારે પણ એવું ઇચ્છે છે કે તે પોતાના સંભવિત દુશ્મન દેશો સાથ અંતર જાળવી રાખે. અને રશિયા નાટોને પોતાની રાષ્ટ્રીય સુરક્ષા સામે સૌથી મોટું જોખમ માને છે. પોતાના સરહદ સુધી નાટો પહોંચે એવું રશિયા નથી ઇચ્છતું."

line

શસ્ત્રોનો ખજાનો

રશિયાની સૈન્યશક્તિ

ઇમેજ સ્રોત, MINISTRY OF DEFENSE OF THE RUSSIAN FEDERATION

ઇમેજ કૅપ્શન, 2018માં પુતિને રાષ્ટ્રને સંબોધનમાં વધુ શક્તિશાળી અણુશસ્ત્રોનો દાવો કર્યો હતો.

સોવિયેત સંઘના વિઘટન પછી રશિયાને અણુશસ્ત્રોનો વિશાળ જથ્થો વારસામાં મળ્યો હતો. રશિયાએ પોતાનાં અણુશસ્ત્રોના ભંડારમાં ઘણો ઘટાડો કર્યો છે, તેમ છતાં અમેરિકા પછી બીજા નંબરે સૌથી વધુ અણુશસ્ત્રો તેની પાસે છે.

2018માં પુતિને રાષ્ટ્રને સંબોધનમાં વધુ શક્તિશાળી અણુશસ્ત્રોનો દાવો કર્યો હતો. તે પછી થયેલી ચૂંટણીમાં તેમને છ વર્ષ માટે પ્રમુખ તરીકે કાર્યકાળ મળ્યો હતો.

તેના થોડા દિવસ પહેલાં જ તેમણે વરિષ્ઠ અધિકારીઓ અને સાંસદો સામે મહત્ત્વાકાંક્ષી લક્ષ્યો મૂક્યાં હતાં. રશિયાને દબાવવાની કોશિશ થઈ રહી છે તેવા આક્ષેપો કરીને તેમણે પશ્ચિમના દેશોને ગંભીર ચેતવણી આપી હતી.

પુતિને ત્યારે કહ્યું હતું કે સરમત નામના એક નવા ઇન્ટર કૉન્ટિનેન્ટલ બૅલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું.

આ રીતે પરીક્ષણ કરવું પડ્યું તેના માટે તેમણે અમેરિકાને જ જવાબદાર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે રશિયાએ સમયની માગ અનુસાર પોતાનાં અણુશસ્ત્રોને તૈયાર કરવા પડ્યા છે, કેમ કે અમેરિકાએ આ માટેની સંધિનો ભંગ કર્યો હતો. ઍન્ટિ બૅલેસ્ટિક મિસાઇલ સંધિમાંથી અમેરિકાએ 2002માં નીકળી જવાનું નક્કી કર્યું હતું.

પુતિને કહ્યું કે 2004માં તેમણે પશ્ચિમના દેશોને ચેતવણી આપી હતી કે પોતે આ પ્રકારનું પગલું લઈ શકે છે, પરંતુ પશ્ચિમના દેશોએ આ બાબતમાં રશિયા સાથે વાતચીત કરી નહોતી.

પુતિને ટીવી પર સમગ્ર દેશના લોકો સુધી પહોંચે તે રીતે જીવંત પ્રસારણમાં કહ્યું હતું કે, ''તે વખતે કોઈ આપણી વાત સાંભળવા તૈયાર નહોતું, એટલે હવે અમને સાંભળો."

ત્યારથી રશિયા પોતાનાં અણુશસ્ત્રોને આધુનિક બનાવવા માટેના પ્રયત્નોમાં લાગેલું છે.

સ્ટૉકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના 2021ના અહેવાલમાં જણાવાયું હતું કે રશિયા પાસે ગયા વર્ષ કરતાં 50 વધારે શસ્ત્રો છે.

રશિયાએ પોતાનાં કુલ અણુશસ્ત્રોમાં 180 નવાં અણુશસ્ત્રો જોડ્યાં છે. તેનું મુખ્ય કારણ જમીન પરથી વાર કરી શકનારા આઈબીસીએમ છે, જેમાં એકથી વધારે વૉર હેડ હોય છે. સાથે જ દરિયામાંથી છોડી શકાય તેવી બેલૅસ્ટિક મિસાઇલ પણ છે.

તેના કારણે આજે દુનિયા માત્ર રશિયાનું સાંભળી રહી હોય એવું નથી, પરંતુ તેનાથી ડરવા પણ લાગી છે.

line

આંતરરાષ્ટ્રીય પ્રભાવ

રશિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતમાં કાયમી સભ્ય તો છે જ. સોવિયેત સંઘના વિઘટન પછી આ સ્થાન રશિયાને મળ્યું અને તેની સાથે વીટો પાવર પણ મળ્યો છે.

રશિયાને મહાસત્તા બનાવવા માટે સોવિયેત સંઘ વખતે અગત્યના સાબિત થયેલા લેટિન અમેરિકાના દેશો સાથે પણ રશિયાએ સંબંધો મજબૂત કરવાનું શરૂ કરી દીધું છે.

મીરા કહે છે, "આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને રાજદ્વારી ક્ષેત્રોમાં સોવિયેત સંઘની જે ભૂમિકા રહેતી હતી તે અત્યારે રશિયા સંભાળી રહ્યું છે. એમાં કોઈ શંકા નથી કે રશિયા સોવિયેત સંઘ વખતના સંબંધોનો લાભ લઈને આગળ વધી રહ્યું છે. તેનું એક ઉદાહરણ લેટિન અમેરિકા છે."

વિશેષજ્ઞો કહે છે કે લેટિન અમેરિકામાં પોતાની હાજરી પૂરાવીને રશિયા એક આંતરરાષ્ટ્રીય વ્યૂહમાં આગળ વધી રહ્યું છે, જેનો ઉદ્દેશ અમેરિકાના નેતૃત્વને ઓછું કરવાનો છે. તેમજ ઊભરી રહેલી ચીનની તાકાત સામે ઊભા રહેવાનો છે.

મીરા કહે છે, "પુતિન કુશળ રણનીતિકાર છે. આ વાત તેમણે સાબિત કરી છે. અમેરિકા કરતાં ઓછો આર્થિક ખર્ચ, સેના અને રાજદ્વારી પ્રયાસોથી મધ્ય પૂર્વમાં તેઓ રશિયાને સ્થાપિત કરી શક્યા છે. હાલમાં મધ્ય પૂર્વમાં રશિયાની અવગણના થઈ શકે તેમ નથી. અત્યારે તે એકમાત્ર એવી સત્તા છે જે હિઝબુલ્લાથી લઈને સાઉદી અરેબિયાના શેખ સાથે પણ વાત કરી શકતી હોય.

સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતમાં કાયમી સભ્ય તો છે જ. સોવિયેત સંઘના વિઘટન પછી આ સ્થાન રશિયાને મળ્યું અને તેની સાથે વીટો પાવર પણ મળ્યો છે.

line

રશિયાની મર્યાદાઓ

વ્લાદિમિર પુતિન

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, રશિયાનું અર્થતંત્ર ખનીજ તેલ અને ગેસના નિકાસ પર આધારિત છે અને સામાજિક તથા રાજકીય અસંતોષ પણ દેશમાં છે.

પુતિન ભલે રાજદ્વારી, લશ્કરી કે વ્યૂહાત્મક રીતે સફળ થયા હોય, તેના કારણે રશિયાની મૂળભૂત અને આંતરિક કમજોરી છુપાવી શકાઈ નથી.

રશિયાનું અર્થતંત્ર ખનીજ તેલ અને ગેસના નિકાસ પર આધારિત છે અને સામાજિક તથા રાજકીય અસંતોષ પણ દેશમાં છે.

આ બાબતનો ઉલ્લેખ કરીને નતાશા કુહર્ટ કહે છે કે પુતિનની વિદેશનીતિ એક રીતે અમેરિકા અને યુરોપીય સંઘના વિરોધને કેન્દ્રમાં રાખીને બનાવાાઈ છે.

તેના કારણે ઘણી એવી સરકારોને પણ સમર્થન આપે છે અને ખરીદવા માગતા હોય તેવા કોઈ પણ દેશોને રશિયા શસ્ત્રો પણ વેચે છે.

કુહર્ટ કહે છે, "સોવિયેત સંઘની જેમ જ રશિયાએ પણ પાંચ વર્ષના હપ્તે ચુકવણી સાથે આફ્રિકાના દેશોને વિમાનો વેચ્યાં છે. જોકે તેના કારણે આ દેશો પર પ્રભાવ હોય તેવું પણ નથી. આના કારણે આ દેશો રશિયા માટે સમર્પિત રહેશે એવું જરૂરી નથી."

તેઓ કહે છે, "રશિયા બહુ શસ્ત્રો વેચે છે, પણ તેનાથી તમે પ્રભાવશાળી બની શકતા નથી. તમે કોઈ દેશને અણુઉર્જામથક બાંધી આપો તેનાથી તે દેશ તમારા માટે સમર્પિત થઈ જાય તેવું નથી."

"તેથી વૈશ્વિક પ્રભાવ અને તાકાતની વાત કરતા હોઈએ ત્યારે આપણે વિચારીને વાત કરવી પડે, કેમ કે પ્રભાવ પાડવાની બાબતમાં ચીન જે કરી રહ્યું છે તે રશિયા નથી કરી શક્યું. દાખલા તરીકે ચીન આફ્રિકામાં મોટા પાયે રોકાણ કરીને લાંબા ગાળાનો લાભ લેવા માગે છે."

line

નવી ચિંતાઓ

રશિયાના ઝાર નિકોલસ દ્વિતીયની તસવીર સામે પુતિન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયાના ઝાર નિકોલસ દ્વિતીયની તસવીર સામે પુતિન

હાલમાં રશિયા અને પશ્ચિમના દેશો વચ્ચે બહુ તંગ સંબંધો છે. પશ્ચિમના દેશો રશિયા પર આરોપ મૂકે છે કે તેણે યુક્રેન પર સંભવિત હુમલો કરવાની ગણતરીથી હજારો સૈનિકો ખડક્યા છે.

જી-7 દેશોએ આ બાબતમાં રશિયાને ચેતવણી પણ આપી છે કે જો તે યુક્રેન પર હુમલો કરશે તો તેનું ગંભીર પરિણામ આવશે.

બીજી બાજુ રશિયા કહે છે કે યુક્રેન પર હુમલાની તેની કોઈ યોજના નથી. રશિયા એમ પણ કહે છે કે પશ્ચિમના દેશોના મીડિયામાં જે ખોટા સમાચારો છપાતા હોય છે તેના આધારે પશ્ચિમમાં એવું માની લેવામાં આવે છે કે રશિયા આક્રમક ઇરાદા ધરાવે છે.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ સાથે વ્લાદિમીર પુતિન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બ્રાઝિલના રાષ્ટ્રપતિ સાથે વ્લાદિમીર પુતિન

આ રીતે રશિયા અને પશ્ચિમના દેશો વચ્ચે વધી રહેલું અંતર અત્યારે ઓછું થાય તેમ લાગતું નથી.

એ વાત સાચી હશે કે પુતિને રશિયાને દુનિયામાં સન્માન મેળવનારા અને ભય પેદા કરનારા દેશ તરીકે સ્થાન અપાવ્યું હોય, પરંતુ કુહર્ટ માને છે કે પુતિન રશિયાને દુનિયાની નવી વ્યવસ્થામાં એ સ્થાન નથી અપાવી શક્યા કે જ્યાં તેની સાથે બરાબરીનો વ્યવહાર થાય.

તેઓ કહે છે, "મને લાગે છે કે અત્યારે રશિયા દુનિયામાં પોતાનું સ્થાન જમાવવા માટે કોશિશ કરી રહ્યું છે, પરંતુ ચીન જે રીતે આગળ વધી રહ્યું છે તે જોતા આ કામ આસાન નથી."

"કદાચ પુતિને લાગે છે કે પોતે આ કામ કેમ કરવું તે જાણે છે. પરંતુ તેનો અર્થ નથી કે તેઓ પોતાના કામમાં સફળ થશે."

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો