ગુજરાતમાં કોરોના : રાજકીય કાર્યક્રમોમાં હજારોની ભીડ અને રાત્રે કર્ફ્યૂ, સ્થિતિ કઈ રીતે સુધરશે?
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
સમગ્ર ભારત સહિત ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, કેટલાક તજજ્ઞો તેને ત્રીજી લહેરનાં એંધાણ ગણાવે છે.
બીજી તરફ તકેદારીના ભાગરૂપે ગુજરાત સરકારે પણ થોડા દિવસો પહેલાં રાજ્યનાં આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં વધારો કરીને રાત્રિના 11 વાગ્યાથી માંડીને વહેલી સવારના પાંચ વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવાની જાહેરાત કરી દીધી હતી.
ગુજરાતમાં પાછલા અમુક દિવસોથી વિવિધ પ્રકારના સરકારી કાર્યક્રમોના આયોજનને પગલે ભારે ભીડ એકઠી થતી હોવાની વાતની વિવિધિ મીડિયા પ્લૅટફૉર્મ અને સામાન્ય જનોમાં સરકારની ટીકા થઈ રહી છે.

ઇમેજ સ્રોત, Getty Images/Kalpit Bhachech
ત્યારે ઘણા લોકો એવો પણ સવાલ કરી રહ્યા છે કે જો સવારે હજારોની ભીડ રાજકીય કાર્યક્રમોમાં ભેગી કરી શકાતી હોય તો રાત્રે કર્ફ્યૂ લાદીને સરકાર કયો હેતુ પાર પાડવા માગે છે?
ભાજપના સાંસદ વરુણ ગાંધીએ ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કરાઈ રહેલા કાર્યક્રમોમાં થઈ રહેલી ભીડ સામે નારાજગી વ્યક્ત કરતાં રાત્રિ કર્ફ્યૂ પર સવાલ ઉઠાવ્યા હતા.
હવે જ્યારે ધીરે-ધીરે સમગ્ર દેશમાં ફરીથી કોરોનાનો પગપેસારો થઈ રહ્યો છે, તેથી આ અંગે જાણવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી હતી.

નાઇટ કર્ફ્યૂ કેટલો અસરકારક?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં જાહેર સ્વાસ્થ્યક્ષેત્રે કામ કરતા હનીફ લાકડાવાળા નાઇટ કર્ફ્યૂની વ્યૂહરચનાને સદંતર બાતલ અને નિરર્થક ગણાવે છે.
તેઓ કહે છે કે, "રાત્રે કેટલા લોકો બહાર નીકળીને કોરોના ફેલાવે અને કેટલા તેના સંપર્કમાં આવી જાય તેની સામે સવાલ છે. દિવસે કાર્યક્રમોમાં સંપૂર્ણ છૂટ, સોશિયલ ડિસ્ટન્સિંગના નામે મજાક અને રાત્રે ખાલી દેખાડા પૂરતો કર્ફ્યૂ આ વ્યૂહરચના સાથે આપણે ત્રીજી લહેર આવશે તો તેનો સામનો કઈ રીતે કરી શકીશું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લાકડાવાળા નાઇટ કર્ફ્યૂને તર્કહીન ગણાવી તેની કોઈ અસરકારકતા ન હોવાની વાત કરે છે.
સરકાર નાઇટ કર્ફ્યૂ લાદવા માટે કેમ પ્રેરાય છે?
આ પ્રશ્નના જવાબમાં તેઓ જણાવે છે કે, "સરકાર બતાવવા માટે કોઈ પગલાં લેવાં માગે છે અને આ તેના માટે સરળ રસ્તો છે. તેથી તેઓ નાઇટ કર્ફ્યૂ લાદે છે. જેથી કહી શકાય કે તેઓ કોરોનાને નાથવા માટે પગલાં લે છે. બાકી કોઈ તર્ક નથી."
ધ ક્વિન્ટના એક અહેવાલમાં અશોકા યુનિવર્સિટીના ત્રિવેદી બાયોસાયન્સિઝ સ્કૂલના ડિરેક્ટર અને વાઇરોલૉજિસ્ટ ડૉ. શાહિદ જમીલે નાઇટ કર્ફ્યૂ અને વીકેન્ડ કર્ફ્યૂ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, "કોરોનાની પરિસ્થિતિમાં લિમિટેડ લૉકડાઉન ટાળી ન શકાય તેવી બાબત છે."
"જોકે નાઇટ કર્ફ્યૂ અને વીકેન્ડ કર્ફ્યૂ ચેપને રોકવામાં વધુ મદદરૂપ થતા નથી."
તેમજ અન્ય એક નિષ્ણાત મેંગ્લુરુની યેનેપોયા યુનિવર્સિટીના પ્રોફેસર અને સંશોધક ડૉ. અનંત ભાને કહ્યું હતું કે, "નાઇટ કર્ફ્યૂના કારણે પરિસ્થિતિ સુધારવાને બદલે ઊલટી બગડશે કારણ કે લોકો નાઇટ કર્ફ્યૂ પહેલાં પોતાનાં જરૂરી કામ પતાવવાં માટે ટોળું કરશે."
જોકે, અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાઇટ કર્ફ્યૂને 'કોવિડ કર્ફ્યૂ' તરીકે ઓળખાવવા પર ભાર મૂક્યો હતો, જેથી લોકો કોરોના પ્રત્યે જાગૃત બને. જોકે, તેમણે નાઇટ કર્ફ્યૂની અસરકારકતા અંગે કંઈ કીધું નહોતું.

'સરકારે ચોક્ક્સ અભ્યાસ કરાવી નિયંત્રણો લાદવાં જોઈએ'

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના ડિરેક્ટર ડૉ. દિલીપ માવળંકર કહે છે કે, "રાત્રિ કર્ફ્યૂનો એટલો લાભ જરૂર થઈ શકે કે તેનાથી રાત્રિના સમયે ફેલાતું સંક્રમણ રોકી શકાય અને રાત્રે થતી બિનજરૂરી ભીડ રોકી શકાય. પરંતુ તેનાથી સમગ્રપણે કેટલો લાભ થઈ શકે તે કહેવું મુશ્કેલ છે."
તેઓ આગળ કહે છે કે, "સરકારે જે-તે વ્યક્તિને ક્યાંથી ચેપ લાગ્યો, તેની નમૂના લઈને તપાસ કરવી જોઈએ. જે આધારે આગળની નીતિ ઘડી શકાય. અભ્યાસ વગર કોઈ પણ નિર્ણય લેવાથી ફાયદો થવાની શક્યતા પ્રમાણમાં ઓછી છે."
સીએનબીસી18 ડોટ કૉમના એક અહેવાલમાં એનડીટીવીને ટાંકીને લખાયું હતું કે તેમની સાથે એક વાતચીતમાં જસલોક હૉસ્પિટલ & રિસર્ચ સેન્ટરના કન્સલ્ટન્ટ જનરલ મેડિસિન ડૉ. રોહન સિક્વેરાએ કહ્યું હતું કે મોટા ભાગે ચેપનો ફેલાવો દિવસે જ થતો હોય છે. તેથી રાત્રિના નવથી છ વાગ્ય સુધીનો કર્ફ્યૂ એટલો અસરકારક રહેતો નથી.
જોકે, આ અહેવાલમાં જ જુદા-જુદા નિષ્ણાતોએ જુદા-જુદા મત વ્યક્ત કર્યા હતા. જે પૈકી કેટલાકે એવો પણ મત વ્યક્ત કર્યો હતો કે નાઇટ કર્ફ્યૂ લાદવાથી બિનજરૂરી અવરજવર નિવારીને લોકોમાં આ ચેપી રોગને વધુ ફેલાતો અટકાવી શકાય છે.

ગુજરાત અને દેશમાં રાજકીય મેળાવડા અને ટીકા

ઇમેજ સ્રોત, TWITTER/BHUPENDRA PATEL
27 ડિસેમ્બરે ગુજરાતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના એક દિવસમાં 24 કેસ નોંધાયા હતા. જ્યાર બાદ ગુજરાતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કેસોની સંખ્યા 73 પર પહોંચી હતી.
એક દિવસ અગાઉ 26 ડિસેમ્બરે સુરતમાં ગુજરાતના આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગ દ્વારા આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણીના ભાગરૂપે 'ફિટ ઇન્ડિયા-ફિટ ગુજરાત' સાઇક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સાઇક્લોથોનને લીલી ઝંડી ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે બતાવી હતી. કાર્યક્રમમાં ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલ, મંત્રીઓ સહિત ઘણા બધા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના સત્તાવાર ટ્વિટર ઍકાઉન્ટ પરથી અપલોડ કરાયેલા ફોટોમાં તેમના સહિત અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.
એક તરફ ઓમિક્રૉન વૅરિયન્ટ ન ફેલાય તે માટે સરકાર દ્વારા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. બીજી તરફ આ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંગે લોકો નારાજગી ઠાલવી રહ્યા છે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના સત્તાવાર ટ્વિટર પરથી અપલોડ કરાયેલા ફોટો પર @yatsmusical નામના હૅન્ડલ પરથી કૉમેન્ટ કરાઈ છે કે "આ આજે સવારે થયેલી સુરતની ઇવેન્ટ. હજારો લોકોને એકઠા કરી રહ્યા છે આ લોકો."
"ત્રણ દિવસ સુધી ચાલશે ભાજપની ઇવેન્ટ, કોરોના ગાઇડલાઇન્સ નથી દેખાતી આ લોકોને. લગ્નો અને પ્રાઇવેટ પાર્ટીઓમાં જ 200 લોકો કેમ?"
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
26 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશમાં એક જંગી મહાસભા યોજી હતી. જેમાં લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રીના ટ્વિટર ઍકાઉન્ટ પરથી તેના ફોટો અપલોડ કરવામાં આવ્યા હતા, રોષે ભરાયેલા યુઝરોએ તેની પણ ટીકા કરી હતી.
પલ્લવી ચુમકી બારુઆએ લખ્યું કે, "તમામ પ્રકારની ઉજવણીઓ અને તહેવારો રદ થઈ રહ્યાં છે, પરંતુ ચૂંટણીલક્ષી સભાઓ અને રેલી તો ચાલુ જ છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












