ગુજરાત સહિત દેશભરના કાપડના વેપારીઓ હડતાળ પર કેમ ઊતર્યા?

    • લેેખક, હિંમત કાતરિયા
    • પદ, બીબીસી ગુજરાતી

1 જાન્યુઆરીના રોજથી ટેક્સટાઇલઉદ્યોગના માલસામાન પર GSTનો દર 5 ટકાથી વધી 12 ટકા થવા જઈ રહ્યો છે. આગામી દિવસોમાં ટૅક્સ સ્લેબ બદલાઈ જવાનો છે પરંતુ હજુ સુધી કેન્દ્રીય નાણામંત્રાલય તરફથી ટૅક્સ વધારા અંગે પીછેહઠના કોઈ સંકેત મળ્યા નથી, તેથી ઉદ્યોગકારોની ચિંતા વધી છે.

જેને લઈને દેશભરના કાપડના વેપારીઓનાં સંગઠનોએ ગુરુવારથી હડતાલ પર ઊતરવાનું એલાન કર્યું છે.

ગુજરાતની ટેક્સટાઇલ બજારોનું બંધનું એલાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતની ટેક્સટાઇલ બજારોનું બંધનું એલાન

સુરતના સરસાણાના ટ્રેડ ઍન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત 'પ્રિ-વાઇબ્રન્ટ સમિટના વીવિંગ ગ્રોથ ફૉર ટેક્સટાઇલ' કાર્યક્રમમાં GST સ્લેબનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સી.આર. પાટીલે મંચ પરથી એ વાત સ્વીકારી હતી કે ટેક્સટાઇલ પર GSTના દર 5 ટકાથી વધારી 12 ટકા કરવામાં આવે તો ઇન્ડસ્ટ્રીને નુકસાન થશે.

જોકે, પાટીલે GST મુદ્દે ગુજરાત સહિત નવ રાજ્યમાં આંદોલનની હિલચાલને રાજકારણપ્રેરિત ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, રાજકીય પીઠબળના લીધે કેટલાક લોકો આંદોલનની વાતો કરી રહ્યા છે.

સુરતમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાતની પ્રિ-ઇવેન્ટમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ભાષણમાં કહ્યું હતું, "ભારતના સૌથી જૂના ઉદ્યોગ પૈકીનો એક કાપડઉદ્યોગ છે. માનવસર્જિત કાપડ બાબતે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. ભારતના માનવસર્જિત કાપડના ઉદ્યોગમાં ગુજરાતનો હિસ્સો 37 ટકા છે અને તેમાં સુરતનો હિસ્સો 50 ટકા જેટલો છે."

line

'2017 પહેલાં ટૅક્સ જ નહોતો અને હવે 12 ટકા'

સુરતમાં ટેક્સટાઇલ યુનિટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુરતમાં ટેક્સટાઇલ યુનિટ

આ દરમિયાન 'મસ્કતી કાપડ માર્કેટ મહાજન અને ન્યૂ ક્લૉથ-માર્કેટ'ના પ્રમુખ ગૌરાંગ ભગતે ઉદ્યોગની સમસ્યા અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "2017 પહેલાં કાપડ પર ક્યારેય ટૅક્સ લાગતો ન હતો. 2017માં 5 ટકા GST લાગુ કર્યો. વેપારીઓએ વિરોધ કર્યો પણ આખરે બધા વેપારીઓ GSTના ધારાપ્રવાહમાં જોડાઈ ગયા."

તેઓ ઉદ્યોગને પાછલા અમુક સમયમાં પડેલી મુશ્કેલીઓ અંગે વાત કરતાં કહે છે કે 2016માં નોટબંધી, 2017માં 5 ટકા GST અને એ બાદ કોવિડની પહેલી તથા બીજી લહેર અને હવે ઓમિક્રૉનનો ભય. આવા કપરા કાળમાં GST 12 ટકા કરવામાં આવે તો તેમની મુશ્કેલીઓ ઘણી વધી જાય.

વેપારીઓ આ માગને લઈને વારંવાર સત્તાના સૂત્રધારોને મળ્યા, ઘણી રજૂઆતો કરાઈ. તેમ છતાં આ મુદ્દે વેપારીઓની વાત સાંભળનાર કોઈ નથી એવો વેપારીઓનો આક્ષેપ છે.

ગૌરાંગ ભગત બજારો બંધ રાખવાના વેપારીઓના નિર્ણય અંગે વાત કરતાં કહે છે કે, "GST કાઉન્સિલની બેઠક ન થઈ એટલે અમે 30 ડિસેમ્બરે દિલ્હી, અમદાવાદ, મુંબઈની કાપડબજારો બંધ રાખવાનું એલાન કર્યું છે. ભારતભરના નાનામોટા વેપારીઓ કાપડની દુકાનો બંધ રાખશે."

મુંબઈનું ક્લૉથિંગ મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયા (CMAI), અમદાવાદનું મસ્કતી કાપડ માર્કેટ મહાજન, સુરત, ઇન્દોરનાં સંગઠનો એમ કુલ 21 જેટલાં સંગઠનોના પ્રતિનિધિ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને મળ્યાં હતાં.

ગૌરાંગ ભગતનું કહેવું છે કે તેમણે 'ભાજપના ગુજરાતના પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલ અને કેન્દ્રમાં રાજ્યકક્ષાનાં કાપડમંત્રી દર્શના જરદોશે પણ રજૂઆતો કરી પરંતુ કોઈ આશ્વાસન મળ્યું નથી.'તેઓ કહે છે કે આ મામલે "વિચારણા કરવાની દિલસોજી પણ અપાઈ નથી."

"અમારી સમસ્યા GST કાઉન્સિલ સામે છે. દરેક રાજ્યના નાણામંત્રી GST કાઉન્સિલની સમિતિના સભ્યો હોઈ તેઓ કાઉન્સિલની બેઠકમાં દબાણપૂર્વક કહે તો કામ થાય. કારણ કે કાઉન્સિલમાં જે નિર્ણય લેવાય તે સર્વાનુમતે લેવાતો હોય છે. 31મી ડિસેમ્બરે કાઉન્સિલની મિટિંગ રાખવામાં આવી છે. આ મિટિંગમાં 12 ટકા GSTના નિર્ણયને વર્ષ માટે મોકૂફ રાખવામાં આવશે તેવી આશા છે."

જોકે, ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ગુજરાત ભાજપના પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલ સહિત ટેક્સટાઇલનાં કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના જરદોશે પણ આ અંગે કેન્દ્ર સરકારને વેપારીઓની માગણીઓ અંગે જાણ કરી હોવાની વાત કરી હતી.

line

આંદોલન રાજકારણપ્રેરીત?

કાઉન્સિલમાં બધાં રાજ્યના નાણામંત્રીઓ હોય છે તો ટૅક્સ સ્લેબ બદલાયો ત્યારે ગુજરાત તરફથી આ પ્રસ્તાવ અંગે વિરોધ નહીં થયો હોય એવો અર્થ નીકળે છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કાઉન્સિલમાં બધાં રાજ્યના નાણામંત્રીઓ હોય છે તો ટૅક્સ સ્લેબ બદલાયો ત્યારે ગુજરાત તરફથી આ પ્રસ્તાવ અંગે વિરોધ નહીં થયો હોય એવો અર્થ નીકળે છે?

ભાજપના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષે સુરતની પ્રિ-વાઇબ્રન્ટ ઇવેન્ટમાં કાપડના વેપારીઓના આંદોલનને રાજકારણપ્રેરિત ગણાવ્યું હતું.

આ અંગે પ્રતિક્રિયા આપતાં ગૌરાંગ ભગતે કહ્યું કે, "અમારે કોઈ પક્ષ સાથે કોઈ લેવાદેવા નથી. વેપારીને કોઈ નુકસાન થાય કે તકલીફ થાય તો પ્રજા સરકારને નહીં તો કોને કહેશે? અમે દેશના વડા પ્રધાનને વિનંતી કરી છે. અમે નાણામંત્રીને મળ્યા, અમારા મુખ્ય મંત્રીને મળ્યા, ઘણા અધિકારીઓને મળ્યા. એમાં કોઈ રાજકીય બાબત ક્યાંથી આવી?"

તેમણે પ્રશ્ન કર્યો કે GST અંગેના નિર્ણય બાબતે વર્ષ 2017માં અમદાવાદની કાપડ-માર્કેટમાં ચાલુ વરસાદે 50,000 લોકોની રેલી તેમણે કાઢી હતી. સુરતમાં પણ એવી રેલી નીકળી હતી તો તેને રાજકીય કઈ રીતે ગણાવી શકાય?

line

'પડતાં પર પાટુ જેવી સ્થિતિ'

વેપારીઓનો દાવો છે કે GSTના દરમાં આ વધારાની અસર કાપડઉદ્યોગ સાથે સંકળાયેલાં તમામ ક્ષેત્રોમાં પડે તેવી શક્યતા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વેપારીઓનો દાવો છે કે GSTના દરમાં આ વધારાની અસર કાપડઉદ્યોગ સાથે સંકળાયેલાં તમામ ક્ષેત્રોમાં પડે તેવી શક્યતા છે

અમદાવાદ ટેક્સટાઇલ્સ પ્રોસેસર્સ ઍસોશિયેશનના સેક્રેટરી નરેશ શર્માએ કહ્યું, "પ્રોસેસર તરીકે જોઈએ તો હાલમાં કાપડ ઉપર પ્રોસેસમાં 5 ટકા GST લાગે છે. કાપડ ઉપર 12 ટકા GST કરવામાં આવે તો અત્યારે અમને ટૅક્સ ક્રૅડિટ મળે પણ બાદમાં અમને પણ સમસ્યાઓ આવી શકે છે. પરંતુ અહીનું મોટા ભાગનું કાપડ નીચલા વર્ગમાં વપરાય છે, તેમાં કિંમતનું પરિબળ ઘણું મહત્ત્વનું બની જાય છે. સરકારે GST વધારવો જ હોય તો 8 ટકા સુધીનો સ્લેબ નીકળી શકે તો બેહતર રહેશે."

અમદાવાદ પ્રોસેસર્સના હોદ્દેદાર અને કાપડના પ્રોસેસર રાજેશ બિંદાલે કહ્યું, "સુરતમાં ચાર હજાર અને અમદાવાદમાં નાનાં-મોટાં મળીને 450 જેટલાં પ્રોસેસહાઉસ છે. અમારી ઇન્ડસ્ટ્રીમાં 98 ટકા જોબવર્ક કરે છે અને સંપૂર્ણપણે કાપડના વેપારીઓ ઉપર અવલંબિત છે. કાપડના વેપારીઓની ગ્રે કાપડની ખરીદી સતત ઘટી રહી છે. આ ઉદ્યોગમાં મોટેભાગે બૅંક લોન લઈને કામ થતું હોય છે એટલે NPAએ વધવાની શક્યતા છે."

તેઓ આગળ જણાવે છે, "GST 5માંથી 12 ટકા થાય એમાં ત્રણ સમસ્યા છે. પ્રથમ આ વધારો કાપડઉદ્યોગનાં તમામ ક્ષેત્રોને નડવાનો છે. આના કારણે તબક્કે 10થી 15 ટકાનો નફો ચડતો થઈ જાય છે. 12 ટકા GSTમાં અત્યારે 100 રૂપિયાનું કાપડ 200 રૂપિયામાં મળતું થશે. મોંઘવારીમાં આ પડતાં પર પાટુ જેવું છે. અમારી સરકારને વિનંતી છે કે આ GST વધારવાનો યોગ્ય સમય નથી."

તેઓ આ સમસ્યાનો વધુ એક પાસું સમજાવતાં કહે છે કે, "GST 12 ટકા થાય તો મધ્યમ અને નાના વેપારીઓ કામ નહી કરી શકે. નાના વેપારીઓ માટે મોટો પ્રશ્ન ચાલુ મૂડીનો છે. ઉધારીના ધંધામાં આઠ મહિને ચુકવણી આવે, આવી પરિસ્થિતિમાં વેપાર કઈ રીતે થઈ શકે?"

હવે વેપારીઓની રજૂઆતો અને હડતાળને પગલે કેન્દ્ર સરકાર પોતાના નિર્ણય પર ફેરવિચારણા કરશે કે કેમ તે અંગે હજુ અસમંજસની સ્થિતિ છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો