હિંદુ ધર્મસંસદ : હરિદ્વાર બાદ હવે રાયપુરની 'ધર્મસંસદ'ની ચર્ચા કેમ થઈ રહી છે?

    • લેેખક, આલોક પ્રકાશ પુતુલ
    • પદ, રાયપુરથી બીબીસી માટે

ગયા અઠવાડિયે હરિદ્વારમાં આયોજિત 'ધર્મસંસદ'માં થયેલાં ભાષણોને પગલે શરૂ થયેલો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં રવિવારે છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આવી જ એક 'ધર્મસંસદ'માં મહાત્મા ગાંધીને અપશબ્દો બોલાતાં નવો વિવાદ સર્જાયો છે.

જોકે, આ 'ધર્મસંસદ'ના આયોજક પૈકીના એક રાયપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધ્યક્ષ અને કૉંગ્રેસ નેતા પ્રમોદ દુબેની ફરિયાદના આધારે પોલીસે મહાત્મા ગાંધી વિરુદ્ધ અપશબ્દ બોલનાર કાલીચરણ મહારાજ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

કાલીચરણ મહારાજ

ઇમેજ સ્રોત, ALOK PUTUL/BBC

ઇમેજ કૅપ્શન, રવિવારે છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આવી જ એક 'ધર્મસંસદ'માં મહાત્મા ગાંધીને અપશબ્દો બોલાતાં નવો વિવાદ સર્જાયો છે. (તસવીરમાં કાલીચરણ મહારાજ )

બીજી તરફ પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય મોહન મરકામે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પ્રમોદ દુબેએ બીબીસીને કહ્યું, "મંચ પરથી મહાત્મા ગાંધી સાથે જે રીતે દુર્વ્યવહાર કરવામાં આવ્યો તેની અમે કલ્પના પણ કરી ન હતી. મને લાગે છે કે તે પૂર્વાયોજિત એજન્ડા હેઠળ કરવામાં આવ્યું હતું."

મોહન મરકામે કહ્યું કે મહાત્મા ગાંધી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનારા બાબા વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ થવો જોઈએ.

આ 'ધર્મસંસદ'નું આયોજન નીલકંઠ ત્રિપાઠીની સંસ્થા નીલકંઠ સેવા સંસ્થાન દ્વારા કરવામાં આવ્યું હતું.

જ્યારે આ ધર્મસંસદના સંરક્ષક કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને રાયપુરના દૂધાધારી મઠના મહંત રામસુંદર દાસ હતા. રામસુંદર દાસ હાલમાં રાજ્ય ગૌસેવા પંચના અધ્યક્ષ પણ છે.

નીલકંઠ ત્રિપાઠીએ બીબીસીને કહ્યું, "અમે આ ધર્મસંસદનું આયોજન છ મુદ્દાઓ પર કર્યું હતું, જેમાં આયોજક સમિતિમાં કૉંગ્રેસના મોટા નેતાઓ ઉપરાંત ભાજપના નેતાઓ પણ હતા."

"સનાતની હિન્દુઓ દ્વારા આયોજિત આ ધર્મસંસદનો હિન્દુ રાષ્ટ્ર મુખ્ય મુદ્દો હતો. સંસદમાં જે રીતે દરેક વ્યક્તિને પોતાનાં મંતવ્યો વ્યક્ત કરવાની સ્વતંત્રતા હોય છે, એ જ રીતે આ કાર્યક્રમમાં બધાએ પોતપોતાનાં મંતવ્યો વ્યક્ત કર્યાં હતાં. પરંતુ મહાત્મા ગાંધી વિશે જે કહેવામાં આવ્યું હતું તેની સાથે હું સહમત નથી.''

line

ગોડસેનાં વખાણ અને મહાત્મા ગાંધીને અપશબ્દો

કાલીચરણ મહારાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં મોહન મરકામ

ઇમેજ સ્રોત, ALOK PUTUL/BBC

ઇમેજ કૅપ્શન, કાલીચરણ મહારાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં મોહન મરકામ

આ બે દિવસીય ધર્મસંસદમાં દેશના વિવિધ ભાગોમાંથી આવેલા સાધુ-સંતોએ હિંદુ રાષ્ટ્ર, હિંદુઓની કથિત રીતે ઘટતી જતી સંખ્યા, હિંદુત્વ, ધર્માંતરણ જેવા વિષયો પર વક્તવ્યો આપ્યાં હતાં. ઘણા સાધુઓએ લઘુમતીઓને નિશાન બનાવીને વિવાદાસ્પદ ભાષણો પણ આપ્યાં હતાં.

કેટલાક સાધુઓએ હિંદુ ધર્મ ખતરામાં હોવાની વાત કરી હતી, જ્યારે કેટલાક સાધુઓએ એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકાના સેના મુખ્યાલય પેન્ટાગન સહિત સમગ્ર યુરોપ પર હિંદુઓનો કબજો છે અને યુરોપની મોટાભાગની વસતી હિંદુ બની ગઈ છે. સાધ્વી વિભાનંદ ગિરિએ તો અનામત જ હઠાવી દેવાની વકીલાત કરી અને 'ઑનર કિલિંગ'ને વાજબી ઠેરવ્યું.

રવિવારે કાર્યક્રમના અંતમાં મહારાષ્ટ્રના અકોલાથી આવેલા કાલીચરણ મહારાજ નામના સાધુએ લઘુમતીઓ પર હુમલો કરતા ઘણી વિવાદાસ્પદ વાતો કહી.

કાલીચરણ મહારાજ

ઇમેજ સ્રોત, CG KHABAR/BBC

ઇમેજ કૅપ્શન, કાર્યક્રમમાં મહારાષ્ટ્રના અકોલાથી આવેલા કાલીચરણ મહારાજ નામના સાધુએ લઘુમતીઓ પર હુમલો કરતા ઘણી વિવાદાસ્પદ વાતો કહી.

મધ્યપ્રદેશના ભોજપુરના એક મંદિરમાં ગયા વર્ષે 'શિવતાંડવ સ્રોતમ' ગાઈને સોશિયલ મીડિયા પર લોકપ્રિય બનેલા કાલીચરણ મહારાજે 'જો હિંદુ હિત કી બાત કરેગા, વહી દેશ પર રાજ કરેગા' ના નારા સાથે કહ્યું, "આપણી મહિલાઓ ખૂબ જ સુશીલ અને સંસ્કારી છે. તે મતદાન કરવા જતી નથી... સામૂહિક બળાત્કાર થશે ત્યારે તમારા ઘરની મહિલાઓનું શું થશે?"

"મહામૂર્ખ છો. હું તમને નથી કહેતો, આવું એવા લોકોને કહી રહ્યો છું જેઓ મતદાન કરવા બહાર નથી આવતા.''

તેમણે કહ્યું, "ઇસ્લામનું ધ્યેય રાજનીતિ દ્વારા રાષ્ટ્ર ઉપર કબજો મેળવવાનું છે. તેઓએ આપણી નજર સામે 47માં કબજો કર્યો, ભાઈઓ. આપણી નજર સામે બે-બે કબજા કર્યા. ઈરાન, ઇરાક, અફઘાનિસ્તાન પર પહેલેથી જ કબજો કરી ચૂક્યા છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાન તેમણે આપણી નજર સામે જ આંચકી લીધું, રાજનીતિ દ્વારા કબજે કર્યું."

આ પછી કાલીચરણ મહારાજે મહાત્મા ગાંધી વિશે કહ્યું, "મોહનદાસ કરમચંદ ગાંધીએ સત્યાનાશ કરી નાખ્યો. નથુરામ ગોડસેજીને વંદન છે.. તેમને મારી નાખ્યા... જુઓ, ઑપરેશન કરવું ખૂબ જ જરૂરી હોય છે, આ ફોડલા-ફોડલીઓનો ઇલાજ કરવો પડશે. અન્યથા તે કૅન્સર બની જાય છે."

ભાષણ આપ્યા બાદ કાલીચરણ મહારાજે સભાસ્થળ છોડી દીધું. ત્યારબાદ ધર્મસંસદના સંરક્ષક અને કૉંગ્રેસી નેતા મહંત રામસુંદર દાસે પોતાના ભાષણમાં મહાત્મા ગાંધી વિરુદ્ધ બોલવામાં આવેલા અપશબ્દો સામે વાંધો ઉઠાવ્યો અને આ ધર્મસંસદથી પોતાને અલગ કરવાની વાત કરી.

ત્યાર બાદ મોડી સાંજે કૉંગ્રેસી નેતાઓએ કાલીચરણ મહારાજ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

line

હિન્દુ એજન્ડા

છત્તીસગઢમાં ભાજપને હઠાવીને 15 વર્ષ બાદ સત્તામાં આવેલી કૉંગ્રેસ પાર્ટી છેલ્લાં ત્રણ વર્ષથી ધર્મ અને આસ્થાને લગતા મુદ્દાઓ પર સતત સક્રિય છે

ઇમેજ સ્રોત, ALOK PUTUL/BBC

ઇમેજ કૅપ્શન, છત્તીસગઢમાં ભાજપને હઠાવીને 15 વર્ષ બાદ સત્તામાં આવેલી કૉંગ્રેસ પાર્ટી છેલ્લાં ત્રણ વર્ષથી ધર્મ અને આસ્થાને લગતા મુદ્દાઓ પર સતત સક્રિય છે

છત્તીસગઢમાં ભાજપને હઠાવીને 15 વર્ષ બાદ સત્તામાં આવેલી કૉંગ્રેસ પાર્ટી છેલ્લાં ત્રણ વર્ષથી ધર્મ અને આસ્થાને લગતા મુદ્દાઓ પર સતત સક્રિય છે.

આ ત્રણ વર્ષોમાં, ભૂપેશ બઘેલની સરકારે 2260 કિલોમીટર લાંબો રામ વનગમન પથ, રામ રથયાત્રા, કૌશલ્યા માતાના મંદિરનો જીર્ણોદ્ધાર, ગ્રામ્ય સ્તરની રામચરિત માનસ સ્પર્ધા, ગાયના છાણની ખરીદી જેવા અનેક ધાર્મિક આસ્થા સાથે સંબંધિત મુદ્દાઓ પર કામ કર્યું છે.

સ્થિતિ એવી બની છે કે ગાયનું છાણ ખરીદવા જેવી યોજનાઓ બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓએ મુખ્યમંત્રીને જાહેરમાં અભિનંદન પાઠવ્યા હતા.

રાજકીય વર્તુળોમાં તો એવું પણ કહેવાતું હતું કે કૉંગ્રેસ પાર્ટીની સરકાર ભાજપ પાસેથી તેના મુદ્દાઓ છીનવી રહી છે. પરંતુ ગયા વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ ધર્માંતરણને મુદ્દો બનાવીને સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે.

એક પણ મહિનો એવો નથી જતો કે જેમાં રાજ્યના એક યા બીજા ભાગમાં ધર્મ પરિવર્તન કે ધર્મ સાથે જોડાયેલા મુદ્દે તણાવ અને અશાંતિની સ્થિતિ સર્જાઈ ન હોય.

ગયા મહિને જ કબીરધામ જિલ્લામાં એક થાંભલા પરથી ધ્વજ નીચે ઉતારી લેવાતાં જિલ્લામાં કર્ફ્યૂ લાદવાનો વારો આવ્યો હતો. બાદમાં જ્યારે હિંદુ સંગઠનોએ કબીરધામમાં 108 ફૂટ ઊંચો ભગવો ધ્વજ લહેરાવ્યો તો ધ્વજવંદન કાર્યક્રમમાં આવેલા સાધુઓનું સ્વાગત કરતાં કૉંગ્રેસના નેતાઓએ અખબારોમાં મોટી જાહેરાતો આપી હતી.

રાયપુરમાં આયોજિત ધર્મસંસદ વિશે પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યક્રમમાં મુખ્ય ભૂમિકા સરકાર અને કૉંગ્રેસના નેતાઓની હતી.

નીલકંઠ સેવા સંસ્થાનના નીલકંઠ ત્રિપાઠીએ કહ્યું, "અમે પ્રથમ સનાતન હિન્દુઓ છીએ, રાજકીય પક્ષ તે પછી આવે છે. એવામાં આ પ્રસંગને કોઈ ચોક્કસ રાજકીય પક્ષ સાથે જોડવો યોગ્ય નથી. વાત મદદની હોય તો આયોજનમાં બધાનો સહયોગ મળ્યો છે."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો