હિન્દુ, હિન્દુત્વ અને હિન્દુવાદ : ગાંધીવાદી અને RSSની નજરે...

આ શબ્દો અથવા તો માન્યતાઓમાં સમાનતા શું છે અને ફરક શું છે? જે સમજીશું આરએસએસ વિચારક રાકેશ સિન્હા અને ગાંધીવાદી વિચારક તુષાર ગાંધીની નજરે...

આરએસએસના વિચારક રાકેશ સિન્હાનો દૃષ્ટિકોણ

13 માર્ચ 1910ના રોજ વિક્ટોરિયા સ્ટેશન પર ધરપકડ બાદ લેવાયેલી સાવરકરની તસવીર

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM

ઇમેજ કૅપ્શન, 13 માર્ચ 1910ના રોજ વિક્ટોરિયા સ્ટેશન પર ધરપકડ બાદ લેવાયેલી સાવરકરની તસવીર

હિન્દુ અસ્તિત્વની ઓળખ છે કે આપ પોતાની આસ્થાથી, જન્મથી, મનથી હિન્દુ છે, પરંતુ પોતાની ઓળખ પ્રત્યે સજાગ હોવું અને તેના પ્રત્યે ચેતનાનો વિકાસ થવો એ હિન્દુત્વ છે.

ઓળખથી હિન્દુ હોવાનો અર્થ એ છે કે ક્ષમાભાવ, પ્રેમભાવ અને આચરણની શુદ્ધતા હોવી, અહિંસાના રસ્તે ચાલવું અને વિવિધતાને મહત્ત્વ આપવું.

હિન્દુ શબ્દ ભાવવાચક છે. તેને અમે સંજ્ઞા નથી માનતા. જ્યારે અમે કહીએ છે કે હિન્દુ તો તેનો અર્થ એ થાય છે કે વિવિધતાને મહત્ત્વ આપવું. આ વિવિધતા કૃત્રિમ નથી. આ હિન્દુના અંતરમનમાં બેસેલી છે. વિવિધતા વગર હિન્દુ શબ્દની કલ્પના કરવી જ અર્થહીન છે.

હિન્દુ હોવાની આ તમામ વિશેષતાઓ પ્રત્યે સજાગ હોવું એ હિન્દુત્વ છે. ભલે હિન્દુત્વ શબ્દ વિનાયક દામોદર સાવરકરજીના પુસ્તકથી પ્રચલિત થયો, પરંતુ સાવરકરજી હિન્દુત્વના પહેલા કે અંતિમ વિચારક ન હતા. તેઓ વિચારકોની શૃંખલામાં એક ચોક્કસ સમયના વિચારક હતા.

હિન્દુત્વનો બીજો તાત્પર્ય છે કે હિન્દુની વિશેષતાઓ, હિન્દુ તરીકેના અસ્તિત્વ પ્રત્યે આંતરિક અને બાહ્ય પડકારો સામે લડવું. જાતિવાદ અને છૂઆછૂત એ આંતરિક પડકારો છે.

બાળવિવાહ, સતીપ્રથા પણ આંતરિક પડકારો છે. તેનું નિદાન કરવું હિન્દુત્વ છે. આ જ રીતે ધર્મપરિવર્તન, બાહ્ય આક્રમણ જેવા બાહ્ય પડકારો સામે પણ હિન્દુત્વ જુદા જુદા સમયની જરૂરિયાત પ્રમાણે લડે છે અને જુદી જુદી રીતે નિદાન શોધે છે.

હિન્દુત્વની કોઈ એક સ્થિર પરિભાષા નથી. સમય, પરિસ્થિતિ અને પડકારો મુજબ હિન્દુત્વનું સ્વરૂપ બદલાયા કરે છે. એ જ રીતે સમર્થ રામદાસ (17મી સદીના હિન્દુ કવિ) એક હિન્દુત્વવાદી એટલા માટે હતા, કારણ કે તેમણે ધર્મ અને આધ્યાત્મના માધ્યમથી તે સમયના પડકારોનો ઉપાય શોધવા પર અને લોકોમાં ચેતના જાગૃત કરવા પર કામ કર્યું હતું. તેમણે લોકોને જણાવ્યું કે, તમે હિન્દુ છો, નહીં રહો તો તમારું અસ્તિત્વ મટી જશે.

રવિદાસ, જેમણે હિન્દુઓને પોતાના આંતરિક પડકારોનો સામનો કરવા માટે સંદેશ આપ્યો, તેવી જ રીતે બિપિનચંદ્ર પાલ, બાલ ગંગાધર તિલક અને લાલા લજપત રાય જેવા સમાજસુધારકો હિન્દુત્વને આગળ વધારતા રહ્યા.

બિપિનચંદ્ર પાલે સોલ ઑફ ઇન્ડિયા નામક પુસ્તક લખ્યું, તેની પાછળનું તાત્પર્ય હિન્દુઓની ચેતના જાગૃત કરવાનું હતું. તેમણે કહ્યું હતું કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે, પરંતુ તેમના કહેવાનો ભાવાર્થ એ હતો કે ભારત કૃતિત્વથી હિન્દુ છે, ના કે સંવિધાન દ્વારા.

ઠીક એ જ રીતે સાવરકરજીએ વિશેષ પરિસ્થિતિઓમાં હિન્દુત્વના રૂપમાં ભૂ-સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વાત કરી હતી. ડૉ. હૅડગેવારજીએ બાદમાં હિન્દુત્વને અલગ સ્વરૂપ આપ્યું અને તેને પૂજાપદ્ધતિ અને આસ્થાથી ઉપર લઈ ગયા.

આ માટે હિન્દુત્વ માટે તેમનું યોગદાન ખૂબ મહત્ત્વપૂર્ણ છે. સભ્યતાની યાત્રામાં જે લોકો ભારત પ્રત્યે આસ્થા રાખે છે, વિવિધતામાં વિશ્વાસ રાથે છે, આ સંસ્કૃતિ સાથે જોડાયેલા છે, વિભિન્ન પૂજાપદ્ધતિ સિવાય પણ તમામ લોકો રાષ્ટ્રીયતાથી તો હિન્દુ જ છે.

અમે માનીએ છે તે હિન્દુવાદ કે હિન્દુઇઝમ નામની કોઈ વસ્તુ નથી. આ શબ્દ અને વિચાર સંસ્થાનવાદની દેણ છે. જે રીતે ઇસ્લામવાદ અથવા તો ઈસાઈવાદ નથી, ઇસ્લામિઝમ અથવા તો ક્રિશ્ચિયનિઝમ નથી. તે જ પ્રકારે હિન્દુવાદ અથવા તો હિન્દુઇઝમ પણ નથી.

હિન્દુઓને કોઈ એક ધર્મમાં બાંધી શકાય નહીં. ધર્મ અને આધ્યાત્મમાં ખૂબ અંતર હોય છે. ધર્મ વ્યવસ્થિત હોય છે, તેનું એક નિર્ધારિત માળખું હોય છે. ધર્મ પોતાના આંતરિક કાયદાઓથી બંધાયેલો હોય છે અને ધર્મને ટકવા માટે તેનું પાલન થવું અનિવાર્ય છે.

ચાહે તે પુસ્તકના સ્વરૂપમાં હોય કે પછી પયગંબરના રૂપમાં કે પછી કર્મકાંડના રૂપમાં હોય. સામ્રાજ્યવાદી અથવા સામંતી કારણોથી હિન્દુને એક ધર્મનું સ્વરૂપ આપવાના પ્રયત્નો કરાયા છે, પરંતુ હકીકતમાં આ એક આધ્યાત્મિક યાત્રા છે. હિન્દુઓની તુલના ઇસ્લામ, ઈસાઈ અથવા તો યહૂદી જેવા ધર્મો સાથે કરવી યોગ્ય નથી. આ બન્ને સાથે અન્યાય છે.

હિન્દુત્વ પ્રયોગધર્મી છે અને પ્રયોગધર્મિતાના કારણે ભારત એક આધ્યાત્મિક પ્રયોગશાળા છે. સમગ્ર વિશ્વમાં રાજકીય લોકતંત્ર છે, સામાજિક લોકતંત્ર છે પરંતુ આધ્યાત્મિક લોકતંત્ર માત્ર હિન્દુઓ વચ્ચે જ છે.

આરએસએસ વિચારક રાકેશ સિન્હા ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ પણ છે

ઇમેજ સ્રોત, RAKESHSINHA01

ઇમેજ કૅપ્શન, આરએસએસ વિચારક રાકેશ સિન્હા ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ પણ છે

આ આધ્યાત્મિક બહુવચનવાદ પણ છે. આપણે શંકરાચાર્યને પણ પડકાર આપી શકીએ છીએ. આદિ શંકરાચાર્યને પણ મંડન મિશ્ર તરફથી પડકાર મળ્યો હતો. આપણે કોઈને છેલ્લો શબ્દ કે છેલ્લો વ્યક્તિ માનતા નથી. આ આધ્યાત્મિક બહુવચન માત્ર હિંદુઓમાં જ છે. તે કોઈપણ ધાર્મિક સમુદાયની મધ્યમાં બીજે ક્યાંય જોવા મળતું નથી.

હિન્દુઓની તુલના એકરૂપતાવાદી ધર્મોથી કરવા માટે હિન્દુને વાદમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમે માનીએ છીએ કે હિન્દુ વાદ નથી. મેઘાલયના ખાસી કે ઝારખંડના મુંડા આદિવાસી જે રીતરિવાજો અપનાવતા હતા, તે ગંગા-યમુનાના મેદાનના વિસ્તારોના લોકો નથી અપનાવતા, પરંતુ પોતાની વિવિધતાની સાથે સાથે એ લોકો હિન્દુ જ છે. આ તમામ લોકોની પરંપરાઓ, દૃષ્ટિકોણો અને આધ્યાત્મમાં અંતર છે, પરંતુ આ તમામ લોકો હિન્દુ છે.

જ્યાં સુધી આરએસએસ અને ગાંધીવાદનો સવાલ છે, આરએસએસ અને ગાંધીવાદમાં સમાનતા વધારે છે, અંતર ઓછું છે. ગાંધીએ પણ કહ્યું હતું કે રામરાજ્ય જ સ્વરાજ છે. ભારતના જ્ઞાનની સમૃદ્ધિથી જ તેમણે સ્વતંત્રતા આંદોલનને આગળ ધપાવ્યું હતું. આધુનિક દુનિયામાં મહાત્મા ગાંધી પશ્ચિમ અને પૂર્વની વચ્ચે જે સંવાદ થતો હતો તેનું મહત્ત્વપૂર્ણ પાત્ર હતાં.

ગાંધીજીની સ્વરાજ પ્રત્યેની ધારણા, હિન્દુ સંસ્કૃતિ પ્રત્યેની ધારણા તેમને આરએસએસની વિચારધારાની પાસે લાવે છે. તેમણે ક્યારેય હિન્દુત્વ શબ્દનો પ્રયોગ કર્યો હોય કે ન કર્યો હોય પરંતુ તેમનો ભાવ સંઘથી મળતો આવતો હતો. મહાત્મા ગાંધીની હત્યા બાદ સંઘ દ્વારા 13 દિવસ માટે તમામ શાખાઓ બંધ રાખવામાં આવી હતી. જે પહેલાં ક્યારેય થયું ન હતું.

ગાંધીજીની સ્વદેશી, સ્વરાજ અને સત્યાગ્રહની ભાવના હતી. એ જ ભાવના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પણ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 1925થી લઈને અત્યાર સુધી સ્વદેશી અને સ્વરાજનો આગ્રહ કરતું આવ્યું છે. પોતાના વતનની જડો સાથે જોડાયેલા રહેવાની વકીલાત સંઘ કરે છે.

line

ગાંધીવાદી તુષાર ગાંધીનો દૃષ્ટિકોણ

તુષાર ગાંધી

ઇમેજ સ્રોત, TUSHARG

ઇમેજ કૅપ્શન, તુષાર ગાંધી

હિન્દુ એક ઓળખ છે જે આપણને આપવામાં આવી છે, હિન્દુવાદ સમાજનું તેમજ ધર્મનું પ્રતીક છે અને હિન્દુત્વ તે સમાજનું અને ધર્મનું રાજકીયકરણ કરવાનું એક રાજકીય ટૂલ છે.

હું એમ માનું છું કે હિન્દુવાદ છે. જે લોકો હિન્દુ સમાજનાં રીતરિવાજને માને છે અને તેને સમર્થન આપે છે તેમને હિન્દુવાદી કહી શકાય છે, પરંતુ તેમાં કોઈ લેખિત રીતરિવાજ નથી. અહીં તમામ વસ્તુઓ પરંપરાગત છે. જે લોકો સદીઓથી ચાલી આવતી આ પરંપરાઓને માને છે, તેમને પણ હિન્દુવાદી કહી શકાય છે.

જ્યાં સુધી હિન્દુ અને હિન્દુત્વમાં અંતરનો સવાલ છે તો ગાંધી હિન્દુ હતા અને નાથૂરામ ગોડસે હિન્દુત્વવાદી હતા. હિન્દુ અને હિન્દુત્વ વચ્ચે તેમનાંથી સારો ફરક કોઈ નથી.

હિન્દુ, હિન્દુત્વ અને હિન્દુવાદમાં એકબીજાનો અંશ છે, પરંતુ મને લાગે છે કે હિન્દુત્વને હિન્દુ કે હિન્દુવાદ સાથે કોઈ લેવાદેવા નથી, કારણ કે તે રાજકારણ માટેનું સાધન છે. સત્તા મેળવવાની રીત છે.

જો આપણે હિન્દુ માનવીની કે હિન્દુત્વ માનવીની વાત કરીએ તો હિન્દુત્વને તેની સાથે કોઈ લેવાદેવા નથી. હિન્દુત્વ એ માત્ર સત્તા મેળવવા માટે રાજકીય જૂથનું શસ્ત્ર છે.

પરંતુ કડવું સત્ય એ છે કે આપણા વર્તમાન યુગમાં હિન્દુત્વ સૌથી મજબૂત છે. આજે હિન્દુ ધર્મ પણ મજબૂત નથી અને હિન્દુ ધર્મ પણ નથી. અત્યારે આપણે એવા યુગમાં છીએ કે જ્યાં હિન્દુત્વ સૌથી શક્તિશાળી છે અને જો હિન્દુત્વ આવું જ મજબૂત રહેશે તો હિન્દુ અને ભારતનું ભવિષ્ય અંધકારમય બની જશે.

આજે હિન્દુત્વવાદીઓ દાવો કરે છે કે તેઓ ધર્મનું પુનર્જાગરણ કરી રહ્યા છે અને હિન્દુ ધર્મનું ગૌરવ વધારી રહ્યા છે પરંતુ તેઓ જાણતા નથી કે હિન્દુ ધર્મની ઉદારતા એ તેનું વાસ્તવિક ગૌરવ છે.

જો આપણે હિન્દુ ધર્મની વાત કરીએ તો તે આટલી સદીઓથી ટકી રહ્યો છે અને મજબૂત રહ્યો છે. આ લોકો જે હિન્દુ ધર્મના પુનર્નિર્માણની વાત કરે છે, તેઓ પોતાને હિન્દુ ધર્મ કરતાં મોટા માને છે.

આ લોકોને ગર્વ છે કે તેઓ હિન્દુ ધર્મ કરતાં મોટા છે. આ અભિમાન સૌથી મોટું પાપ છે. જ્યારે વ્યક્તિમાં આ લાગણી આવે છે કે તે ધર્મ કરતાં મહાન છે, ત્યારે અભિમાન તેના મૂળમાં છે અને આ અભિમાન જ તેના વિનાશનું કારણ બની જાય છે.

ગાંધીવાદની સુંદરતા એ છે કે જેઓ ગાંધીમાં વિશ્વાસ કરે છે તેઓ દરેકના વિચારોનો આદર કરે છે, પછી ભલે આપણે તે વિચારોની વિરુદ્ધ હોઈએ. હિન્દુની વાસ્તવિક ઓળખ એ છે કે તે એવા વિચારોને પણ જગ્યા આપે છે જેને તે માનતો નથી. હિન્દુ હોવું એ દરેકની માન્યતાઓને માન આપવું છે.

જ્યારે પણ આપણે કોઈનો વિરોધ કરીએ છીએ, ત્યારે સન્માન સાથે કરીએ છીએ. આપણે હિન્દુઓ કોઈને નાનું નથી બતાવતા. આપણે ફક્ત સાચા અને ખોટા વચ્ચેનો જ તફાવત કરીએ છીએ. અસત્યને સંખ્યાની જરૂર છે, સત્યને સંખ્યાની જરૂર નથી. એક પણ વ્યક્તિ સાચું બોલે તો તે સાચું જ રહે છે, પણ જૂઠાણાને મનાવવા માટે લાખો લોકોની જુબાની લેવી પડે છે. હિન્દુ સત્યનું પ્રતીક છે અને સત્યાગ્રહ કરે છે.

હિન્દુત્વ અંગે આરએસએસ અને ગાંધીવાદીઓનાં મંતવ્યો સાવ અલગ અને વિરોધી છે. આરએસએસનું હિન્દુત્વ સંકુચિત છે. તે માત્ર પસંદગીના લોકો માટે જ છે. તેમાં બીજા કોઈનો સમાવેશ થતો નથી. જ્યારે બાપુનું હિન્દુત્વ સાર્વત્રિક હતું, તેણે દરેકને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું, દરેકનો આદર કર્યો, દરેક વૈવિધ્યસભર જીવનશૈલીનો આદર કર્યો. એક રીતે તેમની પાસે દરેકને પોતાનામાં સમાવી લેવાની શક્તિ હતી.

પરંતુ આરએસએસમાં એવા જ લોકોને સામેલ કરવામાં આવે છે જેઓ તેના હિન્દુત્વને અનુસરે છે. જેઓ તેમના હિન્દુત્વના ખ્યાલમાં માને છે. તેમનાંમાં પણ તેઓ ફરક રાખે છે. અંતે તે માત્ર ઉચ્ચ અને નીચને પ્રોત્સાહન આપતી પરંપરાઓને આગળ ધપાવે છે. ગાંધીના હિન્દુત્વ અને આરએસએસના હિન્દુત્વમાં કોઈ સમાનતા નથી.

આરએસએસની મજબૂરી એ છે કે તેઓ જે માને છે તેના માટે તેમને પ્રમાણપત્રો શોધવાં પડે છે અને તેઓ ગાંધી કરતાં મોટું પ્રમાણપત્ર મેળવી શકતા નથી. આવી સ્થિતિમાં તે હંમેશાં લોકોનો ઉપયોગ કરીને પોતાનાં તત્ત્વને સાબિત કરવાનો પ્રયાસ કરે છે. તેઓ ગાંધીજીનો પણ પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરે છે.

ગાંધીના હિન્દુત્વ અને આરએસએસના હિન્દુત્વ વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે ગાંધીના હિન્દુત્વમાં કોઈ એકલું નહોતું.

પરંતુ હું માનું છું કે આજે આપણે જે યુગમાં છીએ તેમાં આપણને ન તો હિન્દુની જરૂર છે, ન હિન્દુત્વની જરૂર છે, ન હિન્દુ ધર્મની જરૂર છે. આપણી સૌથી મોટી જરૂરિયાત એ છે કે આપણે બધાને અપનાવીએ અને સાથે રહેવા માટે બિનસાંપ્રદાયિક વિચારધારાને અપનાવવાની જરૂર છે. મારો અંગત મત એ છે કે આજે આપણને કોઈ ધાર્મિક ઓળખની જરૂર નથી.

આજે ભારતની છાતી પર નફરત અને હિંસાના જે ઘા ચોંટી ગયા છે, જો તેને રૂઝવવા હોય તો આપણે ધર્મથી આગળ વધીને સર્વધર્મ સમભાવની આપણી વિચારધારાને ફરીથી અપનાવવી પડશે. આ માટે આપણે સમાજમાંથી ધાર્મિક ઓળખનાં લેબલ દૂર કરવાં પડશે.

(બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશા સાથેની વાતચીતના આધારિત)

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો