સાવરકર વિવાદ : 'રાહુલ ગાંધી 100 જનમ લેશે તો પણ સાવરકર નહીં બની શકે', વિવાદ પર કોણે શું કહ્યું?

ઇમેજ સ્રોત, DIPTENDU DUTTA
શનિવારે કૉંગ્રેસે ભારત સરકારની નીતિઓના વિરોધમાં આયોજિત 'ભારત બચાઓ' રેલી આયોજિત કરી હતી જેમાં રાહુલ ગાંધીએ 'સાવરકર' અંગે નિવેદન કરતા વિવાદ થયો છે.
નોંધનીય છે કે મોદી સરકારને બેરોજગારી, સ્ત્રીઓ પર અત્યાચારની ઘટનાઓ અને સરકારની નીતિઓ મામલે ઘેરવા માટે કૉંગ્રેસ દ્વારા આયોજિત રેલીમાં રાહુલ ગાંધીએ આક્રમક અંદાજમાં ભાષણ આપ્યું હતું.
તેમણે પોતાના ભાષણમાં 'રેપ ઇન ઇન્ડિયા'ના પોતાના નિવેદન અંગે માફી માગવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે :
"મારું નામ રાહુલ સાવરકાર નથી, રાહુલ ગાંધી છે. હું મરી જઈશ પણ માફી તો નહીં જ માગું."
રેલીમાં રાહુલ ગાંધીના આ નિવેદનના કારણે 'ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સાવરકરના યોગદાન'નો મુદ્દો ચર્ચાસ્પદ બની ગયો છે.
રાહુલ ગાંધીના નિવેદન અંગે દેશભરના રાજકારણીઓ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
આ મુદ્દે સૌપ્રથમ શિવસેના તરફથી પ્રતિક્રિયા આવી છે.
શિવસેનાના નેતા સંજય રાઉતે રાહુલ ગાંધીના આ નિવેદન અંગે જવાબ આપતાં કહ્યું :
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જેમ અમે પંડિત નહેરૂ અને માહત્મા ગાંધીને માનીએ છીએ, તેમ તમારે પણ વીર સાવરકરનું અપમાન તો ન જ કરવું જોઈએ."
"સમજદાર વ્યક્તિને આનાથી વધારે કશું જ કહેવાની જરૂર હોતી નથી."
આ મુદ્દે પ્રતિક્રિયા આપતા આરએસએસના નેતા ઇન્દ્રેશ કુમારે કહ્યું કે રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીની અટક છોડી દેવી જોઈએ.
તો મહારાષ્ટ્રમાં સાથી પક્ષ એનસીપીના નેતા છગન ભૂજબળે કહ્યું કે મોટી વ્યક્તિઓની વાત આવે છે ત્યારે દરેક બાબત સાથે દરેક સહમત ન પણ હોય. સાવરકર વિશે રાહુલ ગાંધીના તેમના પોતાના વિચારો છે. સાવરકરે કહ્યું હતું કે ગાય આપણી માતા નથી પરંતુ ભાજપ તેને માતા ગણાવે છે. સાવરકરના વિચારો પણ જ્ઞાનવાદી હતા પરંતુ શું ભાજપ તેને સ્વીકારશે. નહીં સ્વીકારે.

'સાવરકર' નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, Getty Images
રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરતાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું હતું :
"રાહુલ ગાંધી 100 જનમ લઈને પણ સાવરકર નહીં બની શકે."
"સાવરકર વીર હતા, દેશભક્ત હતા અને તેમણે બલિદાન આપ્યું છે."
રાહુલ ગાંધીની ભાષાને દેશવિરોધી જાહેર કરતાં સંબિત પાત્રાએ તેમની ભાષા પર આપત્તિ વ્યક્ત કરતાં કહ્યું :
"અનુચ્છેદ 370, ઍર સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક, નાગરિકતા સંશોધન કાયદા વિશે રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલે છે."
"તેઓ ક્યારેય સાવરકરના માર્ગ પર ચાલી વીર નહીં બની શકે."

માયાવતીનો કૉંગ્રેસને પ્રશ્ન
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
માયાવતીએ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના 'સાવરકર' અંગેના નિવેદનના સંદર્ભમાં ટ્વીટ કરીને કૉંગ્રેસની નીતિઓ અંગે પ્રશ્નો કર્યા હતા.
તેમણે ટ્વીટમાં લખ્યું કે, "શિવસેના હજુ પણ પોતાના એજન્ડા પર કાયમ છે."
"તેથી તેમણે નાગરિકતા સંશોધન બિલ પર સરકારનો સાથ આપ્યો. હવે સાવરકરને લઈને પણ તેમને કૉંગ્રેસના દૃષ્ટિકોણ સામે વાંધો છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
"તેમ છતાં કૉંગ્રેસ પક્ષ મહારાષ્ટ્ર સરકારમાં શિવસેનાનો સાથે આપી રહી છે."
"શું આ વાત પરથી કૉંગ્રેસનું દ્વિમુખી ચારિત્ર્ય બધાની સામે નથી આવી જતું?"

સાવરકરના પરિવારજનોની પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM
ઇન્ડિયા ટુડેના એક અહેવાલ અનુસાર રાહુલના નિવેદન અંગે રોષ વ્યક્ત કરતા સાવરકરના પૌત્ર રણજિત સાવરકરે કહ્યું હતું :
"રાહુલનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે."
"તેમને આવાં વિવાદાસ્પદ નિવેદનો કરવાની ટેવ છે."
તેમણે રાહુલ વિરુદ્ધ આ નિવેદન મામલે બદનક્ષીનો દાવો કરવાની વાત કરી છે.
રણજિત સાવરકરે આ મામલે શિવસેનાને પગલાં લેવાની સલાહ આપી છે. તેમણે શિવસેનાને મહારાષ્ટ્રમાં કૉંગ્રેસનો સાથે છોડવાની ભલામણ કરી હતી.
તેમણે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી સાવરકરના માધ્યમથી શિવસેના પર નિશાન સાધી રહ્યા છે.

શું છે સાવરકર સાથે જોડાયેલું 'માફી' પ્રકરણ?

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM
બીબીસી ગુજરાતીના એક અહેવાલ અનુસાર વર્ષ 1910માં વિનાયક દામોદર સાવરકરની નાસિકના કલેક્ટરની હત્યાના આરોપમાં લંડન ખાતેથી ધરપકડ થઈ હતી.
સાવરકર પર એવો આરોપ હતો કે તેમણે લંડનથી પોતાના ભાઈને આ હત્યા માટે પિસ્તોલ મોકલી હતી.
આ કેસમાં તેમના ભાઈની પણ ધરપકડ થઈ હતી.
આ કેસમાં સાવરકરને 25-25 વર્ષની કેદની બે સજા થઈ હતી.
જે ભોગવવા માટે તેમને આંદામાનની સેલ્યુલર જેલમાં 'કાળા પાણી'ની સજા કાપવા માટે મોકલી દેવાયા હતા.
જ્યાં તેમને અસહ્ય ત્રાસનો સામનો કરવો પડ્યો હતો.
આ જેલમાં 9 વર્ષ, 10 મહિના સુધી સજા ભોગવ્યા બાદ તેમણે અંગ્રેજ સરકાર વિરુદ્ધનો વિરોધ આગળ વધારવાના સ્થાને પાછો ખેંચી લીધો.
નિરંજન તકલે નામના નિષ્ણાત સાવરકરના જેલવાસ અંગે વાત કરતાં જણાવે છે :
"ધરપકડ પછી તેમને વાસ્તવિકતાનો પરિચય થયો."
"તેમણે દોઢ મહિનાના જેલવાસ બાદ પોતાનું પ્રથમ માફીનામું લખ્યું હતું."
"ત્યારબાદ 9 વર્ષ દરમિયાન તેમણે છ વખત અંગ્રેજોની માફી માગતા પત્રો લખ્યા હતા."
"પોતાના પર દયા કરવા માટે તેમણે સરકારને વિનંતી કરી હતી કે પોતાને ભારતની અન્ય કોઈ જેલમાં મોકલવામાં આવે. તેના બદલામાં તેઓ સરકાર માટે કોઈ પણ સ્થિતિમાં કામ કરવા માટે તૈયાર હતા."
માફીનામાના આ સિલસિલાના અંતે આખરે સાવરકરને 1924માં પુણેની યરવડા જેલમાંથી તત્કાલીન સરકારે બે શરતોને આધીન છોડી મૂક્યા.
એક શરત હતી કે કોઈ રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ ના લેવો અને બીજું રત્નાગિરિ જિલ્લાના કલેક્ટરની પરવાગની વિના જિલ્લાની બહાર ના જવું.
રાહુલ ગાંધીએ આ સાવરકરના જીવનનાં આ પ્રસંગોનો સંદર્ભ લઈને પોતાની 'રેપ ઇન ઇન્ડિયા' ટિપ્પણીને લઈને માફી માગવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું :
"મારું નામ રાહુલ સાવરકર નથી, રાહુલ ગાંધી છે. હું મરી જઈશ પણ માફી નહીં માગું."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












