ગાંધીજીએ ખરેખર સાવરકરને માફી માટે અરજી લખવા કહ્યું હતું?

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે મંગળવારે, ઑક્ટોબર 12, 2021ના રોજ સાવરકર વિશેના જાહેર પ્રવચનમાં દાવો કર્યો કે 'સાવરકર વિશે વારંવાર જૂઠાણાં ફેલાવવામાં આવ્યાં હતાં. એવો પ્રચાર કરવામાં આવ્યો હતો કે સાવરકરે જેલમાંથી છૂટવા માટે સરકારને અરજીઓ કરી હતી... (હકીકતમાં) ગાંધીજીએ તેમને દયાની અરજીઓ કરવા માટે કહ્યું હતું...'

વિનાયક દામોદર સાવરકરની તસવીર

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM

ઇમેજ કૅપ્શન, વર્ષો સુધી તો સાવરકરે અંગ્રેજ સરકાર સમક્ષ છૂટકારા માટે કોઈ અરજી કરી છે, એ હકીકત જ છુપાવવામાં આવતી હતી—તે હકીકતના પૂરા દસ્તાવેજી પુરાવા હોવા છતાં.

દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહના દાવામાં ઇતિહાસ અને ઐતિહાસિક તથ્યોની સદંતર ઉપેક્ષા કરવામાં આવી છે અને હિંદુત્વની વિચારધારાના આદ્ય ગણાતા સાવરકરના બચાવ માટે ગાંધીજીને ખરાબ ચીતરવાની કોશિશ કરવામાં આવી છે.

વિનાયક સાવરકરના નામ આગળ લગાડાતા 'વીર'ના વિશેષણની સાથે, તેમણે અંગ્રેજ સરકારને કરેલી છુટકારા માટેની અરજીઓનો મેળ શી રીતે બેસાડવો, તે હિંદુત્વની વિચારધારાના લોકો માટે મૂંઝવનારો સવાલ રહ્યો છે. અત્યાર લગી તેની સાથે જુદી-જુદી રીતે પનારો પાડવાની કોશિશો થઈ છે.

વર્ષો સુધી તો સાવરકરે અંગ્રેજ સરકાર સમક્ષ છુટકારા માટે કોઈ અરજી કરી છે, એ હકીકત જ છુપાવવામાં આવતી હતી—તે હકીકતના પૂરા દસ્તાવેજી પુરાવા હોવા છતાં.

વિનાયક દામોદર સાવરકર

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM

ઇમેજ કૅપ્શન, સાવરકરને અંદામાનમાં 'કાળા પાણી'ની સજા ભોગવવા મોકલી દેવાયા હતા

ધનંજય કીરે 1950માં સાવરકરની હયાતીમાં તેમના વિશે ભક્તિભાવથી લખેલા ચરિત્રમાં આ અરજીઓનો કશો ઉલ્લેખ નહોતો.

જાણીતા ઇતિહાસકાર આરસી મઝુમદારે 'પિનલ સેટલમૅન્ટ્સ ઇન આંદામાન્સ' (શિક્ષણ અને સમાજ કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર, 1975)માં સાવરકરની અરજીઓ વિશે આધારભૂત દસ્તાવેજો ટાંકીને લખ્યું હતું. (પૃ. 211-213)

અન્ય વિદ્વાનોએ પણ સાવરકરની છુટકારા માટેની અરજીઓ વિશે ઐતિહાસિક પ્રમાણો આપ્યાં.

છતાં, ગુજરાતી સામયિક 'સાધના'એ પ્રગટ કરેલા વીર સાવરકર વિશેષાંક (ઑગસ્ટ 15, 1983)માં સ્વાભાવિક રીતે જ ક્યાંય સાવરકરની અરજીઓનો કશો ઉલ્લેખ ન હતો.

line

ઇતિહાસની આરસીમાં અરજીઓ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

સાવરકરની અરજીઓ બાબતે ઘણા સમય સુધી બચાવમુદ્રામાં રહ્યા પછી છેલ્લાં થોડાં વર્ષમાં, 'એ અરજીઓનું અવળું અર્થઘટન કરવામાં આવે છે- હકીકતમાં સાવરકરનો એ અરજીઓ પાછળનો આશય જુદો હતો.'—એવો પ્રચાર શરૂ થયો.

પરંતુ સાવરકરે કરેલી ત્રણ-ત્રણ અરજીઓની સામગ્રી ઉપલબ્ધ હોય ત્યારે, ગમે તેટલી તોડમરોડ કર્યા પછી પણ, અરજીઓને વાજબી કે વીરત્વને અનુરૂપ ઠરાવવી અઘરી પડે.

હિંદુત્વની વિચારધારામાં રંગાયેલા તો આ બધું માની લેવા તૈયાર હોય, પણ એ સિવાયના લોકોનું શું? કદાચ આવી મૂંઝવણના નિવારણ માટે કે પછી ચર્ચાની દિશા ફંટાઈ જાય એવા આશયથી રાજનાથસિંહે નવો ફણગો ફોડ્યો લાગે છે, જે સદંતર જૂઠાણું છે.

રાજનાથસિંહે દાવો કર્યો છે કે (માફીની) અરજીઓ કરવાનું ગાંધીજીએ સાવરકરને કહ્યું હતું.

સાવરકરના સંરક્ષણના ઉત્સાહમાં સંરક્ષણમંત્રી એટલી સાદી હકીકત ચૂકી ગયા કે સાવરકરે અંગ્રેજ સરકારને પહેલી બે અરજીઓ અનુક્રમે વર્ષ 1911માં અને વર્ષ 1913માં કરી હતી. તે સમયે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા.

વિનાયક દામોદર સાવરકર

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM

ઇમેજ કૅપ્શન, વર્ષ 2000માં સાવરકરને 'ભારતરત્ન' આપવાની રજૂઆત કરાઈ હતી

ત્યારે તેમની અને સાવરકરની વચ્ચે કોઈ પત્રવ્યવહાર થયો હોવાનું ગાંધીજીનાં કે સાવરકરનાં ચરિત્રોમાં નોંધાયું નથી.

ગાંધીજીનો વિનાયક સાવરકર સાથે પરિચય 1909માં થઈ ચૂક્યો હતો અને ગાંધીજીને સાવરકર બંધુઓ—ગણેશ તેમજ વિનાયકના ક્રાંતિકારી ભૂતકાળ માટે આદર હતો. પણ જેલમાંથી છુટકારો મેળવવા માટે સરકારને અરજીઓ કરવાની નીતિ કદી દક્ષિણ આફ્રિકામાં કે ભારતમાં ક્યાંય ગાંધીજીની પદ્ધતિ નહોતી.

મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, CENTRAL PRESS/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ગાંધીજી સાવરકર ભાઈઓની મુક્તિ ચોક્કસ ઇચ્છતા હતા.

ગાંધીજી સાવરકર ભાઈઓની મુક્તિ ચોક્કસ ઇચ્છતા હતા.

1945માં વિનાયક સાવરકરના ભાઈ ગણેશ સાવરકરનું અવસાન થયું, ત્યારે આશ્વાસનપત્રમાં ગાંધીજીએ વિનાયક સાવરકરને લખ્યું હતું, 'આપના ભાઈના કૈલાસવાસના સમાચાર જોઈ આ લખું છું. એમના છુટકારાને અંગે મેં કંઈક કર્યું હતું ત્યારથી એમને વિશે હું રસ લેતો જ ગયો. મૃત્યુનો શોક તમારી આગળ શો કરવો? આપણે તો મૃત્યુના મુખમાં પડ્યા છીએ ને...' (ગાંધીજીનો અક્ષરદેહ-79, પૃ.295)

line

જ્યારે ગાંધીજીએ સાવરકરને જેલમાંથી છોડવાની હિમાયત કરી

વિનાયક દામોદર સાવરકર

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM

ઇમેજ કૅપ્શન, આ તસવીર 13 માર્ચ 1910ની છે જ્યારે વિક્ટોરિયા સ્ટેશન પર સાવરકરની ધરપકડ કરવામાં આવી હતી

વિનાયક સાવરકર જેલમાંથી છૂટે, તેની હિમાયત પણ ગાંધીજીએ કરી હતી. પરંતુ માફીની અરજીની સલાહ આપીને નહીં.

ગાંધીજીના પ્રયાસો બદલ સાવરકરપ્રેમીઓએ તેમનો આભાર માનવો જોઈએ.

અંગ્રેજી 'યંગ ઇન્ડિયા'ના મે 26, 1920ના અંકમાં 'સાવરકર બ્રધર્સ' એવા મથાળા હેઠળ એક લેખમાં ગાંધીજીએ બ્રિટનના શાહી ઢંઢેરાનો એ હિસ્સો ટાંક્યો હતો, જેમાં રાજકીય ગુનેગારોને માફી બક્ષવાની વાત કરવામાં આવી હતી.

ગાંધીજીએ લખ્યું હતું કે ડિસેમ્બર 1919માં પ્રસિદ્ધ થયેલા આ ઢંઢેરાનો લાભ સાવરકર ભાઈઓને મળ્યો નથી.

ગાંધીજીએ નોંધ્યું હતું : 'આ બંને ભાઈઓએ પોતાના રાજદ્વારી વિચારો જાહેર કરી દીધા છે અને બંનેએ કહ્યું છે કે અમે કોઈ પણ પ્રકારના ક્રાંતિકારી વિચારો ધરાવતા નથી. અને જો અમને છોડી મૂકવામાં આવશે તો અમે રિફૉર્મ્સ ઍક્ટ (સુધારા ધારા) નીચે કામ કરવાનું પસંદ કરીશું... આ બંને સ્પષ્ટ ભાષામાં જણાવે છે કે હિંદુસ્તાન બ્રિટિશ સંબંધ છોડી દે એમ તે પોતે ઇચ્છતા નથી. ઊલટું તેમને એમ લાગે છે કે બ્રિટિશ લોકો સાથેની મિત્રાચારી દ્વારા જ હિંદુસ્તાનનું ભાવિ સૌથી સારી રીતે ખીલવી શકાય એમ છે...' (ગાંધીજીનો અક્ષરદેહ-17, પૃ.447)

ત્યાર પહેલાં જાન્યુઆરી 18, 1920ના રોજ વિનાયક સાવરકર અને ગણેશ સાવરકરના બહાર રહેલા ભાઈ નારાયણ સાવરકરે ગાંધીજીને પત્ર લખીને જણાવ્યું હતું કે તાજ દ્વારા રાજકીય કેદીઓને આપવામાં આવેલી માફીનો લાભ સાવરકર બંધુઓને મળ્યો નથી, તો મારે શું કરવું?

આ પત્રમાં નારાયણ સાવરકરે પોતાના બંને ભાઈઓ વિનાયક અને ગણેશની કફોડી સ્થિતિનું વર્ણન કરીને તેમને છોડાવવા માટે શું કરવું એ અંગે ગાંધીજીની સલાહ માગી હતી. એ પત્રનો ગાંધીજીએ લખેલો જવાબ તો ઉપલબ્ધ નથી, પણ જવાબ આપવા માટે ગાંધીજીએ જે ડ્રાફ્ટ (મુસદ્દો) તૈયાર કર્યો હતો તેમાં તેમણે લખ્યું હતું, 'તમને સલાહ આપવાનું મુશ્કેલ છે. તેમ છતાં હું સૂચવું છું કે તમે એક ટૂંકી અરજી તૈયાર કરો. એમાં કેસની હકીકતો એવી રીતે રજૂ કરો કે જે ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે કે તમારા ભાઈએ કરેલો ગુનો કેવળ રાજકીય હતો. આવી સૂચના હું એટલા માટે કરું છું કે એ પ્રમાણે લખાશે તો જનતાનું ધ્યાન એના ઉપર કેન્દ્રિત કરવાનું શક્ય બનશે. દરમ્યાન...આ બાબતમાં હું મારી રીતે પગલાં લઈ રહ્યો છું.' (ગાંધીજીનો અક્ષરદેહ-16, પૃ.480-481)

આ પત્રમાં ક્યાંય અંગ્રેજ સરકાર સમક્ષ નાકલીટી તાણવાની કે બીજી કશી બાંહેધરી આપવાની સલાહ આપી નથી (જે સાવરકરે તેમની અરજીઓમાં કર્યું હતું). સાવરકર રાજકીય કેદી છે એ વિગત પર જ ભાર મૂકવાનું તેમણે જણાવ્યું છે, કેમ કે બ્રિટિશ તાજ તરફથી રાજકીય કેદીઓને માફી જાહેર કરવામાં આવી હતી.

આ પત્ર આગળ કરીને ગાંધીજીએ સાવરકરને માફી માગવા કહ્યું હતું એમ કહેવું એ સચ્ચાઈનું શીર્ષાસન છે અને કુટિલતાની પરાકાષ્ઠા છે.

line

ગાંધીજીએ કેમ અપીલ પર સહી કરવાની ના પાડી?

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

આ બનાવના દોઢેક દાયકા પછી, વર્ષ 1937માં એવો પણ પ્રસંગ આવ્યો, જ્યારે ગાંધીજીએ સાવરકરની મુક્તિની અપીલ પર સહી કરવાની ના પાડી હતી.

તેની પાછળનું કારણ જુદું હતું, પરંતુ કેટલાક સાવરકરપ્રેમીઓએ તે બાબતે ગાંધીજીની ટીકા કરી.

ત્યારે મહારાષ્ટ્રની પ્રાંતિક કૉંગ્રેસ સમિતિની પ્રમુખ શંકરરાવ દેવને ગાંધીજીએ લખ્યું હતું : 'સાવરકરની બાબતમાં અરજી ઉપર સહી કરવાની મેં જરૂર ના પાડી હતી. કારણ, મારી પાસે જેઓ આવ્યા હતા તેમને મેં કહ્યું હતું તેમ, એ બિનજરૂરી હતું. કારણ નવો કાયદો અમલમાં આવ્યા પછી ગમે તે પ્રધાન હોય તોયે તેમનો છુટકારો થવાનો જ હતો. અને બન્યું પણ એમ જ.'

'કંઈ નહીં તોયે સાવરકર ભાઈઓ જાણે છે કે અમારી વચ્ચે ગમે તેવા પાયાના મતભેદો હોય તેમ છતાં તેમનો બંદીવાસ હું સ્વસ્થ ચિત્તે કદી સહી ન શકું.'

'કદાચ, ડૉ. સાવરકર એ વાતની સાક્ષી પૂરશે કે તેમની મુક્તિ માટે મેં મારાથી જે કંઈ થઈ શકે તે કર્યું હતું. અને બૅરિસ્ટરને (વિનાયક સાવરકરને) પણ કદાચ અમે પહેલવહેલાં મળ્યા અને જ્યારે કોઈ તૈયાર થતું ન હતું ત્યારે તેમના માનમાં ભરવામાં આવેલી સભાનું પ્રમુખસ્થાન મેં લીધું હતું, એની સુખદ સ્મૃતિ હશે.' (ગાંધીજીનો અક્ષરદેહ-65, પૃ.434)

line

ગાંધી સાવરકરને મળવા ગયા

વિનાયક દામોદર સાવરકર

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM

ઇમેજ કૅપ્શન, 1948માં મહાત્મા ગાંધીની હત્યાના છઠ્ઠા દિવસે વિનાયક દામોદર સાવરકરની પણ ધરપકડ કરાઈ હતી

ગાંધીજી સાવરકરને તેમના રત્નાગિરિના નિવાસસ્થાને મળવા ગયા હતા અને બધા મતભેદો સહિત તેમની સાથે ચર્ચા કે પત્રચર્ચાનો ઉમળકો દેખાડ્યો હતો. પરંતુ તે શક્ય બન્યું નહીં.

ગાંધીહત્યાના કેસમાં સાવરકરની સંડોવણી હોવાનું બહાર આવ્યું, પરંતુ પુરાવાના અભાવે તે નિર્દોષ છૂટી ગયા. ત્યારે કેટલાક સાક્ષીઓની જુબાની ન લેવાથી માંડીને કેટલીક પ્રક્રિયાગત બાબતો અંગે ગંભીર શંકાઓ ઊભી થઈ હતી.

પરંતુ તકનિકી રીતે સાવરકર નિર્દોષ છૂટ્યા હોવાથી તેમની વિચારધારાના સમર્થકોને એટલી નિરાંત થઈ. પરંતુ અરજીઓના મામલે સાવરકરની પ્રતિષ્ઠાનું પુનઃસ્થાપન પ્રમાણમાં ઘણું કઠણ છે.

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

કદાચ એટલે જ, વખતોવખત તેમની અરજીઓને લઈને અવનવી સફાઈઓ પેશ કરવામાં આવે છે. રાજનાથસિંહનું નિવેદન એ જ દિશામાં લૅટેસ્ટ પ્રયાસ જણાય છે.

જૂઠાણાંની બોલબાલાએ રાજકીય ચર્ચાની જગ્યા લીધી છે અને ગાંધીજયંતીએ ટ્વિટર પર ગોડસે ટ્રૅન્ડિંગ થાય તેનાથી સરકારનું રુંવાડું પણ ફરકતું નથી, તેવા સંજોગોમાં રાજનાથસિંહનું નિવેદન પણ ચાલુ નાટકનો વધુ એક, પણ છેલ્લો નહીં એવો અંક બની રહેશે, એવું માની શકાય.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં.)

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો