'ગોડસે અને સાવરકર વચ્ચે સમલૈંગિક સંબંધ હતા' - કૉંગ્રેસ સેવાદળના પુસ્તકમાં છપાયું

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM
એનડીટીવી ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસ સેવાદળ દ્વારા વિતરણ કરાયેલા પુસ્તક અંગે વિવાદ સર્જાયો છે.
'વીર સાવરકર કેટલા વીર' નામના પુસ્તકનું ભોપાલમાં આયોજિત 10 દિવસીય ટ્રેનિંગ કૅમ્પમાં વિતરણ કરવામાં આવ્યું હતું.
એમાં મહાત્મા ગાંધીની હત્યા, ગોડસે અને સાવરકર વિશે ઉલ્લેખ છે.
આ પુસ્તકમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ગોડસે અને સાવરકર વચ્ચે સમલૈંગિક સંબંધ હતા.
પુસ્તકમાં ડૉમિનિક લૅપિએર અને લૅરી કૉલિનના પુસ્તક 'ફ્રીડમ એટ મિડનાઇટ'નો ઉલ્લેખ કરીને લખ્યું છે, "બ્રહ્મચર્ય ધારણ કર્યું એ પહેલાંના ગોડસેના એક જ શારીરિક સંબંધનું એક જ વર્ણન મળે છે."
"આ સંબંધ સમલૈંગિક હતો. તેમના પાર્ટનર તેમના ગુરુ વીર સાવરકર હતા. સાવરકર લઘુમતીની મહિલાઓનો બળાત્કાર કરવા માટે લોકોને ઉત્તેજિત કરતા હતા."

મહારાષ્ટ્રમાં એક મહિનામાં 300 ખેડૂતોની આત્મહત્યા

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્ર રાજ્યમાં ઑક્ટોબર મહિનામાં થયેલા કમોસમી વરસાદ બાદ ખેડૂતોની આત્મહત્યાનું પ્રમાણ વધી ગયું.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ બાદ જ્યારે રાજ્યમાં નવેમ્બર મહિનામાં સત્તા માટે ખેંચતાણ ચાલતી હતી ત્યારે કમોસમી વરસાદથી પરેશાન 300 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છેલ્લાં ચાર વર્ષ દરમિયાન એક મહિનામાં ખેડૂતોની આત્મહત્યાની આ સૌથી મોટી સંખ્યા હતી.
ગત વર્ષે ઑક્ટોબરથી નવેમ્બરની વચ્ચે આત્મહત્યાની ઘટનાઓમાં 61 ટકાનો વધારો થયો છે.
દુકાળનો માર વેઠી રહેલા મરાઠવાડા વિસ્તારમાં નવેમ્બર મહિનામાં સૌથી વધુ 120 અને વિદર્ભમાં 112 આત્મહત્યાની ઘટના ઘટી છે.
વર્ષ 2019માં કુલ 2,532 આત્મહત્યાના કેસ બન્યા હતા, જ્યારે 2018માં આ આંકડો 2,518નો હતો.
એક અનુમાન પ્રમાણે કમોસમી વરસાદને કારણે એક કરોડ ખેડૂતો અસરગ્રસ્ત થયા હતા.
અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 6,552 કરોડ રૂપિયા ખેડૂતોને અપાયા છે.

'999 બાંગ્લાદેશીઓ ભારતમાં ગેરકાયદે રહેતા હતા'

ઇમેજ સ્રોત, Getty Images
બૉર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશના હેડે કહ્યું કે 999 બાંગ્લાદેશીઓ ભારતમાં ગેરકાયદે રહેતા હતા.
પહેલી વાર બાંગ્લાદેશે ભારતમાં રહેલા 'ગેરકાયદેસર' નાગરિકોની સંખ્યા જાહેર કરી છે.
ધ હિન્દુમાં છપાયેલા અહેવાલ પ્રમાણે બૉર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશ (BGB)ના ડિરેક્ટર મેજર-જનરલ શફીનુલ ઇસ્લામે આ જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું કે આશરે 1000 બાંગ્લાદેશી નાગરિકોની ભારતમાં ગેરકાયદે રહેવા બદલ બાંગ્લાદેશમાંથી વર્ષ 2019માં અટકાયત કરાઈ હતી અને બાંગ્લાદેશની સરકારે તેમની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.
25થી 30 ડિસેમ્બર 2019માં નવી દિલ્હી ખાતે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ અને બૉર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશ વચ્ચે વાતચીત થઈ હતી અને બાદમાં આ જાહેરાત કરવામાં આવી છે.
'જો કહેવાશે તો Pok પર હુમલા માટે તૈયાર'

ઇમેજ સ્રોત, Getty Images
દેશના નવા સેનાપ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ કહ્યું કે સેના પાસે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર(POK)માં ઑપરેશન માટે 'વિભિન્ન યોજનાઓ' છે અને તેઓ 'કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા' માટે તૈયાર છે.
NDTVને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે અમારી સેના જમ્મુ અને કાશ્મીર સહિત બધી સરહદો પર તહેનાત છે અને અમારી પાસે વિવિધ યોજનાઓ પણ છે.
જો જરૂર પડી તો અમે એ યોજનાઓને અમલમાં પણ લાવીશું. અમને જે પણ કામ સોંપાશે એને સફળતાપૂર્વક પાર પાડીશું.
નરવણેએ વધુમાં કહ્યું કે ચીનની સરહદે શાંતિનું વાતાવરણ છે, કોઈ પરેશાની નથી. બંને તરફ વિકાસ થઈ રહ્યો છે, દેશ માટે સારું છે.

રેલવેની બધી સુવિધા માટે એક જ નંબર

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય રેલવેએ જાહેરાત કરી છે કે મુસાફરોની મુશ્કેલીઓ દૂર કરવા માટે હવે એક જ હેલ્પલાઇન નંબર 139 કામ કરશે.
આથી હવે મુસાફરોએ અલગઅલગ નંબર યાદ રાખવા નહીં પડે.
પહેલી જન્યુઆરીથી લાગુ કરાયેલી આ વ્યવસ્થા ઇન્ટરઍક્ટિવ વૉઇસ રિસ્પૉન્સ પર આધારિત છે.
139 નંબર પર કૉલ કરીને હવે પીએનઆરની સ્થિતિ, રેલવે સુરક્ષા, કેટરિંગ સંબંધિત ફરિયાદ, મેડિકલ ઇમર્જન્સી વગેરે માટે મદદ માગી કરાશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












