ભારતીય અર્થતંત્ર : 2019નું વરસ પૂરું.... 2020 કેવું હશે ?

ભારતીય નાણાં

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, અર્થશાસ્ત્રી

2019ના વરસે વિદાય લીધી છે. આમ તો ટ્વેન્ટી-ટ્વેન્ટી એ ક્રિકેટમાં પ્રચલિત શબ્દ પ્રયોગ છે. એનો મતલબ જ તડાફડીની રમત મર્યાદિત સમયમાં એવો થાય.

આપણા રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે સૌથી પહેલાં વિઝન 2020ની વાત કરી હતી.

મહાજનાઃ ગતાઃ સ પન્થા:

એ ન્યાયે આ સદીની શરૂઆતમાં પ્લાનિંગ કમિશને પણ 2020ની સાલ સુધીમાં શું કરવાનું છે એનું એક વિઝન સ્ટેટમેન્ટ - India 2020 તૈયાર કર્યું હતું.

એક જમાનામાં જેમ યુનાઇટેડ નેશન્સના મિલેનિયમ ડેવલપમૅન્ટ ગોલ (MDG) વિશ્વભરમાં ચર્ચાને કેન્દ્રસ્થાને રહેતા બરાબર તે જ રીતે ભારતની બધી જ રાજ્ય સરકારો પણ 2020ની વાત કરવા માંડી હતી.

સામાન્ય રીતે દેશ પાંચ સાલનું લક્ષ્ય નક્કી કરે છે. તેને બદલે પહેલીવાર 20 વર્ષ બાદનું ભવિષ્ય નક્કી કરવાનો પ્રયત્ન આપણા આયોજન પંચે કર્યો હતો. એ સંદર્ભમાં આજની ચર્ચા કરવી છે.

એ સમયે આર્થિક વિકાસનો દર લગભગ 8 ટકા હતો, ત્યારે વિઝન 2020માં આપણા આવનારાં 20 વરસમાં સરેરાશ 8 ટકાનો વૃદ્ધિદર હાંસલ કરી બેરોજગારી દૂર કરવાની વાત થઈ હતી.

આર્થિક વૃદ્ધિ દરના મોરચે શું થયું? હાલમાં જે આર્થિક વૃદ્ધિદર આપણે જોઈએ છીએ તે 1996 પછી લાંબામાં લાંબા ગાળાનો મંદીનો સમય બતાવે છે.

અત્યારે જે મંદીનો સમય ચાલી રહ્યો છે તેની શરૂઆત 2019ના વરસના પહેલા ત્રિમાસિક ગાળાથી થઈ અને ત્યારબાદ વૃદ્ધિદર નીચેના કોઠામાં બતાવ્યા મુજબ સતત ગબડતો જ રહ્યો.

line

પાછલા છ ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થતંત્ર

નોંધ : જુલાઈ-સપ્ટેમ્બર, 2019માં આર્થિક વૃદ્ધિદર પાછલાં 6 વર્ષના તળીયે પહોંચી ગયો હતો.

સ્રોત : કેન્દ્રીય આંકડા કાર્યાલય & માસિક આર્થિક અહેવાલ- ઑક્ટોબર, 2019

સતત બે ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિદર ઘટે તો એને મંદી કહેવાય છે.

આ તો છેલ્લા છ ત્રિમાસિક ગાળાથી ઘટતો આવતો જીડીપી વૃદ્ધિદર છે અને 2019-20ના છેલ્લા ત્રિમાસિક એટલે એટલે કે જાન્યુઆરીથી માર્ચ 2020ના ગાળામાં પણ જાપાનીઝ બૅન્ક નોમુરાએ માત્ર 4.3 ટકા વૃદ્ધિદરની આગાહી કરી છે.

સતત મંદીનો માર વેઠતી આપણી અર્થવ્યવસ્થા 2019-20ના નાણાકીય વર્ષમાં કેટલો વૃદ્ધિદર હાંસલ કરશે તેની આગાહી જુદી-જુદી સંસ્થાઓએ નીચે મુજબ કરી છે.

line

વિભિન્ન એજન્સીઓની આગાહી

આમ 2020 સુધીનાં વીસ વરસમાં આર્થિક વ્યવસ્થાના સરેરાશ 8 ટકા વૃદ્ધિદરની, જે ધારણા મૂકવામાં આવતી હતી, તેના બદલે છેલ્લાં 19 વરસમાં જીડીપીનો વૃદ્ધિદર નીચે મુજબ રહ્યો છે.

line

ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર

સ્રોત : આર્થિક સર્વેક્ષણ 2017-18, 2018-19 અને બજેટ 2019

આમ સરેરાશ વૃદ્ધિદર 8 ટકાને બદલે 7.3 ટકા આવીને ઊભો રહ્યો છે. 2020ના છેલ્લા વરસમાં કોઈપણ રીતે સરકાર એને સરેરાશ 8 ટકાના વૃદ્ધિદરે લાવી શકે તેમ નથી.

line

બેરોજગારીની સમસ્યા

નિર્મલા સીતારમણ

ઇમેજ સ્રોત, Getty Images

આપણે બેરોજગારી નિર્મૂલનની વાત લઈને નવી સદી શરૂ કરી હતી પણ નેશનલ સૅમ્પલસરવે ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવેલ અહેવાલ 'પિરિયૉડિક લેબર ફોર્સ સરવે 2017-18' મુજબ ભારતમાં બેરોજગારીનો દર છેલ્લાં 45 વરસનો રેકોર્ડ તોડીને 6.5 ટકા રહેવા પામ્યો હતો.

આમ આર્થિક વૃદ્ધિદર અને બેરોજગારી નિર્મૂલન બંને ક્ષેત્રે આપણે ઝાઝું ઉકાળ્યું નથી. આજનો આપણો વિકાસદર વીસ સાલ પહેલાંના ચીનના વિકાસદર જેટલો છે.

ડિસેમ્બર 2019માં ભારત જ્યાં ઊભું હતું, ત્યાં 2003-04માં ચીન ઊભું હતું. આ ટ્રૅન્ડ જોતા આપણે બે આંકડાનો વિકાસદર હાંસલ કરવો હોય તો 2020ને ભૂલી જઈએ.

આવનાર વરસોમાં પણ નજીકના ભવિષ્યમાં આ શક્યતા ક્યાંય દેખાતી નથી.

હવે જો ભારતનો નૉમિનલ જીડીપી (કુલ ઘરેલું ઉત્પાદન, ગ્રોસ ડોમૅસ્ટિક પ્રોડક્શન) ગ્રોથ 6 થી 7 ટકાની આજુબાજુનો રહેવાનો હોય અને એમાંથી જો 4 થી 5 ટકા ફુગાવો ખાઈ જવાનો હોય ફુગાવાને બાદ કરતા ચોખ્ખો વિકાસદર માત્ર 2 ટકો રહે.

આ પરિસ્થિતિમાં આવનાર સમયમાં નીચેની શક્યતાઓ ઊભી થાય -

  • લગભગ ત્રીજા ભાગની વસતી ગરીબીની રેખા નીચે ધકેલાઈ જાય.
  • એની ખરીદશક્તિ ઘટતી જાય
  • એના હાથમાં જે કાંઈ પૈસા આવે એનો ઘણો મોટો ભાગ ફુગાવો ખાઈ જાય.

આવું ન થવા દેવું હોય તો જીડીપી વૃદ્ધિદર ધમાકેદાર એટલે કે બે આંકડાથી ઉપર હોવો જોઈએ અને ફુગાવાનો દર ઘટવો જોઈએ.

સામાન્ય માણસના હાથમાં આ કારણથી વધુ નાણાં ખરચ માટે ઉપલબ્ધ બનવાં જોઈએ.

આમ થવાથી માંગનો અભાવ વરતાય છે તેને બદલે ભારતના બજારોમાં ખરીદી નીકળવાને કારણે માંગમાં એકદમ તેજી આવવી જોઇએ.

આમ થાય તો જ લાંબા ગાળાની મંદીના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી શકાય.

2020માં કંઈક ચમત્કારિક થવાની શક્યતાઓ દેખાતી નથી, એટલે 2020ને મંદીમાંથી મુક્ત થવાની આશા સાથે ઉમળકાભેર વધાવી શકાતું નથી.

line

યુવાધન હતાશ થશે તો...

નેશનલ સ્ટોક એક્સચેન્જ

ઇમેજ સ્રોત, Getty Images

ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ છે. આવનાર દસકમાં પણ આ પરિસ્થિતિ ઝાઝી બદલાવાની નથી, ત્યારે જો બેકારીનો દર આજે છેલ્લાં 45 વરસમાં સૌથી વધારે હોય, તો એ પરિસ્થિતિ બદલાવવા માટે અસરકારક પગલાં જરૂરી બને છે.

આવું નહીં થાય તો આવનાર દસકામાં હતાશા પ્રેરિત યુવાધન મોટી ઊથલપાથલ અને ચળવળોનું કારણ બને તેમ થશે.

છેલ્લાં કેટલાંક વરસોમાં ભારતમાં શાસનનું મૉડલ બદલવા અંગે અને ઓછામાં ઓછી સરકારી હસ્તક્ષેપ અંગે ઘણી બધી વાતો થઈ.

ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસમાં આપણું રૅન્કિંગ સારું એવું સુધર્યું છે જે માટે ચોક્કસ રાજીપો વ્યક્ત કરી શકાય, પણ જનસામાન્યની દૃષ્ટિએ સરકારી વ્યવસ્થા અને તેની વિશ્વસનીયતા ગગડી છે.

લોકશાહી વ્યવસ્થાની તાકાત કહેવાય તેવી સંસ્થાઓ જેવી કે - સર્વોચ્ચ અદાલત, રિઝર્વ બૅન્ક, SEBI, ચૂંટણીપંચ જેવી સંસ્થાઓ આજે વિશ્વસનીયતા ક્ષેત્રે પોતાનું સ્થાન પુનઃસ્થાપિત કરવા માટે લડી રહી છે.

આ પરિસ્થિતિમાં સુશાસન લાવીને આ સંસ્થાઓની વિશ્વસનીયતા અક્ષુણ્ણ રહે તે જોવું પડશે.

સરકારી વહીવટની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા જે પગલાં અને સારા આશયથી જે યોજનાઓ જાહેર કરવામાં આવે છે તેની રાજ્ય, જિલ્લો, તાલુકો કે ગ્રામપંચાયત સુધીના સ્થળે અસરકારક સ્વીકૃતિ અને પારદર્શક અમલીકરણ ઊભું થતું નથી.

આ કારણથી કમ્પ્ટ્રૉલર ઍન્ડ ઑડિટર જનરલ ઑફ ઇન્ડિયા ઉજ્જવલાથી માંડીને ક્રૉપ ઇન્સ્યૉરન્સ સુધીની યોજનાઓમાં બધું નિયમ મુજબ આવે છે, એવું કહેવા માટે તૈયાર નથી.

સરકાર દ્વારા જે જાહેરાતો કરવામાં આવે છે અને જે યોજનાઓ સરકારીતંત્ર ઉપર લાદવામાં આવે છે તેને વહન કરવા માટે તંત્ર કાં તો માનસિક રીતે તૈયાર નથી અથવા કાર્યદક્ષ નથી.

આવી જ સ્થિતિ કૉર્પોરેટ ગવર્નન્સ અને બૅન્કિંગ ક્ષેત્રે પણ પ્રવર્તે છે.

કૉર્પોરેટ ગવર્નન્સના ક્ષેત્રે SEBI જેવી રૅગ્યુલેટર સંસ્થા હોવા છતાં પણ સબસલામતની આલબેલ પોકારી શકાય તેમ નથી.

રિઝર્વ બેંક, રાષ્ટ્રીયકૃત બૅન્કો અને સેબી વિશ્વસનીયતા માટે આજે તરફડે છે એમ કહીએ તો એમાં જરાય ખોટું નથી.

line

...તો જ થશે ખરો વિકાસ

શેરબજાર

ઇમેજ સ્રોત, Getty Images

આ દેશ જુદાંજુદાં અનેક રાજ્યોનો બનેલો છે.

દેશની પ્રગતિ તો જ થાય જો આ બધા જ રાજ્યોની ક્ષમતાનો સરવાળો કરી શકાય.

આમ કરવું હોય તો કેન્દ્ર અને રાજ્યોના સંબંધો સુમેળભર્યા હોવા જોઈએ.

કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ટકરાવની પરિસ્થિતિ હોય એ સંજોગોમાં સમવાયતંત્રની આપણી વ્યવસ્થામાં ઉત્તમ ફળ પ્રાપ્ત થાય એવું ન બની શકે.

જેમ પતિ-પત્ની જીવનના રથનાં બે પૈડાં છે બરાબર તે જ રીતે આપણી આ વ્યવસ્થામાં કેન્દ્ર અને રાજ્ય વિકાસના રથનાં બે પૈડાં છે.

એ બંને વચ્ચે સમન્વય હોય તો જ જીડીપીમાં ધાર્યા મુજબની વૃદ્ધિ થાય.

એકલું કેન્દ્ર અથવા એકલું રાજ્ય મહત્તમ વૃદ્ધિદર હાંસલ કરવાનું પરિણામ લાવી શકે નહીં.

2020 માટે આપણે જે સપનાં જોયાં છે તે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે સુમેળ, વિશ્વાસ અને સંકલન વગર સિદ્ધ ન થઈ શકે એ તારણ બહુ સ્પષ્ટ રીતે નીકળી શકે છે.

ભારતની અર્થવ્યવસ્થાના વિકાસમાં રાજ્યોની બહુ મોટી ભૂમિકા છે અને એ માત્ર ફાયનાન્સ કમિશન જ સ્વીકારે તે પૂરતું નથી.

કેન્દ્ર અને રાજ્ય બંને સરકારોએ અરસપરસ સહકાર, સદભાવના અને સુમેળથી કામ કરવું પડે તો જ જીડીપી વૃદ્ધિદરથી માંડી રોજગારી અને બીજા અનેક પ્રશ્નો અસરકારક રીતે હલ કરી શકાય.

line

નવા વર્ષ માટેનો આશાવાદ

ભારતીય નાણાં

ઇમેજ સ્રોત, Getty Images

મારા અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓને વિકાસ માટેના ત્રણ મહત્વના પરિબળ સમજાવતાં એક TAP ફૉર્મ્યુલા સમજાવું છું.

આમાં T એટલે ટેકનૉલૉજી. આજના યુગમાં ટેકનૉલૉજી સાથે કદમ મિલાવ્યા વગર વિકાસ સંભવી શકે નહીં.

પણ માત્ર એકલી ટેકનૉલૉજીથી વિકાસ ન થાય. એને મોટા પાયે લોકભોગ્ય બનાવવા માટે બીજું પરિબળ A જોઈએ.

એ એટલે ઍડમિનિસ્ટ્રેશન અથવા સક્ષમ વહીવટીતંત્ર.

ગમે તેટલી સારી યોજના અથવા ટેકનૉલૉજી પણ સક્ષમ વહીવટીતંત્ર ન હોય તો પ્રજાહિતમાં ઉપયોગી ન બની શકે.

ત્રીજું પરિબળ P એટલે પોલિટિશિયન. રાજકારણી નહીં પણ રાજનીતિજ્ઞ.

આ રાજનીતિજ્ઞનું કામ વિકાસમાં નડતરરૂપ હોય એવા કાયદાઓ બદલવાનું, વિકાસને અનુરૂપ નીતિનિયમો ઘડવાનું અને વિકાસ માટે આક્રમક રીતે કામ કરવા વહીવટી તંત્રને પ્રેરિત કરવાનું છે.

આ TAP એટલે કે ટેપ ભેગા થાય તો વિકાસની PAT એટલે કે વિકાસની પીઠ થાબડવાનું શક્ય બને.

મોટા રિફૉર્મ્સ શક્ય બને. લોકોના હાથમાં વધારે આવક આવે. સરવાળે લોકોનો સરકારમાં લાંબાગાળાનો વિશ્વાસ ઊભો કરી શકાય.

15, 20 કે 20 વર્ષ એ કોઈ દેશના જીવનકાળમાં મોટા ગાળો નથી.

લોકોમાં ઉન્માદ ઉભો કરી એ ગાળો રાજ્ય ચલાવી શકાય, પણ લાંબા ગાળાની પ્રગતિ અને ટકાઉ વિકાસ કરવો હોય, તો આ TAPની સમન્વયની ફૉર્મ્યુલા જ કામ લાગે.

સાથેસાથે એ પણ સમજવું જોઈએ કે આપણે દુનિયાનું સૌથી મોટું મુક્ત બજાર છીએ. એમાં માંગ વધવાનો નાનો ચમકારો પણ થાય તો અર્થવ્યવસ્થા બેઠી થઈ શકે અને આ ચમકારો કરનાર વર્ગ ઉદ્યોગપતિઓ નહીં, પણ વ્યાપારીઓ અને ખેડૂતો છે.

મોટા, મધ્યમ અને નાના ઉદ્યોગો ચોક્કસ જરૂરી છે,

એની પોતાની અગત્ય પણ છે, પણ 65 ટકા કરતાં વધુ ખરચ સાથે જે વર્ગ જોડાયેલો છે એ વેપારી અને ખેડૂતવર્ગ છે.

એટલે જ એક જમાનામાં ઉત્તમ ખેતી અને મધ્યમ વ્યાપાર એવું કહેવાતું હતું.

ખેતી અને વ્યાપારને અસર કરે એવી નીતિઓ હશે તો કારખાનાં આપોઆપ ધમધમવા લાગશે.

2020માં આશા રાખું કે આપણી વિડંબનાઓ અને વ્યથાઓનો પણ અસ્ત થાય.

આની સાથોસાથ 2020ના વરસમાં ઘટતો જતો વિકાસદર રોકાય અને એ વૃદ્ધિના રસ્તે ગતિ પકડે,

વધતી જતી વસ્તીની સાથોસાથ કીડીને કણ અને હાથીને મણ મળી રહે તેવી રોજગાર વ્યવસ્થા પણ પુનઃધબકતી થાય અને તુટતી જતી તેમજ વિશ્વસનીયતા ગુમાવતી જતી સરકારી સંસ્થાઓ નવજીવન પ્રાપ્ત કરી તેજીની ગતિ પકડે, રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના સંબંધો સુમેળભર્યા બને અને બંને પક્ષે ચૂંટણીલક્ષી નહીં પણ રાષ્ટ્રલક્ષી વિચારધારા અપનાવીને એકબીજાના સરકાર અને સુમેળથી આ દેશના વિકાસના રથને આગળ વધારીએ.

આવી મનોકામના સાથે,

વેલકમ 2020.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો